Placeholder canvas

હૈદરાબાદ: મંદિરમાંથી ફૂલો એકઠા કરી તેમાંથી અગરબત્તી, સાબૂ વગેરે બનાવીને વેચી રહી છે બે બહેનપણી

હૈદરાબાદ: મંદિરમાંથી ફૂલો એકઠા કરી તેમાંથી અગરબત્તી, સાબૂ વગેરે બનાવીને વેચી રહી છે બે બહેનપણી

હૈદારાબાદની બે સહેલીનું અનોખું સ્ટાર્ટઅપ, મંદિરમાંથી ફૂલ વગેરે કચરો એકઠો કરીને તેમાંથી બનાવે છે કે સાબૂ, અગરબત્તી અને ખાતર

હૈદરાબાદમાં રહેતી માયા વિવેક અને મીનલ દાલમિયા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે. બંને સારી મિત્રો છે. બંનેની દોસ્તી પાછળ તેમના બાળકો છે, જેઓ એક જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. બાળકોની સ્કૂલના કેમ્પસમાં બંનેની મુલાકાત થઈ, આ મુલાકાત દોસ્તીમાં બદલાઈ અને સમય જતાં બંનેએ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આજે અમે તમને આ બંને ઉદ્યમી મહિલાની કહાની કહેવા જઈ રહ્યા છીએ.

લગભગ દોઢ વર્ષ પહેલા માયા અને મીનલે Oovi Sustainable Conceptની શરૂઆત કરી હતી. જે અંતર્ગત બંને મંદિરોમાંથી ફૂલ એકઠા કરીને તેમાંથી અગરબત્તી, ખાતર અને સાબૂ જેવી વસ્તુઓ બનાવે છે. આ તમામ વસ્તુઓ બંને Holy Wasteના નામથી બજારમાં વેચે છે.

Maya and Minal, Holy Waste
માયા અને મીનલ, હોલી વેસ્ટ

માયાએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે “મેં આશરે 19 વર્ષ સુધી કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કર્યું છે. જ્યારે મીનલ પોતાના પરિવારના બિઝનેસમાં મદદ કરતી હતી. અમે બંને અવારનવાર એ વાત પર ચર્ચા કરતા હતા કે આપણે સમાજ માટે અને પર્યાવરણ માટે કંઈક કરવું જોઇએ. બે વર્ષ પહેલા મેં કાનપુરના એક સ્ટાર્ટઅપ હેલ્પ-અસ-ગ્રીન વિશે વાંચ્યું હતું. મેં તેમની કામગીરી વિશે જાણ્યું કે તેઓ કેવી રીતે મંદિરમાંથી ફૂલ વગેરે ભેગા કરીને તેને રિસાઇકલ કરે છે. મને વધારે જાણવાની ઇચ્છા થઈ. મેં આ અંગે વધારે વાંચવાનું શરૂ કર્યું. મને માલુમ પડ્યું કે મોટાભાગના શહેરોમાં મંદિરમાંથી ફૂલ વગેરે જે નીકળે છે તેને પાણીમાં વહાવી દેવામાં આવે છે. કાનપુરમાં એક સ્ટાર્ટઅપે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની પહેલ કરી હતી. મને વિચાર આવ્યો કે શા માટે મારા શહેરમાં પણ આવું કંઈક ન કરવું? મેં મીનલને આ અંગે વાત કરી. તેણી તરત જ તૈયાર થઈ ગઈ અને આ રીતે અમારું સ્ટાર્ટઅપ શરૂ થયું.”

Flower Collection from Temple
મંદિરમાંથી ફૂલો લાવવાનું કાર્ય

સ્ટાર્ટઅપ માટે માયા અને મીનલે શરૂઆતમાં એક મંદિર સાથે વાતચાત કરી અને ત્યાંથી નીકળતા ફૂલ વગેરે એકઠા કરવા લાગી હતી. આ ફૂલોનું પ્રોસેસિંગ ઘરે જ શરૂ કર્યું. જૈવિક ખાતર બનાવતા આવડતું હોવાથી તેમને કોઈ તકલીફ પડી ન હતી. જે બાદમાં બંનેએ અગરબત્તી બનાવવાનું કામ પણ શરૂ કર્યું હતું. બંને ઘરની છત પર ફૂલોની સૂકવી દેતી હતી અને બાદમાં તેને મિક્સરથી પાઉડર કરી દેતી હતી અને આગળની પ્રોસેસ કરતી હતી. એક બે વખતના પ્રયાસ બાદ બંને અગરબત્તી બનાવવામાં સફળ રહી હતી. જે બાદમાં આ કામને આગળ ધપાવવાનું નક્કી કર્યું હતું.

હૈદરાબાદ નજીક મેઢચલ ખાતે બંનેએ અગરબત્તી બનાવવા માટેનું યુનિટ નાખ્યું હતું. અહીં બંનેએ શરૂઆતમાં બે મહિલાઓને કામે રાખી હતી. ધીમે ધીમે જૈવિક કચરો એકઠો કરતા મંદિરોની સંખ્યા વધવા લાગી હતી. હાલ બંને 40 મંદિરમાંથી ફૂલ અને બીજો કચરો એકઠો કરે છે. આ અંગે માયા કહે છે કે, મંદિરોને આ માટે તૈયાર કરવામાં વધારે સમય લાગ્યો ન હતો. કારણ કે પૂજારીઓ પણ સારી રીતે જાણતા હતા કે આ વસ્તુઓ આપણા પાણી અને જમીનને કેટલી પ્રભાવિત કરી રહી છે.

They are giving employment
મહિલાઓને રોજગારી આપે છે બે મિત્રો

બંનેએ સૌપહેલા સ્કંદગિરીમાં એક મંદિરના પૂજારીને વાત કરી હતી અને તેઓ ફટાફટ તૈયાર થઈ ગયા હતા. કારણ કે તેઓ મંદિરમાંથી આ વસ્તુઓ ઉપાડવા માટે પૈસા આપતા હતા. હવે જો કોઈ આ કચરો મંદિરમાંથી પૈસા લીધા વગર જ ઉપાડવા તૈયાર હોય તો પૂજારીને શું વાંધો હોય? પરંતુ જે લોકો આ કચરો એકઠો કરતા હતા અને અલગ અલગ કરતા હતા તેમને સમજાવવામાં માયા અને મીનલને થોડી પરેશાન થઈ હતી.

કચરો એકઠો કરવા સુધી ઠીક છે પરંતુ લોકોને અલગ અલગ એકઠો કરવા માટે રાજી કરવા માટે મુશ્કેલી પડી રહી હતી. પરંતુ સમય સાથે એ પણ થઈ ગયું હતું. હાલમાં બંને મહિને આશરે છ ટન ફૂલોનો કચરો એકઠો કરીને તેમાંથી વિવિધ ઉત્પાદન તૈયાર કરે છે.

લૉકડાઉન પહેલા બંને આ કામ દ્વારા આઠ મહિલાઓને રોજગારી પણ આપતી હતી. લૉકડાઉન દરમિયાન આ કામ અટકી ગયું તો બંનેએ પોતાના કારીગરોને આર્થિક મદદ કરી હતી.

Products from Flower
ફૂલમાંથી ઉત્પાદનો

“લૉકડાઉન પૂર્ણ થયા બાદ હવે ચાર મહિલા કામ પર આવી રહી છે. અમારો પ્રયાસ છે કે અમે બીજી મહિલાઓને પણ રોજગારી આપીએ.”

માયા અને મીનલે તમામ મંદિરોમાં એક કચરાપેટી રખાવી છે. આ કચરાપેટીને પ્રોસેસિંગ યુનિટ સુધી લાવવા માટે મજૂરો રાખ્યા છે. એટલું જ નહીં, લગ્ન પ્રસંગમાં પણ જો ફૂલનો કચરો એકઠો થાય છે તે બંને ત્યાંથી ઉઠાવે છે. આ રીતે બંને દરરોજ લગભગ 200 કિલોગ્રામ ફૂલ નદી-નાળામાં જતા રોકી રહી છે.

બંનેના સ્ટાર્ટઅપને હૈદારાબાદના સંગઠન a-Idea (Association for innovation Development of Entrepreneurship in Agriculture) દ્વારા ઇક્યૂબેશન મળ્યું છે. ગત વર્ષે, બંનેને ગ્રીન ઇન્ડિયા એવોર્ડ્સ 2019ના ઇકો-આઇડિયાઝ અંતર્ગત બેસ્ટ ગ્રીન સ્ટાર્ટઅપનો એવોર્ડ મળ્યો હતો.

માયા કહે છે કે તેમનો ઉદેશ્ય હંમેશા લોકો અને પર્યાવરણ માટે કંઈક કરવાનો હતો. આ સ્ટાર્ટઅપથી પર્યાવરણ માટે કામ કરવાની સાથે સાથે ગામડાના અને જરૂરિયાતમંદ લોકોને કામ આપીને સમાજ પ્રત્યેનો પોતાની જવાબદારી પણ સારી રીતે નિભાવી રહી છે.

કવર ફોટો: Vinay Madapu

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: ધાબામાં 300 કૂંડાં લગાવી ઉગાડે છે 20 કરતાં પણ વધારે શાકભાજી, જ્યોતિ આપે છે મહિલાઓને ટ્રેનિંગ પણ

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X