“પર્યાવરણને અનુકુળ જીવન જીવી આપણે પોતાનું જીવન અને સ્વાસ્થ્ય એકદમ સારું બનાવી શકીએ છીએ. પર્યાવરણ કોઈ અલગ વિષય નથી કે જેના માટે આપણે કંઇક અલગ કરવું પડે, પણ તમે અને આપણે સૌ આ પર્યાવરણનો જ ભાગ છીએ. તેથી આપણે જે કઈ પણ કરીએ છીએ તે બધું આપણા માટે જ કરીએ છીએ. જો પર્યાવરણ સ્વસ્થ અને સારું હશે તો આપણે પણ સ્વસ્થ અને સારા રહીશું.” આ શબ્દો છે ઉત્તરાખંડના દહેરાદુનમાં રહેતી 47 વર્ષીય અનીસા મદાનના.
છેલ્લા 12-13 વર્ષોથી પર્યાવરણ સાથે અનુકૂળ જીવન જીવવાના પ્રયાસો કરતી અનીસા વ્યવસાયે ગ્રાફિક ડીઝાઈનર અને કન્ટેન્ટ ડેવલોપર છે. તે પોતે પર્યાવરણ સંબંધિત અભિયાનોમાં આગળ રહીને ભાગ લે છે. પણ સૌથી વધુ પ્રેરણાદાયક છે તેમની અને તેમના પરિવારની જીવનશૈલી.
નાના નાના ફેરફાર કરીને શરૂઆત કરવાવાળી અનીસા આજે ગર્વથી પોતાની જીવનશૈલી વિશે કહી રહી છે. સાથે જ લોકોને પ્રેરણા પણ આપી રહી છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેમણે પોતાના વિશે કહ્યું.

નાનું ડગલું, મોટો બદલાવ
અનીસા કહે છે કે “મેં ફેશન ડીઝાઈનીંગની ડીગ્રી લીધી છે. પણ જયારે મેં ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરુ કર્યું ત્યારે મને સમજાયું કે આ પર્યાવરણ માટે ઘણું નુકશાનકારક છે. થોડા સમય સુધી મેં ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું ત્યારબાદ હું ગ્રાફિક ડીઝાઇનર તરીકે કામ કરવા લાગી. મારા કામ દરમિયાન મેં જોયું જ હતું કે આપણે પર્યાવરણને કેટલું બધું પ્રદુષિત કરી રહ્યા છીએ. આ બધા વચ્ચે મને ખબર પડી કે મને “એન્ડોમેટ્રીઓસીસ” છે. જયારે હું આ બીમારીનો ઈલાજ કરાવી રહી હતી ત્યારે મને ખબર પડી કે કેવી રીતે મેકઅપ, બ્લીચ, પેસ્ટીસાઈડ, સેનેટેરી નેપકીન વગેરે આપણા માટે કેટલા હાનીકારક સાબિત થઇ રહી છે.
તેમનું કેહવું છે કે પહેલા તેઓ વિચારતા હતા કે તેઓ પ્રકૃતિને અનુકુળ જ કામ કરશે. પણ પોતાની આ બીમારી વિશે જાણ્યા બાદ તેમને ખરેખર તે દિશામાં કામ કરવાનું શરુ કર્યું. ” મેં નાની નાની વસ્તુઓ પર ધ્યાન આપવાનું શરુ કર્યું, જેમ કે કચરાને અલગ કરવો, ભીના કચરાને બહાર ના ફેંકવો અને તેમાંથી ખાતર બનાવવું. સુકા કચરાને રીસાયકલ માટે આપવો. જેટલું બની શકે તેટલું ઈલેક્ટ્રોનિક વેસ્ટ એકદમ ઓછો કરવો. સાથે જ મેં પરિવારમાં ખાવાપીવામાં પણ ધ્યાન આપવાનું શરુ કર્યું. મેં પ્રયાસો કર્યા કે અમે વધુમાં વધુ શુદ્ધ અને સાત્વિક ખોરાક જમીએ.” અનીસાએ કહ્યું.

નાના નાના ફેરફાર જે અનીસા કરે છે
મુસાફરી કરતી વખતે તે વાસણો પણ સાથે લઇ જાય છે જેથી કોઈ પ્લાસ્ટિકના વાસણોમાં લેવું ન પડે.
દરેક પ્રકારના કામ માટે તે પ્લાસ્ટિક કે પછી પોલીથીનના બદલે કાપડની થેલી વાપરે છે.
ઘરમાં પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ એકદમ નહીવત છે. વાળ ધોવા માટે પણ શેમ્પુના બદલે વાળ ધોવાના સાબુ વાપરે છે. વાંસનું ટુથબ્રશ, લાકડાનો કાંસકો, આ સાથે જ મોઢું ધોવા માટે તે ઘરે જ ક્રીમ બનાવે છે.
ઘરે જે પણ પેપર આવે છે તેનો તે અપસાયકલ કે રીસાયકલ તરીકે ઉપયોગ કરે છે. જેમ કે જુના બીલોને ભેગા કરી કરીને તેનો ઉપયોગ નોટપેડ તરીકે કરવો.
પીરીયડ વખતે તેઓ કપડાના સેનેટરી નેપકીનનો ઉપયોગ કરે છે.
ઘરની સાફ સફાઈ માટે તેઓ જાતે જ બાયોએન્જાઈમ બનાવે છે જેથી હાનીકારક કેમિકલ વાળા ક્લીનર્સ ઘરમાં ન આવે.
રસોડામાં પણ કાચ અને સ્ટીલના જ વાસણોનો ઉપયોગ કરે છે
ઘરમાં બધું જ ફર્નીચર વપરાયેલું અને વાંસનું બનેલું છે.
પોતે જ ઉગાડે છે શાકભાજી
અનીસાએ કહ્યું કે તેમણે પોતાના ઘરમાં બગીચો પણ બનાવ્યો છે. આ બગીચામાં તેઓ જાતજાતની ઔષધિઓ ઉગાડે છે. તેઓ કહે છે કે “અમારા ઘરમાં કોઈ પણ પાંદડા વાળા લીલા શાકભાજી જેમ કે પાલક, મેથી, સાગ, ચોળી આ બધું બહારથી નથી આવતું. આના સિવાય ચાર-છો મહિના માટેનું લસણ પણ અમે ઘરે જ લગાવીએ છીએ. ગરમી અને ઠંડીની સીઝનના બધા જ શાકભાજી અમે ઘરે જ ઉગાડીએ છીએ જેથી વધુ શાકભાજી બહારથી ના લાવવા પડે.”

બગીચામાં વપરાતા ખાતર માટે ઘરમાં બનેલા ખાતરની સાથે સાથે છાણમાંથી બનેલા જૈવિક ખાતરનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે ઘરે જ શાકભાજી ઉગાડવાનું કારણ માત્ર એટલું જ છે કે પોતના પરિવારને શુદ્ધ જમવાનું મળી રહે. અનીસા પોતાના ઘરમાં રહેલા જુના કપડાઓને અલગ અલગ કામમાં લે છે અને જેટલા પણ સારા કપડા હોય છે તેને જરૂરિયાતમંદ લોકોમાં આપી દે છે. તે કહે છે કે જૂની ટી શર્ટ કાપીને તેમાંથી દોરડું બનાવે છે અને ઈલેક્ટ્રોનિક વેસ્ટને અલગતથી ભેગા કરે છે જેથી તેઓ રીસાયકલ માટે આપી શકે.
અનીસાનું કેહવું છે કે “અમે ટીવી કે પછી ઘડિયાળ માટે પણ રીચાર્જેબલ જ સેલ વાપરીએ છીએ જેથી વારંવાર બેટરી ફેંકવી ન પડે. ફોન અને લેપટોપના સંદર્ભમાં તેમણે કહ્યું કે અમે તે બાબતે પણ ઘણા જાગૃત છીએ. મેં મારો પહેલો ફોન અને લેપટોપ પણ છેલ્લા દસ વર્ષથી બદલ્યા નથી. હજી પણ અમે એ બંધ નથી કર્યા, કોઈ પણ કામ માટે તેને ઉપયોગમાં લઇ જ લઈએ છીએ.
સૌર ઉર્જાથી ચાલે છે ઘર
તેમણે કહ્યું કે લગભગ આઠ-નવ મહિના પહેલા તેમણે પોતાના ઘરમાં પાંચ કિલોવોટના સોલાર પ્લાન્ટ લગાવ્યા હતા. “સૌર ઉર્જા ઇકોફ્રેન્ડલીની સાથે સાથે પરવડે તેમ છે. રસોઈથી લઈને બાથરૂમમાં, ઘણી બધી જગ્યાએ વીજળીથી ચાલતા સાધનોનો વપરાશ થઇ શકે છે. પણ હવે વીજળીનું બીલ ઘણું જ ઓછું આવે છે. પહેલા અમારા ઘરે વીજળીનું બીલ ત્રણથી ચાર હજાર રૂપિયા આવતું હતું. પણ હવે માત્ર 400 થી લઇ 700 રૂપિયા આવે છે.
અનીસા કહે છે કે સૌર ઉર્જા વાપરવી એ સૌથી સારો નિર્ણય રહ્યો અને આગળ તેમની યોજના સૌર કુકર પણ લાવાની છે. આ ઉપરાંત તે પોતાના ઘરમાં “ગ્રે વોટર રિસાઈકલિંગ” અને “રેનવોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ” પણ લગાડવા માંગે છે. જો તમે પણ અ બધું અપનાવો તો ઘણી સરળતાથી પોતાની જીવનશૈલીને પર્યાવરણને અનુકુળ બનાવી શકો છો. જો તમે આ વાર્તાથી કોઈ પ્રેરણા મળી હોય અને તમે તેનો સંપર્ક કરવા માંગો છો તો તમે અનીસાને anisha007@gmail.com પર મેઈલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: વીજળી-પાણી મફત અને ખાવાનું બને છે સોલાર કુકરમાં, ભરૂચના આ પરિવાર પાસેથી શીખો બચતની ટ્રિક્સ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.