સ્મશાનનું નામ પડતાં જ મોટા ભાગના લોકોના મનમાં બિહામણું દ્રષ્ય તરી આવે. રાતની વાત તો ઠીક, લોકો દિવસના સમયે પણ સ્મશાનમાં જતા ડરતા હોય છે. અને એટલે જ કદાચ સ્મશાનની આસપાસ પુષ્કળ જગ્યા હોવા છતાં કોઈ તેનો સદઉપયોગ કરવાનું નથી વિચારતું. પરંતુ લૉકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ મળતાં માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામના યુવાનોઆ સ્મશાનની જગ્યાનો જ સદઉપયોગ કરી અત્યારે લોકો માટે પિકનિક સ્પોટ બનાવી દીધું છે.
આ અંગે ગામના જ એક યુવાન અશોક પટેલ સાથે વાત કરતાં તેમણે ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “કોરોનાકાળમાં લૉકડાઉન લાગતાં વર્ક ફ્રોમ હોમ મળતાં અમે ઘરે પાછા ફર્યા હતા. અમારામાંથી મોટાભાગના યુવાનો નોકરી કરે છે, પરંતુ આ સમયનો સારો ઉપયોગ કરવાનું વિચાર્યું. બીજી તરફ દેશમાં સતત ઘટી રહેલ હરિયાળી અંગે તો આપણે બધા જણીએ જ છીએ તો, કોરોનાના કારણે આપણને બધાને ઑક્સિજનનું મહત્વ પણ સમજાઈ ગયું એટલે અમે વૃક્ષારોપણ કરવાનું વિચાર્યું. આ માટે યોગ્ય જગ્યાની શોધ કરતાં બહુ વિચાર્યા બાદ અમે સ્મશાનની જગ્યા પસંદ કરી, કારણકે ત્યાં આસપાસ વરંડો છે, જેથી કોઈ પ્રાણી નુકસાન ન પહોંચાડે, ગામથી દૂર હોવાથી છોડ નાના-નાના હોય ત્યારે તેને કોઈ નુકસાન પણ ન પહોંચાડે.”

જોકે આ મિશન એટલું સરળ પણ નહોંતુ. કારણકે સ્મશાન ગામથી દૂર હોવાથી અહીં પાણી, લાઈટ જેવી કોઈ જ વ્યવસ્થા નહોંતી. જમીન પણ એકદમ વેરાન હતી. પથરાળ જમીનમાં સીધુ કોઈ ઝાડ વાવવા જાય તો ઊગે તેમ પણ નહોંતું. છતાં કહેવાય છે ને કે, જેને કઈંક કરવું જ છે, તેને રસ્તો ગમેત્યાંથી મળી જ જાય છે.

ગામના 14-15 યુવાનોએ ભેગા થઈ મિશન લીધું હાથમાં. સૌપ્રથમ તો ગામના લોકોની મદદથી આખી જમીનને ખેડી. આ જમીન પર વૃક્ષો લાયક 150 ટ્રેક્ટર માટી નખાવી અને છાણીયું ખાતર નંખાવ્યું. નકામા બાવળ કાઢ્યા અને જમીનને સમથળ કરી. ગામલોકોનો પણ પૂરતો સહયોગ મળી રહ્યો. કોઈએ જમીન ખેડી આપવામાં મદદ કરી તો કોઈએ છાણીયું ખાતર આપ્યું અને ધીરે-ધીરે જમીન ફળદ્રૂપ બનાવી.

ત્યારબાદ છોડ વાવવાની સાથે-સાથે અહીં 100 થેલી કંપોસ્ટ ખાતર અને જૈવિક ખાતરની થેલીઓ પણ નાખી, જેથી ઝાડ-છોડનો વિકાસ થઈ શકે. ત્યારબાદ તેમણે અહીં લગભગ 1000 ઝાડ વાવ્યા અને 500 જેટલા છોડ વાવ્યા છે. જેમાં લીમડો, પીપળો, આંબો, જાંબુ, વડ સહિત દેશી કુળનાં ઝાડ વાવ્યાં છે, ત્યાં સુશોભન માટે 500 જેટલા ફૂલ છોડ વાવ્યા છે. તો સાથે-સાથે ચીકુ, જામફળ, અંજીર, કેરી, જાંબુ, કેળાં સહિતનાં ઘણાં ઝાડ વાવ્યાં છે. જેથી અહીં પક્ષીઓને ખોરાક મળી રહે. આ જ ફળો ગામની ગાયોને પણ ખવડાવવામાં આવે છે અને સાથે-સાથે જેને પણ જરૂર હોય તે નિ:સંકોચ અહીંથી ફળો લઈ જઈ શકે છે.

ગામના યુવાનો ધવલ, અશોક, શુમન, ધૃવ, રાકેશ, ભાવિક, દિપક, ક્રિતિ સહિતના યુવાનોની મહેનત અને કેટલીક સામાજીક સંસ્થાઓની મદદના કારણે આજે એક સમયનું એકદમ વેરાન સ્મશાન હરિયા્ળું બની ગયું છે. આ બધાં જ ઝાડ છોડને નિયમિત પાણી આપી શકાય એટલે આ યુવાનોએ ગ્રામપંચાયતની ટાંકીમાંથી પાઈપલાઈન લંબાવી સ્મશાનમાં પાણી પહોંચાડ્યું અને ત્યાં મોટા-મોટા ડ્રમ પણ ભરી રાખ્યા, જેથી રોજ પાણી આપી શકાય. હરિયાળીની સાથે-સાથે પક્ષીઓનો પણ કલબલાટ જોવા મળે એ માટે ચબુતરા પણ બનાવ્યા. આખી જગ્યા જોવામાં આકર્ષક લાગે અને લોકોને અહીં આવવું ગમે એ માટે આખા વિસ્તારમાં કોમળ ઘાસ વાવ્યું. બેસવા માટે બાંકડા મૂક્યા અને ટ્રેન્ડી લુકના સિટિંગ માટે સૂકાયેલાં ઝાડના થડને કાપી-કાપી તેને ટેબલની જેમ ગોઠવ્યાં.

ત્યારબાદ સ્મશાનમાં શંકર ભગવાનની એક સુંદર મૂર્તિ પણ મૂકાવી. એક સમયે જ્યાં ભેંકાર મારતો હતો એ ‘શિવોહમ’ સ્મશાન હવે ગામલોકો માટે પિકનિક સ્પોટ બન્યું છે. ગામના વડીલો અને આવીને બેસે છે અને સુખ-દુ:ખની વાતો કરે છે. તો ગામની મહિલાઓ પણ સાંજના સમયે બાળકોને અહીં રમવા માટે લાવે છે.

જોકે યુવાનો માટે કામ હજી પૂરું નથી થયું અહીં. આજે પણ દરેક યુવાન રોજ ઓછામાં ઓછો એક કલાક અહીં આપે છે અને તેમણે વાવેલ ઝાડ-છોડની જાળવણી કરે છે. આ ચોમાસામાં હજી બીજાં 1000 ઝાડ વાવવાનો તેમનો ટાર્ગેટ છે. જે તેઓ અહીં સ્મશાનમાં, ગામની શાળા અને કૉલેજમાં વાવશે.

જો દરેક ગામમાં થોડા-ઘણા લોકો આવું વિચારતા થાય તો, ગ્લોબલ વૉર્મિંગને ચોક્કસથી ઘટાડી શકાય છે. અને કુદરતી સંતુલન જાળવવામાં પણ મદદ મળી શકે છે.
આ પણ વાંચો: ગુટખા ખાવાનું છોડી એ રૂપિયા ભેગાં કર્યા અને તેમાંથી 7 વર્ષમાં વાવ્યા 1 હજાર ઝાડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.