મૂળ પાલનપુર તાલુકાના સલ્લા ગામના પરંતુ વર્ષોથી મહેસાણામાં સ્થાયી થયેલ ફાલ્ગુન જયંતીલાલ પંચાલે વર્ષ 2019 માં GPSC પાસ કરી અને અત્યારે તેઓ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવે છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા ફાલ્ગુન જણાવે છે કે, 12 સાયન્સ સુધી એવું કંઈ જ નહોતું કે સિવિલ સર્વિસમાં જવું પરંતુ ઈતર વાંચનનો રસ ખુબ જ વધારે હતો અને તેમને ભણવા કરતા બીજી બધી ઈતર પ્રવૃત્તિઓમાં વધારે રસ પડતો. આગળ જતા 11 -12 સાયન્સ પૂરું થયા પછી અમદાવાદમાં આવેલી એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજમાં મિકેનિકલ એન્જીનીયરીંગ વિભાગમાં વર્ષ 2012 માં પ્રવેશ મેળવ્યો.
ફાલ્ગુન કહે છે કે, “જયારે મેં એલ. ડી. માં એડમિશન લીધું ત્યારે તે જ્યાં 11 -12 ભણ્યા હતા ત્યાંના જ એક સર સંજય પટેલ દ્વારા તેમને દિલ્હી જવાની સલાહ આપવામાં આવી હતી અને એ વખતે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટીમાં તેમને એડમિશન મળી પણ જતું હતું પરંતુ તેમણે એલ. ડી. માં એડમિશન લેવાનું પસંદ કર્યું જેમાં મુખ્ય કારણ ત્યાં ભણીને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા સારી એવી જોબમાં સેટલ થઇ શકાય તે હતું. મહત્વની વાત એ છે કે આ જ સાહેબે ફાલ્ગુનને 12 ધોરણમાં જ કહ્યું હતું કે તું સિવિલ સર્વિસની તૈયારી કરે તો સારું. આગળ જતા ફાલ્ગુને સમગ્ર GPSC ની તૈયારી આ સાહેબના માર્ગદર્શન હેઠળ જ કરી હતી જેની વાત આપણે આગળ કરીશું.”
આગળ વાત કરતા ફાલ્ગુન જણાવે છે કે,”એન્જીનીયરમાં અભ્યાસ દરમિયાન તેમને ખબર પડી ગઈ હતી કે આ વિષય બિલકુલ મારા રસનો નથી. કેમ કે ટેક્નિકલમાં મને વધારે રસ ના પડ્યો પરંતુ ગ્રેજ્યુએશન વ્યવસ્થિત રીતે પૂરું કર્યું.” પરંતુ ગ્રેજ્યુએશન દરમિયાન મહેસાણામાં જ ફાલ્ગુન અને બીજા 10 -12 લોકોનું એક ગ્રુપ કે જેનું નામ યુવા રાખવામાં આવ્યું હતું તે સંજય સરના માર્ગદર્શન હેઠળ દર અઠવાડિયે એક ડિબેટ અને ચર્ચા વિચારનું આયોજન કરતા. તેમાં બધા જ પ્રકારની ડિબેટ અને ચર્ચા વિચારણા થતી જેમાં પ્રેમ, પલોટીક્સ, મ્યુઝિક, મુવી દરેક ટોપિકનો સમાવેશ થઇ જતો.તેના કારણે એક ઇન્ટરેસ્ટ ડેવલપ થયો અને એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ડેવલપ થવાના કારણે વિવિધ વિષયોમાં રસ ઉત્પન્ન થયો. ગૃપનું નામ એ બાબતે પણ રાખવામાં આવ્યું કે સંજય પટેલ સર ત્યાં મહેસાણામાં જ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત શિવગંગા વિદ્યાલય ચલાવે છે જ્યાં તેઓ જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ પ્રદાન કરે છે જેમાં શિક્ષકોને પગારથી માંડી બાળકોના પુસ્તક અને બીજા ખર્ચ પોતે જાતે જ ભોગવે છે.
આ વિદ્યાલયમાં ફાલ્ગુન અને યુવા ગ્રુપના બીજા સાથીઓ વિનામૂલ્યે ભણાવવા જતા તેથી તેમનામાં પણ બીજા લોકોની મદદ કરવા માટેનો એક ઉમદા આશય ઉત્પન્ન થયો અને તે માટે જ આગળ જતા ફાલ્ગુને સિવિલ સર્વિસમાં જોડાવવા માટે મહેનત શરુ કરી કેમ કે ફાલ્ગુનનું સ્પષ્ટ પણે માનવું છે કે લોકોની સેવા કરવાના ઘણા માધ્યમ છે પરંતુ તેમાં બે સૌથી મુખ્ય છે એક પોલિટિક્સ અને બીજું બ્યુરોક્રેસી અને તેથી જ તેમણે બ્યુરોક્રેસીમાં જવાનું પસંદ કર્યું.
આમ જૂન 2016 માં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેમણે GPSC માટેની તૈયારી શરૂ કરી. તેઓ કહે છે કે પોતે પોતાનું પહેલું વાંચન જયારે પૂરું કર્યું ત્યાં સુધીમાં 2017 માં GPSC પ્રિલીમ આવી ગઈ અને તે પ્રિલીમ ફાલ્ગુને પાસ કરી લીધી પરંતુ મેન્સ બાબતે કોઈ વ્યવસ્થિત તૈયારી કર્યા વગર પરીક્ષા આપી દીધી જેમાં તે નિષ્ફળ રહ્યા અને આમ પોતાના પ્રથમ પ્રયાસમાં તેઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા.
GPSC ના રિઝલ્ટ પછી SPIPA ની પ્રવેશ પરીક્ષા પાસ કરી તેના મુખ્ય કેન્દ્ર અમદાવાદમાં પ્રવેશ મેળવ્યો પરંતુ આ દરમિયાન ફાલ્ગુન 2018 માં લેવાયેલ પ્રિલીમ પરીક્ષા પતાવી ચુક્યા હતા અને તેમને આ વખતે પ્રિલીમની તૈયારી સારી કરી હતી અને તેમને આ વખતની પ્રિલીમમાં સારા માર્ક્સ સાથે પાસ થવાનો વિશ્વાસ હતો જેથી તેમણે વ્યવસ્થિત રીતે મેન્સની તૈયારી શરૂ કરી. અને તે કારણે તેમને SPIPA માં એડમિશન મેળવ્યું હોવા છતાં ત્યાં લેક્ચર ભરવાનું માંડી વળી લાઈબ્રેરીમાં બેસીને GPSC ની આવનારી મેન્સ પરીક્ષાની જ તૈયારી ચાલુ રાખી.
આ નિર્ણય પાછળ તેમનો ફક્ત એક જ આશય હતો કે ગઈ વખતની જે ભૂલો હતી તેને રિપીટ ના કરતા ખુબ જ વ્યવસ્થિત રીતે મેન્સ લખવી. આમ તેમણે ઓક્ટોબર 2018 માં SPIPA માં પ્રવેશ મેળવ્યા છતાં નવેમ્બર 2018 થી ફેબ્રુઆરી 2019 સુધી જાત મહેનતે જ લાઈબ્રેરીમાં બેસી રહી GPSC મેન્સની જ તૈયારી કરી અને મેન્સ ખુબ જ સારી રીતે આપી.
મેન્સની પરીક્ષાની તૈયારી બાબતે ફાલ્ગુન કહે છે કે,” મેં મેન્સની તૈયારી એટલા માટે જ ખુબ જ ખંત પૂર્વક કરી હતી કે તેમાં જ હું સૌથી વધારે માર્ક્સ ખેંચી શકું જેથી આગળ જતા ઇન્ટરવ્યૂમાં જે કઈ પણ માર્ક્સ આવે તેની અસર મારી કેડર પર ન પડે અને મને ગમતી કેડર મળી રહે. આમ એ માટે જ તેમણે UPSC ની પરીક્ષાની તૈયારી માટેના SPIPA ના લેક્ચરને ના ભર્યા અને તે સમયનો ઉપયોગ પોતાની મેન્સની તૈયારી માટે આપ્યો.
GPSC મેન્સ પુરી થતા તેમણે UPSC ની તૈયારી શરૂ કરી અને તેમાં એક બે મહિના જ થયા હશે ત્યાં મે 2019 માં GPSC મેન્સનું રિઝલ્ટ આવ્યું અને ઇન્ટરવ્યૂ માટે તેમની પસંદગી થઇ. આ જ કારણે ફાલ્ગુન ફરી અવઢવમાં ફસાયા અને આખરે જૂન 2019 માં લેવાનાર UPSC પ્રિલીમની અને GPSC ઇન્ટરવ્યૂની તૈયારી સાથે ન રાખતા ફક્ત GPSC ઇન્ટરવ્યૂ માટેની તૈયારી શરૂ કરી.
આગળ જતા જૂન 2019 માં તેમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને જુલાઈ 2019 માં GPSC એ રિઝલ્ટ જાહેર કર્યું તેમાં તેઓ સમગ્ર ગુજરાતમાં 13 માં ક્રમાંકે પાસ થયા તથા તેમની ગમતી કેડર ડેપ્યુટી કલેકટર માટે ચયનિત થયા.

આ પણ વાંચો: સરળતાથી પહેલા જ પ્રયત્ને GPSCની પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવી હોય તો ફોલો કરો DY.SP કૃણાલને
ધ બેટર ઇન્ડિયા સાથે આગળ વાત કરતા ફાલ્ગુન પોતાની મુખ્ય ભૂલ એ માને છે કે તેમને ઘણા વહેલા દિલ્હી જઈ કોઈ સારા કોચિંગના ગાઈડન્સ દ્વારા UPSC માટેની તૈયારી કરવી જોઈતી હતી. તેઓ એવું નથી કહેતા કે કોચિંગ લેવું જ જોઈએ પરંતુ અમુક ઉંમરમાં જયારે આપણે વધારે પોતાની રીતે અપડેટ ના થઇ શકતા હોઈએ ત્યારે જો કોઈ પ્રોપર ગાઈડન્સ હોય તો વહેલી તકે જે આપણે ઇચ્છીએ છીએ તે પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે GPSC ની તૈયારી તેમને કોઈ પણ કોચિંગમાં ગયા વગર સંપૂર્ણ પણે જાત મહેનતે જ કરી હતી. હા ઇન્ટરવ્યૂ માટે તેમણે બે મોક ઇન્ટરવ્યૂ આપ્યા હતા.
બીજી મહત્વની બાબત ફાલ્ગુન એ જણાવે છે કે આ બાબતને તેઓ ભૂલ એટલા માટે ગણાવે છે કે જો ત્યાં એક વખત કોચિંગ લઈને અહીં ગુજરાત આવી તેમણે GPSC પાસ કરી હોત તો પોતાની સર્વિસની સાથે આગળ UPSC ની તૈયારી કરવા માટે તેમને ફરી શરૂઆતથી તૈયારી કરવી ના પડે અને દિવસમાં મળતા થોડા કલાકોમાં પણ તે GPSC પાસ કર્યા પછી પણ UPSC ની અસરકારક તૈયારી કરી શકત, જે અત્યારે અસંભવ તો નથી પરંતુ થોડું મુશ્કેલ જરૂર છે.
વર્તમાન સમયમાં GPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફાલ્ગુન ફક્ત એક જ સલાહ આપે છે કે, તમારે તમારી તૈયારીની સમગ્ર સફરમાં GPSC નો એક જ પ્રયાસ ખુબ જ ગંભીરતાથી તૈયારી કરીને તમારા 100 ટકા આપીને કરવાનો છે પછી ભલે રિઝલ્ટ ગમે તે આવે પણ તમને અંદરથી સંતોષ હોવો જોઈએ કે તમે તમારું કામ ખુબ જ નિષ્ઠાપૂર્વક કર્યું છે.
એક જ પ્રયાસ ગંભીરતા પૂર્વક એટલા માટે કે જયારે તમે આ પ્રયાસમાં સારામાં સારી મહેનત કરવા છતાં નિષ્ફળ રહ્યા હશો તો પણ તે તૈયારી પછીની આગળ આવતી GPSC ની ભવિષ્યની તૈયારી તમારા માટે આ એક વખતની કરેલી સખત તૈયારીના કારણે એકદમ આસાન બની જશે જે તમને આજે નહીં તો કાલે ચોક્કસથી મંજિલ સુધી પહોંચાડશે જ.
છેલ્લે ફાલ્ગુન દરેક તૈયારી કરનાર વિદ્યાર્થીઓને એક જ સલાહ આપે છે કે જો તમે ફક્ત બીજા પાસ થયેલ વિદ્યાર્થીઓ અને તેમને મળતી સુખ સુવિધા તથા તેમને મળતી સત્તા, મકાન અને ગાડીઓ જોઈને અને તે દ્વારા આકર્ષાઈને આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તે એકદમ ભ્રામિક બાબત છે કેમ કે એક વખત આ સર્વિસમાં જોડાયા પછી તમારી પર એ હદનું માનસિક અને બીજા ઘણાં પ્રકારનું પ્રેશર ઉભું થઇ જતું હોય છે કે તમે પેનિક થઇ શકો છો અને તમારી નોકરીને એક નોકરી તરીકે જ ગણી બીજા લોકોની જેમ જ હોતા હૈ ચાલતા હૈ જેવા બીબાઢાળ પરિક્ષેત્રમાં સમગ્ર જિંદગી પસાર કરી નાખો છો અને પોતાની તૈયારી વખતના નોકરીમાં જોડાયા પછી જિંદગી આવી હશે તેવી હશેના ભ્રમ તૂટવાના કારણે માનસિક રીતે હતાશ પણ થઇ શકો છો માટે આવું ન થાય તેનો એક જ ઉપાય છે કે તમારે પરીક્ષાની તૈયારી પહેલા જ ચોક્કસપણે જાણી લેવું જોઈએ કે તમે આ પરીક્ષા કેમ અને શા માટે આપવા માંગો છો ? WHY ? તમારો સિવિલ સર્વિસની નોકરીમાં જોડાવવાનો આશય ખરેખર શું છે તે જાણવું ખુબ જ મહત્વનું છે અને તે જ આશય તમને આ નોકરીમાં હંમેશા જવાન રાખશે અને તે જ હેતુ, ધ્યેય અને આશય તમને ગાડરિયા પ્રવાહથી વિપરીત કંઈક નક્કર કાર્ય કરવા માટે પ્રેરણા આપશે અને તે દ્વારા જ આગળ જતા તમે આ જગ્યા પરથી લોકો અને દેશનું ભલું કરી શકવા સમર્થ બનશો. જો તમારી પાસે તે WHY? નો જવાબ નહિ હોય તો તમે સમગ્ર જિંદગી ફક્ત એક સરકારી બાબુ બનીને જ રહી જશો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ચિંતા સતાવી રહી છે GPSC ક્લાસ 1 અને 2 ના ઈન્ટરવ્યૂની, પાસ કરવા આ રીતે કરો તૈયારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.