મૂળ મરાઠી પરંતુ કર્મભૂમિ ગુજરાતને બનાવનાર સરિતા જોશીને હમણાં જ અપાયેલા પદ્મ પુરસ્કારોમાં ભારતનો ચોથા નંબરનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એવો પદ્મ શ્રી પુરસ્કાર માનનીય રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થયો છે. સરિતા જોશીએ છ દાયકામાં ગુજરાતી, મરાઠી, હિન્દી અને મારવાડીમાં લગભગ 15,000 શોમાં અભિનય કર્યો છે. માત્ર 6 વર્ષની ઉંમરે જ અભિનય શરૂ કરનાર સરિતા જોશીને તેમની તેમની કલા માટે તેણીને ઘણા મંચો પર સન્માનિત પણ કરવામાં આવ્યા છે જેમાં હવે પદ્મશ્રી પુરસ્કારનો સમાવેશ પણ થઇ ગયો છે.
માતા સરિતા જોશીને ‘પદ્મશ્રી’ મળ્યા બાદ તેમની પુત્રી પૂર્વી ભાવુક થઈ ગઈ અને તેણે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી. પૂર્વીએ લખ્યું, ‘આ સમગ્ર પરિવાર માટે ગર્વની ક્ષણ છે! મારી માતા સરિતા જોશીને ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ દ્વારા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક “પદ્મશ્રી” થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. માતા તમારી પ્રતિભા, ઊર્જા અને કલા પ્રત્યેના સમર્પણની કોઈ મર્યાદા નથી. થિયેટર, ટીવી અને ફિલ્મોમાં શાનદાર કારકિર્દી સાથે, તમે બહારની દુનિયામાં પ્રખ્યાત અભિનેત્રી સરિતા જોશી તરીકે ઓળખાયા છો. પરંતુ મારા માટે તમે વિશ્વની સૌથી શ્રેષ્ઠ માતા છો.
પૂર્વી આગળ લખે છે કે, ‘તમે મારા સાથી અને સમર્થક છો. તમે પ્રકૃતિની સાચી શક્તિ અને પ્રેરણાના સ્ત્રોત છો. મને એ શીખવવા બદલ આભાર કે સૌથી મહત્વનું સખત મહેનત અને સમર્પણ જ છે. તમારી સૌથી મોટી તાકાત એ છે કે તમે તમારી જાતને પ્રેમ કરો અને તમારા સપનામાં વિશ્વાસ રાખો છો. આજે મારી છાતી ગર્વથી ફૂલી જાય છે અને મારું હૃદય હંમેશા મારી એક માત્ર, મારા જીવનની અગ્રણી મહિલા માટે પ્રેમથી ભરેલું છે. અને તે છે મારી મમ્મી’
તેણીએ 1980 ના દાયકામાં ટીવી શ્રેણી, નાદિરા બબ્બર દ્વારા દિગ્દર્શિત ‘તિતલિયાં’ સાથે ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી, ત્યારબાદ 90ના દાયકામાં અસંખ્ય શ્રેણીઓ, જેમાં ઝી ટીવીની ‘હસરતેં’, હિટ સિરીયલ ‘બા બહુ ઔર બેબી’માં બા ઉર્ફે ગોદાવરી લાભશંકર ઠક્કર તરીકે એક કઠોર છતાં ન્યાયી અને પ્રેમાળ માતૃશ્રીની ભૂમિકા ભજવવા માટે જાણીતી થયા જેમાં તેણીને પ્રખ્યાત થિયેટર, ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા અરવિંદ વૈદ્યની સામે કાસ્ટ કરવામાં આવ્યા હતા. 2009માં, જોશીએ 9X પર રાની તરીકે સિરિયલ કુછ કૂક હોતા હૈ માં ભૂમિકા ભજવી હતી. સરિતા જોશીએ 1968માં કન્યાદાન ફિલ્મમાં આશા પારેખની બહેનપણીની ભૂમિકા ભજવી હતી અને તે જ ફિલ્મના ગીત “મિલ ગયે મિલગયે આજ મેરે સનમ”માં પણ દેખાયા હતા. જોશીએ 1969માં આવેલી ફિલ્મ પ્યાર હી પ્યારમાં વૈજન્તીમાલાની બહેનપણી તરીકેની ભૂમિકા પણ ભજવી હતી. તેમણે ફિલ્મ નિર્માતા મણિરત્નમ દ્વારા નિર્દેશિત ગુરુમાં અભિષેક બચ્ચનની માતાની ભૂમિકા પણ ભજવી હતી. તેણીએ 2008માં આવેલી ફિલ્મ દસવિદાનીયામાં પણ કેન્દ્રીય પાત્ર ભજવ્યું હતું. આ સિવાય પણ સરિતા જોશીએ અભિનય ક્ષેત્રમાં અઢળક નાટકો, સિરિયલો અને સિનેમામાં કામ કર્યું છે.
ધ બેટર ઇન્ડિયા સરિતા જોશી હજી પણ અભિનય ક્ષેત્રે ઘણા શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવે છે.
સંદર્ભ – વિકિપીડિયા & ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ p21jo (પૂર્વી જોશી) & પદ્મ પુરષ્કાર
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો