ઉત્તર પ્રદેશના લખનઉમાં રહેતા અંકિત બાજપાઇને બાળપણથી જ છોડ પ્રત્યે લગાવ હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે મુંબઈમાં નોકરી પણ કરી પરંતુ બાગકામ પ્રત્યે તેમનો પ્રેમ બિલકુલ ઓછો થયો ન હતો. વર્ષ 2017માં તેઓ પોતાના શહેર લખનઉમાં પરત ફર્યા હતા. તેમણે કોર્પોરેટ જિંદગી છોડીને પ્રકૃતિ સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને ઘરની છત પર જ બગીચો બનાવી દીધો હતો. ધીમે ધીમે તેમણે 390 સ્ક્વેર ફૂટની છતને ફૂલ-ઝાડથી ભરી દીધી હતી.
છત પર તેમણે ગુલાબ, ગલગોટા, શિમલા મરચા, ધાણા, પાલક, બ્રોકલી, બટેલા, મૂળા, ટમેટા, લીલા મરચા, કોબી, લીંબુ જેવી શાકભાજી અને ફળોના ઝાડ પણ ઊગાડ્યા છે. અંકિતે બાગકામ ઉપરાંત યુટ્યુબ ચેનલ પણ બનાવી છે. તેમની યુટ્યુબ ચેનલ પર આશરે ચાર લાખ સબ્સ્ક્રાઇબર છે. જેના પર તેઓ સમયાંતરે ગાર્ડનિંગ સંબંધિત વીડિયો મૂકતા રહે છે. ધ બેટર ઇન્ડિયા સાથે અંકિત બાજપાઇએ ગાર્ડનિંગ અંગે વાતચીત કરતી હતી.
1) કોઈ પોતાનો બગીચો બનાવવા માંગતો હોય તો તેમણે શું ધ્યાન રાખવું જોઈએ?
અંકિત: સૌથી પહેલા તમારે એવી જગ્યા પસંદ કરવી જોઈએ જે થોડી ખુલ્લી હોય અને સારો તડકો આવતો હોય. જોકે, આજકાલ તો તમે ઘરની બાલ્કનીમાં પણ વર્ટિકલ ગાર્ડન કરી શકો છો, પરંતુ તડકો ખૂબ જરૂરી છે. કોઈ એવી જગ્યા પસંદ કરો જે તમારા ઘરની નજીક હોય અને પાણીની સુવિધા હોય.

2) જો કોઈ પહેલીવાર ગાર્ડનિંગ કરી રહ્યું હોય તો તેમણે કેવા ફૂલ-છોડ ઊગાડવા જોઈએ?
અંકિત: શરૂઆતમાં એવા ફૂલ-છોડ પસંદ કરવા જોઈએ જેનું વધારે ધ્યાન ન રાખવું પડે. જેમ જેમ ફૂલ-છોડ સાથે તમારી દોસ્તી થવા માંડે તેમ તેમ તમારે બીજા છોડ ઊગાડવા જોઈએ. શરૂઆતમાં તમે તુલસી, ફુદીનો, મની પ્લાન્ટ, બટેકા, ચાંદની વગેરે ઊગાડી શકો છો.
3) ગાર્ડનિંગ માટે માટી કેવી રીતે તૈયાર કરવી?
અંકિત: આ સૌથી અગત્યનું સ્ટેપ છે. આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માટી પોષણથી ભરપૂર હોય. માટીમાં રેતી, છાણ અને વર્મી કમ્પોસ્ટ ભેળવી શકો છો. યાદ રાખો કે 30 ટકા માટી, 30 ટકા રેતી અને 40 ટકા કમ્પોસ્ટ ભેળવવું જોઈએ. આ રીતે તમારું પૉટિંગ મિક્સ કરો.

4) મકાનની છત પર બગીચો બનાવવો હોય તો લીકેજ કે પછી છત ખરાબ થઈ શકે છે?
અંકિત: જો તમે છોડ માટે કુંડા, ગ્રૉ બેગ કે પછી પ્લાન્ટર્સનો ઉપયોગ કરો છો તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આનાથી છત ખરાબ નહીં થાય.
5) ગાર્ડનિંગ કરવાના થોડી કલાત્મક અને રચનાત્મક રીત જણાવો?
અંકિત: એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને લાગે છે કે નાની એવી જગ્યામાં ગાર્ડનિંગ અને તેમાં પણ શાકભાજી ઊગાડવા કેવી રીતે શક્ય છે? પરંતુ હું કહીશ કે તમે સરળતાથી નાની એવી જગ્યામાં પણ ગાર્ડનિંગ કરી શકો છો. બસ તમે થોડા કલાત્મક હોવ તે જરૂરી છે.
તમે બાલ્કનીની દીવાલ પર વર્ટિકલ ગાર્ડનિંગ કરી શકો છો. આજકાલ ઘણા બધા લોકો આવું કરી રહ્યા છે. આ માટે તમારે થોડો સમય કાઢવો પડશે અને થોડી મહેનત કરવી પડશે.
આ વીડિયોમાં જુઓ તમે કેવી રીતે પ્લાસ્ટિકની બોટલમાં ઊલટો ટામેટાનો છોડ ઊગાડી શકો છો:

- છોડને પાણી પીવડાવવાની રીતે જેનાથી પાણીનો પણ બગાડ ન થાય?
અંકિત: મને લાગે છે કે પાણી પીવડાવવાની કોઈ સારી કે ખરાબ રીત ન હોઈ શકે. તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે કુંડાની માટી સૂકાયેલી તો નથી ને. તમને માટીને ઓળખતા આવડવું જોઈએ જેનાથી તમને જ્યારે પણ લાગે કે હવે પાણીની જરૂર છે ત્યારે પીવડાવી શકો.

- ગાર્ડનિંગ શરૂ કરવા માટે યોગ્ય સમય કયો છો?
અંકિત: ગાર્ડનિંગ શરૂ કરવા માટે મારા મત પ્રમાણે યોગ્ય સમય ઠંડી અથવા વસંત ઋતુ છે.
- ફૂલ-ઝાડને પોષણ આપવા માટે કોઈ ઘરેલૂ નુસખો?
અંકિત: તમે ભીના કચરા અને કેળાની છાલમાંથી ઘરે જ ‘લિક્વિડ ફર્ટિલાઇઝર’ બનાવી શકો છો. દરરોજ રસોડોમાં શાકભાજીની છાલો નીકળતી જ હોય છે. તમે તેને એકઠી કરો. શક્ય હોય તો તેમાં આદુ પણ નાખો. કારણ કે આદુ એન્ટી-ફંગલ અને એન્ટી-ઓક્સીડેન્ટની જેમ કામ કરે છે. જે છોડમાં કોઈ રોગ નહીં આવવા દે. આ તમામ વસ્તુઓની મિક્સરમાં નાખીને પીસી લો.
પીસી લીધા બાદ આ પેસ્ટને 12થી 14 કલાક માટે પાણીમાં છોડી દો અને આ પાણીને છોડને આપો. આ છોડ માટે ખૂબ જ પોષક બની રહેશે તેમજ છોડને અનેક રોગથી પણ બચાવશે.
કેળાની છાલનો તમે બે રીતે ઉપયોગ કરી શકો છો. એક કે તમે તેને સૂકાવી દો. જે બાદમાં તેનો પાઉડર બનાવી દો. જે બાદમાં 12 ઇંચના કુંડામાં 10 ગ્રામ પાઉડર નાખી શકો છો. આ પાઉડરમાં વિપુલ પ્રમાણમાં કેલ્સિયમ અને મિનરલ્સ હોય છે.

બીજું કે તમે કેળાની છાલનું લિક્વિડ ફર્ટિલાઇઝર પણ બનાવી શકો છો. કેળાની છાલને એક ડબ્બામાં નાખો. 10 લીટર પાણીમાં 12 કેળાની છાલ નાખીને ડબ્બાનું ઢાંકણ બંધ કરી દો. આ ડબ્બાને તમે એવી જગ્યા પર મૂકો જ્યાં છાંયડો હોય સાથે સાથે થોડો તડકો પણ આવતો હોય. એક અઠવાડિયા સુધી રાખ્યા બાદ તમારું લિક્વિડ ફર્ટિલાઇઝર તૈયાર થઈ જશે.
વધારે જાણકારી માટે આ વીડિયો જુઓ:
9) છોડની કાળજી રાખવા માટે કોઈ સલાહ?
અંકિત: >> તમામ કુંડામાં વધારાનું પાણી વહી જાય તે માટે છીદ્ર હોય તે જરૂરી છે.
પીળા અને સૂકાયેલા પાંદડાઓને છોડમાંથી તોડી નાખો.
છોડને બીજા કુંડામાં રોપવા માટે ક્યારેય પણ તેમને ખેંચીને બહાર ન કાઢો.
વારેવારે થોડું પાણી આપવાને બદલે એવું સલાહભર્યું છે કે તમે કુંડામાં અંદર સુધી ઉતરે તે રીતે પાણી આપો. જેનાથી માટી ભીની રહે.
છોડને ક્યારે કેટલું પાણી આપવું છે તેના માટે માટી પર ધ્યાન આપો.
દર 20થી 30 દિવસના અંતરે ખાતર નાખો.
અંકિત બાજપાઇ સાથે જોડાવવા માટે તમે તેના ફેસબુક પેજ Ankit’s Terrace Gardening ફોલો કરી શકો છો. તમે તેને ankitbajpai.itc@gmail.com પર ઈમેલ પણ મોકલી શકો છો.
જો તમને પણ ગાર્ડનિંગનો શોખ હોય અને તમે પણ તમારા ઘર, બાલ્કની, કિચન કે છત પર છોડ-ઝાડ ઉગાડ્યા હોય અને તમારી પોતાની #ગાર્ડનગિરી ની કહાની હોય તો અમને તસવીરો સાથે તમારા સંપર્કની માહિતી મોકલો gujarati@thebetterindia.com પર!
તસવીર અને વીડિયો સાભાર: અંકિત બાજપાઈ
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: લોકડાઉનમાં ઘરને હરિયાળું બનાવવા ઉપાડી ઝૂંબેશ, અહીં મળશે કેરી-દાડમથી લઈ ગાજર-મૂળા