Search Icon
Nav Arrow
Seed Ball
Seed Ball

વરસાદ પહેલાં ઘરે જ સીડબૉલ બનાવી નાખો ખુલ્લી જગ્યાઓમાં, ખીલી ઊઠશે વનરાજી

અલગ-અલગ પ્રકારનાં દેશી કુળનાં ઝાડ-છોડનાં બીજ ભેગાં કરી તમે ઘરે જ સરળતાથી સીડબૉલ બનાવી શકો છો. આ સીડબૉલને ઝાડી-ઝાંખરાં તેમજ ખુલ્લી જગ્યાઓ પર નાખવાથી ચોમાસામાં તેમાંથી અંકુર ફૂટશે અને વનરાજી ખીલી ઊઠશે. અહીં જાણો સીડબૉલ બનાવવાની રીત

સીડબૉલ નામ તો તમે સાંભળ્યું જ હશે, તેના ઉપયોગ વિશે પણ ઘણા લોકો જાણતા હશે, પરંતુ તેને ઘરે કેવી રીતે બનાવી શકાય, એ વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે. સીડ બૉલ અર્થબૉલ તરીકે પણ ઓળખાય છે. જેમાં વિવિધ પ્રકારનાં બીજને ફળદ્રુપ માટીમાં વિંટીને દડા બનાવવાવામાં આવે છે.

સતત ઘટી રહેલ હરિયાળીના કારણે આખી પૃથ્વી ગ્લોબલ વૉર્મિંગનો સામનો કરી રહી છે, અને તેનું સમાધાન લાવવાનો એકમાત્ર રસ્તો વૃક્ષારોપણ જ છે. વૃક્ષોથી હવામાં ઑક્સિજનનું પ્રમાણ તો વધે જ છે, સાથે-સાથે વૃક્ષો વરસાદ પણ ખેંચી લાવે છે અને વાતાવરણમાંથી ગરમી ઘટાડવામાં પણ મહત્વનો રોલ અદા કરે છે. પરંતુ દરેક જગ્યાએ રોપા વાવવા જવું શક્ય નથી બનતું ત્યાં સીડબૉલ ખૂબજ ઉપયોગી નીવડે છે. સરળતાથી ઊગી નીકળતાં દેશી કુળનાં ઝાડ-છોડનાં બીજમાંથી સીડબૉલ બનાવી ખુલ્લી જગ્યાઓ પર ચોમાસા દરમિયાન નાખવામાં આવે તો, તેના પર વરસાદ પડતાં તેમાંથી અંકૂર ફૂટી નીકળે છે અને ઝાડ-છોડ ઊગી નીકળે છે. ચોમાસા દરમિયાન આ સીડબૉલ નાખવાથી ત્યાં નિયમિત પાણી પાવા જવાની પણ જરૂર નથી પડતી, વરસાદના પાણીથી જ તેનો વિકાસ થઈ જાય છે. તો પછી તમે કોની રાહ જુઓ છો, વરસાદની શરૂઆત થઈ છે તો, સીડબૉલ બનાવી તમે પણ વિવિધ જગ્યાએ તેને નાખો અને બાળકો પાસે પણ નખાવો, જેથી તેઓ પણ અત્યારથી પ્રકૃતિની નજીક આવે.

How to Make Seed ball

આ બાબતે દ્વારકાની ચિત્રાવડ તાલુકા શાળાનાં શિક્ષિકા નિરાલીબેન સાથે ધ બેટર ઈન્ડિયા ગુજરાતીએ વાત કરી. તેમણે તાજેતરમાં જ શાળાના શિક્ષકો સાથે મળીને વિવિધ પ્રકારનાં દેશી કુળનાં ઝાડનાં બીજ ભેગાં કરી તેના સીડ બૉલ બનાવ્યા છે અને આ સીડબૉલ બાળકોને આપ્યા છે, જેથી તેઓ મેદાનમાં રમવા જાય, બહાર ફરવા જાય, કે માતા-પિતા સાથે ક્યાંય જાય તો, યોગ્ય જગ્યાએ આ સીડબૉલ નાખે અને વરસાદ પડતાં જ તેમાંથી ઝાડ-છોડ ઊગી નીકળે. તો આવે તેમની પાસેથી જાણીએ, સીડબૉલ કેવી રીતે બનાવવા.

seeds of trees
  • સૌપ્રથમ આસોપાલવ, અરીઠા, ઉમરો, ખીજડો, ખાખરો, જાંબુ, ગોરસ આમલી, ગરમાળો, ગુંદી, ગુંદો, ચણીબોર, પુત્રંજીવા, પીલુડી, ફાલસા, બોરસલી, બીલી, બોર, રામબાવળ, રાયણ, વડ, શીણવી, કડવો લીમડો, સીતાફળ, તુલસી વગેરેમાંથી જેનાં પણ બીજ મળી શેક તેનાં બીજ ભેગાં કરો. આ બધાં જ સરળતાથી ઊગી શકે છે, તેને ખાસ માવજતની જરૂર નથી પડતી. આ ઉપરાંત આ બધાં જ દેશી કુળનાં ઝાડ-છોડથી પક્ષીઓને આહાર પણ મળી રહે છે અને આશરો પણ.
How to make seed ball
  • ત્યારબાદ ખેતરની માટી લાવો અને તેના પર થોડું પાણી છાંટી ભીની કરો. જો તમારી પાસે છાણીયું ખાતર કે કંપોસ્ટ ખાતર હોય તો તેને પણ આ માટીમાં મિક્સ કરી શકાય છે.
  • આ દરમિયાન તમે ભેગાં કરેલ બધાં જ બીજને અલગ-અલગ તારવી દો.
  • હવે નાના બૉલ જેટલી માટી હાથમાં લો અને માટીની વચ્ચે 2-3 બીજ રાખી બૉલ વાળીને તેને સૂકવવા મૂકી દો. આ રીતે બધા જ બૉલ તૈયાર કરી દો.
Seed Ball
  • તૈયાર છે સીડબૉલ. હવે જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે રસ્તાની આસપાસ ઝાડી-ઝાંખરમાં, ગૌશાળાની આસપાસ, શાળાના મેદાનની કિનારી પર જેવી સુરક્ષિત જગ્યાઓએ આ સીડબૉલ નાખો. તેના પર વરસાદનું પાણી પડતાં જ, બે-ત્રણ દિવસમાં તેમાંથી અંકુર ફૂટી નીકળશે.

બની શકે કે, બધાં બીજ ન પણ ઊગે, પરંતુ તેમાંથી 30-40% ટકા બીજમાંથી પણ ઝાડ-છોડ ઊગી નીકળશે તો, ઘણી હરિયાળી થશે.

Plants from seed ball

સીડબૉલ બનાવવાની શરૂઆત નેચરલ ફાર્મિંગ શરૂ કરનાર જાપાની પર્યાવરણપ્રેમી Masanobu Fukuoka એ કરી હતી. ઈજિપ્તમાં નાઈલ નદીમાં પૂર આવવાના કારણે થયેલ નુકસાન બાદ ફરીથી ઝાડ વાવવા માટે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. અત્યારે આપણા દેશમાં પણ ઘણા પર્યાવરણ પ્રેમીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: તમારા રસોડામાં જ ખજાનો છે ફળદાર ઝાડ વાવવાનો ખજાનો, જાણો કેવી રીતે તૈયાર કરવાં બીજ!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon