આજે અમે વાત કરી રહ્યા છીએ દ્વારકાના એક એવા પ્રગતિશીલ ખેડૂતની, જેમનો એકસમયે બોરવેલ બનાવવાનો લાખોનો ધંધો હતો. ગુજરાતની સાથે-સાથે આસપાસનાં રાજ્યોમાંથી પણ તેમને બોરવેલ બનાવવાના ઓર્ડર મળતા હતા, પરંતુ એકવાર મહારાષ્ટ્રમાં એક દ્રાક્ષના બગીચામાં ઢગલાબંધ જંતુનાશક દવાનો છંટકાવ જોઈ તેમનું મન દ્રવી ઊઠ્યું? તેમને વિચાર આવ્યો કે, શું ખરેખર આપણે રોજિંદા ખોરાકની સાથે-સાથે આટલી બધી દવાઓનું સેવન પણ કરીએ છીએ? બસ એ જ દિવસથી તેમને થયું કે, મારે જૈવિક ખેતી શરૂ કરવી જોઇએ, જેથી મને તો સારો ખોરાક મળી જ રહે, સાથે-સાથે હું લોકોને પણ સારું ખવડાવી શકું.
આજે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મોરજર ગામના રજનીકાંત કરશનભાઈ ખીરસરીયા ઓર્ગેનિક ખેતી કરી 30 જેટલી પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. રજનીકાંતભાઈ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી (SPNF)સાથે જોડાયેલા છે. મોરજર અને હળવદ તાલુકામાં શિવપુર ગામમાં પણ તેમનું એક બીજુ ખેતર છે. આ બંને જગ્યાએ તેઓ ઓર્ગેનિક ખેતી કરી શુદ્ધ અને દવા વગરનું લોકોને ખાવાનું મળે તે માટે વિવિધ પ્રકારની વસ્તુઓનુ ઉત્પાદન કરતા રહે છે. તેમની બધી પ્રોડક્ટ વેલ્યુ એડિશન છે.
મોરજરમાં 40 વીઘા જમીન છે. ત્યાં અનાજ, કઠોળ, મસાલા,શેરડી, શેરડીનો ગોળ, સરગવાના પાવડર, હળદર, આદુ, સૂંઠનો પાવડર અને વિવિધ પ્રકારના પાવડર પણ બનાવે છે. જ્યારે શિવપુરમાં 27 વીઘા જમીન છે, જેમાં 20 વીઘામાં લીંબુ, 2 વીઘામાં સાગ અને બીજામાં રોજિંદા રોકડીયા પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. મોરજરમાં પ્રાકૃતિક ખેતી કરી તેની બધી પ્રોડક્ડનું પ્રોસેસ કરવાનું કામ પણ થાય છે. તેમની માસિક આવક દોઢ લાખ જેટલી થાય છે.

આ પણ વાંચો: સૂર્યપ્રકાશમાં સૂકવી, દેશી ઘંટીમાં દળેલા ઑર્ગેનિક મસાલાથી દેશ-વિદેશમાં ફેમસ બની વલસાડની મહિલા ખેડૂત
રાસાયણિક અને ઓર્ગેનિક ખેતીમાં શુ ફરક?
રજનીકાંતભાઈ જણાવે છે કે, પહેલા રાસાયણિક ખેતી કરતા અને હવે પ્રાકૃતિક ખેતી કરે છે તેમાં જમીનમાં ઘણો ફરક જોવા મળ્યો છે. હવે જમીન હેલ્ધી બની ગઈ છે અને ઉપજ અને ઉત્પાદન પણ વધારે આવે છે. સાથે જ રેગ્યુલર ખેતી કરતા આવકમાં પણ ખાસ્સો વધારો થયો છે. જોકે, થોડું કામ અઘરુ પણ બની ગયુ છે કારણ કે, જવાબદારી અને મહેનત થોડી વધારે કરવી પડે છે, પરંતુ માર્કેટીંગ અને સારી રીતે મેનેજ કરવાથી બધુ સરખુ થઈ જાય છે અને આવક પણ સારી મળી રહી છે. તેમને મોરજરમાં વર્ષનો 20 લાખ નફો મળી રહે છે. તો વર્ષનાં 20 થી લઈ 28 લાખનાં લીંબુનું પણ વેચાણ કરે છે તેઓ. આમ કુલ મળીને તેમને વર્ષે 45 લાખથી પણ વધારેનો નફો મળી રહે છે.
રજનીકાંતભાઈ પોતે ખુદ તેમના ખેતરમાં જ રહે છે. જેના માટે તેમણે ખેતરમાં નાનકડું ઘર પણ બનાવ્યું છે અને પ્રોસેસિંગ માટે એક મોટુ યુનિટ પણ બનાવ્યું છે. જેમાં 12*15 ના 4 રૂમ છે. એક રૂમમાં બધી દાળ બનાવવાનું કામ, બીજા રૂમમાં પાવડર બનાવવાનુ કામ, ત્રીજા રૂમમાં પેકિંગનુ કામ અને ચોથા રૂમમાં તૈયાર માલ હોય છે. આમ ખેતરમાં જ પ્રોસેસ થઈને પેકિંગ સુધીનામ બધાં જ કામ થઈ જાય છે. જોકે, રજનિકભાઈ જણાવે છે કે, આ બધાં કામ તેઓ એકલા તો જ કરી શકે, એટલે તેઓ ખેતીકામથી લઈને પ્રોસેસિંગના કામ માટે બીજા લોકોને રોજગારી આપે છે અને તેમની કુલ કમાણીનો લગભગ 30% ભાગ આમાં ખર્ચે છે

તો તેમના હળવદના ખેતરમાં 25 ગાયનો પરિવાર છે, જેનું ધ્યાન એક મજૂર પરિવાર રાખે છે. રજનીકભાઈ એક બીઝનેસ સીસ્ટમથી કામ કરે છે. જેમાં મજૂરોને કલાકના હિસાબથી પૈસા પણ આપે છે. જો મજૂરો બપોરે જમવાના બ્રેકમાં કામ કરે તેની પણ તેઓ વધારાની મજૂરી આપે છે, જેના પૈસા તેમને સાંજે છૂટતાની સાથે જ આપી દેવામાં આવે છે. બાકી 15 દિવસે એટલે કે, 1 તારીખ અને 16 તારીખે પગાર કરવામાં આવે છે, જેથી તેમને પણ ઘર ચલાવવામાં સરળતા રહે.
ઑર્ગેનિક ખેતીની કરવાની પ્રેરણા ક્યાંથી મળી
જણાવી દઈએ કે, પહેલા રજનીકભાઈ બોરવેલનો ધંધો કરતા હતા. જેમાં તેમને સારી કમાણી પણ થતી હતી. જ્યારે તેઓ આ કામ કરતા હતા ત્યારે તે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિવિધ જગ્યાએ બોર કરવા માટે જતા હતા. જ્યાં તેઓ બધાની ખેતી કરવાની પદ્ધતીનું પણ નિરિક્ષણ કરતા હતા. ખાસ કરીને જ્યારે તેઓ નાસિક બાજુ બોર કરવા ગયા ત્યાં તેમણે દ્રાક્ષના બગીચા જોયા. જેમાં તેમણે ખેડૂતોને પુષ્કળ દવા છાંટતા જોયા, જેથી તેમને થયું કે, શું આપણે આટલી દવાવાળાં ફળ અને અન્ય ખોરાક ખાઈએ છીએ. જેના કારણે લોકોને ખૂબ નુકસાન પણ થાય છે, જેના વિશે તો આપણે બધાં જાણીએ જ છીએ.
આ પણ વાંચો: હળવદના પિતા-પુત્રે ગોવાથી કાજુના રોપા લાવી શરૂ કરી ખેતી, વર્ષે કમાય છે 15-20 લાખ
તો, જન્મજાત રજનીકભાઈ ખેડૂત જ છે. તેમના પપ્પા અને કાકા પણ ખેતી જ કરતા હતા. બે ભાઈઓ વચ્ચે 150 વીઘા જમીન હતી તેમના પપ્પા પણ દેશી ખેતી જ કરતા હતા. જેથી તેમને ખેતીના બધા કામનો અનુભવ છે. 2001 માં ભૂકંપ આવ્યો ત્યારે તેમને લાગ્યુ કે, ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. જેથી તેમણે પરિવારમાં વાત કરી કે, મારે બોરવેલનો ધંધો બંધ કરી ખેતી કરવી છે. તો પરિવારના સભ્યોએ પણ તેમને ગાંડા કહી ના પાડી દીધી. જોકે, બાદમાં રજનીકાંતભાઈનું મન ન માનતા તેમણે બોરવેલ ચલાવતા-ચલાવતા સર્વે કર્યો અને ભૂકંપ સમયે ધંધામાં પણ મંદી આવતાં તેમને લાગ્યુ કે, પરિવારને સમય આપી શકતા નથી. જેથી તેમણે બોરવેલની બે ગાડી હતી તેમાં જેટલી બચત થઈ હતી તેમાંથી અને એક બોરવેલ વહેંચી તેમાંથી જે પૈસા મળ્યા તેમાંથી 2002માં હળવદ બાજુ શિવપુરમાં 27 વીઘા પડતર જમીન લીધી અને તેના પર કામ શરૂ કર્યું. તેમણે વિચાર્યુ કે, થોડા વર્ષો બોરવેલ જેટલા પૈસા નહી મળે પણ શાંતિ મળશે અને સંતોષ થશે કે, પરિવાર સાથે સમય વીતાવી શકે છે.
એક વર્ષ ગાડી પણ ચલાવી અને ખેતી પણ સાથે કરતા હતા. બોરવેલમાંથી પણ તેઓ 1 વર્ષમાં 10 લાખ રૂપિયા કમાઇ લેતા હતા. બીજા વર્ષે બોરવેલનો ધંધો બંધ કરી દીધો અને 2003માં 20 વીઘામાં લીંબુનો બગીચો બનાવ્યો. શિવપુરની આજુબાજુના 4 ગામમાં લીંબુનુ પુષ્કળ વાવેતર થાય છે, ત્યાં લીંબુનું મો્ટું માર્કેટ પણ છે. બાદમાં જે 1 બોરવેલ વધી હતી તે પણ વહેંચી નાખી. પહેલાં રાજકોટ રહેતા અને બાદમાં ખેતીમાં ધ્યાન આપવા માટે પરિવાર સાથે ખેતરે રહેવા જતા રહ્યા અને બાળકોને ભણવા માટે હોસ્ટેલમાં મૂકી દીધાં. 5-6 વર્ષમાં બગીચો તૈયાર થઈ ગયો અને તેઓ એક પ્રગતિશીલ ખેડૂત બની ગયા.

તેમના દ્વારા ઓર્ગેનિક વેબિનારનું પણ આયોજન કરવામાં આવે છે. ગુજરાતના દરેક જિલ્લાની અંદર 3-3 FCO (Farmer organization company) બનાવવા જઈ રહ્યા છે. આપણા રાજ્યપાલે 100 FCO બનાવવાની પરવાનગી આપી છે જેથી અત્યારે કામગીરી પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 85 FCO સબમિટ યોજવામાં આવી છે, 15નું કામ ચાલુ છે. ગ્રામ્ય લેવલે તેમના હાટ પણ ગોઠવવામાં આવશે. એક મિશન સાથે કામગીરી કરે છે. જેથી ભવિષ્યમાં બીજા પણ લોકો ઑર્ગેનિક ખેતી તરફ વળે અને સાથે-સાથે પોતે પકવેલ ધાનને જાતે જ વેચતા જાય, જેના કારણે તેમને વધારે નફો પણ મળે.
પ્રોડક્ટનું વેચાણ કઈ રીતે કરો છો?
રજનીકાંતભાઈ પોતાની આ બધી ઓર્ગેનિક પ્રોડક્ટનું વેંચાણ જામનગર, રાજકોટ, સુરત મોલમાં કરે છે. આ ઉપરાંત તેઓ જ્યાં પણ ઑર્ગેનિક મેળાનું આયોજન થાય ત્યાં પણ જાય છે અને ગત વર્ષે અમદાવાદમાં સૃષ્ટી સંસ્થામાં આયોજવામાં આવેલ ખેડુ હાટમાં તેઓ પણ માર્કેટીંગ કરવા માટે આવ્યા હતા. તેમણે પોતાની એક ઓનલાઈન શોપ પણ બનાવી છે જેમાં તેઓ ડોર ટુ ડોર, કુરીયરથી અને ટ્રાંસપોર્ટ દ્વારા વસ્તુ આપે છે.
આગામી વર્ષોમાં શું કરવાનો પ્લાન છે?
હવે રજનીકાંતભાઈ અત્યારે દાળ, મસાલા, કઠોળ, અનાજ, પાવડર, શેરડી અને ગોળ બનાવે છે, હવે આગામી સમયમાં તેઓ ફળોમાં આગળ વધવા ઈચ્છે છે. જેની તેમણે અત્યારથી તૈયારી પણ શરૂ કરી દીધી છે. અત્યારે તેમણે પપૈયા, લીંબુ, જામફળ, કેળા, આમળાના રોપા વાવી પણ દીધા છે. જેમાંથી તેઓ મુલ્યવર્ધન વસ્તુઓ બનાવી તેનુ વેંચાણ કરવા માગે છે.
આ પણ વાંચો: IT ની નોકરી છોડી શીખી મશરૂમ વાવતાં, આપત્તિ પીડિત મહિલાઓની જોડી વિદેશોમાં પહોંચાડી પ્રોડક્સ

ખેતીમાં કયાં-કયાં ખાતરનો ઉપયોગ કરો છો?
રજનિકભાઈ પોતાની ખેતીમાં મુખ્ય ખાતર તરીકે જીવામૃત-ઘનજીવામૃતનો ઉપયોગ કરે છે. સાથે જ તેમણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામકંડોળામાં ટ્રેનિંગ લીધી છે અને માસ્ટરની પણ ટ્રેનિંગ લીધી છે. તાજેતરમાં તેઓ પણ ડાંગ જિલ્લામાં ખેડૂતોને ટ્રેનિંગ આપવા ગયા હતા.
કેટલા એવોર્ડ મળ્યા છે?
3 વર્ષ પહેલા ICR માં જામનગર અને દ્વારકા જિલ્લામાં તેમના ઈનોવેશ કાર્યમાં પણ પસંદગી થઈ હતી. જેમાં આખા દેશના ખેડૂતો આવ્યા હતા. આત્મા પ્રોજેક્ટ દ્વારા તેમને બધો ખર્ચ આપવામાં આવ્યો હતો. 4 દિવસમાં ઘણી વસ્તુનું વેંચાણ પણ થઈ ગયુ હતુ, તેમનો એવોર્ડ દિલ્હીથી લેવાનો બાકી છે. સાથે જ સુભાષ પાલેકર પ્રકૃતિક ખેતીનું સર્ટિફિકેટ, ROCA રાજસ્થાન ઓર્ગેનિક ખેતીનું સર્ટિફિકેટ, FSSI ફૂડ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ અને MSME નું પણ સર્ટિફિકેટ છે. રજનીકાંતભાઈએ પોતાની
Curb and hurb નામની એક કંપની પણ બનાવી છે. જેમાં તેમની આ બધી વસ્તુ ઉપલબ્ધ છે.
રજનીકાંતભાઈ પાસેથી પ્રેરણા લઈ ઘણા ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી પણ ચાલુ કરી છે. તેમનુ એક સ્લોગન છે કે, P ફોર પ્રોડક્ટ વસ્તુનું જ ઉત્પાદન કરવામાં આવે છે, એટલે કે, સવાર ઉઠીને સાંજે સૂઈએ ત્યાં સુધી જે વસ્તુની આપણને જરૂર પડે તે વસ્તુનું ઉત્પાદન કરવાનું અને તેનુ પ્રોસેસિંગ કરી બાદમાં જ વેંચાણ કરવાનું. જેમાં તેઓ વસ્તુ ચોખ્ખી અને સારા પેકિંગ સાથે વેંચાણ કરવાની સલાહ આપે છે.
આ બધી પ્રોડક્ટને ફોન નંબર અને વોટ્સએપ દ્વારા પણ મગાવી શકો છો. જેના માટે તમે 9825208551 પર કોલ કે મેસેજ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પ્રિ-બુકિંગથી વેચાય છે સુરતનાં આ ખેતરમાં ઉગેલાં લાલ, પીળા અને સફેદ ડ્રેગન ફ્રૂટ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.