“જ્યારે તમે પ્રકૃતિને નજીકથી જુઓ છો, ત્યારે તમે તમારી જાતને મળો છો.” એવું માનવું છે, મધ્યપ્રદેશના બેતુલના રહેવાસી ડો.પ્રમોદ માલવિયા અને તેમની પત્ની અંજલિ માલવિયાનું. પ્રમોદ વ્યવસાયે તબીબી નિષ્ણાત છે અને અંજલિ માઇક્રોબાયોલોજિસ્ટ છે. બંનેને ગાર્ડનિંગનો ખૂબ શોખ છે. તેમના ઘરમાં તમે લીચી, સીતાફળ, ચીકુ, દાડમ સાથે શેરડી ઉગતા જોશો. એટલું જ નહીં માલવીય દંપતીએ ઘરમાં તજ, તમાલપત્ર, લવિંગ જેવા મસાલા પણ લગાવ્યા છે. તો ચાલો તમને જણાવીએ, તેમની બાગકામની પદ્ધતિ અને કેટલીક અદ્ભુત ટિપ્સ.
જગ્યા ઓછી હોવાને કારણે છતને બનાવ્યુ ગાર્ડન
અંજલિએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “અમને ઘરના પ્રવેશદ્વારથી અંદર સુધી હરિયાળી જોઈતી હતી. પણ અમારી પાસે બહાર બહુ જગ્યા નહોતી. તેથી અમે કાર પાર્ક કરવાનાં પોર્ચને બગીચામાં ફેરવી દીધો. અમે પોર્ચમાં ઘણી માટી નાખી છોડ વાવ્યા. આ પછી, અમે છતને પહેલા વોટરપ્રૂફ કરી અને પછી આખી છતની સાઈઝનું પ્લાસ્ટિક લગાવીને માટી નાખી. આ રીતે છત પર પણ ઘણી હરિયાળી થઈ હતી.”

ધાબા પર શેરડીથી માંડીને શક્કરિયા અને તળાવ પણ
માલવિયા દંપતીએ તેમના ધાબા પર શેરડીથી લઈને શક્કરિયા સુધીની દરેક વસ્તુ વાવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે પોતાના ટેરેસ પર એક નાનું તળાવ પણ બનાવ્યું છે, જેમાં કમળના ફૂલ ખીલે છે. તળાવમાં મચ્છરો પ્રવેશતા અટકાવવા માટે તેમાં ગેમ્બુસિયા માછલી નાખી છે, જે મચ્છરોના લાર્વા ખાય છે.
આ અંગે અંજલિએ કહ્યું કે, “અમે કમળના ફૂલ રોપવા માટે કમળના કંદ અને બીજનો ઉપયોગ કર્યો હતો. તળાવ તૈયાર કરવા માટે, અમે ફક્ત તળાવની માટીનો ઉપયોગ કર્યો. તે માટી લાવી અને તમારા તળાવના પાણીમાં નાખી અને તેમાં બીજ અને કંદ નાખ્યાં. હવે તેમાં ઘણા બધા ફૂલો આવે છે, જે જોવામાં સુંદર છે. વળી, દિવાળી પર અમારે કમળના ફૂલો ખરીદવા પડતા નથી, તે ઘરે સરળતાથી મળી જાય છે. હું ખાતર તરીકે સમયાંતરે તેમાં ગાયનું છાણ ઉમેરું છું.”

સંપૂર્ણ આયોજન કરી વૃક્ષારોપણ કર્યું
પ્રમોદે કહ્યું, “અમે ઇચ્છતા હતા કે અમારા ઘરનો આગળનો ભાગ ફૂલોથી ભરેલો હોય. તેથી જ અમે તેમાં વિવિધ ઋતુઓમાં ખીલતા ઘણા છોડ વાવ્યા. આમાં દરેક ઋતુમાં કોઈને કોઈ ફૂલ ખીલતા રહે છે. અમારા ઘર પાસેથી પસાર થતા લોકો વારંવાર અમને કહે છે કે અહીંથી નીકળતાં જ એકદમ તાજગી આવે છે. વાસ્તવમાં, જો તમે અમારા ઘરે આવો છો, તો પહેલાં રાતરાણીના ગુચ્છા દ્વારા તમારું સ્વાગત કરવામાં આવશે. પછી આગળ આવતા તમને મોગરા અને ચમેલીના ફૂલો મળશે. અમે અમારા ઘરના આગળના ભાગમાં એવા ઘણા સુગંધિત ફૂલો વાવ્યા છે. જેથી જેઓ ઘરમાં આવે છે તેમનો થાક તેઓ અંદર આવે ત્યાં સુધીમાં સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય.”
તેમણે કહ્યું કે લોકો ઘણીવાર છોડને ગમે ત્યારે કાપી નાખે છે. આવું બિલકુલ ન કરવું જોઈએ. છોડને કાપવાનો યોગ્ય સમય એ છે કે જ્યારે તેનો બ્લુમીંગ સમય ન હોય. જ્યાં સુધી છોડમાં ફૂલ આવે ત્યાં સુધી તેને કાપવા જોઈએ નહીં.
કિચન ગાર્ડનિંગ પણ કરે છે
અંજલિ કહે છે, “અમે અમારા ટેરેસ પર જ સો કરતાં વધુ ફળો, મસાલા, લીલોતરી અને શાકભાજી તૈયાર કર્યા છે. રસોડા માટે અમારે ભાગ્યે જ બહારથી વસ્તુઓ ખરીદવી પડે છે. અગાઉ સોસાયટીમાં પક્ષીઓ જોવા મળતા ન હતા. પરંતુ હવે અહીં ઘણા પક્ષીઓ આવે છે. તેમણે કહ્યું, “ટેરેસ પરની હરિયાળી જોઈને ઘણા બધા પક્ષીઓ આવવા લાગ્યા છે. અમારા ઘરમાં પક્ષીઓના માળાઓ પણ છે. ક્યારેક બિલાડી અને કૂતરા પણ અહીં બચ્ચા આપે છે. અમારા ઘરના બાળકો અને સ્ટાફના બાળકો તેમનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.”
અંજલિએ કહ્યું કે તે કોઈપણ છોડ માટે કોઈ ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરતી નથી. તેમણે સામાન્ય માટી ઉમેરીને મોટા ભાગના રોપાઓ ગ્રો બેગમાં વાવ્યા છે. માત્ર યોગ્ય માત્રામાં પાણી આપતા રહેવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, “અમે ખાતર માટે રસાયણોનો ઉપયોગ કરતા નથી, માત્ર ગાયના છાણ અને કોકોપીટનો ઉપયોગ કરીએ છીએ. હા, જો ક્યારેય છોડમાં કીડા થાય, તો હું લીમડાના તેલમાં થોડો ડિટર્જન્ટ પાવડર ભેળવીને સ્પ્રે કરું છું.”

બાગકામને કારણે ઘરનું તાપમાન ઘટી ગયું
અંજલિએ જણાવ્યું કે વૃક્ષો અને છોડને કારણે ઘરમાં હરિયાળી રહે છે અને આ જ કારણ છે કે ઉનાળાની ઋતુમાં ACની જરૂર નથી પડતી. તેણે કહ્યું, “બહાર ગમે તેટલી ગરમી હોય, ઘરનું તાપમાન ક્યારેય 24 ડિગ્રીથી વધુ નથી થતું. તો, બાળકો પણ સવાર-સવારમાં ઘણા પક્ષીઓના અવાજથી જલ્દી જાગી જાય છે અને તેમના માટે અનાજ અને પાણી રાખે છે. આ કારણે ઘરનું વાતાવરણ ખૂબ જ પોઝીટીવ બની રહે છે.”
આ કપલ કહે છે કે કોમ્પ્યુટર, ટીવી, મોબાઈલ વગેરે સાથે સમય વિતાવવા કરતાં વૃક્ષો અને છોડ સાથે સમય પસાર કરવો વધુ સારું છે. પ્રમોદ કહે છે, “શરીરમાં વિટામિન V-12 ની ઉણપ ડિપ્રેશન અને ચિંતા તરફ દોરી જાય છે. V-12 પ્રાણીઓના યકૃતમાં જોવા મળે છે. જે લોકો નોન-વેજ નથી ખાતા તેમના માટે બેસ્ટ છે કે તેઓ જમીન પર ખુલ્લા પગે ચાલે. કારણ કે માટીમાં V-12 હોય છે અને ખુલ્લા પગે ચાલવાથી તણાવ દૂર થાય છે.”

બાગકામ રોકેટ સાયન્સ નથી
અંજલિએ કહ્યું, “વૃક્ષો વાવવા અને તેની સંભાળ રાખવી એ કંઈ મુશ્કેલ કામ નથી. અગાઉ મને પણ બાગકામ આવડતું નહોતું. પ્રમોદને ગાર્ડનિંગનો વધુ શોખ હતો. પહેલા હું કોઈ ને કોઈ ભૂલ કરતી હતી, પણ ધીમે ધીમે બધું સમજાવા લાગ્યું. બાગકામ માટે ધીરજની જરૂર છે.”
અંતે પ્રમોદ અને અંજલિ કહે છે, “વિકાસના નામે મોટા ભાગના વૃક્ષો અને છોડ નષ્ટ થઈ ગયા છે. બાંધકામના નામે વૃક્ષો કાપવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણી જવાબદારી બને છે કે આપણે પોતે આગળ આવીને વૃક્ષારોપણ, બાગકામ કરીએ. વાસ્તવમાં આપણે દરેક બાબત માટે સરકાર પર નિર્ભર ન રહી શકીએ. આપણે બધા આપણા ઘરને સુંદર બનાવવા માટે વૃક્ષો વાવીએ છીએ. પોતાના માટે ફળ-ફૂલો વાવો, પરંતુ તમે હજી પણ પર્યાવરણ માટે ઘણું કરી શકો છો. આવા નાના પ્રયાસો મોટા પરિવર્તન લાવે છે. વૃક્ષો વાવો અને તેમને થોડો પ્રેમ આપો, તેમની સાથે સમય વિતાવો, બદલામાં તેઓ તમને ઘણું બધું આપશે.”
Stay Happy, Go Green, Love Nature!
મૂળ લેખ: અર્ચના દૂબે
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પાકિસ્તાનથી ભારત પોતાની એપિક કળા લાવ્યા, ગુજરાતમાં 22 ગામની 200 મહિલાઓને આપી રોજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો