ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વખતો વખત વર્ગ 1 અને 2 ની ભરતી માટેની પરીક્ષા યોજાતી રહેતી હોય છે અને આ વખતે પણ તે વિશેની જાહેરાત પડી છે. પરીક્ષાની સંભવિત તારીખ ડિસેમ્બર મહિનાની 19 છે. પ્રિલીમનરી, મેઇન્સ અને ઈન્ટરવ્યું આમ ત્રણ તબક્કામાં લેવાતી આ પરીક્ષા પાસ કરી વર્ગ 1 કે 2 અધિકારી થવા માટે ગુજરાતના ઘણા યુવાનો વર્ષો સુધી મહેનત કરતા હોય છે.
અત્યારે જયારે GPSC ની પ્રિલીમનરી પરીક્ષા આપણા ઉંબરે ઉભી છે ત્યારે ધ બેટર ઇન્ડિયાએ વિદ્યાર્થીઓને આ બાબતે માર્ગદર્શન મળી રહે તે હેતુ થી UPSC ની પરીક્ષામાં ઈન્ટરવ્યું સુધી પહોંચેલા તથા GPSC પાસ કરી અત્યારે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આસિસ્ટન્ટ ટ્રાઇબલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા રાહુલ બારડ સાથે GPSC દ્વારા લેવાતી પ્રિલીમનરી પરીક્ષાની તૈયારી કોઈ પણ કોચિંગ કે ઓનલાઇન ક્લાસની ફી ચૂકવ્યા વગર ઘેર બેઠા બેઠા જ ફક્ત ઈન્ટરનેટના ઉપયોગથી તેમના દ્રષ્ટિકોણ પ્રમાણે કઈ રીતે કરવી તે વિશે ટેલિફોનિક વાતચીત કરી હતી. તો ચાલો તે વિશે વિગતવાર જાણીએ.
શરૂઆત કંઈ રીતે કરવી?
આ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, પ્રિલીમનરી પરીક્ષામાં 200 – 200 માર્ક્સના બે પેપર GS 1 અને GS 2 હોય છે તેથી સૌપ્રથમ તો પ્રિલીમનરી પરીક્ષાનો સિલેબસ અને તેના આગળના વર્ષોના પેપર સોલ્વ કરવાનો ખાસ અભ્યાસ કરવો જોઈએ જેથી તમને ખબર પડે કે આયોગનું પેપર સેટ કરવાનું માઈન્ડસેટ કેવું છે અને કયા વિષયો પર તે વધારે ભાર આપે છે જેની વિધિવત અને ગાડરિયા પ્રવાહમાં ન ચાલી એક સાચી તથા વ્યવસ્થિત તૈયારી દ્વારા તમે આ પરીક્ષા ને ઉત્તીર્ણ કરી શકવા માટે મહેનત કરી શકો.
વિવિધ વિષયોની તૈયારી
“પેપર 1 માં ઇતિહાસ, સંસ્કૃતિ, બંધારણ અને ગણિત તથા રિઝનિંગ વિષય સમાવિષ્ટ છે. આ વિષયોની તૈયારી માટે પોતાના અનુભવ દ્વારા ઉમેદવારોને જો અનુકૂળ લાગે તો પોતે જે રીતે તૈયારી કરેલી છે તે રીતે જ નીચે પ્રમાણે જણાવેલ બાબતોને અમલમાં મૂકી શકે છે, તેઓ કહે છે.”
ઇતિહાસ ( આધુનિક, મધ્યકાલીન, પ્રાચીન) – યુ ટ્યુબ પર પ્રતીક નાયક સરના વિડીયો લેક્ચર
સંસ્કૃતિ – યુવા ઉપનિષદ બુક ( ભારતીય સંગીત માટે ફરી પ્રતીક નાયક સર વિડીયો લેક્ચર)
બંધારણ – લક્ષ્મીકાંત
ગણિત તથા રિઝનિંગ – યુ ટ્યુબ પર સિલેબસમાં આપેલ એક એક ટોપિકને શોધી વ્યવસ્થિત તૈયાર કરવો.
પેપર 1 માં બંધારણ તથા મેથ્સ અને રિઝનિંગ પર વધારે ભાર આપવો જે સ્કોરિંગ સબ્જેક્ટ છે.
જયારે પેપર 2 માં ઈકોનોમી, સાયન્સ&ટેક, કરંટ અફેર્સ, તથા ભૂગોળ નો સમાવેશ થાય છે. આ વિષયોની તૈયારી બાબતે પણ તેઓ નીચે જણાવે છે.
ઈકોનોમી – મૃણાલ સરના વિડીયો લેક્ચર, ઇન્ડિયન બજેટ, ઇકોનોમિક સર્વે તથા જો વધારે રસ હોય તો રમેશ સિંઘની બુક પણ વાંચી શકો છો.
ભૂગોળ – રાજતનિલ મેડમના વિડીયો લેક્ચર, ગુજરાત માટે GCERT ની ધોરણ 11 અને 12 ભૂગોળનું પુસ્તક.
સાયન્સ&ટેકમાં મોટા ભાગે GPSC માં ઈસરો, ડીઆરડીઓ અને સંરક્ષણ બાબત વિશે વધારે પુછાય છે. ઘણા ક્લાસીસ દ્વારા તે માટેનું કમ્પાઇલેશન પણ બનાવેલ હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો.
કરંટ અફેર્સ માટે યુવા ઉપનિષદની દર મહિને આવતી બુક સારી. તેમાં પાછળ ના સાત આઠ મહિનાની વસાવવી પરંતુ વધારે ફોકસ તો છેલ્લા બે ત્રણ મહિનાની આવૃત્તિ પર જ આપવું.
પેપર 2 માં વધારે ધ્યાન ઈકોનોમી તથા ભૂગોળ પર આપવું. કેમકે આજ સ્કોરિંગ સબ્જેક્ટ છે.

છેલ્લે વાંચન તથા તૈયારી બાબતે ક્યાં વિષય પર ભાર આપવો અને ક્યાંથી શરૂઆત કરવી તે વિશે તેઓ ઉતરતા ક્રમમાં નીચે પ્રમાણે જણાવે છે.
1.બંધારણ
2.ઈકોનોમી
3.ભૂગોળ
4.મેથ્સ&રિઝનિંગ
5.ઇતિહાસ – ખાસ આધુનિક ભારત
અન્ય મુદ્દાઓ
તેઓ કહે છે કે તેમણે GPSC કે UPSC માટે કોઈ નોટ નહોતી બનાવી. UPSC માં ફક્ત વૈકલ્પિક વિષય માટે જ બનાવેલી. પણ જેને અનુકૂળ આવતું હોય તે બનાવી શકે.
પ્રિલીમનરીમાં વધારે વિકલ્પો ટીક કરવા કેમકે કોમ્પિટિશન હવે વધારે છે. 60 થી 70 ટકા આસપાસ વિકલ્પો ટીક કરવા જોઈએ આજના માહોલ પ્રમાણે.
સૌથી વધારે ફોકસ જે તે ક્લાસીસના પેપર કરતા GPSC ના પાછલા વર્ષના પેપર સોલ્વ કરવામાં રાખવું જોઈએ.
વિકલ્પની એલિમિનેશન મેથડ પર પકડ રાખવી. જેમકે આ વર્ષે 2021 માં લેવાયેલ UPSC ની પરીક્ષામાં તેઓને ફક્ત 30 કે 32 જેટલા જ પ્રશ્નો જ આવડત હતા પણ તેમણે એલિમિનેશન મેથડના ઉપયોગથી 87 ટીક કરેલા જેમાંથી ઘેર આવી પેપર સોલ્વ કરતા 65 જેટલા પ્રશ્નો સાચા પડ્યા. એટલે વ્યવસ્થિત તૈયારી કરીને વિકલ્પના એલિમિનેશન મેથડ પર વધારે વિશ્વાસ રાખી વધારે પ્રશ્નો ટીક કરવા જેથી અત્યારની ગળાકાપ સ્પર્ધામાં ટકી શકાય. જો કોઈ પણ પ્રશ્નના જવાબ માટે તમે 50 ટકા પર આવી જાઓ તો વિના સંકોચે તે માટે રિસ્ક લઇ લેવું જોઈએ, તેઓ કહે છે.
તૈયારી વખતે ટોપિક જ આખો સમજી લેવાનો. ઉદાહરણ તરીકે E-RUPEE, આ મુદ્દા માટે ફક્ત મંત્રાલય કે એ જાણવા કરતા વધારે વ્યવસ્થિત રીતે અંદરની વાતો જણાવી જે મેઇન્સ માં પણ કામ આપે.
પર્યાવરણ, વિજ્ઞાનના પ્રશ્નોમાં મોટાભાગે ALL THE ABOVE નો ઓપ્શન સાચો જ હોય છે જે મને પાછળના પેપર સોલ્વ કર્યા તેના પરથી ખબર પડેલી.
રોજ ન્યુઝ પેપર વાંચવાની કોઈ જરૂર નથી પણ કોઈક સારા પ્રકાશનનું વર્તમાન પ્રવાહ માટેનું મેગેઝીન વાંચી લેવું.
છેલ્લે તેઓ જણાવે છે કે ફૂલ ટાઈમ તૈયારી કરતો ઉમેદવાર જયારે દિવસના 8 થી 10 કલાક આ પ્રમાણેની મહેનત કરતો હશે તો તેને GPSC ની પ્રીલિમનરી પરીક્ષા માટે તૈયાર થતા ઓછામાં ઓછા 2 મહિનાનો જ સમય લાગશે જયારે નોકરી સાથે તૈયારી કરતા ઉમેદવારે પોતાને અનુકૂળ સમય ગોઠવીને દીવસના ઓછામાં ઓછા 5 થી 6 કલાકની મહેનત જરૂરી છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આનંદો: PSI-ASI ની 1382 જગ્યાઓ માટે અરજીની તારીખ લંબાવાઈ, હમણાં જ કરો અપ્લાય
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.