Search Icon
Nav Arrow
Savaji Dholakiya
Savaji Dholakiya

એક સમયે જ્યાં પીવાના પાણીના ફાંફા હતા ત્યાં અત્યારે 11 કિમીમાં 700 કરોડ લિટર પાણીનો સંગ્રહ

ગુજરાતનું એક ગામ જ્યાં પાણીની અછતના કારણે લોકો પોતાની છોકરી નહોંતા પરણાવતા ત્યાં આજે ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા પાણીના સંગ્રહની અદભુત વ્યવસ્થા કરતાં હરિયાળી છવાઈ ગઈ. આસપાસના 20 ગામના 20 લાખ ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે. આ ઉપરાંત 21 લાખ કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.

હીરાના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાને કોણ ન ઓળખતું હોય! તેઓ તેમના હીરાના વ્યવસાય માટે જેટલા જાણીતા છે તેના કરતાં વધારે તેમનાં સેવા કાર્યોના કારણે વધારે લોકપ્રિય છે. પોતાના ત્યાં કામ કરતા કારીગરો અને તેમના પરિવારોનું ધ્યાન રાખવાની સાથે-સાથે પોતાના વતન માટે પણ અદભૂત અને અવર્ણનિય સેવાકાર્યો કર્યાં છે. આવા જ એક અદભુત કાર્યની વાત કરી રહ્યા છીએ આજે અમે, જેનો ફાયદો મળ્યો છે, 20 ગામડાંને.

2008 માં સૌરાષ્ટ્રમાં ભીષણ દુષ્કાળ પડેલ. આ સમયે જળધારા ગૃપ લોકોની મદદે આવ્યું હતું. આ સમયે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધુધાળા ગામમાં, જળધારા ગૄપ સાથે મળીને ધોળકીયા ફાઉન્ડેશને એક કરોડ રૂપિયાની મદદથી ગામમાં તળાવ બનાવ્યું. પહેલાં માત્ર વરસાદ પર નિર્ભર ખેડૂતોને હવે તળાવનું પાણી પણ મળવા લાગ્યું. જેથી અહીં કપાસની ખેતી કરી રહેલ ખેડૂતોના ઉત્પાદનમાં ચાર ઘણો વધારો થયો.

Amreli

આ જોતાં સવજીકાકાને વતન માટે કઈંક વધારે કરવાની ઈચ્છા થઈ. કારણકે આ સૌરાષ્ટ્રનું એક એવું ગામ છે, જ્યાં લોકો પાણી માટે વલખાં મારે છે. અહીંના છોકરાઓને પરણવા માટે બીજા ગામના લોકો છોકરી આપતાં અચકાતા હતા. એટલે આ સ્થિતિને દૂર કરવા અને ગામના લોકોના જીવનમાં નોંધપાત્ર સુધારો લાવવા કઈંક કાયમી અને મોટુ પગલું લેવાનું નક્કી કર્યું. જેના અંતર્ગત અહીં લાઠી, અકાળા અને દૂધાળા, ત્રણ ગામના સંગમ વચ્ચે રહેલ મોટી જગ્યાનો સદઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું.

આ ત્રણ ગામની વચ્ચે ખારો પાટ હતો. જે એકદમ વેરાન જમીન હતી અને અહીં માત્ર બાવળ જ ઊગતા હતા. અહીં જ્યારે વરસાદ સારો થાય ત્યારે 40 ફૂટનું નદીનું વહેણ વહે અને બાકીના સમયે સૂકાઈ જાય. આ વહેણ આગળ જતાં પાલીતાણામાં શેત્રુજય નદીમાં મળે. જેની ઊંડાઈ માત્ર 2 ફૂટ હતી. જેની પહોળાઈ 40 ફૂટથી વધારીને 200 ફૂટ કરી અને ઊંડાથી 12 થી 30 ફૂટ કરવામાં આવી. જેમાંથી સાડા ત્રણ લાખ કરતાં વધારે ટ્રક માટી કાઢવામાં આવી. આ માટીનો પણ કોઈ વિચારી પણ ન શકે એવો સદઉપયોગ કરવામાં આવ્યો. આ માટીને કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરોમાં પથરાવી તો બાકીની ફળદ્રુપ માટીની આસપાસની સરકારી જમીનો પર પાથરવામાં આવી. જેના પર પાછળથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

water for farming

લગભગ 11 કિલોમીટર લાંબુ ખોદકામ કરવામાં આવ્યું. સરકારની કોઈપણ યોજના વગર 2017 થી આ કામ શરૂ કરવામાં આવ્યું. જેમાં વચ્ચે-વચ્ચે ડેમ પણ બનાવ્યા અને તેમાંથી નીકળતી આ માટીમાંથી આજુ-બાજુ બગીચાઓ બનાવ્યા. જેમાં વન વિભાગની મદદથી 25,000 કરતાં વધારે દેશી કુળનાં વૃક્ષો વાવવામાં આવ્યાં.

તો તેમાંથી જે ચીકણી માટી નીકળી, જે ખેતી લાયક નહોંતી, તેમાંથી માનવસર્જિત પર્વતો બનાવવામાં આવ્યા. જેના પર 40-50 ફૂટની મૂર્તીઓ મૂકી. જેથી આસપાસથી આવતા લોકો અહીં ફરવા આવે.

Tree plantation

જ્યાં લોકો પાણી માટે વલખાં મારતાં હતાં એ વિસ્તારમાં જ્યારે પહેલીવાર આટલું પાણી ભરાયું ત્યારે લગભગ 50 હજાર લોકોનું મહેરામણ ઊભરાયું હતું. જીવનમાં પહેલીવાર આટલું પાણી જોતાં આસપાસનાં ગામડાંના લોકોની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ હતી. પછી તો આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે વિકસવા લાગ્યું. ક્યારેય ન જોવા મળતાં હોય તેવાં વિદેશી પક્ષીઓ પણ અહીં આવવા લાગ્યાં. લોકો શનિ-રવિવારે અહીં ફરવા આવવા લાગ્યા. કોઈના ઘરે કોઈ મહેમાન આવે તો લોકો મહેમાનને પણ પહેલાં અહીં જ લાવે. જેના કારણે નાના લારી-ગલ્લાઓવાળા માટે રોજગાર ઊભો થયો. ત્યાં આસપાસ નાસ્તા-પાણી વેચતા લોકોને રોજી મળવા લાગી.

2017 સુધી અહીં આસપાસના ખેડૂતો માત્ર ચોમાસામાં વર્ષમાં એક જ પાક લઈ શકતા હતા. પરંતુ હવે અહીં આસપાસ 60 તળાવ્યાં બનાવ્યાં છે, જેમાં બારેય માસ પાણી ભરાઈ રહે છે, જેના કારણે આસપાસના કૂવા પણ ભરાયેલા રહે છે. જેથી આસપાસના 20 ગામના 20 લાખથી વધારે ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લઈ શકે છે.

Savaji Dholakiya

ગામના એક 80 વર્ષના વૃદ્ધે આ બાબતે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, તેમણે આ રીતે જીવનમાં પહેલીવાર કુવામાંથી પાણી ઊભરાતાં જોયું છે. તો બીજી તરફ ગામડે જમીન હોવા છતાં પાણીના અભાવના કારણે ખેતી ન થઈ શકતાં, ઘણા યુવાનો સુરત, મુંબઈ, અમદાવાદ વગેરે જગ્યાઓએ રોજી રળવા ગયા હતા. તેઓ પણ પાછા ગામ આવવા લાગ્યા.

લાઠી ગામમાં એક સમયે પીવાનું પાણી પણ ટેન્કરથી મંગાવવું પડતું હતું અને ગામની વહુ-દીકરીઓને દૂર-દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું, તેમને ઘર આંગણે પાણી મળવા લાગ્યું. બીજી તરફ આ આખા વિસ્તારમાં પહેલાં ખેડૂતો માત્ર કપાસનું જ વાવેતર કરતા હતા, તેની જગ્યાએ હવે પૂરતું પાણી મળી રહેતાં હવે અહીં પણ ખેડૂતો ઘઉં, મકાઈ, બાજરી, તલ, જુવાર વગેરેનું વાવેતર કરતા થયા.

એક સમયે ખેતરમાં કૂવા તો હતા, પરંતુ ખાલી હોવાના કારણે ખેડૂતોને ખેતરમાં પણ પોતાના પીવા માટે પાણી લઈને જવું પડતું હતું.

Gujarati news

આ આખા પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલ કનક પટેલ સાથે વાત કરતાં તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “સામાન્ય રીતે આ વિસ્તારમાં મનરેગાનો ઉપયોગ થતો નહોંતો. તો અમે તેમને પણ અમારી સાથે જોડ્યા. મનરેગા અને ધોળકીયા ફાઉન્ડેશને મળીને 100 વિઘા વિસ્તારમાં રિવરસ્ફ્રંટ બનાવ્યો. અહીં આરસીસી રોડ બનાવી હીંચકા અને બાંકડા મૂક્યા. અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ જેવો જ અહીં રિવરફ્રંટ બનાવવામાં આવ્યો. જેની નોંધ સરકાર દ્વારા પણ લેવામાં આવી.”

Unique

એક સમયે ગામના લોકો જ હિજરત કરી રહ્યા હતા ત્યાં હવે લોકો અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવવા આવવા લાગ્યા, જે ખરેખર નોંધપાત્ર બાબત ઘણી શકાય. જેનો પૂરેપૂરો ખર્ચ ધોળકીયા ફાઉન્ડેશને ઉપાડ્યો, પરંતુ ગામલોકોએ શારીરિક મદદ કરી. તેઓ અહીં કામ કરતા લોકોને ચા-પાણી પીવડાવતા અને તેમના પ્રોત્સાહન આપતા રહેતા. અત્યાર સુધીમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા દુધાળા, ઈચ્છાપોર, ભરૂચ, ત્રિવેણી સંગમ, શેખ પીપરીયા, વાંડળીયા, રાજપીપળા, ઈચ્છાપોર ગામ, તીન સમાલ, લાઠી, રસનાળ, ગણેશગઢ, દિધાળા, જરખીયા, રૂપાવટી, સણોસરા, દહાણુ, શીલાણા, ચીતલ સહિતના વિસ્તારોમાં કુલ 60 તળાવ બનાવવામાં આવ્યાં છે અને તેઓ કુલ 100 તળાવ બનાવવા ઈચ્છે છે. તો અત્યાર સુધીમાં આ બધાં જ તળાવની આસપાસ લગભગ 21 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ તળાવની સંભાળ રાખવા દરેક જગ્યાએ બે-બે માણસોને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવ્યા છે. જેથી આ લોકો આ વૃક્ષોની પણ સંભાળ રાખે છે.

Positive News

અત્યારે તો અહીં આસપાસના ખેડૂતોની આવકમાં વધારો થયો જ છે, સાથે-સાથે તેમના દ્વારા વાવેલ આ વૃક્ષો મોટાં થતાં, એક સમયે વેરાન ગણાતો આ વિસ્તાર વધારે હરિયાળો બનશે. વૃક્ષો વધતાં, વરસાદ પણ વધશે અને વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર પણ. સાથે-સાથે ગરમી પણ ઘટશે. તો ઘણા લોકોને રોજી-રોટી રળવામાં બહુ મદદરૂપ રહ્યો છે આ પ્રોજેક્ટ.

આ પણ વાંચો: ગુજરાતનું એક એવું ગામ જ્યાં આઝાદીનાં 70 વર્ષ બાદ પણ નહોંતી પહોંચી લાઇટ, 32 વર્ષના યુવાને બદલી સિકલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon