ભારત આજે ભયંકર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. NITI આયોગના 2018ના અહેવાલ મુજબ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ જેવા 21 શહેરો પાસે પોતાનું પીવાનું પાણી નથી, જેનાથી 100 મિલિયનથી વધુ લોકોના જીવનને અસર થઈ શકે.
એટલું જ નહીં આજે દેશનો 40 ટકા હિસ્સો દુષ્કાળનો સામનો કરી રહ્યો છે અને 2030 સુધીમાં વધતી વસ્તીના હિસાબે પાણીની માંગ બમણી થઈ જશે. આંકડા દર્શાવે છે કે 2007 થી 2017 વચ્ચે ભૂગર્ભજળના સ્તરમાં 61 ટકાનો ઘટાડો થયો છે. આનાથી ખ્યાલ આવે છે કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે.
આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને, બિહારના ગયાની +2 જિલ્લા શાળાના શિક્ષકો અને બાળકોએ સાથે મળીને એક એવું મશીન બનાવ્યું છે જે હવામાંથી પાણી બનાવવામાં સક્ષમ છે. તેમની આ ડિઝાઈનને પેટન્ટ પણ મળી ગઈ છે અને તેઓ તેને સામાન્ય લોકો સુધી લઈ જવાની યોજના બનાવી રહ્યા છે.
આ મશીનને ‘એર વોટર જનરેટર’ (Air Water Generator) નામ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ 2019 માં ATL મેરેથોન સ્પર્ધામાં પણ પહેલાં સ્થાને રહ્યુ હતુ અને તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે સમ્માનિત કરાયુ હતુ.
વિચાર કેવી રીતે આવ્યો
શાળાના આચાર્ય ડૉ. સુદર્શન શર્માએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “ગયા એક પહાડી પ્રદેશ છે અને ત્યાં પાણીની તીવ્ર તંગી છે. આ શાળામાં મારી પોસ્ટિંગ ચાર વર્ષ પહેલા થઈ હતી. પછી, એપ્રિલ 2018માં અટલ ઇનોવેશન મિશન શરૂ કરવામાં આવ્યું અને અમને નીતિ આયોગ દ્વારા કેટલાક વિષયો પસંદ કરવાનું કહેવામાં આવ્યું.”
તેઓ આગળ જણાવે છે, “પછી, અમે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મિટિંગ કરી. જેમાં નિર્ણય લેવાયો હતો કે આજે માત્ર ગયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. તેથી અમે આ દિશામાં કંઈક કરીશું.”
આ પછી 40 બાળકોની ટીમ બનાવવામાં આવી અને ડૉ. સુદર્શને આ પ્રોજેક્ટની લગામ રસાયણશાસ્ત્રના શિક્ષક ડૉ. દેવેન્દ્ર સિંહને સોંપી.

આ પણ વાંચો: તાપીના પ્રદૂષણને ઘટાડવા સુરતી યુવતીનું અનોખુ અભિયાન, મંદિરનાં ફૂલોમાંથી બનાવે છે સુગંધિત વસ્તુઓ
ધ બેટર ઈન્ડિયા તરફથી મદદ મળી
ડૉ. દેવેન્દ્ર કહે છે, “હું ગયામાં લાંબા સમયથી રહું છું અને અહીં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ફાલ્ગુ નદીના કિનારે રહેતા લોકો સિવાય બધાને પાણી માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે.”
તેઓ આગળ જણાવે છે, “પછી, 2018માં, જ્યારે અટલ ઇનોવેશન મિશન શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે અમને સ્થાનિક મુદ્દાઓ પર આઠ થીમ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો અમારો વિચાર સફળ થશે, તો તેને પેટન્ટ માટે મોકલવામાં આવશે. જેમાં અમે પવન અને ઝાકળમાંથી પાણી બનાવવા માટે બે અલગ-અલગ પ્રોજેક્ટ પસંદ કર્યા હતા.”
તેઓ જણાવે છે કે સપ્ટેમ્બર 2018માં યોજાયેલી ATL મેરેથોન સ્પર્ધામાં તેના બંને પ્રોજેક્ટ ટોપ-100માં પસંદ થયા હતા. પરંતુ, તેમને ઝાકળનું સંરક્ષણ કરીને પાણી બનાવવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તે આ જ પ્રોજેક્ટ સાથે આગળ વધ્યા.
તેઓ કહે છે, “ઝાકળનું સંરક્ષણ કરીને પાણી બનાવવાના પ્રોજેક્ટની સમસ્યા એ હતી કે જો કોઈ એક વર્ષમાં ઓછો વરસાદ પડે તો ઝાકળ પણ નહિવત ઘટી જાય છે. તેથી અમે કોઈ જોખમ લેવા માંગતા ન હતા અને માત્ર એર વોટર ડિસ્પેન્સર સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું.”
તેઓ જણાવે છે, “ધ બેટર ઈન્ડિયા તે સમય દરમિયાન અમારું મોનિટરિંગ કરી રહ્યું હતું. અમે ઘણા વિડિયો બનાવ્યા કે સ્થાનિક સ્તરે પાણીની સમસ્યા કેવી છે અને આ પ્રોજેક્ટ દ્વારા તેને કેવી રીતે હલ કરી શકાય છે. બેટર ઈન્ડિયાએ ચાર બાળકોને પાંચ-પાંચ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, જેનાથી બાળકોને રમત-રમતમાં કંઈક અલગ કરવાની પ્રેરણા મળી અને તેઓએ અમને ટોપ-8માં મોકલ્યા. 14 નવેમ્બર 2019ના રોજ, અમે રાષ્ટ્રપતિને અમારી ડિઝાઇન રજૂ કરી અને અમારો પ્રોજેક્ટ પ્રથમ આવ્યો.”
દેવેન્દ્ર જણાવે છે કે તેમણે આ એર વોટર જનરેટરનો પહેલો પ્રોટોટાઈપ બનાવવા માટે મોટા ભાગના પાર્ટ ભંગારમાંથી ખરીદ્યા હતા.
શું સમસ્યા હતી
તેઓ જણાવે છે, “રાષ્ટ્રપતિ ભવનમાં અમારી ડિઝાઇન રજૂ કરતા પહેલા અમે ખૂબ જ ચિંતિત હતા, કારણ કે મશીનમાંથી દર કલાકે માત્ર 200 મિલી પાણી મળતું હતું. આ રીતે એક દિવસમાં વધુમાં વધુ પાંચ લીટર પાણીની વ્યવસ્થા કરી શકાય છે. પરંતુ અમારો હેતુ આ મશીન દ્વારા પાંચ-છ લોકોના આખા પરિવારને પીવાનું પાણી આપવાનો હતો.”
તેઓ જણાવે છે કે ફાઈનલ સ્પર્ધામાં જતા પહેલા તેને સ્ટુડન્ટ ઈનોવેટર પ્રોગ્રામ હેઠળ સિક્કિમ મણિપાલ યુનિવર્સિટીમાં જવાનો મોકો મળ્યો. આ કાર્યક્રમ બાદ તે દર કલાકે 700 મિલી પાણી મેળવવામાં સફળ રહ્યા હતા.
આ ડિઝાઇનને બિઝનેસમાં ફેરવવા માટે દેવેન્દ્રની ટીમને સ્ટુડન્ટ આંત્રપ્રિન્યોર પ્રોગ્રામ માટે પણ પસંદ કરવામાં આવી હતી.
તેઓ કહે છે, “અમારે ડેલ કંપનીમાં 12 દિવસની ટ્રેનિંગ માટે ચેન્નાઈ જવાનું હતું. પરંતુ પછી કોરોના રોગચાળો શરૂ થયો. પછી, અમને ટેબ્લેટ આપવામાં આવ્યા અને અમે આ તાલીમ ઓનલાઈન પૂરી કરી.”
તેમનું કહેવું છે કે આ ડિઝાઈનને ભારત સરકાર દ્વારા ઓક્ટોબર 2021માં પેટન્ટ મળી હતી અને હાલમાં તે તેને માર્કેટમાં લાવવાની યોજના બનાવી રહી છે.

આ પણ વાંચો: પ્રાચીન ઐતિહાસિક ઈમારતોમાં ગણિત & વિજ્ઞાનનો શાનદાર તાલમેળ, કરી દેશે તમને આશ્ચર્યચકિત
શું છે વિશેષતા
દેવેન્દ્ર કહે છે, “અમારું એર વોટર જનરેટર 90×30 સેમી કદનું છે. આ મશીન ફ્રીઝ જેવું લાગે છે. હાલમાં તે ધાતુથી બનેલું છે, જેના કારણે તેનું વજન 34 કિલો છે. પરંતુ આગળ અમે તેને ફાઈબરમાંથી બનાવવા જઈ રહ્યા છીએ, જેનાથી વજનમાં નોંધપાત્ર ઘટાડો થશે.”
તેઓ આગળ જણાવે છે, “તે હાલમાં એક કલાકમાં 950 થી 1000 મિલી પાણીનું ઉત્પાદન કરે છે. આ રીતે જો તે દિવસમાં 20 કલાક ચાલે તો 20 લીટર પાણી સરળતાથી મેળવી શકાય છે. જે પાંચ જણના પરિવાર માટે પૂરતું છે.”
કેટલી વીજળી વપરાય છે
તેઓ જણાવે છે, “તેમાં મહિનાનો ખર્ચ એક ફ્રીઝ ચલાવવા કરતાં ઓછો આવે છે. અમે એક સર્વે કર્યો હતો કે જો પાંચ સભ્યોનું કુટુંબ ચોવીસ કલાક ફ્રીઝ ચલાવે છે, તો તેનો ખર્ચ લગભગ 122 રૂપિયા આવે છે અને લગભગ એટલી જ રકમ એર વોટર જનરેટર ચલાવવામાં આવે છે.”
તેઓ જણાવે છે, “વીજળીનું બિલ અલગ અલગ હોય છે. તેથી, જગ્યાનાં હિસાબથી તેના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. તો, ચોમાસા અને શિયાળામાં હવામાં ખૂબ ભેજ હોય છે, જેના કારણે એક કલાકમાં લગભગ દોઢ લિટર પાણી મળી રહે છે. આ રીતે વર્ષમાં લગભગ આઠ મહિના વીજળીનું બિલ ઘટશે.”

આ પણ વાંચો: આદિવાસીઓને રોજગાર મળે તે માટે સામાજિક કાર્યકર્તાએ વાંસની સાયકલની શોધ કરી
પાણીનો બગાડ થતો નથી
દેવેન્દ્ર જણાવે છે કે, “વિદ્યાર્થીઓની મદદથી અમે ગયાના જુદા જુદા વિસ્તારોમાં સર્વે કર્યો કે અહીં કેટલા લોકો ROના ગંદા પાણીનો ઉપયોગ કોઈ કામ માટે કરે છે, તો પરિણામ એ આવ્યું કે 98 ટકા લોકો તે પાણીનો આ રીતે ઉપયોગ કરે છે. માત્ર 2 ટકા લોકો તેનો ઉપયોગ બાગકામ અથવા અન્ય કોઈપણ ઘરેલું કામ માટે કરે છે.”
મશીન કેવી રીતે કામ કરે છે
તેઓ જણાવે છે, “કોમ્પ્રેસર મશીનના તળિયે ઇન્સ્ટોલ કરેલું છે, જે કેપિલરી સાથે જોડાયેલું છે. તે પછી, અમે આ કેપિલરીને કન્ડેન્સર સાથે જોડી દીધું છે. તે હવાને તેની તરફ ખેંચે છે, તેની સાથે એક નાનો પંખો લગાવેલો છે, જે તેને વરાળમાં ફેરવે છે. આ વરાળ કેપિલરી પર ઓબ્ઝર્વ થાય છે અને બરફની જેમ થીજી જાય છે.”
તેઓ આગળ જણાવે છે, “તેમાં 20-લિટરની ટાંકી લાગેલી છે. પરંતુ પાણીને ટાંકીમાં પ્રવેશતા પહેલા ચારકોલ અને રેતીથી બનેલા કુદરતી શુદ્ધિકરણમાંથી પસાર થવું પડે છે. આ રીતે, ROની જેમ તેમાં પાણીનું એક ટીપું પણ વેડફાતુ નથી.”
તેઓ જણાવે છે કે આ મશીન ટાઈમરથી સજ્જ છે અને તેમાં ઓવરફ્લો થવાનું કોઈ જોખમ નથી.
પર્યાવરણને કોઈ નુકસાન થશે નહીં
દેવેન્દ્ર કહે છે, “આ આખી પ્રક્રિયામાં આપણી સામે એક પ્રશ્ન એ હતો કે શું આવા મશીનોનો મોટા પાયે ઉપયોગ કરવાથી ગ્લોબલ વોર્મિંગનું જોખમ તો નહીં વધે? તેથી, આ પ્રશ્નનો જવાબ એ છે કે આ મશીન એવા વિસ્તારો માટે શ્રેષ્ઠ છે જ્યાં દુષ્કાળની સમસ્યા છે અને ભૂગર્ભ જળ સમાપ્ત થઈ ગયું છે.”
કિંમત કેટલી છે
દેવેન્દ્રનું જણાવે છે કે આ ડિઝાઈનના બે યુનિટ પુણે સ્થિત કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. એક યુનિટ બનાવવા માટે લગભગ 22 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ જો તેને મોટા પાયે બનાવવામાં આવે તો તેની કિંમત 15 હજારથી ઓછી હોઈ શકે છે.
તેઓ જણાવે છે, “અમે ઈચ્છીએ છીએ કે તે RO કરતા સસ્તું હોય અને સામાન્ય લોકો માટે તેને ખરીદવાનું સરળ બને. જો તેની કિંમત 15 હજાર રહેશે, તો ગ્રાહકો આ કિંમત એકથી દોઢ વર્ષમાં વસૂલી શકે છે.”
તેઓ જણાવે છે, “આજે બજારમાં 20 લિટર ફિલ્ટર કરેલ પાણીની કિંમત ઓછામાં ઓછી 30 થી 40 રૂપિયા છે. આ રીતે એક મહિનામાં લગભગ 1000-1200 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તેના પરીક્ષણની કોઈ વિશ્વસનીયતા નથી, પરંતુ જો એર વોટર જનરેટરનો ઉપયોગ કરવામાં આવે તો આ ખર્ચ એકથી દોઢ વર્ષમાં પાછો મેળવી શકાય છે. અમે અમારા મશીનને સોલાર પેનલથી પણ સજ્જ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ રીતે તે વધુ સસ્તું બનશે.”
તમે ડૉ. દેવેન્દ્રનો dr.dev.120772@gmail.com પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.