સપનાઓને હકીકતમાં ખૂબ ઓછા લોકો બદલી શકે છે. પરંતુ છત્તીસગઢની વલ્લરી ચંદ્રાકર તેમાં અપવાદ છે. કૃષિ જગતમાં પ્રવેશ કરતા પહેલા વલ્લરી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ ભણાવતી હતી. પરંતુ એકવાર કોઈ કામને કારણે તે પિતાના ફાર્મ હાઉસ પર ગઈ અને ત્યાર બાદ તેના જીવનમાં એક નવો જ વળાંક આવ્યો. ત્યારબાદ 30 વર્ષીય વલ્લરી આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી છોડીને ખેતી કરવા લાગી.
શરૂઆતમાં 15 એકરમાં ખેતી કરનારી વલ્લરી 4 વર્ષમાં જ 45 એકરમાં ખેતી કરી રહી છે. રાયપુરથી લગભગ 88 કિમી દૂર બાગબહારાના સિર્રી ગામમાં રહે છે.
વલ્લરીએ 2016માં 15 એકર જમીનથી ખેતીની શરૂઆત કરી હતી. ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી તેમણે માર્કેટમાં નવુ સ્થાન બનાવ્યું છે. માર્કેટિંગ અને એન્જિનિયરિંગના 7 સહાયકો સહિત અનેકને રોજગારી આપી રહી છે.

વલ્લરીએ નોકરી છોડીને ખેતી કરવાનો નિર્ણય કર્યો લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી. પરંતુ તેણી હાર ન માની. જો કે આજે વલ્લરીના ખેતરમાં ઉગતા શાકભાજીની માંગ દેશની સાથે સાથે વિદેશમાં પણ છે.
વલ્લરીને અહીં સુધી પહોંચવા સુધીમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેણી એક દિવસ રજાઓમાં ગામડે ગઈ હતી, જ્યાં તેને લાગ્યું કે, ખેતીને પરંપરાગત રીતે કરવાને બદલે અલગ રીતે કરી શકાય છે અને સારું વળતર પણ રળી શકાય છે. તેણીએ પોતાના આ વિચારોથી તેના પિતાને અવગત કરાવ્યા. તેમાં સૌથી પહેલા તેણીએ પિતાને સમજાવવા પડ્યા. ઘરમાં ત્રણ પેઢીથી કોઇએ ખેતી કરી ન હતી. તેના પિતા જે જમીન ફાર્મહાઉસ બનાવવા માટે ખરીદી હતી. તેના પર વલ્લરીએ ખેતી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

વલ્લરી મુજબ, પરિવારને સમજાવવામાં ખૂબ મુશ્કેલી પડી કે, કોઈ છોકરી સારી એવી નોકરી છોડીને ખેતીમાં કેવી રીતે આવી ગઈ.પરંતુ હું હિંમત હારી નહીં અને છેવટે તેમને પણ ખેતી પ્રત્યેની ગંભીરતા અને મહેનતને જોઈને સમજાયું કે ખેતી મારા માટે કેટલું મહત્વની છે. ત્યાર બાદ શક્ય એવો તમામ સહોયગ કરવા લાગ્યા. હવે પિયરની સાથે સાથે સાસરિયાઓને પણ ગર્વ થઈ રહ્યું છે.
વલ્લરીએ આગળ કહ્યું કે, લોકો છોકરી સમજીને મારી વાત ગંભીરતાથી લેતા ન હતા. ખેતરમાં કામ કરતા લોકોની સાથે વધુ સારી રીતે કોમ્યુનિકેશન થઇ શકે તે માટે છત્તીસગઢી ભાષા શીખી. સાથે જ ખેતીની નવી ટેક્નોલોજી ઇન્ટરનેટ પરથી શીખી. જોયું કે ઇઝરાયેલ, દુબઇ અને થાઇલેન્ડ જેવા દેશોમાં કેવી રીતે ખેતી કરવામાં આવે છે. ઉત્પાદિત થયેલા શાકની સારી ક્વૉલિટી જોઇને ધીમે-ધીમે ખરીદદારો પણ મળવા લાગ્યા.

વલ્લરીએ વધુમાં કહ્યું કે, ગામના લોકો પરંપરાગત રીતે ખેતી કરતા હતા. પરંતુ તેમાં ખર્ચ વધુ આવતો હતો જ્યારે ઉત્પાદન અને ફાયદો ઓછા હતા. મેં આ સ્થિતિ બદલવાની દીશામાં પગલું ભર્યું અને ઓછો પાણી ખર્ચ થાય એટલે ઇઝરાયેલી ડ્રિપ ઈરિગેશન ટેકનોલોજીની મદદ લીધી. થાઈલેન્ડ અને અન્ય સ્થળોએથી સારી જાતનું બિયારણ મગાવ્યું, જેને કારણે ઉત્પાદનમાં વધારો થયો.
શરૂઆતમાં વલ્લરી કારેલા, કાકડી, બરબટી, લીલા મરચાંની સાથે ટમેટા અને દૂધીની ખેતી કરતી હતી. પરંતુ હવે તેણીએ ખેતીનો વ્યાપ વધારીને કેળા, જાંબુ અને હળદરની પણ ખેતી શરૂ કરી છે. ભવિષ્યમાં આ પાકોના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ પણ લગાવશે. વલ્લરી કહે છે કે, ખેતી સંબંધી કામમાં સરકારનો ખૂબ સહયોગ મળી રહ્યો છે અને સરકારી સહયોગથી જ ખેતીમાં આગળ વધી રહી છું.
2012માં કોમ્પ્યુટર સાયન્સમાં M.tech કરનારી વલ્લરી હાલ ટ્રેક્ટરથી ખેતી કરવાથી લઈ પાક ઉત્પાદન, તેનું માર્કેટિંગ અને પેકેજિંગ સુધીના કામ પર દેખરેખ રાખે છે. તેમજ ઈન્ટરનેટ પરથી ખેતીની નવી ટેકનિક પણ શીખી છે.

સાંજે પાંચ વાગે ખેતરમાં કામ બંધ થઇ જાય છે. ત્યારબાદ ત્યાં વલ્લરીનો ક્લાસ શરૂ થાય છે. ગામની છોકરીઓ આત્મનિર્ભર બની શકે તે માટે દરરોજ અંગ્રેજી અને કોમ્પ્યુટર શીખવાડે છે. ખેતરમાં કામ કરતા ખેડૂતો મેટ વર્કશોપ પણ ઓર્ગેનાઇઝ કરે છે, જેમાં તેમને ખેતીની નવી રીતો શીખવે છે.
27 ઓગસ્ટ 1990ના રોજ જન્મેલી વલ્લરીના ગત વર્ષે જ લગ્ન થયા છે. આમ છતાં ખેતીને લઈ તેનું પેશન એવુંને એવું જ છે. તેના ખેતરમાં થતા શાકભાજી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં જાય છે. તેણીને વિદેશમાંથી પણ ઓર્ડર મળી રહ્યા છે. જો કે લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. પરંતુ તેણી માને છે કે, આ એક કામ ચલાઉ સમસ્યા છે, કોરોનાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ હંમેશા રહેવાની નથી. તે ઉત્સાહથી પોતાના કામમાં લાગેલી છે.

વલ્લરી કહે છે, ઘણા લોકો સપના જુએ છે, પણ તેના માર્ગમાં આવતી મુશ્કેલીઓથી ગભરાઈને પોતાના સપનાઓને મારી નાંખે છે. એવા લોકોને મારી એટલી જ સલાહ છે કે, રસ્તો છોડોવાને બદલ પોતાની જિદ્દથી સપનાઓને હકીકતમાં બદલવાનો પ્રયાસ કરો.
(જો તમને આ સ્ટોરીથી પ્રેરણા મળી હોય તો તમે વલ્લરી ચંદ્રાકરનો vallari2708@gmail.com પર સંપર્ક કરી શકો છો)
મૂળ લેખ: પ્રવેશ કુમારી
આ પણ વાંચો: લખનઉની વિદ્યાએ પોતાના ઘરને જ બગીચો બનાવી દીધું, બાલ્કની તો એવી કે રસ્તે જતા લોકો પણ ઊભા રહી જાય