જો દિલમાં કઈંક કરવાનો જુસ્સો અને લગન હોય તો ઉંમર ક્યારેય બંધન નથી બનતી. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના ગુપ્તકાશી વિસ્તારમાં પસાલત ગામમાં રહેતાં 77 વર્ષીય પ્રભા દેવી આનું જીવતું જાગતું ઉદાહરણ છે.
માત્ર 16-17 વર્ષની ઉંમરે એક સંયુક્ત પરિવારમાં પરણીને આવેલ પ્રભાદેવી માત્ર પોતાના ગામ માટે જ નહીં પરંતુ આખા દેશ માટે એક મિસાલ છે. કારણકે આજે એક તરફ શહેરોમાં વિકાસના નામે સંખ્યાબંધ ઝાડ કાપી નાખવામાં આવે છે ત્યાં આ બેમિસાલ દાદીએ 500 કરતાં પણ વધારે ઝાડ વાવી ગામમાં એક જંગલ બનાવી દીધું છે.
માત્ર જંગલ જ નહીં, પરંતુ તેમનું ઘર પણ દરેક પ્રકારનાં ફળ-ફૂલનાં ઝાડથી ભરેલ છે. કોઈ બહારની વ્યક્તિ તેમના ઘરે જાય તો તેમને ટૂરિસ્ટ પ્લેસ જ લાગે. આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં પ્રભા દેવીના પૌત્રએ કહ્યું, “દાદીને જ્યાં પણ જગ્યા મળે ઝાડ ઉગાડી દે છે. તેમને પોતાના ગામ અને ઝાડ સાથે એટલો બધો પ્રેમ છે કે, એક દિવસ પણ ગામની બહાર નથી જતી.”
25 વર્ષિય અતુલ છેલ્લાં કેટલાંક વર્ષોથી જૉબ માટે દેહરાદૂનમાં રહે છે. પરંતુ તેમનું બાળપણ ગામમાં દાદી સાથે જ પસાર થયું છે. અતુલ જણાવે છે કે, દાદી લગ્ન કરીને જ્યારે ગામમાં આવ્યાં ત્યારેતેમના પર મોટા પરિવારની જવાબદારી હતી. સવારે વહેલા ઊઠવું, પર્વતોમાંથી પાણી ભરીને લાવવું, ગાય-ભેંસો માટે ચારો લાવવો અને બીજાં રોજિંદાં કામ કરવાં. પરંતુ આ બધાની વચ્ચે પણ તેઓ ઝાડ વાવવાનું ભૂલતાં નહીં. અને આમ ધીરે-ધીરે તેમણે આખા ગામમાં ઝાડ વાવી દીધાં.

વધુમાં તેમણે જણાવ્યું, “અમે ક્યારેય દાદીને નવરાં બેઠેલાં નથી જોયાં, તેઓ હંમેશાં કઈંક ને કઈંક કરતાં જ રહે છે. આજે પણ સવારે 5 વાગે ઊઠી જાય છે. અમારા ઘરમાં સૌથી વધારે અવાજ દાદીનો જ સાંભળવા મળે છે, અને અમને પણ તેનાથી એનર્જી મળે છે.”
પ્રકૃતિ પ્રત્યે તેમનો નિસ્વાર્થ પ્રેમનો પૂરાવો એમાંથી જ મળે છે કે, તેમણે આજ સુધી એકપણ ઝાડ કાપ્યું કે ઉખાડ્યું નથી. તે ઘરનાં જાનવરો માટે ઘાસ પણ લાવે તો તેને મૂળમાંથી નથી કાઢતાં, તેને ઉપર-ઉપરથી જ કાપે છે. તેમણે આજ સુધી જે પણ બીજ વાવ્યાં છે તે મોટાં થયાં છે. વધુમાં તેમના જંગલમાં તમને એવાં પણ ઘણાં ઝાડ મળી આવશે જે સ્થાનિક નથી, છતાં તેઓ તેમને ઉગાડવામાં સફળ રહ્યાં છે.

“તેમના જંગલમાં એવાં પણ ઘણાં ઝાડ છે જેના લાકડામાંથી ફર્નીચર બને છે. તેમનાં ફળ અમારા આખા વિસ્તારને મળે છે. અમારા ઘરની બહાર રૂદ્રાક્ષનું ઝાડ પણ છે અને કેસરનું વાવેતર પણ થાય છે, જે સામાન્ય રીતે દરેક જગ્યાએ જોવા નથી મળતું.”
પ્રભાદેવીના ઘરના બગીચા અને જંગલમાં વાવેલ ઝાડ પર અત્યારે તો બહુ ફળો આવે છે, પરંતુ તેઓ ક્યારેય તેમને બજારમાં નથી વેચતાં. આ બધાં ફળ આડ-પડોસમાં વહેંચી દે છે અને કેટલાંક ઝાડ તો ખાસ ગામની શાળા માટે છે, જે શાળાએ જવાના રસ્તા પર છે, જેથી શાળાએ આવતાં-જતાં બાળકો પણ ફળો ખાઈ શકે.
અતુલની જેમજ પ્રભા દેવીનાં બધાં જ બાળકો બહાર રહે છે. તેઓ ઇચ્છે છે કે, ક્યારેક તો તેમની પાસે જઈને પણ રહે, પરંતુ પ્રભાદેવીએ ગામ છોડીને જવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેમનાં ઝાડ અને તેમનું જંગલ જ તેમનું જીવન છે.

આજે પ્રભા દેવીનું જંગલ ગામમાં રોજિંદા ઉપયોગનાં લાકડાં, પ્રાણીઓ માટે ઘાસ ચારો અને લોકો માટે ફળોની જરૂરિયાતો પૂરી પાડે છે. પરંતુ પ્રભાદેવી એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે, તેમનું જંગલ તસ્કરોથી બચેલું રહે. ભલે તેઓ ગ્લોબલ વૉર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવાં અંગ્રેજી શબ્દો સમજતાં ન હોય પરંતુ પર્યાવરણને બચાવવું જ તેમની પ્રાથમિકતા છે.
અને આ માત્ર મારા એકલીની જવાબદારી નથી પરંતુ આપણા સૌની છે. એટલે અતુલ અંતમાં માત્ર એટલું જ કહે છે કે, જે લોકો શહેરોમાં રહીને આજે નોકરી કરી રહ્યા છે તેઓ આજે તેમના ભાગદોડભર્યા જીવનના કારણે આ વિષય પર ધ્યાન નથી આપી શકતા, એટલે એ લોકોને ખાસ અપીલ છે કે, જ્યારે પણ વર્ષમાં એક-બે વાર સમય મળે અને ગામમાં જાઓ ત્યારે એક-બે ઝાડ ચોક્કસથી વાવો. આ રીતે થોડું-ઘણું તો ચોક્કસથી કરી સકશું પર્યાવરણ માટે.
આ પણ વાંચો: એક સમયે જ્યાં પીવાના પાણીના ફાંફા હતા ત્યાં અત્યારે 11 કિમીમાં 700 કરોડ લિટર પાણીનો સંગ્રહ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.