આખો દિવસ વ્યસ્ત રહેતા 25 વર્ષીય તરવરિયા યુવાન મુસ્તુફા સાથે લંચ બ્રેકમાં વાત કરવાની તક મળી, આ દરમિયાન પણ ખાટલાના ઓર્ડર માટે ફોન તો ચાલુ જ રહે. જોઈને લાગે જ નહીં આ માત્ર 10 પાસ યુવાન છે, જે વર્ષના 800-900 રજવાડી ભાતના સુંદર-સુંદર ખાટલા બનાવી તેનું આખા ભારતની સાથે-સાથે ઈંગ્લેન્ડ અને અમેરિકામાં પણ વેચાણ કરે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આટલા સુંદર-સુંદર ખાટલા માટે તેમણે કોઈ ખાસ ટ્રેનિંગ નથી લીધી. લોકોની મદદ માટે તેમના પિતા ગામ લોકોને ખાટલા ભરી આપતા અને બસ તેમાંથી જ શીખી ગયા આ કળા અને દેશ-વિદેશમાં વહન કરી રહ્યા છે આપણી સંસ્કૃતિનું.
એક સમય એવો હતો જ્યારે માત્ર અને માત્ર પરંપરાગત વસ્ત્રો અને સંસાધનો લોકોની પ્રથમ પસંદ હતી, પરંતુ વર્તમાન સમયમાં ભારતમાં લોકોએ વેસ્ટર્ન કલ્ચર અપનાવવાની આંધળી દોટ મૂકી છે. ત્યારે પરંપરાગત સંસાધનો મનુષ્ય માટે કેટલા કારગત હોય છે તેનો જીવતો જાગતો દાખલો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના એક નાના ગામમાં રહેતા પરિવારે પરંપરાગત વ્યવસાયને અપનાવી માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને કારીગરી થકી પગભર બન્યા છે.
આ વાત છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં રહેતા 25 વર્ષીય મુસ્તુફા લોઢાની. જેમણે પરંપરાગત રીતે ખાટલો ભરવામાં આવતી કારીગરીને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો વ્યવસાયનું સ્વરૂપ આપ્યું છે, જેમાં તેઓ વર્ષે 800 થી 900 ખાટલા ઓનું વેચાણ ભારત સહિત અમેરિકા જેવા દેશોમાં કરી રહ્યા છે.

આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અધવચ્ચે છોડવો પડ્યો અભ્યાસ
મુસ્તુફા ભાઈએ ધ બેટર ઇન્ડિયા સાથે પોતાના જીવન વિશે વાત કરતાં જણાવ્યું કે, આજથી 12 થી 15 વર્ષ પહેલા તેઓ ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલ જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા હતા, જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, પરંતુ જે તે સમયે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમને ધોરણ 10 બાદ અભ્યાસ અધવચ્ચે મૂકી દેવો પડયો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ તેમનું ગામ નીચા વિસ્તારમાં હોવાના કારણે અતિવૃષ્ટિ દરમિયાન અનેક સમસ્યાઓ વેઠવી પડતી હતી. અને માત્ર ખેતીના વ્યવસાય પરિવારનું ગુજરાન ચલાવવામાં પડતી મુશ્કેલીઓના કારણે તેઓ વર્ષ 2012 માં પોતાનું ગામ છોડી રોજગાર માટે રાજકોટ આવી પહોંચ્યા હતા.

નિસ્વાર્થ ભાવે કરેલી સેવાનું ફળ અવશ્ય મળે છે – મુસ્તુફા લોઢા
મુસ્તુફા લોઢાનું કહેવું છે કે, નિસ્વાર્થ ભાવે કરેલી સેવાનું ફળ અવશ્ય મળે છે. કારણ કે જ્યારે તેઓ રોજગારી માટે રાજકોટ આવ્યા ત્યારે શું વ્યવસાય કરવો તે તેમના માટે એક મોટો પ્રશ્ન હતો. પરંતુ વર્ષો પહેલા તેમના ગામમાં ચોમાસા દરમિયાન જ્યારે ખેતી થવી લગભગ અશક્ય હતી, તે સમયે તેમના પિતા સેવા ભાવે ગામના અન્ય ખેડૂતોના ખાટલા ભરી આપતા હતા, અને તેઓ પણ પિતાને આ કાર્ય જોતાં જોતાં આ કૌશલ્ય શીખી ગયા હતા. અને જ્યારે તેઓ રાજકોટ રોજગાર માટે આવ્યા ત્યારે તેમના પિતા સબીરભાઈ હારૂનભાઇ લોઢાએ આ જ કૌશલ્યને રોજગારમાં રૂપાંતર કરી રાજકોટમાં જ ઇન્ડિયા ફેબ્રીકેશન રજવાડી ખાટલાનો વ્યવસાય શરૂ કર્યો અને ધીમે ધીમે તેમને આ વ્યવસાયમાં સફળતા મળતી ગઈ અને પરિણામે આજે મુસ્તફાભાઈ પણ ખાટલા ભરવાના વ્યવસાયમાં જોડાયા છે.

ભારત સહિત લંડન અને અમેરિકામાં થઈ રહ્યું છે ખાટલાનું વેચાણ
આ સાથે મુસ્તુફાભાઈ લોઢાએ જણાવ્યું કે, પિતાએ ખાટલા ભરવા માટેના વ્યવસાય માટે નાખેલા મજબૂત પાયાના કારણે આજે તેઓ અને તેમના ચાર ભાઈઓ તેના પર તેઓ સફળતાની ઈમારત કંડારી રહ્યા છે. તેમજ તેઓ અત્યાર સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે ભારતના અનેક રાજ્યો તેમજ અમેરિકા અને લંડન જેવા દેશોમાં પણ ખાટલાઓનું ભરપૂર વહેંચાણ કરી રહ્યા છે. અને કોરોના કાળમાં પણ આ દેશ-વિદેશમાંથી ખાટલા ખરીદવા માટેના ફોન આવી રહ્યા છે.
ખાટલાની વિભિન્ન અને અદભુત ખાસિયતો
ખાટલાઓમાં વિભિન્નતાને લઈને મુસ્તુફાભાઈ લોઢાએ જણાવ્યું કે, તેઓ અવનવી અનેક ડિઝાઇનમાં ગ્રાહકોની માંગ પ્રમાણે ખાટલા ભરી રહ્યા છે. તેમજ એક સાદો ખાટલો ભરવા પાછળ તેમને 3 કલાક જેટલો સમય લાગે છે જ્યારે રજવાડી ખાટલો એટલે કે ગાલીચા ભરત વાળો ખાટલો ભરવા પાછળ તેમને બે દિવસ જેટલો સમય લાગે છે. તેમજ જો મટીરીયલની વાત કરવામાં આવે તો તેમાં તેઓ ગેલ્વેનાઈઝ્ડ, સ્ટીલ 202 અને લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખાટલાઓની કિંમતની વાત કરીએ તો 2,800 થી શરૂ થઈને 40,000 સુધીનાં ખાટલા નું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ સાથે તેમના દ્વારા દાવો કરવામાં આવે છે કે આ આટલા રફ એન્ડ ટફ છે અને ફ્રેમમાં પાવડર કોટિંગ કલર હોવાના કારણે અન્ય ખાટલાઓની સરખામણીમાં આ ખાટલાનું આયુષ્ય પણ વધુ હોય છે. તેમજ દોરીના મટીરિયલમાં રેશમ વણેલ દોરીનો ઉપયોગ થતો હોવાના કારણે ખાટલાને કોઈ પણ ઋતુ અસર કરતી નથી. અને સારી સાચવણીમાં આ ખાટલાઓને 10 થી 15 વર્ષ સુધી કશું થતું નથી.

આ સાથે તેમના દ્વારા એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો કોઈ વ્યક્તિને કમરમાં દુખાવો હોય અને તેઓ આવા પ્રકારના ખાટલાનો ઉપયોગ કરે તો તેઓને સકારાત્મક પરિણામો અચૂક મળે છે. હાલ મુસ્તફાભાઈ રજવાડી ઢોલિયો, ખાટલા, માચી, ખાટલી, સ્ટીલના ખાટલા, લોખંડના ખાટલાનું વેચાણ કરી રહ્યા છે. અને જો આપને પણ આ ડિઝાઇન અને આકર્ષક ખાટલાઓને ખરીદવા હોય કે આ અંગે જાણવા ઈચ્છતા હોવ તો તમે +91 85118 55786 નંબર પર કોલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 80% વિકલાંગ હોવા છતાં મહેસાણાનાં આ બહેન જાતે જ અથાણાં બનાવી કરે છે ડિલિવર પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.