Search Icon
Nav Arrow
Ankur Hobby Center
Ankur Hobby Center

અમદાવાદના આ ભાઈ વેસ્ટ વસ્તુઓમાંથી સરળ રીતે સમજાવે છે વિજ્ઞાન, કલામ પણ થયા હતા પ્રભાવિત

વિજ્ઞાન બાબતે નક્કર કાર્ય કરનાર વ્યક્તિ જેટલી મહત્વની હોય છે તેટલી જ એ વ્યક્તિ પણ કે જે જટિલ વૈજ્ઞાનિક અભિગમોને એકદમ સરળ ભાષા અને પ્રયોગ દ્વારા સામાન્ય માનવી સુધી લઈ જઈ શકે. આવા જ એક વ્યક્તિ છે આપણા અમદાવાદમાં જ રહેતા ધનંજયભાઈ રાવલ.

1984 માં ઇલેક્ટ્રોનિક એન્જીનીયરીંગ કર્યા બાદ ધનંજયભાઈ ઈસરોમાં જોડાયા પરંતુ તેમને જે વિષયમાં રસ હતો તે વિષયમાં કામ કરવા ન મળતા ટૂંક જ સમયમાં ઈસરોમાંથી રાજીનામુ આપ્યું અને પોતાના ઘરના ટીવી મેન્યુફેક્ચરિંગના ધંધામાં જોડાયા.

આ સમય દરમિયાન જ તેઓએ વિજ્ઞાન વિશે ખુબ વાંચ્યું, લખ્યું અને પોતાની અલાયદી પ્રયોગશાળામાં સામાન્ય લોકોને નાના નાના પ્રયોગો દ્વારા વિજ્ઞાનના જટિલ નિયમો કંઈ રીતે સમજાવવા તેનું સંશોધન પણ ચાલુ રાખ્યું. તે જ અરસામાં તેમણે લોકોમાં વિજ્ઞાન વિશેની જિજ્ઞાસા તથા શોખને સંતોષવા માટે ‘અંકુર હોબી સેન્ટર’ ની પણ સ્થાપના કરી અને ફૂલ ટાઈમ આ સેન્ટર સાથે જોડાયા જે આજે પણ કાર્યરત છે.

ધીમે ધીમે તેમના આ કાર્યની સુગંધ શહેરમાં પ્રસરતા જે તે સંસ્થાઓ અને સંકુલો દ્વારા વિજ્ઞાનને સરળ રીતે જણાવવાના તેમના પ્રયોગોના સેમિનાર યોજવા લાગ્યા. આવી જ રીતે વર્ષ 2005 માં તે સમયના માનનીય રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત લેવાના હતા અને તે માટે સાયન્સ સિટીમાં કલામ સરની સામે વિજ્ઞાનના એરો ડાયનેમિક્સના પ્રયોગો ફક્ત એક કાગળ દ્વારા વિવિધ રીતે વિમાન બનાવીને ધનંજયભાઈએ સમજાવ્યા.

Dhanjay Raval

આ પણ વાંચો: 2021 ના ગુજરાતના 5 સંશોધકો જેમણે કર્યાં છે સામાન્ય લોકો માટે બહુ કામનાં સંશોધનો

કલામ સાહેબ ધનંજયભાઈની એકદમ નજીવી વસ્તુઓમાંથી વિજ્ઞાન શીખવવાની બાબતથી ખુબ જ પ્રભાવિત થયા અને તેમણે સમગ્ર દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે IIT વગેરેમાં ધનંજયભાઈના સેમિનાર ગોઠવડાવ્યા જેથી ત્યાંના બુદ્ધિજીવીઓને સામાન્ય ભાષા અને પ્રયોગોનો ઉપયોગ કરી વિજ્ઞાનની સરળતાથી સમજ કંઈ રીતે આપી શકાય તેની ખબર પડે.

આગળ ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ધનંજયભાઈ કહે છે કે,”AMC કાંકરિયા તળાવમાં એક પ્લેનેટોરિયમ બનાવવા માંગતી હતી જેનો ખર્ચ એક કંપનીએ 55 લાખ રૂપિયા કહ્યો હતો. આ વાતની ખબર જયારે મને પડી ત્યારે હું ત્યાં ગયો અને તે જગ્યાનું તથા પ્લેનેટોરિયમ વિશે થોડું અધ્યયન કરી કામ પોતાના હાથમાં લીધું. અને આખરે તેમાં સફળતા મેળવી ફક્ત 15 લાખમાં જ પ્લેનેટોરિયમ ઉભું કરી આપ્યું. જે કંપની 55 લાખનું પ્લેનેટોરિયમ બનાવી આપવાની હતી તે જ કંપની પછી તો અમારી ગ્રાહક બની ગઈ.”

Dhanjay Raval

જાણવા જેવી બાબત એ પણ છે તેમનું આ હોબી સેન્ટર ઈસરોની સાથે વ્યાપારિક રીતે પણ જોડાયેલું છે. જેમાં ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલા મોટા સાયન્ટિફિક ઇકવીપમેન્ટના નાના નાના મોડલ બનાવવા, ટોપી, ટી શર્ટ વગેરે બધું જ અંકુર હોબી સેન્ટર સાંભળે છે અને આ બાબતે તેમને ઈસરો તરફથી અધિકારીક વ્યાપાર હક પણ આપવામાં આવેલા છે.

તેમના આ હોબી સેન્ટરની મુલાકાતો મહાન જાદુગર સ્વર્ગીય કે. લાલ સહીત ઘણા મહાનુભાવોએ લીધેલ છે. અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે મુલાકાત દરમિયાન કે લાલ જાદુગરે ધનંજયભાઈ સમક્ષ કહ્યું હતું કે તેઓએ પોતાની કલામાં ધનંજયભાઈ દ્વારા લિખિત ઘણી સાયન્સ તકનીકોનો ઉપયોગ કરેલ છે.

Hobby Centre

આ પણ વાંચો: કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતી

ધનંજયભાઈ આજે પણ ઘણા વેસ્ટ મટિરિયલમાંથી વિજ્ઞાનના પ્રયોગો એકદમ સરળ રીતે સમજાવે છે. તેમણે તેમની બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરી બાળકોને વિવિધ રમકડાં દ્વારા વિજ્ઞાનના નિયમો સમજાવી શકાય તે માટે જાતે જ જે તે રમકડાંઓ પણ તૈયાર કર્યા છે જે તેમના આ હોબી સેન્ટરમાં ઉપલબ્ધ છે.

Hobby Centre

આ પણ વાંચો: એન્જીનિયરિંગ ડ્રોપઆઉટે બનાવ્યુ વીજળી વગર ચાલતુ વૉટર ફિલ્ટર, ખર્ચ લીટરદીઠ ફક્ત 2 પૈસા

વિજ્ઞાનને જટિલ બનાવવા કરતા તેને સરળતાથી દરેક લોકોને સમજાવી ભૂતકાળના અને વર્તમાન સમયના મહાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા કામને ન્યાય આપવાની તેમની આ કાર્યશૈલી ખરેખર ઉમદા છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: સરકારી શાળાનાં વિદ્યાર્થીઓનો કમાલ, બનાવ્યુ હવામાંથી પાણી કાઢવાનું મશીન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon