આજે અમે વાત કહી રહ્યા છીએ ગુજરાતના ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના વગડપાડા ગામના એક એવા યુવાનની, જેઓ માત્ર 12 પાસ છે અને સંપૂર્ણ આદિવાસી વિસ્તારમાં રહેવા છતાં વાંસમાંથી એટલાં સુંદર-સુંદર ઘરેણાં બનાવે છે કે, મન મોહી જાય. આજે પણ આ વિસ્તાર એવો છે, જ્યાં ફોનનું કવરેજ માંડ આવે છે, ત્યાં ઈન્ટરનેટ તો વૈભવ ગણાય, ઈન્ટરનેટ માટે તો તેમને યોગ્ય કવરેજ શોધવા જવું પડે છે, પરંતુ કહેવાય છે ને કે, આવડતને કોઈ રોકી શકતું નથી અને બસ આ વાત સાચી સાબિત કરી છે ડાંગના દિનેશભાઈ પવારે.
આમ તો અત્યારે તેમના વિસ્તારમાં લોકો આજકાલ જરૂર પૂરતું અક્ષરજ્ઞાન મેળવી લે છે, પરંતુ નોકરી ન મળી શકવાના કારણે લોકોને શહેરો તરફ સ્થળાંતર કરવું પડે છે. આજે દિનેશભાઈ પોતે તો પોતાના વતનમાં રહીને આ કળાથી કમાણી કરી જ રહ્યા છે, સાથે-સાથે બીજા 15 લોકોને પણ રોજગારી આપે છે.
માત્ર 1500 વસ્તી ધરાવતા આ ગામ વગડપાડામાં આદિવાસીઓ પાસે કળા તો છે, પરંતુ તેનાથી પૂરતી રોજી ન મળી શકવાના કારણે તેઓ તેમની આ કળાઓ મૂકીને બીજી મજૂરી માટે બહાર નીકળી રહ્યા છે.

આજકાલ ગ્રામ ટેક્નોલૉજી, મિશન મંગલમ અને કુટિર ઉદ્યોગ મારફતે લોકોને તેમની કળાને વધારે આગળ લાવવાની ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેના કારણે તેઓ તેમની કળાના વારસાને જાળવી શકે અને લોકો સુધી પહોંચાડી શકે.
આજથી લગભગ 5-7 વર્ષ પહેલાં બાયપ નામની સંસ્થા દ્વારા આ વિસ્તારમાં વાડી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. જેના અંતર્ગત અહીંના ખેતરોમાં કેરી અને કાજુના રોપા વાવવામાં આવ્યા અને તેમાં સારી એવી સફળતા મળ્યા બાદ તેમણે ગામલોકોને વધારાની આવક માટે ગ્રામ ટેક્નોલૉજી દ્વારા વિવિધ કળાઓ તરફ વાળવા માટે વાંસમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગ આપી. જેમાં લગભગ બે મહિનાની ટ્રેનિંગમાં વાંસમાંથી પટ્ટીઓ કાઢી તેમાંથી 10 પ્રકારની અલગ-અલગ વસ્તુઓ બનાવતાં શીખવાડી.
ત્યારબાદ તેમણે વાંસના છોડ આપ્યા જેથી આ લોકો પોતાના ઘર આંગણે જ વાંસ વાવી શકે. શરુઆતમાં તેમને ગુજરાતની અલગ-અલગ નર્સરીમાં લઈ જઈ તેમને વાંસની અલગ-અલગ જાત બતાવી. શરૂઆતમાં દિનેશભાઈ વાંસ બહારથી મંગાવતા હતા, પરંતુ અત્યારે તો તેઓ તેમના ઘર આંગણે વાવેલ વાંસનો જ ઉપયોગ કરે છે.

ત્યારબાદ બાયપ ફેલોશીપ તરફથી ત્રણ બહેનો આવેલી. જેમણે દિનેશભાઈને પોતાના લેપટોપમાં વાંસના વિવિધ દાગિનાના ફોટો બતાવ્યા અને બસ એ જ મગજમાં ઉતરી ગયા દિનેશભાઈના. ત્યારબાદ એ ડિઝાઇનો પરથી તેમણે બીજી પણ ઘણી ડિઝાઇન્સ બનાવી. અત્યારે દિનેશભાઈ પાસે લગભગ 100 પ્રકારની ડિઝાઇન્સ છે, જેમાં ઈયર રીંગ્સ, નાની બુટ્ટી, નેકલેસ, બ્રેસલેટ, વીંટી સહિત ઘણી વસ્તુઓમાં અલગ-અલગ ડિઝાઇન્સ જોવા મળે છે. જોકે સફર એટલી સરળ પણ નથી. જેમાં લગભગ તમને 80 રૂપિયાથી 800 રૂપિયા સુધીની વસ્તુઓ મળી રહે છે.
અલગ-અલગ સુંદર-સુંદર વસ્તુઓ બનાવ્યા બાદ હવે સવાલ એ હતો કે તેને વેચવા ક્યાં જવું. આ બધી વસ્તુઓ માટે તેમને શહેરના ગ્રાહકો શોધવા પડે અને સાવ નાનાં નામડાં અને આદિવાસી વિસ્તાર હોવાના કારણે આ બહુ મુશ્કેલ હતું. ત્યારબાદ તેમને મુંબઈ, દિલ્હી, ગાંધીનગર જેવાં શહેરોમાં લાગતી હેન્ડીક્રાફ્ટની હાટમાં પોતાનો સ્ટોલ લગાવાની તક મળી. જ્યાંથી લોકો તેમની કળાને ઓળખવા લાગ્યા અને તેમને શહેરી ગ્રાહકો પણ મળવા લાગ્યા.

ત્યારબાદ તેમના ગામથી અઢી કિલોમીટર દૂર કુંડા રિસોર્ટના માલિકે પણ તેમને પ્રોત્સાહન આપ્યું. આમ તો આ રિસોર્ટ મહારાષ્ટ્રમાં ગણાય, પરંતુ તેના માલિક મૂળ બારડોલી ગુજરાતના છે. તેમને પોતાના રિસોર્ટમાં દિનેશભાઈને જગ્યા આપી, એ પણ કોઈપણ જાતના ભાડા વગર. જેથી દિનેશભાઈ રજાઓના દિવસોમાં, તેમજ શનિ-રવિવારે જ્યારે ત્યાં પ્રવાસીઓ વધુ આવે ત્યારે ત્યાં તેમનો સ્ટોલ લગાવે છે. આ માટે રિસોર્ટનો આશય અહીંના સ્થાનિક કલાકારોને રોજી મળી રહે તે જ છે.
આ જ કારણે અહીં ફરવા આવનાર ઘણા લોકો અહીંથી પોતાના માટે અને મિત્રો સંબંધીઓ માટે અહીંથી અવનવી વસ્તુઓ લઈ જાય છે. ઘણા લોકો તો એવા પણ છે, જેઓ એકવાર અહીંથી વાંસની અલગ-અલગ વસ્તુઓ ખરીદીને જાય પછી તેમને ખૂબજ ગમે છે, અને જ્યારે પણ તક મળે તેમની વસ્તુઓ ખરીદે છે.

દિનેશભાઈ અને તેમનાં પત્ની તેમનો સંપૂર્ણ સમય આ કામ પાછળ જ આપે છે. આ ઉપરાંત ગામના બીજા પણ 13-14 લોકો કામ કરે છે તેમાં. તેઓ તેમના આંગણે જ વાવેલ વાંસને કાપ્યા બાદ તેમાંથી સુગર ખતમ કરી તેને સુકવે છે. તેના પર ટ્રીટમેન્ટ પણ કરવામાં આવેછે, જેથી ભવિષ્યમાં તેમાં ભેજ કે ફૂગ ન લાગે. ત્યારબાદ તેમાંથી પટ્ટી કાઢ્યા બાદ તેને અલગ-અલગ શેપ આપીને અલગ-અલગ વસ્તુઓ બનાવે છે.
આ આખી પ્રક્રિયા તેઓ હાથેથી કરે છે. જેના કારણે સમય ઘણો લાગે છે, પરંતુ અંતે ખૂબજ સુંદર વસ્તુઓ રૂપે પરિણામ મળે છે.
જ્યારે શરૂઆત કરી ત્યારે તેઓ બહુ મોટી-મોટી ડિઝાઇન બનાવતા હતા. ત્યારબાદ દિલ્હી-મુંબઈના ગ્રાહકોને તો વાંધો નથી આવતો, પરંતુ નાના શહેરોના ગ્રાહકોને મોટી લાગતી. ત્યારબાદ ગ્રાહકોના મંતવ્યોને ધ્યાનમાં રાખી તેમણે અલગ-અલગ પ્રકારની અને અલગ-અલગ સાઈઝની ડિઝાઇન બનાવવાની શરૂઆત કરી, અને આજે નાના ગામથી મોટા શહેરના બધા ગ્રાહકો માટે સુંદર-સુંદર ડિઝાઇન્સ બનાવે છે.

વધુમાં દિનેશભાઈને કહે છે કે, જો બધાં જ લોકો નોકરી શોધવા નીકળશે તો બધાંને નોકરી મળવી મુશ્કેલ છે. એટલે બધાં લોકોને નોકરીની લાલસા છોડી પોતાની કળાઓને આગળ વધારવી જોઈએ. આ માટે તેઓ વધુમાં વધુ લોકોને તેમનું આ કામ પણ શીખવાડવા પણ ઈચ્છે છે, જેથી વધુમાં-વધુ આપણી આ કળાઓમાં કામ કરી શકે અને રોજી કમાઈ શકે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે પણ દિનેશભાઈ પાસેથી આવી સુંદર વસ્તુઓ ખરીદવા ઈચ્છતા હોવ તો તેમને 70467 53597 પર કૉલ કરી શકો છો. આદિવાસી વિસ્તાર હોવાના કારણે કવરેજ ન હોય તો ટેક્સ્ટ મેસેજ કે વૉટ્સએપ મેસેજ પણ કરી શકો છો.
આ પણ વાંચો: ગાંધીનગરનાં 78 વર્ષનાં દાદીએ 1 લાખ કરતાં પણ વધારે ઈકો-ફ્રેન્ડલી ઢીંગલીઓ બનાવી કર્યો વર્લ્ડ રેકોર્ડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.