કચ્છી માડું ધારે તો શું ન કરી શકે!? કચ્છની ખમીરવંતી પ્રજા ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવાની હિંમત ધરાવે છે. કચ્છના લોકોએ દેશમાં જ નહીં, વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે. વરસાદની અનિશ્ચિતતા વચ્ચે પણ કચ્છમાં પાકતી કેસર કેરી, ખારેક, પપૈયા, દાડમ, કેળા, સરગવો ખૂબ લોકપ્રીય છે. કચ્છના જ અમુક ખેડૂતોની કોઠાસૂઝ અને મહેનતને પગલે આગામી વર્ષોમાં આપણને હવે ‘કચ્છી સફરજન’નો સ્વાદ માણવા મળશે! કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરા (રોહા) ગામના શાંતિલાલ દેવજીભાઈ માવાણી આવા જ એક ખેડૂત છે. શાંતિલાલે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશની ઠંડીમાં ઉગતા સફરજન કચ્છના ધોમધખતા તાપમાં ઉગાડી બતાવ્યા છે. અહીં એ નોંધવું રહ્યું કે હિમાચલ પ્રદેશમાં સફરજનનો છોડ શૂન્ય ડિગ્રી તાપમાનમાં થાય છે, જ્યારે કચ્છમાં ઉનાળામાં તાપમાન 47-48 ડિગ્રી સુધી પહોંચી જાય છે.
ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીતમાં શાંતિલાલ માવાણી જણાવે છે કે, તેમને કચ્છમાં સફરજન ઉગાડવાની પ્રેરણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના એક ભાષણ પરથી મળી હતી. જેમાં તેમણે ભૂકંપ બાદ કચ્છને સાથે મળીને કાશ્મીર બનાવવાની વાત કરી હતી. તેઓની આ જ વાત પરથી શાંતિલાલના મગજમાં એક ચમકારો થયો અને તેમને વિચાર આવ્યો કે કચ્છને કાશ્મીર બનાવવું હોય તો આપણે શા માટે અહીં સફરજન ન ઉગાડી શકીએ? શાંતિલાલે પોતાના આ વિચારને મૂર્તિમંત કરવા માટે તપાસ શરૂ કરી અને કચ્છમાં જ સફરજનની ખેતી કરવાની નેમ લીધી. આ ઉપરાંત ખેતીની જમીન દિવસેને દિવસે ટૂંકી થતી જાય છે ત્યારે નાના ખેડૂતોની કેવી રીતે મદદ કરી શકાય તેવો પણ એક વિચાર તેમના મગજમાં હતો.

પાંચ વર્ષની મહેનત અંતે ફળી
સફરજનની ખેતી વિશે શાંતિલાલ ધ બેટર ઇન્ડિયાને જણાવે છે કે, “વર્ષ 2015થી મેં સફરજનની ખેતી માટે પ્રયાસ શરૂ કર્યા હતા. એ વખતે એક વેરાયટી પસંદ કરી હતી. જેમાં એક ઇટાલીયન જાતની રેડ ડિલિસિયસ હતી. આ છોડની ખાસિયત એવી છે કે તેને બરફ અને શૂન્ય ડીગ્રીવાળું તાપમાન માફક આવે છે. અમને આ છોડ ઉગાડવામાં સફળતા મળી પરંતુ તેનો ગ્રોથ નથી થઈ રહ્યો અને તેમાં કોઈ ઉત્પાદન થાય તેવું લાગતું નથી. બીજી વેરાયટી સિડલિંગ હતી. જેમાં બીજમાંથી છોડ ઉછેરવામાં આવે છે, જે બાદમાં તેનું ગ્રાફ્ટિંગ (કલમ) કરવામાં આવે છે. આ વેરાયટીની ખાસિયત એવી છે કે તેમાં પાંચ વર્ષે ફૂલ અને ફળ આવે છે. આ છોડનું વાવેતર થયાના સાડા ત્રણ વર્ષ થયા છે. આથી દોઢ વર્ષ રાહ જોવાની હોવાથી અમે હિમાચલ પ્રદેશમાંથી બીજી ત્રણ વેરાયટી મંગાવી હતી. આ વખતે અલગ અલગ ત્રણ વેરાયટી મંગાવી હતી, જેમાં અન્ના, હરમન 99 અને ડોરસેટ ગોલ્ડ સામેલ છે. આ ત્રણેય વેરાયટીના મૂળનો ટિસ્યૂ કલ્ચર પદ્ધતિથી લેબોરેટરીમાં ઉછેર કરવામાં આવે છે. જે બાદમાં તેને જમીનમાં રોપવામાં આવે છે. વર્ષ બાદ આંગણી જેટલું થડ થાય છે. જેના પર ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. જે બાદમાં તેને જમીનમાં રોપી દેવાનું હોય છે. આ વેરાયટીની ખાસિયત એવી છે કે તેમાં છોડની ઊંચાઈ 10 ફૂટ જેટલી થાય છે અને બે જ વર્ષમાં ફૂલ અને ફળ આવવા લાગે છે. આ છોડ 45થી 48 ડિગ્રી તાપમાન સહન કરી શકે છે.”

સફરજનની ખેતી માટે માવજત
શાંતિલાલ જણાવે છે કે, “સફરજનની ખેતી પ્રમાણમાં સરળ છે. હું ત્રીજા અખતરામાં જે છોડ લાવ્યો હતો તેનું વાવેતર કરીને મેં તેને કુદરતના ભરોસે છોડી દીધા હતા. છોડને રોપતી વખતે તેમાં ગાયનું ડી-કમ્પોસ્ટ કરેલું સેંદ્રિય (સજીવ) ખાતર ઉમેર્યું હતું. આ ઉપરાંત છોડ ઉપર જીવાત ન આવે તે માટે બેક્ટેરિયાનો છંટકાવો કર્યો હતો. આ માટે મેં પંચગવ્ય આધારિક તૈયાર કરાયેલા ‘ગૌ અમૃતમ બેક્ટેરીયા’નો ઉપયોગ કર્યો હતો. છોડને રોપતી વખતે આ બેક્ટેરીયાનું જમીનમાં ડ્રેન્ચિંગ (જમીનમાં ભેળવવું) કર્યું હતું અને બાદમાં છોડ પર પણ તેનો છંટકાવ કર્યો હતો. જેનું પરિણામ ખૂબ સારું મળ્યું હતું. હું પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતો હોવાથી આ છોડ માટે કોઈ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી.” વધુમાં તેઓ કહે છે કે સફરજનના છોડની રોપણી માટેનો યોગ્ય સમય ડિસેમ્બર-જાન્યુઆરી એટલે કે ઠંડી ઋતુ છે. બે વર્ષ બાદ તેમાં જાન્યુઆરીમાં જ ફૂલ આવે છે. જે બાદમાં ફળ પાકતા છ મહિના જેટલો સમય લાગે છે. શાંતિલાલે પોતાના ખેતરમાં 70થી 80 છોડ વાવ્યા હતા. જેમાંથી કેટલાક છોડ બળી ગયા હતા. હાલ તેઓ 65 જેટલા છોડની માવજત કરી રહ્યા છે.

2021માં ઉત્પાદનના આંકડા મળશે
એપલની ખેતી બાદ કેટલું ઉત્પાદન મળશે તેના વિશે શાંતિલાલે જણાવ્યું હતું કે,”સામાન્ય રીતે છોડમાં પ્રથમ વખત ફૂલ આવે તેને તોડી નાખવામાં આવે છે. જેનાથી છોડનો ગ્રોથ થઈ શકે. છોડ જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ ઉત્પાદન વધતું જાય છે. નર્સરીવાળા લોકોનો દાવો છે કે પુખ્ત છોડમાં એક સિઝનમાં 70થી 80 કિલો ફળ આવે છે. ટ્રાયલ બેઝમાં અમે રૂપ-રંગ અને સ્વાદ જોયો હતો. હવે પછીની સિઝનમાં એક છોડમાં કેટલા ફળ આવશે તેના વિશે ચોક્કસ માહિતી જાણી શકાશે. પ્રથમ વર્ષે ટ્રાયલ બેઝમાં એક છોડમાં 15થી 35 જેટલા ફળ આવ્યા હતા. જેમાં એક ફળનું વજન 100થી 150 ગ્રામ હતું. 2021ના વર્ષમાં ઉત્પાદન અંગે ચોક્કસ આંકડા મળી શકશે.”
એક છોડ પાછળ 500 રૂપિયા ખર્ચ
શાંતિલાલને સફરજનનો એક છોડ વાવવા માટે અંદાજે રૂ. 500 જેટલો ખર્ચ થયો હતો. જેમાં 300 રૂપિયાની આસપાસ છોડની કિંમત (લાવવા સુધીનો ખર્ચ) તેમજ રોપણી, ખાતર અને નિંદામણ અને મજૂરી સામેલ છે. આ વિશે શાંતિલાલ જણાવે છે કે, બીજા વર્ષથી છોડનો 300 રૂપિયાનો ખર્ચ બાદ થઈ જશે. એટલે કે બીજા વર્ષથી ખાતર અને મજૂરી ખર્ચ જ થશે. આ ઉપરાંત જેમ જેમ ઝાડનો ગ્રોથ થતો જશે તેમ તેમ તેની માવજત પાછળ મજૂરી અને ખાતરનો ખર્ચ પણ વધતો જશે.

છોડને વધારે પાણી/તડકાથી બચાવવા ઉપાય
કચ્છમાં ઉનાળામાં 45-48 ડિગ્રી સુધી તાપમાન પહોંચે છે. આ ઉપરાંત જમીન પણ રેતાળ હોવાથી છોડને ગરમી વધારે લાગે છે. આ કારણે છોડ બળે નહીં તે માટે શાંતિલાલે છોડ ઉપર બે મીટર પહોળી નેટ લગાવી છે. જેના પગલે છોડને તડકાથી રક્ષણ મળે છે. શાંતિલાલ કહે છે કે જો આની જગ્યાએ નેટ હાઉસ ઊભું કરવામાં આવે તો તેનાથી વધારે ફાયદો મળી છે. આવું કરતા ફળમાખી અને પક્ષીથી પણ તેને રક્ષણ મળે છે. આ ઉપરાંત સફરજનના છોડને વહેતું પાણી માફક આવે છે. એટલે જો તેના થડમાં પાણી ભરાયેલું રહે તો છોડ બળી જાય છે. આ માટે શાંતિલાલે ઝાડની બાજુમાં દોઢ ફૂટ ઊંચા માટીના પાળા કરી દીધા છે. જેના કારણે થડમાં પાણી ભરાયેલું રહેતું નથી. શાંતિલાલે છોડની રોપણી કરતી વખતે બેડ (માટીના ઊંચા પાળા) બનાવીને ડ્રીપ (ટપક) સિંચાઈથી તેનો ઉછેર કર્યો હતો. બીજું કે જો કાળી માટી હોય અને તેની નીતાર શક્તિ ઓછી હોય તો આવા કેસમાં દોઠ ફૂટ ઊંચા અને ચાર ફૂટ પહોળા બેડ બનાવીને છોડને રોપવામાં આવે તો છોડને પાણી ભરાયેલું રહેવાથી થતા નુકસાનથી બચાવી શકાય છે, એવું શાંતિલાલનું માનવું છે. વિશેષમાં કે સફરજનના છોડને નડતરૂપ ન થાય તે રીતે જમીનમાં બીજા પાક પણ લઈ શકાય છે.
ભવિષ્યમાં કચ્છમાં જ છોડનું સંવર્ધન કરવાનો વિચાર
કચ્છમાં સફરજનની ખેતી કરવા બાબતે શાંતિલાલ દૂરંદેશી વિચાર ધરાવે છે. બીજા વર્ષે ઉત્પાદનલક્ષી આંકડા મળી ગયા બાદ તેઓ કચ્છમાં જ આ છોડનું સંવર્ધન કરીને સફરજનની ખેતી કરવા માંગતા અન્ય ખેડૂતોની મદદ કરવાનો ઉમદા વિચાર પણ ધરાવે છે. શાંતિલાલ કહે છે કે કચ્છના ખેડૂતોએ રોપા માટે છેક હિમાચલ પ્રદેશમાં લાંબુ ન થવું પડે તે માટે અહીં જ છોડનું સંવર્ધન કરવાનું વિચારી રહ્યા છે. તેઓ કહે છે કે સફરજનના છોડને શું ગમે છે અને આપણે કેવી માવજત કરવાની રહે છે તેના વિશે અમે પૂરેપૂરું સંશોધન કરી લીધું છે. ભવિષ્યમાં ‘SDM 2020’ જેવું બ્રાન્ડ નેમ બનાવવાનું પણ તેઓ વિચારી રહ્યા છે.

1989માં દેશી આંબામાં ગ્રાફ્ટિંગનો અખતરો કર્યો
એપલના વાવેતરમાં સફળ રહેલા શાંતિલાલ જણાવે છે કે, “નખત્રાણા તાલુકાનો આખો પટ્ટો બાગાયતી ખેતી માટે પ્રસિદ્ધ છે. મેં 1989ના વર્ષમાં સૌપ્રથમ વખત દેશી આંબામાં ગ્રાફ્ટિંગ કરીને પાંચ ઝાડ તૈયાર કર્યા હતા. પરિણામ સ્વરૂપ આજે નખત્રાણા અને માંડવી તાલુકો કેસર કેરી માટે ઉત્પાદનલક્ષી થઈ ગયા છે. અહીં ખૂબ મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર થયું છે.”
અભ્યાસ બાદ સીધા બાગાયતી ખેતીમાં ઝંપલાવ્યું
શાંતિલાલે માવાણીએ ઓલ્ડ એસ.એસ.સી સુધીનો અભ્યાસ કર્યો છે. સ્કૂલ છોડ્યા બાદ 1973થી તેમણે બાગાયતી ખેતીમાં ઝંપલાવી દીધું હતું. તેઓ દાડમ અને આંબાનું સંવર્ધન પણ કરે છે. આ ઉપરાંત ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે તેઓને અન્ય ફળોના છોડ પણ પૂરા પાડે છે. શાંતિલાલનો ઉદેશ્ય છે કે લોકોને રોગમુક્ત ફળો આપવા. આ માટે જ તેઓ પ્રાકૃતિક ખેતીને જ પ્રાધાન્ય આપે છે. શાંતિલાલ કહે છે કે, “આજથી 20 વર્ષ પહેલા હું જ્યારે પ્રાકૃતિક ખેતી કે પાક વિશે વાત કરતો ત્યારે લોકો મારા પર હસતા હતા. આજે એ જ લોકો સ્વીકારી રહ્યા છે કે હવે પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળીએ તો લોકો આપણને પૂછશે નહીં. લોકોને ભલે પ્રાકૃતિકની કદર ન હોય પરંતુ ખેડૂતોએ પોતાનો પ્રયાસ ક્યારેય છોડવો જોઈએ નહીં. આજે એક વર્ગ પ્રાકૃતિક વસ્તુનો જ આગ્રહ રાખતો થયો છે.”

શાંતિલાલ જણાવે છે કે, તેમના બાપદાદા પણ જે તે સમયે કચ્છમાં પપૈયા અને કેળા ઉગાડતા હતા અને ગાડામાં ભરીને તેને વેચવા માટે જતા હતા. બાપદાદા બાગાયતી ખેતી કરતા હોવાથી શાંતિલાલને સતત નવું કરવાની પ્રેરણા અને કોઠાસૂઝ વારસામાં જ મળ્યા છે. નખત્રાણા અને માંડવી તાલુકામાં બે અલગ અલગ જગ્યાએ શાંતિલાલ 25 એકર જમીન ધરાવે છે. જેમાંથી નખત્રાણાના ખીરસરા (રોહા) ગામ ખાતે આવેલી જમીનમાં તેમણે સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો છે. અહીં 80 ટકા જમીન પર તેઓએ કેસર કેરીનું વાવેતર કર્યું છે, જ્યારે 20 ટકા જમીનમાં તેઓએ સફરજન, દાડમ, કેળા વગેરેની ખેતી કરી છે. શાંતિલાલની બાગાયતી ખેતીની વિશેષતા એ છે કે તેઓ ફક્ત પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેતીને જ પ્રાધાન્ય આપે છે. સફરજનનો પ્રયોગ સફળ રહ્યા બાદ શાંતિલાલ કચ્છમાં જ અંજીર, પાઇનેપલ સહિતના ફળોના છોડ ઉગાડવાનો પ્રયોગ કરવાની ઇચ્છા ધરાવે છે.
શાંતિલાલની ગુજરાત સરકારને એક અરજ
કચ્છમાં સફરજનની ખેતી કરીને નવો જ ચીલો ચાતરવા જઈ રહેલા શાંતિલાલ માવાણીએ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન ધ બેટર ઇન્ડિયાના માધ્યમથી ગુજરાત સરકારને એક વિનંતી પણ કરી હતી કે, જો સરકારે સફરજનની ખેતીની સબસીડીયુક્ત પાક ગણે તો બીજા અન્ય ખેડૂતો પણ આ પાક તરફ વળી શકે એમ છે. આ ઉપરાંત સફરજનના છોડને બપોરના તડકા અને પક્ષીઓથી રક્ષણ માટે નેટની જરૂર રહે છે, આથી આ માટે સરકાર સબસીડી આપે તેવી અરજ પણ તેમણે કરી હતી.

ધ બેટર ઇન્ડિયા શાંતિલાલને પોતાની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવે છે, સાથે જ તેઓ ભવિષ્યમાં પણ કચ્છમાં ન ઊગતા હોય તેવા ફળોને લઇને પોતાના પ્રયોગ ચાલુ રાખે તેવી ઇચ્છા ધરાવે છે. જો તમે પણ ખીરસરા (રોહા) ગામ ખાતે આવેલા શાંતિલાલના ફાર્મની મુલાકાત લેવા માંગો છો તો આ ગામ ભૂજથી 42 કિલોમીટરના અંતરે, ભૂજ-નલીયા હાઇવે પર ત્રણ કિલોમીટર અંદરની બાજુએ આવેલું છે. તમે પણ શાંતિલાલ સાથે વાત કરવા ઇચ્છતા હોય તો તેમનો સંપર્ક કરી શકો છો 9427818525 પર.
આ પણ વાંચો: આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી છોડી ખેતી કરવા લાગી આ મહિલા, એન્જિનિયરિંગના 7 લોકોને આપે છે રોજગારી