અમે તમને જણાવી રહ્યા છીએ અમદાવાદની એક એવી વ્યક્તિ વિશે, જેમણે ચકલીઓને બચાવવાનું મિશન ઉપાડ્યું છે.
“ઘરમાં ક્યારેક ચકલી આવી જાય તો મા તરત જ પંખો બંધ કરાવી દેતી, જેથી ચકલીને વાગી ન જાય. અને જો ચકલીએ ઘરમાં જ માળો બાંધી દીધો હોય તો જ્યારે પણ ઘરમાંથી ક્યાંક બહાર જઈએ ત્યારે એક બારી ખુલ્લી જ રાખવાનું કહેવામાં આવતું, જેથી ચકલી તેનાં બચ્ચાં પાસે આવી શકે,” આ વાત જણાવતી વખતે જગતજીના ચહેરા પર સંતોષ સ્પષ્ટ દેખાય છે. આજના જમાનામાં જ્યારે માણસો સાથેના સંબંધો ભૂલાઇ રહ્યા છે ત્યાં, અબોલ પ્રાણીઓ જગતજીનો છે જબરદસ્ત નાતો.

પક્ષીઓ સાથેનો તેમનો સંબંધ એટલો ગાઢ બની ગયો કે લોકો ઓળખે છે તેમને ‘સ્પેરો મેન’ ના નામે
ગુજરાતના અમદાવાદમાં જ જન્મેલ અને મોટા થયેલ જગત કિનખાબવાલાએ ફાઇનાન્સમાં એમબીએ કર્યું છે અને ત્યારબાદ વર્ષો સુધી કૉર્પોરેટ કંપનીઓમાં કામ કર્યું. આજે પણ તેઓ કૉર્પોરેટ કંપનીઓ માટે સીએસઆર કંસલ્ટન્ટ તરીકે કામ કરે છે. પરંતુ તેમને તેમના આ કામથી માત્ર તેમના નજીકના લોકો જ ઓળખે છે, બાકી બધા તેમને ‘સ્પેરો મેન’ ના નામથી જ ઓળખે છે, જેઓ ચકલીઓના સંરક્ષણ માટે કામ કરે છે. તેમના કામ અને સંશોધનથી દેશ-દુનિયાના ઘણા લોકોને પ્રેરણા મળી છે.
જગતજીએ ક્યારેય વિચાર્યુ નહોંતું કે, જે ઉંમરે લોકો રિટાયરમેન્ટ વિશે વિચારતા હોય ત્યારે તેઓ જીવનની નવી ઈનિંગ શરૂ કરશે. અત્યારે પણ તેમનો જોશ અને જુસ્સો એક યુવાન જેવો જ છે. તેમને જોતાં એમ જ લાગે કે, ઉંમર તો માત્ર સંખ્યા જ છે.

તેમના સુંદર બગીચામાં ચકલીઓના માળાઓને જોતાં જગતજી જણાવે છે કે, વર્ષ 2008 માં તેમણે એક હવાઇ યાત્રા દરમિયાન એક મેગઝીનમાં આર્ટિકલ વાંચ્યો હતો. આર્ટિકલ હતો, કેવી રીતે શહેરીકરણ અને ઔધ્યોગિકરણના કારણે ‘હાઉસિંગ બર્ડ્સ’ (માનવ વસાહત આસપાસ રહેતા પક્ષીઓની સંખ્યા) ઓછી થઈ રહી છે. બસ એ આર્ટિકલ મારા દિલમાં વસી ગયો અને મેં ફ્લાઇટની ક્રૂ મેમ્બરને વિનંતિ કરી મેગઝીન મારી સાથે લઈ લીધું. બસ એ જ દિવસથી આ બાબતે વાંચવાનું શરૂ કર્યું.
માત્ર વાંચવાનું જ નહીં, પરંતુ ચકલીઓ વિશેનું સંશોધન પણ શરૂ કરી દીધું. ઘરના બગીચાને ચકલીઓ માટે અનુકૂળ બનાવ્યું. ઘરની બહારની દિવાલો પર માટીના માળા લગાવ્યા અને પાણી પીવા માટે કૂંડાં અને દાણા માટે ખાસ ‘બર્ડ ફીડર’ લગાવ્યાં. જગતજીના ઘરમાં અત્યારે 26 પ્રકારના પક્ષીઓ આવે છે.
નાનકડી પહેલ બની ગયું જન અભિયાન
આ અંગે વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, એકવાર તેઓ કોઇની સાથે શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગયા. સ્કૂલમાં ગયા હતા તેમના મિત્રને મળવા, પરંતુ સ્કૂલમાં પગ મૂકતાં જ તેમને તેમના કામ માટેનો રસ્તો મળી ગયો. આ અંગે તેઓ જણાવે છે, “જો સમાજમાં કોઇ બદલાવ લાવવો હોય તો, તેના સંસ્કાર બાળકોને આપો. જો આગામી પેઢી જવાબદાર બનશે તો, બહુ મોટો બદલાવ જોવા મળશે.”

તેમને સ્કૂલના અધિકારીઓને તેમના કામ વિશે જણાવ્યું અને વહિવટીતંત્રની મદદથી શાળાનાં બાળકો માટે એક સેમિનારનું આયોજન કર્યું. આ સેમિનારમાં જગતજીએ બાળકોને ચકલીઓ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કર્યાં. ત્યારબાદ તેમણે એક સરળ ટેક્નિકથી ખોખાંથી ચકલીઓ માટે માળા બનાવવાનું શીખવાડ્યું.
જગત જણાવે છે કે, ત્યારબાદ શહેરની બીજી પણ ઘણી શાળાઓ અને સામાજિક સંગઠનોના ફોન આવવા લાગ્યા. તેમણે રેડિયો સિટી સાથે મળીને પણ એક એક્ટિવિટી કરી, જેમાં લગભગ 1800 બાળકો અને માતા-પિતાએ ભાગ લીધો.
આ અબોલ પક્ષીઓનું આપણા જીવનમાં મહત્વ જણાવતાં તેમણે કહ્યું કે, જેમ-જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, તેમ-તેમ આપણી બેઝીક ફૂડ ચેન ભૂલી રહ્યા છીએ. આ પશુ-પક્ષી આપણી ફૂડ ચેનનો જ ભાગ છે. અત્યારે રહેણાંક વિસ્તારોમાં ભાગ્યે જ કોઇ પક્ષી જોવા મળે છે, જ્યારે માણસો અને આ પક્ષીઓ તો એકબીજાનાં પૂરક છે. આપણે માણસો તેમના માટે ઘરની અગાશીમાં પાણી અને દાણા મૂકીએ છીએ, બગીચામાં કૂંડાં મૂકીએ છીએ અને તેના બદલામાં આ પક્ષીઓ એ બેક્ટેરિયા અને વાયરસ વગેરેને ખાય છે, જે માણસો માટે નુકસાનકારક છે. જો આ ફૂડ ચેનમાંથી આપણે આ પક્ષીઓને કાઢી નાખીએ, જેવું આજકાલ થઈ રહ્યું છે, તો તે માનવજાત માટે ખતરા સમાન છે. તેમણે તેમના આખા સંશોધન પર એક પુસ્તક પણ લખ્યું છે, જેમાં તેમના પ્રોજેક્ટ ‘સેવ ધ સ્પેરો’ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
કેવી રીતે મળ્યું ‘સ્પેરો મેન ઑફ ઈન્ડિયા’ નું ટેગ
ગુજરાત સરકારના ઈકોલૉજી વિભાગે રાજ્યમાં સમાજ માટે, પર્યાવરણ માટે સારું કામ કરી રહેલ કેટલાક લોકોનું સન્માન કરવાનું નક્કી કર્યું હતું, જેમાં એક નામ જગતજીનું પણ હતું. તેમના કામ વિશે જાણવા માટે વિભાગની ખાસ ટીમે તેમની સાથે-સાથે ડીપીએસ સ્કૂલની પણ તપાસ કરી.

અહીં ટીમના કહેવાથી સ્કૂલના આચાર્યએ કેટલાંક બાળકોને બોલાવ્યાં અને પૂછ્યું કે, શું તેઓ જગતજીને ઓળખે છે? તો બધાં જ બાળકોએ જવાબમાં ‘હા’ કહ્યું. ત્યારબાદ તેમને પૂછ્યું કે, તેમનું નામ શું છે? તો બધાં બાળકો ચૂપ થઈ ગયાં, પરંતુ એક બાળકે ખૂબજ ઉત્સાહથી કહ્યું, ‘સ્પેરો મેન.’
આ બાળકે કહેલ જગતજીના આ નામનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ માં તેમના અભિયાનની વાત કરી તેમનાં કાર્યોનાં વખાણ કર્યાં હતાં. વડાપ્રધાને તેમના આ કાર્યક્રમમાં આખા દેશને જગતાજીનાં કાર્યો વિશે જણાવતાં , “સ્પેરો મેન ઑફ ઈન્ડિયા” ના નામથી નવાજવામાં આવ્યા. તો ગુજરાતીમાં લોકો તેમને ‘ચકલી કાકા’ ના હુલામણા નામથી બોલાવે છે.

આ સિવાય અમેરિકામાં પણ ગયા વર્ષે જગતજીને ખાસ સેશન લેવા બોલાવવામાં આવ્યા હતા અને હવે તો વિશ્વભરમાંથી તેમને આમંત્રણ મળે છે. ઉલ્લેખનિય છે કે, દેશનાં 36 રાજ્યની 36 ભાષામાં ઈન્ડિયન સોશિયલ રિસ્પોન્સિબિલિટી નેટવર્કનું કલ્ચર મિનિસ્ટ્રી પબ્લિશ કરી રહી છે. જેનું અનાવરણ 11 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં શ્રી વૈકૈયા નાયડુએ કર્યું હતું, તે ખરેખર બહુ મોટી સિદ્ધી છે આપણા માટે.

ઈનોવેટિવ અને ઈકો-ફ્રેન્ડલી ટેક્નોલૉજીથી બનાવે છે માળા
જગતજી ચકલીઓના જીવન બચાવવા માટે જ નહીં પરંતુ તેમના માળા બનાવવા માટે પણ બહુ ફેમસ છે. આ અંગે તેઓ જણાવે છે, “હું બાળકોને ઘરમાં સરળતાથી મળી રહે તેવી વસ્તુઓમાંથી જ માળો બનાવવા માટે પ્રેરિત કરું છું. જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો, ચકલી હંમેશાં ઝાડના ખોખલા થડ કે ડાળીમાં તેનો માળી બનાવે છે, કારણકે તેની થોડી ખુલ્લી જગ્યાની જરૂર હોય છે. પરંતુ શહેરોમાં ઝાડ મળવાનાં મુશ્કેલ હોય છે અથવા ઘરના ગાર્ડનમાં રહેલ ઝાડ પર પણ માળા બનાવવા મુશ્કેલ હોય છે. એટલે મેં તેનો ઉપાય શોધ્યો.”
કોઇપણ જૂના ખોખા કે ડબ્બાને યોગ્ય જગ્યાએથી કાપીને માળો તૈયાર કરી તેને યોગ્ય જગ્યાએ લટકાવવામાં આવે તો, ચકલી તેમાં સરળતાથી માળો બનાવી શકે છે. આ સિવાય આ માળા માત્ર ચકલી માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ રચચાત્મક પ્રવૃત્તિ છે. બાળકોને ઈકો-ફ્રેન્ડલી રીતે માળા બનાવવા પ્રેરિત કરે છે.

આ અંગે તેઓ વધુમાં જણાવે છે કે, “મારા માર્ગદર્શનમાં દેશની અલગ-અલગ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમનાં ઘણાં સંશોધન કાર્યો અને પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. ઉડીસા, હરિયાણા વગેરેથી ઘણા જીવ વિજ્ઞાન પર અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ મારી સલાહ લે છે. સાથે-સાથે CEPT, NID જેવી સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમના આર્કિટેક્ટ પ્રોજેક્ટ માટે મારો સંપર્ક કરે છે.”
હું બસ તેમને એમજ કહું છું કે, ડિગ્રી લીધા બાદ કોઇને કોઇ માટે તો ઘર બનાવશો જ તો, કેમ તેની શરૂઆત આ અબોલ જીવો માટે ઘર બનાવવાથી કરે. તેમણે તેમની બધી જ મહેનત અને જ્ઞાનનો ઉપયોગ કરી ચકલીઓ માટે રચનાત્મક રીતે માળા બનાવ્યા.
અત્યાર સુધીમાં જગતજી 90,000 કરતાં પણ વધુ માળા બનાવી લોકોને વહેંચ્યા એ. જેના વિશે તેઓ જણાવે છે કે, જો આમાંથી 10% માળા પણ ચકલીઓ માટે કામમાં આવી જાય તો સમજવું કે, આપણું કામ થઈ ગયું.
આ માળાઓની ખાસ વાત તો એછે કે, તેના પર જગતજીનો નંબર પણ લખેલ હોય છે, જેથી ગમે ત્યારે કોઇને પણ જરૂર પડે તો, તેમને ફોન કરી શકે. સાથે-સાથે પક્ષીઓ માટે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ માળા પણ લખેલ હોય છે.

આ માટે તેમણે એક કંપનીની ખાલી જગ્યામાં પ્લાસ્ટિકની ખાલી બોટલોના ઉપયોગથી ‘સ્પેરો હાઉસ’ પણ બનાવ્યું છે. આ સ્પેરો હાઉસ માત્ર ચકલીઓ માટે જ નહીં, પરંતુ કંપનીઓમાં આવતા-જતા લોકોને પણ આકર્ષિત કરે છે. કંપનીમાં આવતા મહેમાનો આ સ્પેરો હાઉસને જોયા વગર નથી જતા.
માત્ર શહેરોમાં જ નહીં, ગામડાંમાં પણ પહોંચી તેમની ઝુંબેશ
જગતથી જણાવે છે, “એક દિવસ મોડી રાત્રે અચાનક એક ફોન અવ્યો. પહેલાં તો મન બેચેન થયું કે, આટલી રાત્રે કોણે ઊંઘ બગાડી. ફોન ઉપાડ્યો તો ખબર પડી કે, પાટણ ગામથી એક સજ્જને ખૂબજ સંકોચથી ફોન કર્યો છે.”

જગતજીએ ફોન કરવાનું કારણ પૂછ્યું તો એ સજ્જને જણાવ્યું કે, તેમના ઘરના એક ભાગમાં ચકલીએ માળો બનાવી ઈંડાં મૂક્યાં હતાં. તેમાંથી બચ્ચાં પણ બહાર આવી ગયાં. પરંતુ એ દિવસે અચાનક ચકલી પંખામાં આવી ગઈ. સાંજે તેઓ ઘરે આવ્યા ત્યારે ચકલીનાં બચ્ચાં તેની માંના મૃત્યુથી રડી રહ્યાં હતાં. આ અસહાય જીવોને જોઇ તેમનાથી રહેવાયું નહીં અને તેમણે જગતજીને ફોન કર્યો, કે આ બચ્ચાંને કેવી રીતે શાંત કરવાં.
જગતજીએ એકદમ શાંતિથી તેમની વાત સાંભળી અને લગભગ એક કલાક સુધી તેમને સમજાવ્યું કે, ચકલીનાં બચ્ચાંને કેવી રીતે શાંત પાડી શકાય. ત્યારબાદ જગતજીએ તેમને પૂછ્યું કે, તેમને તેમનો નંબર કેવી રીતે મળ્યો, તો એ સજ્જને જણાવ્યું કે, કોઇએ તેમણે બનાવેલ માળા પાટણમાં પણ વહેંચ્યા હતા. આ માળા પરથી જ તેમને નંબર મળ્યો.
તેમના આવા જ નાના-મોટા પ્રયત્નોથી અત્યાર સુધીમાં એક લાખ કરતાં પણ વધારે ચકલીઓને બચાવી શક્યા છે અને તેમનું સંવર્ધન કરી શક્યા છે. ચકલીઓના સંરક્ષણ સિવાય તેઓ પાણી અને ઝાડના બચાવ માટે પણ કામ કરી રહ્યા છે. તેમના દરેક કામ પાછળ માત્ર એકજ ઉદ્દેશ્ય છે કે, જે પ્રકૃતિ અને પર્યાવરણે આપણને જીવન આપ્યું છે, એ જ પ્રકૃતિને કઈંક પરત કરી શકાય.

અંતમાં એક સંદેશ આપે છે,
“આપણા જીવનની સાચી સફળતા શું છે, એ આપણે સમજવું જોઇએ. જો લાખો કમાઇને પણ આપણને સંતોષ ન થાય તો, આપણે વિચારવું જોઇએ કે, સાચી ખુશી ક્યાં છે. જરૂરી નથી કે, હું જે પણ કરું છું, તે જ તમે પણ કરો, પરંતુ દરેક વ્યક્તિનો કોઇને કોઇ ઉદ્દેશ્ય અને ધગશ હોવી જોઇએ. તમે જે પણ કરો, તેમાં જ પ્રયત્ન કરો કે, સમાજમાંથી તમને જેટલું મળ્યું છે, એટલું તમે પાછું આપી શકો. હવે જરૂરિયાત છે સમસ્યાઓ અંગે માત્ર વાત ન કરીએ, પણ તેનું સમાધાન શોધવાનો પણ પ્રયત્ન કરીએ.”
જગતજીનાં કામ અંગે વધુ જાણવા અને આ કાર્યમાં મદદ માટે તમે તેમને 9825051214 પર ફોન કરી શકો છો. સાથે-સાથે જો તમને લાગે કે, તેમનો એક માળો તમારા માટે કે તમારા કોઇ સંબંધી માટે કામમાં આવી શકે છે, તો બિંદાસ ફોન કરી મંગાવી શકો છો. કારણકે તેઓ મફતમાં જ માળા વહેંચે છે.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: ગરીબનાં બાળકો તહેવારોથી વંચિત ન રહી જાય એ માટે ખાસ કિટ પહોચાડે છે આ અમદાવાદી