Search Icon
Nav Arrow
Sustainable Living
Sustainable Living

સિમેન્ટના જંગલ સમા અમદાવાદમાં મીનલબેનનું ઘર છે હરિયાળું,મહેમાનોને પણ ગિફ્ટમાં મળે છે છોડ

પ્રકૃતિ સાથે સુમેળ સાધી જીવે છે અમદાવાદનાં મિનલ બેન. તેઓ તો ફળ-ફૂલ અને ઔષધીના છોડ વાવે જ છે, સાથે-સાથે જે પણ ઘરે જાય તેને ભેટમાં મળે છે એક છોડ. ઘરમાં લગાવી સોલર કીટ અને સોસાયટીમાં કરાવ્યું રેન વૉટર હાર્વેસ્ટિંગ.

કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમ મળતાં ઘણા લોકો કિચન ગાર્ડનિંગ તરફ વળ્યા છે. જેમની પાસે જેટલી પણ જગ્યા હોય, તે પ્રમાણે શક્ય એટલી વસ્તુઓ વાવતા થયા છે, પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદના સેટેલાઈટમાં રહેતી એક એવી મહિલાની, જે વર્ષોથી કિચન ગાર્ડનિંગ કરે છે અને પર્યાવરણને અનુકૂળ જીવન જીવે છે.

આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં મીનલબેન પારેખે જણાવ્યું, “સ્વાસ્થ્ય માટે મને હંમેશથી કાચો સલાડ અને જ્યૂસ વધારે ગમે છે. તો બીજી તરફ ફળ-શાકભાજીમાં વધતાં જતાં રસાયણોના ઉપયોગ જોઈ વિચાર્યું કે, એવી વસ્તુઓ તો મારે ચોક્કસથી ઘરે ઑર્ગેનિક રીતે વાવવી જોઈએ, જેને હું કાચી ખાઉં છું. એટલે જ મેં કેટલીક ઔષધીઓ, કોથમીર, ફુદીનો, મરચાં, વગેરેથી શરૂઆત કરી અને અત્યારે તો ઘણાં શાકભાજી પણ વાવું છું.”

સિમેન્ટના જંગલ સમા આ શહેરમાં તેમના બંગલાના ગાર્ડનમાંથી તમને પપૈયાં, કેરી, રીંગણ, પાપડી, સુરતી પાપડી, ટીંડોળાં, વાલોળ, ગલકાં, આમલી, સૂરણ સહિત ઘણાં ફળ શાક-ભાજી મળી રહેશે. તેમને અલગ-અલગ પ્રકારની વનસ્પતિનો એટલો બધો શોખ છે કે, ક્યાંય પણ કોઈ નવો છોડ કે ઝાડ જોવા મળે તો તેની ડાળી કે બીજ લઈ આવે અને ઘરે વાવે. જેમાં તેમણે પિસ્તા અને વોકામોલે પણ વાવ્યાં.

Kitchen Gardening

તે ખાલી પોતાના માટે જ આ બધાં ઝાડ-છોડ વાવે છે એવું નથી, પરંતુ વધુમાં વધુ લોકો પણ પ્રકૃતિની નિકટ આવે એ માટે તેઓ જ્યારે પણ સમય મળે ત્યારે અલગ-અલગ ઝાડ-છોડનાં સેપલિંગ બનાવી રાખે છે. જેમાં ઘરમાં આવેલ પ્લાસ્ટિકના ડબ્બા, બોટ્લ્સ, બેગનો સદ-ઉપયોગ પણ થઈ જાય છે અને સેપલિંગ પણ બની જાય છે. તેઓ જ્યારે કોઈપણ મિત્ર સંબંધીને મળવા જાય ત્યારે સાથે એક છોડ ચોક્કસથી લઈ જાય, અને તેમને ભેટમાં આપો. તેમના ઘરે આવનાર મહેમાનોને પણ એક છોડ તો ચોક્કસથી મળે જ.

તો ઘરમાં વપરાતાં ફળ-શાકભાજીની છાલને ગાર્ડનમાં જ એક ખાડામાં ભેગી કરે છે અને તેમાંથી બનેલ ખાતરનો ઉપયોગ તેઓ કિચન ગાર્ડનિંગમાં કરે છે. આ ઉપરાંત આ બધા ઝાડ-છોડના વિકાસ માટે તેઓ ગૌમૂત્ર અને છાણિયા ખાતરનો પણ ઉપયોગ કરે છે, જેના કારણે તેમની જમીન ખૂબજ હેલ્ધી રહે છે અને ફળ-શાકભાજીનો ફાલ પણ સારો મળે છે. તો ઘરમાંથી નીકળતો કચરો પણ ઘટી જાય છે.

Ahmedabad Sustainable Home

તો બીજી પરફ તેઓ ગરમ પાણી માટે તેઓ સોલર વૉટર હિટરનો જ ઉપયોગ કરે છે, જેથી વિજળી કે રાંધણ ગેસનો બચાવ થાય. અત્યારે તેમના ઘરમાં સોલર પેનલ લગાવવાનું કામ પણ ચાલી રહ્યું છે, જેથી ભવિષ્યમાં તેમને વિજળીના મહત્તમ બિલમાંથી પણ છૂટકારો મળી શકે.

મિનલબેન રહે છે તે આમ્રશકુન બંગ્લોઝમાં તાજેતરમાં જ જાગૄત સભ્યોના પ્રયત્નોથી આખી સોસાયટીની ભેગી રેન વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન જે પણ વરસાદ પડે તે, બધાંના ધાબા પરથી સીધુ જમીનમાં ઉતરે અને ભૂસ્તર ઊંચુ આવે. જેના પરિણામ સ્વરૂપે પાણીની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.

Grow Organic Veggies

તેમની ગાડીમાં હંમેશાં બર્ડફીડર રાખે જ છે, જેથી જ્યાં પણ તેમને એમ લાગે કે, આ લોકો તેમના ઘરમાં કે ઘરની આસપાસ ફર્ડ ફીડર લગાવશે અને અંદર ચણ નાખશે, તેમને તેઓ બર્ડ ફીડર ચોક્કસથી આપે છે, જેથી પક્ષીઓને ચણ મળતું રહે અને આગામી પેઢીને પક્ષીઓ માત્ર ચિત્રોમાં જોવા મળે એવું ન બને. સિમેન્ટના જંગલ સમા શહેરમાં રહેવા છતાં તેમના ઘરમાં હરિયાળી હોવાના કારણે, આજે પણ પક્ષીઓનો કલરવ ચાલું જ રહે છે.

તો તેઓ સાઈકલિંગનાં પણ ખૂબજ શોખીન છે. સાયક્લોન સાઈકલિંગ ગૃપ અને રોડ સોલ્જર્સ ગૃપ સાથે પણ તેઓ સંકળાયેલાં છે અને અઠવાડિયામાં 4 દિવસ તેઓ વહેલી સવારે સાઈકલિંગ માટે નીકળી પડે છે.

Kitchen Gardening

આજકાલના સમયમાં બધાંને પૂરતી જગ્યા મળી રહે તે તો શક્ય નથી, પરંતુ જેટલી પણ જગ્યા છે એ પ્રમાણે થોડા-ઘણા છોડ ચોક્કસથી વાવવા જ જોઈએ. આજકાલ ખેતીમાં વધી રહેલ રસાયણોના ઉપયોગને જોતાં, જેની પણ પાસે જગ્યા હોય તેમણે ઑર્ગેનિક ગાર્ડનિંગ ચોક્કસથી કરવું જોઈએ. બીજી તરફ આ છોડ તમને તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે અને પ્રકૃતિની વધારે નજીક લાવે છે.
 
આ પણ વાંચો: જ્યાં જેસીબી પણ પાછું પડતું હતું ત્યાં આ શિક્ષક દંપતિએ ઊભુ કર્યું નંદનવન, શાક, ફળો અને ઔષધી બધુ જ ઘરમાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon