આજકાલ, વધતા પ્રદૂષણ અને પાણીની ઘટતી ગુણવત્તાને કારણે, ઘણા લોકો ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ઘણા લોકો વાળને લઈને ચિંતિત છે. વાળ ખરવા, ડેન્ડ્રફ, ડ્રાયનેસ અને વાળ સફેદ થવા આજકાલ એક સામાન્ય બાબત બની ગઈ છે. જુદી જુદી બ્રાન્ડની પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી પણ લોકોને કોઈ લાભ મળતો નથી અને શેમ્પૂ, તેલમાં રહેલા કેમિકલ્સને કારણે ઘણા લોકોને આડઅસર પણ થવા લાગે છે. તેથી જો તમને વાળ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે ઘરેલું ઉપાય અજમાવી શકો છો.
હવે બધા જાણે છે કે તેલ પણ ઘરે બનાવી શકાય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે તેને કેવી રીતે બનાવવું. તો આજે ગ્વાલિયરમાં રહેતી પૂનમ દેવનાની આનો જવાબ આપી રહી છે.

‘મસાલા કિચન’ની સહ-સ્થાપક પૂનમ માત્ર રસોઈમાં જ નહીં પરંતુ હર્બલ પદ્ધતિઓથી વાળ માટે તેલ, શેમ્પૂ બનાવવામાં પણ નિષ્ણાત છે. તેના અનુભવ અને જ્ઞાનના આધારે તે લોકોને માર્ગદર્શન આપે છે. તે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવી રહી છે, ‘મા, આ કેવી રીતે કરવું’ જેથી લોકોને આ માહિતી પહોંચી શકે.
આજે ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તે જણાવી રહી છે કે જો તમે વાળ સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો પછી તમે ઘરે તેલ કેવી રીતે બનાવી શકો છો, તે પણ ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરીને. પૂનમ ઘરના રસોડામાં હર્બલ તેલ બનાવવા માટે ત્રણ પ્રકારની વાનગીઓ જણાવી રહી છે.
1. વાળને જાડા કરવા માટે બનાવો ડુંગળીનું તેલ
શું શું જોઈએ:
બે ડુંગળી (સૂકી ડુંગળી) લો અને તેને કાપી લો.
લસણ
મીઠા લીમડાનાં પાન
150 ગ્રામ સરસવનું તેલ
100 ગ્રામ નાળિયેર તેલ
બે ચમચી એરંડાનું તેલ
મિક્સરમાં ડુંગળી, લસણ અને મીઠા લીમડાનાં પાન નાખો અને ઉપર એક કે બે ચમચી સરસવનું તેલ પણ નાખો. હવે તેને ગ્રાઇન્ડ કરો. હવે એક જાડા લોખંડ અથવા એલ્યુમિનિયમ પૅન લો જેથી આ મિશ્રણ સારી રીતે ચડી શકે. હવે તેમાં 150 ગ્રામ સરસવ અને 100 ગ્રામ નાળિયેર તેલ ઉમેરો. જો તમારા વાળ બહુ ઓછા છે, તો તમે તેમાં બે ચમચી એરંડિયું પણ ઉમેરી શકો છો. શરૂઆતમાં, ગેસનો તાપ બે-ત્રણ મિનિટ માટે ફૂલ રાખો. જ્યારે પાન ગરમ થઈ જાય, ત્યારે તાપ ઓછો કરો.
આ મિશ્રણને લગભગ 30 મિનિટ સુધી પકાવો. હવે તેને તાપ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થયા બાદ તેને સુતરાઉ કાપડની મદદથી ગાળી લો. તમારું તેલ તૈયાર છે.
પૂનમ કહે છે કે તેલ ફિલ્ટર કર્યા બાદ બાકી રહેલું મિશ્રણ ફેંકવાને બદલે, તમે તેમાં મુલ્તાની માટીનો પાઉડર મિક્સ કરી શકો છો અને આ મિશ્રણને હેર પેક તરીકે વચ્ચે વાપરી શકો છો.
તમે તેના વિશે આ વિડિઓ જોઈ શકો છો.

2. સફેદ થઈ રહેલા વાળ માટે બનાવો આ ખાસ તેલ
શું શું જોઈએ:
1 કપ સરસવ અથવા નાળિયેર તેલ
એક ચમચી મેથી પાવડર
એક ચમચી આમળા પાવડર
2 નાની ચમચી મહેંદી
લોખંડના પૅનમાં તેલ નાંખો અને પછી ત્રણેય વસ્તુઓને મિક્સ કરો. તેલને ધીમી આંચ પર પકાવો. લગભગ 10 મિનિટ પછી ગેસ બંધ કરો અને તેને ઢાંકીને 24 કલાક રાખો. તમે 24 કલાક પછી આ તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમે સવારે અથવા બપોરે આ તેલ લગાવી રહ્યા છો, તો આ તેલને લગભગ ત્રણ કલાક સુધી લગાવો. જો તમે તેને રાત્રે લગાવતા હોવ, તો તેને આખી રાત રહેવા દો. તેલનો ઉપયોગ કરતા પહેલા તેલને સારી રીતે મિક્સ કરો. મોજા પહેરીને હંમેશા આ તેલ લગાવો. અઠવાડિયામાં બે વાર આ તેલ લગાવવાનો પ્રયત્ન કરો.
પૂનમ કહે છે કે જો તમારા વાળ સુકાઈ ગયા હોય તો તમે આ તેલમાં વિટામિન ઈની બે કેપ્સ્યુલ પણ નાખી શકો છો.
આ સંપૂર્ણ પદ્ધતિને વિગતવાર જાણવા માટે તમે આ વિડિઓ જોઈ શકો છો.

3. વાળને રેશમી અને મુલાયમ બનાવવા માટે આ તેલ બનાવો
એલોવેરાના ત્રણથી ચાર પાન કાપીને ધોઈને સાફ કરી લો. હવે આ પાંદડામાંથી એલોવેરાનો પલ્પ બહાર કાઢો. હવે આ પલ્પને વાટી લો. એલોવેરાનો પલ્પ અડધો વાટકો લો. અડધો વાટકો અથવા થોડું વધારે નાળિયેર તેલ લો. એક ચમચી કાળા મરી લો. કાળા મરીથી વાળમાં ડેન્ડ્રફ કે ફૂગ થતી નથી.
હવે પેનમાં પહેલા કાળા મરી નાખો અને તેને શેકી લો. તેમાં નાળિયેર તેલ ઉમેરો અને પછી એલોવેરા પલ્પ ઉમેરો. આ મિશ્રણને ધીમી આંચ પર પકાવો. સારી રીતે રાંધ્યા પછી, ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો. તે ઠંડુ થયા બાદ તેને કપડાથી ગાળી લો.
તમારું તેલ તૈયાર છે. તમે આ તેલ માત્ર વાળ પર જ નહીં પણ હાથ કે પગની એડી પર પણ લગાવી શકો છો.
તમે આ વિડીયોમાં તેલ બનાવવાની રીત જોઈ શકો છો.
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: Online Business Ideas: તમારી નિયમિત નોકરી સાથે શરૂ કરો આ વ્યવસાય, થઇ શકે છે સારી કમાણી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.