ગેનાજી સુથાર પાકિસ્તાનના નગરપારકરથી 1971 માં પહેલા રાજસ્થાનના બાડમેર અને પછી બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવીને વસ્યા તે સાથે જ પાકિસ્તાનથી એક એવી કારીગરી પણ સાથે લઈને આવ્યા, જે કારીગરીમાં તેમના પુત્ર વિષ્ણુભાઈ સુથારે પરિવર્તન લાવી પોતાની આ પૈતૃક કારીગરીને દેશભરમાં પ્રખ્યાત કરી.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતાં વિષ્ણુભાઈ સુથાર જણાવે છે કે, “અમે જે કારીગરી કરીએ છીએ તેને ‘એપ્લિક વર્ક’ કહેવાય છે જેની કારીગરી પાકિસ્તાનમાં તો છે પરંતુ સમગ્ર ભારતમાં ફક્ત અમારી પાસે જ છે. અમે અહીંયા ભારત આવ્યા તેના 40 વર્ષ સુધી અને તે પહેલાં પણ દાદા પરદાદાના સમયથી આ કારીગરીના ઉપયોગથી ફક્ત ગાલીચા, પડદા, ઓશિકાના કવર, ચાદર વગેરે એવું બધું જ બનાવતા હતા. અને અત્યારે હજી પણ પાકિસ્તાનમાં રહેતા તેમના માસા, મામા, ફોઈના ઘરના કારીગરો ફક્ત અને ફક્ત આ બધી જ ચીજ વસ્તુઓ બનાવે છે.”

તેઓ આગળ જણાવે છે કે, “જયારે 1971 માં મારા પિતા ભારતમાં પ્રવેશ્યા ત્યારે તેઓ બીજા હજારો શરણાર્થીઓ સાથે બાડમેર જિલ્લાના બાખાસર ગામમાં બલવંતસિંહ ચૌહાણની જાગીરમાં રોકાયા. તે સમયે ઘણી એવી સંસ્થાઓ પાકિસ્તાનથી આવેલ શર્ણાર્થીઓમાંથી જે તે વિવિધ કામ, કારીગરીની બાબતમાં નિપુણ હોય તેમને અલગ તારવી કામ અપાતી હતી અને તેવી જ રીતે પિતાજીની પાસે આ ચાદર તથા પડદા બનાવવાની કારીગરી હતી જેના દ્વારા તે સંસ્થાએ તેમને પોતાને ત્યાં કામ આપ્યું અને આમ ધીમે ધીમે આગળ જતા અમે થરાદમાં સ્થાયી થયા.”

12 વર્ષ પહેલાં એપ્લિક વર્કની મદદથી સાડી તથા ડ્રેસ બનાવવાની શરૂઆત કરી
વિષ્ણુભાઈ જણાવે છે કે, “પિતાજીએ આખી જિંદગી ફક્ત જે તે સંસ્થા માટે મજૂરી લઇને કામ કર્યું. જયારે હું મોટો થયો ત્યારે મેં મારા પિતા પાસે આ એપ્લિક વર્ક શીખી તેને મારી રીતે ઢાળી આગળ વધવાનું નક્કી કર્યું. અને આ કારણે જ આજથી 12 વર્ષ પહેલાં અમારી અત્યાર સુધીની બધી પેઢીમાંથી મેં સૌ પ્રથમ ચાદર, કવર અને એ બધું બનાવવાની સાથે સાથે આ જ કારીગરીની મદદથી સાડી અને ડ્રેસ બનાવવાનું નક્કી કરી શરૂઆત કરી.”

“તે પછી અમે ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમોમાં પ્રદર્શન કરવા લાગ્યા સાથે સાથે ત્યાં આવતા ડિઝાઈનરો સાથે વાતચીત દ્વારા માહિતી અને જ્ઞાન મેળવી તેમને આપેલી સૂચનાઓને પણ અમલમાં મુકવા લાગ્યા. અત્યારે મારી આ કલા દ્વારા બનેલ સાડી તથા ડ્રેસ ગુજરાત તેમજ દેશભરમાં ખુબ પ્રખ્યાત છે. અને જાણકાર લોકો આ કલા પાછળ આકર્ષાઈને થરાદ સુધી મુલાકાત લેવા માટે પણ દોડી આવે છે. આ સિવાય ગુજરાતની સારી એવી ફેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી વખતો વખત ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આ કલા બાબતે અને મારી બનાવેલી સાડી તેમજ ડ્રેસનું અધ્યયન કરવા માટે પણ આવે છે.”

આપે છે 22 ગામની 200 જેટલી મહિલાઓને ઘેર બેઠા રોજગારી
વિષ્ણુભાઈ સાથે આગળ વધારે વાત થઇ તો તેમને જણાવ્યું કે તેઓ કઈ રીતે આ કાર્યને આરંભથી અંત સુધી લઇ જઈ તેને અંતિમ રૂપ આપે છે. તે માટે તેઓ થરાદથી લઈને સાંતલપુર સુધીના 22 ગામોની લગભગ 200 જેટલી મહિલાઓને તેમના દ્વારા બનાવવામાં આવેલ સાડી અને ડ્રેસ પર ડિઝાઇન બનાવવા માટે ટાંકા લેવાની મજૂરી આપી આ મહિલાઓને એક આજીવિકાની તક પુરી પાડવાની સાથે સાથે પોતાનું કામ પણ હળવું થાય તે રીતે મદદ પણ લે છે.

કેવી છે તેમની આ અનોખી કારીગરી
તેઓ અહીં તેમની આ કારીગરીની વિધિ અનુક્રમે જણાવે છે જેમાં સૌપ્રથમ તેઓ કાપડ લાવીને તેના પર ડિઝાઇન છાપે છે. ત્યારબાદ સુથારી કામ કરવાના ઓજારથી લાકડાના પાટ પર હથોડી અને છીણીના ઉપયોગથી કટ કરે છે અને તેને જોતા એવું જ લાગે કે જેમકે તેઓ કોઈ નક્શીકામ કરતા હોઈએ પછી આ કાપેલ કાપડના નીચે એક બીજું કાપડ મૂકી ઉપરના કાપડને વાળીને ટાંકા લેવામાં આવે છે અને છેલ્લે તે તૈયાર થાય છે. ટાંકા લેવાની ટ્રેનિંગ વિષ્ણુભાઈ દ્વારા જે તે ગામની મહિલાઓને તેમના ઘરે જઈને જ આપવામાં આવે છે.

દિવ્યા દત્તથી લઈને અજય દેવગણની રેડ મુવી સુધી પ્રખ્યાત થઇ છે તેમની આ કારીગરી
તેઓને જયારે કોઈ પ્રખ્યાત વ્યક્તિ દ્વારા તેમની મુલાકાત લેવામાં આવી હોય તે પૂછતાં વિષ્ણુભાઈ જણાવે છે કે, તેમની આ કારીગરીથી પ્રભાવિત થઈને સુનિલ દત્તના પુત્રી તથા સંજય દત્તના બહેન દિવ્યા દત્તે તેમને પોતાના ઘરે બોલાવી વિવિધ વસ્તુઓ બનાવડાવી હતી. આ સિવાય તેમણે પોતાનો એક ડ્રેસ રેડ મુવીના ડિઝાઇનરને આપ્યો હતો જે ફિલ્મની હિરોઈન ઇલિયાના ડી ક્રુઝે એક ગીતમાં પહેરેલો પણ દેખાય છે.

કોરોના કાળમાં પડેલી મુશ્કેલી
વિષ્ણુભાઈ કહે છે કે, કોરોનાના સમયમાં શરૂઆતમાં આજીવિકામાં અસર થઇ હતી પરંતુ ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનારબેન પટેલએ બહુ મદદ કરી. તે સિવાય ગુજરાત સરકારના એમ્પોરિયમ માટેના એકમ ગરવી ગુર્જરીનું પણ સારું એવું યોગદાન રહ્યું અને તે બન્ને એ ખુબ સપોર્ટ કર્યો અને તે કપરા કાળમાં પણ અમારો જેટલો પણ માલ બન્યો તેટલો માલ તેમણે ખરીદી લીધો.
વિષ્ણુભાઈ દ્વારા નિર્મિત સાડીનો ભાવ 5000 થી લઈને 50000 રૂપિયા સુધીનો છે જ્યારે ડ્રેસનો ભાવ 2000 થી લઈને 5000 રૂપિયા સુધીનો છે. જો તમે તમારા હિતેચ્છુ, પરિવાર કે મિત્રોને સાડી કે ડ્રેસની ભેટ આપવા ઇચ્છતા હોવ તો વિષ્ણુભાઈના જ આ 9879490555 નંબર પર કોલ કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 40 મંદબુદ્ધિવાળી બાળાઓની માતા બની સેવા કરે છે 80% દિવ્યાંગ જૂનાગઢનાં નીલમબેન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો