બેન્કમાં નોકરી કરતા ઉન્મિલ હાથી પોતે તો પૈસે ટકે સધ્ધર છે, પરંતુ નોકરીએથી આવતાં જતાં તહેવાર સમયે ગરીબ બાળકોને ગંદાં કપડાંમાં ફરતાં જુએ એટલે તેમનો જીવ બળી જતો. તેમને હંમેશાં એમજ થતું કે, આપણી પાસે તો પૂરતા પૈસા છે એટલે આપણે દરેક તહેવારને માણી શકીએ છીએ, પરંતુ આ બાળકોને તો તહેવારની ઓળખ પણ નહીં હોય, તો પછી તેને ઉજવવાની તો વાત જ અલગ. તેમણે તેમના મનની વાત કેટલાક મિત્રોને કરી અને ત્યારથી શરૂ થઈ તેમની સેવાની સફર.

ગરીબો પણ ઉજવી શકે તહેવાર
વર્ષ 2016 માં તેમણે ‘કર્તવ્ય’ નામનું ગૃપ બનાવ્યું. જેમાં તેઓ દર તહેવારે ખાસ કીટ બનાવીને ઝૂંપડપટી વિસ્તારો અને ફૂટપાથ પર જઈને લોકોને આપે છે. ઉત્તરાયણ યોગ તો પતંગ દોરી, મમરાના લાડું, ચીક્કી વગેરે, તો દિવાળી હોય તો, રસોઇના સામાન સાથે મિઠાઇ અને મીણબત્તી, જેથી એ લોકો પણ તહેવારોથી વંચિત ન રહી જાય.

બાળકોની એક સ્માઇલ કરી દે છે ખુશ
આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં ઉન્મિલભાઇ જણાવે છે, “તહેવારો સિવાય પણ જ્યારે પણ સમય મળે ત્યારે અમે આ વિસ્તારોમાં જઈને બાળકોને રમકડાં, બિસ્કિટ્સ, જ્યૂસ, ફળ-ફળાદી વગેરે આપીએ છીએ. તેમની એક સ્માઇલથી જાણે જગ જીત્યા હોઇએ એટલી ખુશી થાય છે દિલને. જ્યારે પણ અમે ત્યાં જઈએ ત્યારે ત્યાંના લોકો અને બાળકો અમે ઓળખી જાય છે અને અમને મળવા દોડી આવે છે, આ જ તો માણસાઇનો સાચો સંબંધ છે.”

પ્રોત્સાહનની જરૂર હોય છે દરેક બાળકને
સાથે-સાથે ગરીબ બાળકોને ભણવામાં અને ઈતર પ્રવૃત્તિઓ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં પણ પાછળ નથી ઉન્મિલ ભાઇ. તેઓ ગરીબ વિસ્તારોની શાળાઓમાં 15 ઑગષ્ટ તેમજ 26 જાન્યુઆરીએ જઈને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાવે છે અને વિજેતાઓને શિલ્ડ અને ઇનામ વિતરણ પણ કરે છે, જેથી તેમને જીવનમાં આગળ વધવાનું પ્રોત્સાહન મળે.

ક્યાંક રમકડાં તો ક્યાંક ગરમ કપડાં, ખુશ કરી દે છે લોકોને
શિયાળામાં આપણે ઘરમાં રજાઇનો ગરમાવો લેતા હોઇને તે એક છાપુ ઓઢી ઠંડીમાં ટળવળતાં ગરીબોને જોઇને દિલ કંપી ઊઠતું ઉન્મિલ ભાઇનું. તેમણે આસપાસના લોકો પાસે પહેરવા યોગ્ય કપડાં ભેગાં કરી ઝૂંપડપટ્ટી વિસ્તારો અને ફૂટપાથ પર ઠંડીમાં ટળવતા લોકોને આપવાનું શરૂ કર્યું. આપણા ઘરમાં બાળક એક રમકડું માંડ એક મહિનો રમે, પરંતુ ગરીબોને તો એક રમકડું મેળવવું પણ સપના બરાબર હોય છે. તો ઉન્મિલ ભાઇએ આ રીતે રમકડાં પણ ભેગાં કરી ગરીબ બાળકોને પહોંચાડવાનું શરૂ કર્યું.

ભૂખ્યાને ભોજન અને જરૂરિયાતમંદને દવા પહોંચાડી
ઉન્મિલ ભાઇ જણાવે છે કે, કોરોનાના કપરા કાળ અને લૉકડાઉનમાં તેમને લોકોની સેવા કરવાની વધારે તક મળી. ક્યાંક કોઇ વિસ્તારમાં રોજિંદી રળી ખાતા લોકોને જઈને અનાજની કીટો આપી તો જે લોકોની નોકરી છૂટી ગઈ હોય કે પછી પગાર મળતો ન હોય તેમને પણ કરિયાણું પહોંચાડ્યું. તે સમયે પ્રવાસી મજૂરો કામ નથી એમ વિચારીને ચાલતા ચાલતા પોતાના વતન જવા નીકળી પડતા. આવા કોઇ સમાચાર મળે તો તેઓ તરત જ ત્યાં પહોંચીને પહેલાં તો તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરતા પછી તેમને આગળ મોકલવાની વ્યવસ્થા કરતા.

આ સિવાય ક્યાંય પણ ખબર પડે કે કોઇ હોસ્પિટલમાં દાખલ છે અને લોહીને જરૂર છે તો તેઓ તેમના બ્લડ ગૃપની જાણકારી મેળવી સત્વરે તેમને પહોંચાડે. ક્યાંક કોઇ કહે કે, ઘરે બીમાર છે અને કોઇ દવા લેવા પણ જઈ શકે તેમ નથી તો, તરત જ સક્રિય થઈ જાય. વહેલી સવાર હોય કે મોડી સાંજ, સેવાના કામમાં હંમેશાં તૈયાર હોય ઉન્મિલ ભાઇ અને તેમના મિત્રો.
ધ બેટર ઈન્ડિયા પણ સલામ કરે છે આવાં સદકાર્યોને અને ઉન્મિલ ભાઇ આગળ પણ આવાં કાર્યો ચાલુ રાખે તેવી શુભકામના પાઠવે છે. તમે પણ તેમનાં કાર્યો વિશે જાણવા ઇચ્છતા હોય તો ઉન્મિલ ભાઇનો સંપર્ક કરો 94085 06464 નંબર પર.
વીડિયો જુઓ:
આ પણ વાંચો: આ ગુજરાતી આચાર્ય છેલ્લા 17 વર્ષથી વિદ્યાર્થીઓ માટે શાળામાં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી