આજે અમે તમને વાત કરી રહ્યા છીએ તાપી જિલ્લાના નાનકડા ગામ બોરખડીનાં જયશ્રીબેનની, જેઓ આજથી એક વર્ષ પહેલાં સુધી તો ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતાં હતાં. જેમાં નિયમિત મજૂરી પણ ન રહે અને તડકો, વરસાદ કોઈપણ પરિસ્થિતિમાં કામે જવું પડે, છતાં ઘર તો માંડ-માંડ જ ચાલે. આ ઉપરાંત એક દિવસની મજૂરીના માંડ 100 રૂપિયા મળે અને રોજ સવારે ઊઠીને કામ શોધવા પણ નીકળવું પડે. કોઈવાર કામ ન મળે તો દિવસ ખાલી પણ પડે.
આદિવાસી વિસ્તારની બહેનો બની આત્મનિર્ભર
આમ તો આ આદિવાસી વિસ્તાર છે એટલે નાની-મોટી ખેત મજૂરી સિવાય આવકના બીજા રસ્તાઓ બહુ ઓછા છે. જેના કારણે જ આજે પણ આ બધા વિસ્તારો પછાત રહી ગયા છે. પરંતુ એક વર્ષ પહેલાં જ તેમના જીવનમાં અચાનક બદલાવ આવ્યો. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલૉજી દ્વારા આ બહેનોને એક મહિનાની ટ્રેનિંગ આપવામાં આવી. જેમાં તેમને નારિયેળના છોડાંના રેસામાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવતાં શીખવાડી. ત્યારબાદ મિશન મંગલમ અને વ્યારા કૃષિ યુનિવર્સિટી દ્વારા તેમને વેચાણની ટ્રેનિંગ પણ આપવામાં આવી, અને જ્યાં-જ્યાં હાટ કે મેળા ભરાય ત્યાં તેમને સ્ટોલ અપાવવામાં પણ મદદ કરવામાં આવે છે, જેથી આ બહેનો અત્યારે તેમના ઘરે રહીને જ, સુંદર-સુંદર વસ્તુઓ બનાવીને આ મેળાઓમાં જઈને તેનું વેચાણ કરે છે. એટલું જ નહીં, કોઈ તેમને ફોન કરીને ઓર્ડર કરે તો તેમને સરસ રીતે પેક કરીને કૂરિયર દ્વારા પણ મોકલી આપે છે.

આ પણ વાંચો: દૈનિક ક્રિયાઓ માટે પણ પરિવાર પર નિર્ભર મહુવાના દિવ્યેશભાઈ પતરાળી બનાવી આર્થિક રીતે બન્યા આત્મનિર્ભર
નારિયેળના રેસાના ગણપતિ
બજારમાં મોટાભાગે ચિનાઈ માટીના ગણપતિ મળે છે, જેનું પાણીમાં વિસર્જન કરવાથી તે ઓગળતા તો નથી જ, સાથે-સાથે તેનાથી પાણીનું પ્રદૂષણ પણ થાય છે. દિવસો બાદ પણ ત્યાં ગણપતિની મૂર્તિ પડેલી જોઈને કોઈને પણ દુ:ખ થાય અને લાગણીઓને ઠેસ પણ પહોંચો. આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં જયશ્રીબેન ચૌધરીએ કહ્યું, “અમે નારિયેળના રેસામાં ઈકો ફ્રેન્ડલી સોલ્યૂશન મિક્સ કરી અલગ-અલગ આકાર અને રૂપરંગના ગણપતિ બનાવીએ છીએ. જે દેખાવમાં તો સુંદર લાગે જ છે, સાથે-સાથે વિસર્જન બાદ ખૂબજ ઓછા સમયમાં તે માટીમાં ભળીને ખાતરમાં ફેરવાઈ જાય છે, જેથી પ્રકૃતિને કોઈ નુકસાન થવાની જગ્યાએ ફાયદો થાય છે. જેમાં ગણપતિની કિંમત લગભગ 500 રૂપિયાથી શરૂ થાય છે.”

જયશ્રીબેન સાથે અન્ય બે બહેનોને પણ મળ્યો રોજગાર
જયશ્રીબેન સ્નેહા સખી મંડળનાં પ્રમુખ છે. જ્યારે તેમની સાથે અન્ય બે બહેનો રક્ષાબેન અને ભાવનાબેન પણ કામ કરે છે. આ ત્રણેય બહેનો આખા વર્ષ દરમિયાન ઘરે બેસીને અલગ-અલગ વસ્તુઓ બનાવે છે અને વ્યારા, તાપી, અમદાવાદ સહિત જ્યાં પણ કૃષિમેળા, ખેડુ હાટ વગેરે યોજાય ત્યાં જઈને તેનું વેચાણ કરે છે.

આ પણ વાંચો: આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શિક્ષણ છૂટ્યું પરંતુ રાજકોટના આ યુવાનના ખાટલા વેચાય છે દેશ-વિદેશમાં
નારિયેળના રેસામાંથી બનાવે છે સુશોભનની વસ્તુઓ
જયશ્રીબેન આખા વર્ષ દરમિયાન નારિયેળના રેસામાંથી ઝુંમર, કળશ, માટલી, વૉલપીસ, ચકલી, તોરણ, પગલૂછણિયા સહિત અનેક સુંદર-સુંદર વસ્તુઓ બનાવે છે, જેમાં નારિયેળના રેસાની સાથે કાપડ, ઊન વગેરેનો સજાવટ માટે ઉપયોગ કરે છે. તેમના ઝુંમરની કિંમત કલગભગ 70 રૂપિયાથી શરૂ થાય છે. એક મહિનાની ટ્રેનિંગ તેમને આરતીબેને આપી હતી અને ત્યારબાદ હવે ધીરે-ધીરે આ કામમાં આગળ વધતાં તેઓ જાતે જ અવનવી ડિઝાઇન્સ બનાવતાં થયાં છે. આજે તેઓ ઝુંમર અને અન્ય આર્ટિકલ્સ તો એટલા સુંદર બનાવે છે કે, જોનારનું મન મોહી જાય અને ઘરમાં લગાવ્યાં હોય તો, આપણી ભાતિગળ કળાથી ઘર દીપી ઊઠે છે. કહેવાય છે ને કે, ‘કળા તો ભારતીય નારીના લોહીમાં હોય છે’, અને આ વાત આ બહેનોએ સાર્થક પણ કરી છે આજે.
એક સમય હતો, જ્યારે આ બહેનો તેમના નાનકડા આદિવાસી ગામ બોરખલી પૂરતી મર્યાદિત હતી. વ્યારા તેમને દૂર પડતું અને સુરત જવું તો તેમના માટે બહુ મુશ્કેલ હતું. પરંતુ અત્યારે આ જ બહેનો ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ હાટ અને મેળાઓમાં જઈને જાતે જ તેમની વસ્તુઓ વેચતી થઈ ગઈ છે.

કોરોના સમયમાં તેમને થોડી-ઘણી તકલીફ પણ પડી, પરંતુ તેઓ હિંમત ન હારી અને વ્યારા કૃષિ યુનિવર્સિટી, મિશન મંગલમ કેન્દ્ર અને ગ્રામ ટેક્નોલૉજી સંસ્થાનની મદદથી તેઓ આત્મનિર્ભરતાનું અનોખુ ઉદાહરણ પૂરું પાડી રહી છે. તો આ બધી જ બહેનોને આત્મનિર્ભર કરવામાં સુરતનું શક્તિ ફાઉન્ડેશન અને તેનાં પ્રમુખ ડૉ. સોનલબેન રોચાની પણ ખૂબ મહેનત કરે છે.

જો તમને પણ ઈકો ફ્રેન્ડલી વસ્તુઓ ગમી હોય અને તમે મંગાવવા ઇચ્છતા હોવ તો તેમને 95860 24303 નંબર પર કૉલ કરીને મંગાવી શકો છો.
આ પણ વાંચો: ડાંગનો આ યુવાન વાંસમાંથી બનાવે છે 100+ ડિઝાઇનનાં ઘરેણાં, આપે છે 15 લોકોને રોજગારી પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.