કોરોના મહામારીને કારણે લાખો લોકોની જિંદગી લોક થઈ હતી. આ મુશ્કેલ ભરી સ્થિતિમાં પોતાને તણાવમુક્ત અને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. આજે અમે તમને રાજસ્થાનના એક એવા વ્યક્તિની કહાણી કહેવા જઈ રહ્યા છીએ જેણે લોકડાઉન દરમિયાન ગાર્ડનિંગ દરમિયાન શાકભાજી ઉગાડવાનો નિર્ણય કર્યો અને આજે પોતાના ગાર્ડનમાં વિવિધ પ્રયોગો પણ કરી રહ્યા છે.
રાજસ્થાનના બિકાનેરમાં રહેતા વિજય શર્મા એસપી મેડિકલ કોલેજ, બિકાનેરમાં સ્વિમિંગ કોચ છે. પરંતુ લોકડાઉનને કારણે કોલેજ બંધ થઈ ગઈ હતી. પરંતુ વિજયે આ નવરાશના સમયમાં પોતાના ઘરને હરિયાળું બનાવવાનું કામ હાથમાં લીધું. આજે વિજય પોતાના ઘરમાં 150 જેટલા કુંડાઓમાં કેરી, દાડમ, સંતરા, કિન્નુ જેવા ફળોની સાથે ગાજર-મૂળા, ધાણાભાજી અને ફુલાવર જેવા શાકભાજીની ખેતી કરી રહ્યા છે. વિજયે ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “હું મારી છત અને ઘરની નીચે 1500 સ્કવેર ફૂટની જગ્યામાં 150થી વધુ કુંડાઓમાં ફળો અને ઔષધિના છોડોની સાથે સાથે શાકભાજીની ખેતી કરું છું.”

વિજયનો ટેરસ ગાર્ડન
આ અંગે વિજય આગળ કહે છે કે હું મારા ગાર્ડનમાં નકામા ડ્રમ, ટાયર, તૂટેલા પ્લાસ્ટિકના સામાનનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત હું જુનો ટુવાલને સિમેન્ટના પાતળા રગડામાં પલાળીને કુંડું પણ બનાવું છું. તાજેતરમાં જ હું છોડ વાવવા માટે પોખરણની લાલ માટીમાંથી હાથી, ઘોડા, ઉંટ વગેરે પશુઓના આકારમાં બનેલા ઘડાઓ પણ લાવ્યો છું. જે મારા બાળકોને પણ ખૂબ પસંદ છે.
વિજય આગળ કહે છે કે, “મને અને મારી માતાને ગુવાર ફળીનું શાક ખૂબ ભાવતું હતું. પરંતુ બજારમાં તે ખૂબ મોંઘું મળતું અને ગુણવત્તા પણ સારી નહોતી. જેથી લગભગ ત્રણ વર્ષ પહેલા અમે કુંડામાં ગુવારફળીના બીજ વાવ્યા હતા. ત્યાર બાદ ધીમે ધીમે અમે છત પર પાલક-ભીંડા જેવા 8-10 છોડ ઉગાડ્યા. પરંતુ લોકડાઉનમાં અમે તેનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો.”

ઘરે જ ટુવાલમાંથી કુંડા બનાવે છે વિજય
વિજયે વધુમાં ઉમેર્યું કે, “આજે હું આ છોડવાઓથી જ દિવસની શરૂઆત કરું છું. મારો પરિવાર એક બાળકની જેમ છોડવાઓનો ઉછેર કરે છે. રાજસ્થાનમાં ખૂબ ગરમી પડે છે. પરંતુ ઘરમાં ગાર્ડનિંગ કરવાથી એક ખુશનુમા માહોલ બનેલો રહે છે. તેમણે બગીચામાં નેટ લગાવવાને બદલે ગળો ઉગાડ્યો છે. જેથી તેના વેલા આરોગ્ય અને બાગની રક્ષા કરવાની સાથે સાથે ઘરને પણ ઠંડું રાખવામાં મદદ કરે છે. તાજેતરમાં પોખરણની લાલ માટીમાંથી બનેલા ઘડામાં છોડ વાવ્યા છે.”
વિજય પોતાના છોડ માટે રેતાળ માટીમાં 50 ટકા છાણ-ખાતર અથવા કોકોપિટ(નાળિયેરના છોતરામાંથી બનાવેલું એક પ્રકારનું ખાતર)નું મિશ્રણ કરીને માટી તૈયાર કરે છે. તેમજ સિંચાઈ માટે ડ્રિપ ઈરિગેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. જેમાં સિંચાઈ માટે પાણીની બચત કરવામાં મદદ મળે છે.

ગાર્ડનિંગ માટે વિજયે આપેલી મહત્વપૂર્ણ ટિપ્સ
- ગાર્ડનિંગની શરૂઆત મૌસમી શાકભાજી ઉગાડવાથી કરો. જેનાથી તમને સારો અનુભવ મળશે
- આપણે વાવેલા છોડ-વેલાની દરરોજ એક કલાકથી દોઢ કલાક દેખભાળ કરો
- છોડને નિયમિત પાણી આપો
- જો ફળ આપતા છોડ હોય તો તેનું નિયમિત કટિંગ કરતા રહો
- મૌસમી છોડને મૌસમ અનુસાર અને ફળો આપતા છોડને વરસાદી મૌસમમાં લગાવો જેથી માટી મૂળિયાને જલ્દીથી પકડી લેશે
- 50 ટકા ખાતર અને 50 ટકા માટીથી છોડ વાવવા માટેની માટી તૈયાર કરો

વિજય કહે છે કે, “મારે હવે બજારમાંથી શાકભાજી ખરીદવા પડતા નથી, આ કારણે મને દર મહિને 1000થી 1500ની બચત થાય છે.”
ગાર્ડનિંગના થયેલા લાભોથી ઉત્સાહીત વિજય હવે ટૂંક સમયમાં જ બિકાનેરમાં 5 વિઘા જમીન લિઝ પર લઈને મોટા પાયા પર ઓર્ગેનિક ફાર્મિંગ કરવાની યોજના બનાવી રહ્યા છે.
જો તમે વિજય શર્માનો સંપર્ક કરવા માગતા હોય તો 07357350999 આ નંબર પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
આ પણ વાંચો: લખનઉની વિદ્યાએ પોતાના ઘરને જ બગીચો બનાવી દીધું, બાલ્કની તો એવી કે રસ્તે જતા લોકો પણ ઊભા રહી જાય