થોડા સમય પહેલા એરિયલ કંપનીએ તેની #ShareTheLoad જાહેરાત જાહેર કરી હતી. આ જાહેરાતના અંતે, કંપનીએ એક હકીકત પણ શેર કરી છે કે ભારતમાં લગભગ 71% મહિલાઓ ઘરના કામોને કારણે પુરુષો કરતાં ઓછી ઉંઘ લે છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના ભારતીય ઘરોમાં મહિલાઓ ઘરની સફાઈ, રસોઈ, બાળકોના કામથી લઈને કપડાં ધોવા સુધી બધું જ કરે છે. ઘરના કામકાજની સાથે મહિલાઓ પૈસા કમાવા માટે બહાર પણ જાય છે. કેટલાક તેના પતિને ખેતરોમાં અને કેટલાક અન્ય નોકરીમાં મદદ કરે છે.
બહુ ઓછી મહિલાઓ પાસે ઘરના કામ માટે અથવા પરિવારમાં કોઈને મદદ કરવા માટે રાખવાની સગવડ હોય છે. તમે પરિવારની અન્ય મહિલાઓ પાસેથી પણ આ મદદની અપેક્ષા રાખી શકો છો, કારણ કે આજે પણ બહુ ઓછા ઘરોમાં પુરુષો ઘરના કામોમાં મદદ કરે છે, ખાસ કરીને રસોડામાં. મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના પરિવારોમાં મહિલાઓ નોકરીની સાથે ઘરનું કામ પણ કરે છે. દિવસનો થાક તેમના સ્વાસ્થ્યને અસર કરે છે. કારણ કે તેઓ જેટલું કામ કરે છે તેટલો તેમને ખોરાક મળતો નથી અને તે મુજબ આરામ પણ મળતો નથી.
તે સાચું છે કે આ સમસ્યા એક દિવસમાં ઉકેલી શકાતી નથી. મહિલાઓને તેમના હિસ્સાનો સંપૂર્ણ આરામ મળે તે માટે સમાજમાં ઘણું પરિવર્તન જરૂરી છે, જે એક દિવસનું કામ નથી. તો મધ્યપ્રદેશની એક પુત્રીએ તેની માતાના આરામ માટે તકનીકી માર્ગ શોધી કાઢ્યો છે. તેમણે શાળામાં ભણેલા વિજ્ઞાનના સિદ્ધાંતો પોતાની માતાના કાર્યને સરળ બનાવવા માટે લાગુ કર્યા છે અને તેની મહેનતનું પરિણામ છે કે તેના મોડેલને દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
મધ્યપ્રદેશના હોશંગાબાદના પીપરીયા નજીક ડોકરીખેડા ગામમાં રહેતી 14 વર્ષીય નવશ્રી ઠાકુરે રસોડાનું કામ સરળ બનાવવા માટે એક બહુપયોગી મશીન બનાવ્યું છે. આ અનોખું મશીન બનાવીને, ધોરણ 10ની વિદ્યાર્થીની નવશ્રીએ ‘યુવા આવિષ્કારક’ ની ઓળખ મેળવી છે. નવશ્રીએ ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતી વખતે તેની યાત્રા અને શોધ વિશે વિસ્તૃત વર્ણન કર્યું.

મમ્મીની પરેશાની હલ કરવા માટે કર્યો આવિષ્કાર
એક સામાન્ય પરિવાર સાથે જોડાયેલી, નવશ્રી ગર્લ્સ હાઈસ્કૂલ, પીપરીયામાં અભ્યાસ કરે છે. તેણે કહ્યું કે તેની શિક્ષિકા આરાધના પટેલના માર્ગદર્શન હેઠળ તેણે આ મશીન બનાવ્યું છે, જેનું સ્લોગન છે ‘ઝટ-પટ કામ, મમ્મીને આરામ.’ તે કહે છે કે તેણે આ મશીન પર આઠમા ધોરણથી કામ શરૂ કર્યું પહેલા તેનું મશીન તેની શાળામાં અને પછી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પસંદ થયું. આ પછી, તેને ભોપાલમાં સ્પર્ધા માટે પણ પસંદ કરવામાં આવી હતી અને હવે તેના મશીને રાષ્ટ્રીય કક્ષાનો સન્માન ‘પ્રેરણા પુરસ્કાર’ જીત્યો છે.
આ મશીન બનાવવા પાછળ તેમની પ્રેરણા તેમની માતા રજનીબાઈ રહી છે. તેણે કહ્યું, “મારા માતા-પિતા ખેતરમાં કામ કરે છે. એટલા માટે તેમને સવારે આઠ વાગ્યા પહેલા જ ઘરની બહાર નીકળવું પડે છે. મમ્મી સવારે ચાર વાગ્યે ઉઠી જાય છે, પરંતુ તેમ છતા પણ ઘરની બહાર નીકળતા પહેલાં તેના બધા જ કામ પુરા થઈ શકતા નથી.”
નવશ્રી અને તેની મોટી બહેન હંમેશા માતાને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેની શાળા પીપરીયામાં છે અને તેથી તેને પણ વહેલી સવારે શાળાએ જવું પડે છે.
“મમ્મી ખેતરોમાંથી કામ કર્યા પછી સાંજે પરત આવે છે અને ફરી પાછી કામમાં લાગી જાય છે. અમે પણ ભણવાને કારણે વધારે મદદ કરી શકતા નથી. તેથી જ મેં હંમેશા વિચાર્યું કે એક સાથે ઘણી વસ્તુઓ કરવા માટે એક મશીન હોવું જોઈએ,”નવશ્રીએ કહ્યું.

બનાવ્યુ રસોઈ બહુપયોગી મશીન
નવશ્રીની વિજ્ઞાન શિક્ષિકા આરાધના પટેલ જણાવે છે કે નવશ્રી અભ્યાસમાં ખૂબ સારી છે. તેણીએ કહ્યું, “કેટલીકવાર તે શાળા માટે મોડી આવતી તો હું તેને પુછતી હતી. તેણે કહ્યું કે ઘરે મમ્મીને થોડી મદદ કરવી પડે છે. અને આ રીતે ચર્ચા કરતી વખતે, આના જેવું કંઈક બનાવવાનો વિચાર આવ્યો.”
ત્યારબાદ, શાળાને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના INSPIRE એવોર્ડની સૂચના મળી. આરાધનાએ તાત્કાલિક નવશ્રીનો વિચાર સ્પર્ધા માટે મોકલ્યો અને આ વિચાર એક જ વારમાં પસંદ થયો. નવશ્રીએ આ મશીન તેની શિક્ષિકા આરાધનાના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યું છે. થાળી જેવા લાકડાના અને સ્ટીલના વાસણોનો ઉપયોગ કરીને બનાવેલું, આ બહુમુખી મશીન હાથથી ચલાવી શકાય છે, જેમાં વીજળી કે અન્ય ખર્ચ સામેલ નથી અને સસ્તું પણ છે.
મશીન આઠ કામ કરી શકે છે જેમ કે રોટલી વણવી, શાકભાજી કાપવી, રસ કાઢવો, મસાલાનો ભૂકો કરવો. મશીનમાં મોલ્ડ બદલીને તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો. આ મશીન સાથે તમે,
પાપડ બનાવી શકો છો.
પાણીપુરી બનાવી શકો છો.
લસણ, આદુને વાટી શકાય છે.
શાકભાજી અને ફળો કાપવા ઉપરાંત તેનો રસ પણ કાઢી શકાય છે.
સેવ બનાવી શકો છો.
નારિયેળ અથવા અખરોટ તોડી શકાય છે.
ચિપ્સ બનાવી શકે છે.
નવશ્રી કહે છે કે જો તમારે શાકભાજી કાપવી હોય તો તમે એક જ વારમાં તેમાંથી કોબી કાપી શકો છો. તે એક સાથે ઘણા બધા બટાકા કાપી શકાય છે. રોટલી ફેરવવાને બદલે, તમે ફક્ત કણકનો બોલ નીચેની ફ્લેપ પર મૂકો અને પછી તેની ઉપરની ફ્લેપ કરો, પછી તેને હેન્ડલથી દબાવો. થોડી સેકંડમાં તમારી રોટલી તૈયાર થઈ જશે અને પછી તમે તેને શેકી શકો છો.
તેમણે આ મશીન માટે સાગના લાકડાનો ઉપયોગ કર્યો છે, જે લગભગ ત્રણ મહિનામાં પૂર્ણ થયું હતું. આ મશીન બનાવવા માટે લગભગ 3000 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. નવશ્રી કહે છે કે મશીન બનાવ્યા બાદ તેણીએ તેના ઘરે ટ્રાયલ લીધી હતી. “નવશ્રીના મશીનનું ટ્રાયલ ઘણું સારું હતું. અમે જરૂરિયાત મુજબ કેટલાક ફેરફાર કર્યા અને પછી તેને સ્પર્ધા માટે મોકલવામાં આવ્યું,” આરાધનાએ કહ્યું.
આ મશીન ઘણી રીતે ફાયદાકારક છે. બધા કામ આનાથી ઓછા સમય અને મહેનતમાં કરી શકાય છે. તે સ્વચ્છ અને પ્રદૂષણ વગર કામ કરે છે. અને કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે.

પિતાએ સાકર વહેંચી
નવશ્રીની શોધ બધી જગ્યાએ લોકોએ ઘણી પસંદ કરી. તે કહે છે કે આ મશીન માત્ર તેની માતા માટે જ નહીં પરંતુ તેના ગામની તમામ મહિલાઓ માટે છે. આ મશીન ગામ-શહેરના તમામ મધ્યમ વર્ગ અને નીચલા વર્ગના પરિવારો માટે મદદરૂપ છે. મોટાભાગના ઘરોમાં મહિલાઓ રસોડામાં કામ કરે છે. બહાર કામ કરવાની સાથે તે ઘરનું સંચાલન પણ જાતે જ કરે છે. ઘણી વખત મહિલાઓ તમામ કામ પૂરું કરીને વહેલી સવારે બહાર નીકળવાના મામલે પૂરતી ઉંઘ મેળવી શકતી નથી. વધારે કામ કરવાને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર પડે છે.
નવશ્રી આ મશીન આ તમામ મહિલાઓને અર્પણ કરે છે. મહિલાઓ સિવાય આ મશીન યુવાનો અને એકલા રહેતા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે. તેમના મશીનની બહુપયોગીતાને કારણે તેને દેશભરમાં પ્રથમ ઇનામ મળ્યું છે.
આરાધનાનું કહેવું છે કે તેને આ મશીન બનાવવા માટે એનઆઈએફ તરફથી ભંડોળ મળ્યું. પરંતુ જો આ મશીન ફેક્ટરીઓમાં મોટા પાયે બનાવવામાં આવે તો તેની કિંમત બે હજાર રૂપિયાથી ઓછી હશે. નવશ્રીના માતા -પિતા અને ગામના લોકો તેમની પુત્રીની આ સિદ્ધિ પર ખૂબ જ ખુશ છે. તેના પિતા બસોદીલાલ કહે છે કે તેમને તેમની પુત્રી પર ગર્વ છે. તેમની જીત પર તેમણે ગ્રામજનોમાં સાકર વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.
અંતે, નવશ્રી માત્ર એટલું જ કહે છે કે તે ઘણો અભ્યાસ કરવા માંગે છે અને તે ઈચ્છે છે કે આ મશીન મોટા પાયે બનાવે અને તેને મહિલાઓ માટે બજારમાં લાવે. ટૂંક સમયમાં નવશ્રી રાષ્ટ્રપતિના હસ્તે પોતાનો પુરસ્કાર લેવા દિલ્હી આવશે.
ધ બેટર ઇન્ડિયા આ યુવાન શોધકને સલામ કરે છે.
મૂળ લેખ: નિશા ડાગર
સંપાદન: નિશા જનસારી
વિડીયો સૌજન્ય: હર્ષિત શર્મા
આ પણ વાંચો: માત્ર 6 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરનાર સરિતા જોશીને પદ્મશ્રી, મૂળ મરાઠી પણ ગુજરાતને બનાવી કર્મભૂમિ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો