આખા કચ્છ જિલ્લામાં ‘મોજીલા માસ્તર’ તરીકે ઓળખાતા અને કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કાળાતળાવ ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મયુરભાઈ તેમના વિદ્યાર્થીઓમાં તો લાડકા છે જ, સાથે-સાથે શાળામાં હરિયાળીના કારણે ચકલીઓ માટે પણ લાડકા બન્યા છે
કેવી રીતે એક શિક્ષક દ્વારા તાલુકા કક્ષાએ ક્યાંય પણ નોંધમાં ન લેવામાં આવતી શાળાની કાયાપલટ કરીને શાળાના બાળકોને શિસ્ત અનુશાસન અને પર્યાવરણીય તેમજ બાગાકામ લક્ષી ક્રિયાઓ પ્રત્યે પ્રોત્સાહિત કરીને છેવાડાની જગ્યાએ પણ શિક્ષણની સાથે પર્યાવરણને બચાવવાની જ્યોતને પણ પ્રજ્વલિત કરી તે આજે આપણા સૌના માટે પ્રેરણા બની શકે છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં મયુરભાઈ જણાવે છે, “જ્યારે હું આ શાળામાં આવ્યો ત્યારે અહીં બાળકોની સંખ્યા માત્ર 150 હતી અને તેમની વચ્ચે માત્ર બે જ શિક્ષકો હતા. ગામ પણ ગરીબ હોવાથી શિક્ષણ પ્રત્યે પણ પૂરતી સભાનતા નહોંતી, જેથી બાળકો શાળામાં નિયમિત પણ નહોંતાં. બસ ત્યારથી જ અમે બાળકો સામેથી શાળા સુધી ખેંચાઈ આવે તેના પ્રયત્નો શરૂ કર્યા.”
પૌષ્ટિક ભોજન માટે કિચન ગાર્ડન
જેમાં સૌથી મહત્વનું પગલું છે કિચન ગાર્ડન. મોટાભાગનાં બાળકોનાં માતા-પિતા કામે જતાં હોવાથી દિવસ દરમિયાન તેમને પૌષ્ટિક ભોજન મળવું મુશ્કેલ હોય છે, તો સરકાર તરફથી મધ્યાહન ભોજન માટે મળતી રકમ પણ મર્યાદિત હોય છે, એટલે તેટલી રકમમાં તેમને વિવિધતા સભર પૌષ્ટિક ભોજન આપવું મુશ્કેલ હોય છે.
આ બાબતે વધુમાં વાત કરતાં મયુરભાઈએ કહ્યું, “મને નાનપણથી જ પ્રકૃતિ સાથે બહુ લગાવ છે અને સરકારે પણ જે પણ શાળાઓ પાસે જગ્યા છે તેમને કિચન ગાર્ડનિંગ કરવાનું પ્રોત્સાહન આપતાં અમે પણ શાળામાં બાળકો માટે જરૂરી શાકભાજી અને ઔષધીઓ વાવવાનું શરૂ કર્યું. જેમાં અમે ગવાર, ભીંડા, ચોળી, દૂધી, ટામેટા, રીંગણ, અને સરગવો તેમજ કેટલીજ ઔષધીઓ શાળાના બગીચામાં વાવ્યાં.”

કિચન ગાર્ડનિંગમાં પણ આવી સમસ્યાઓ
આ વિસ્તારમાં ખૂબજ ખારુ પાણી આવતું હોવાથી, શરૂઆતમાં અમે જે પણ વાવતા તે બળી જતું. માત્ર ચોમાસા દરમિયાન જ શાકભાજી ઉગતાં. પરંતુ પછીથી નહેરનું પાણી આવતાં હવે અમે બારેય માસ શાકભાજી વાવી શકીએ છીએ. બાળકોને મધ્યાહન ભોજનમાં નિયમિત લીલાં શાકભાજી મળી રહે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે. તો સાથે-સાથે બાળકો નિયમિત શાળામાં આવતાં પણ થયાં છે. આ ઉપરાંત તેઓ અહીં વાવેલ તુલસીનું પણ નિયમિત સેવન કરતા હોવાથી, બાળકોમાં શરદી-ખાંસીની સમસ્યા પણ બહુ ઓછી જોવા મળે છે.
કોરોનાકાળમાં મધ્યાહન શાળાઓ બંધ થવા છતાં તેમણે શાકભાજી વાવવાનાં બંધ નહોંતાં કર્યાં. જે પણ શાકભાજી ઊગે તે જરૂરિયાતમંદ બાળકોને તેમના ઘરે આપતા હતા. આ માટે તેમનામાં ઉત્સાહ પણ એટલો બધો છે કે, ક્યાંય પણ કામનો રોપો દેખાય તો, તરત જ શાળા માટે રોપો લઈ જ આવે.
હવે તો મયુરભાઈએ તેમના ઘરની આસપાની જગ્યામાં પણ વિવિધ ઝાડ-છોડ વાવવાના શરૂ કર્યા છે, જેથી સવારે ઊઠતાં જ, આખુ વાતાવરણ અદભુત બની જાય છે. તેમની સવાર પક્ષીઓના મધુર કલરવ સાથે જ થાય છે, એમ કહીએ તો પણ ચાલે.
આ સિવાય તેમણે શાળામાં સંખ્યાબંધ ફૂલછોડ અને ઝાડ વાવ્યાં છે. જેની શાળાનું વાતાવરણ સુંદર બની ગયું છે. અહીંનાં બધાં જ ઝાડ-છોડ માટે તેઓ છાણીયા ખાતરનો જ ઉપયોગ કરે છે. તો જો જીવાત કે ઈયળ પડે તો લીમડા અને આકડાના પાનને પાણીમાં ઉકાળી તેનો જ ઉપયોગ જંતુનાશક તરીકે કરે છે. જેથી અત્યારે રણમાં પણ તેમની શાળા હરિયાળી દેખાય છે અને ઉનાળામાં આસપાસનું વાતાવરણ ખૂબજ ગરમ હોય છે ત્યારે પણ અહીંનું વાતાવરણ ઠંડુ રહે છે.

બીજ બેન્કની કરી શરૂઆત
તેમની શાળામાં વૃક્ષો અને ફૂલછોડની વાવણી બાદ વાતાવરણમાં આવેલ બદલાવ બાદ, તેમને થયું કે, બીજી પણ શાળાઓમાં આ કામ શરૂ થવું જોઈએ. આ માટે કદાચ શિક્ષકો ઈચ્છતા પણ પરંતુ, નર્સરીમાંથી મોંઘા-મોંઘા રોપા લાવવાનું ફંડ ન હોવાના કારણે તેઓ કરી ન શકતા હોય. જેથી તેમણે ગુજરાતની કોઈ પણ સરકારી શાળામાં બગીચો બનાવવા માટે બીજ બેન્ક પણ બનાવી છે અને અત્યાર સુધી લગભગ 70 જેટલી શાળાઓમાં તેમણે બીજ મોકલ્યાં છે. સાથે-સાથે તેને કેવી રીતે વાવવા તેની માહિતી પણ તેઓ હોંશે-હોંશે આપે છે.
તેમણે પોતે જ રોપેલા અલગ અલગ શાકભાજી માટેના છોડવાઓમાંથી ઉત્પન્ન થતા બીજોને અલગ તારવી તેમને સુકવીને વાવવા લાયક તૈયાર કરી દરેક બીજનો સંગ્રહ કરે છે અને જે તે શાળાની માંગ પ્રમાણે ત્યાં પોતાના સંગ્રહ કરેલા બીજોને પહોંચાડે છે. આ અભિયાનની શરૂઆત તેમણે તેમના ફેસબુક પેજથી જ કરી હતી.
ચકલીઓના સંવર્ધન માટે પણ કામગીરી કરે છે

આગળ વાત કરતા તેઓ જણાવે છે કે એક દિવસ શાળામાં ભણાવતી વખતે રૂમમાં બે ચકલીઓનું પંખામાં આવી જવાના કારણે મૃત્યુ થયું અને આ ઘટના તે પછી બે ત્રણ વાર પુનરાવર્તિત થઇ તો અમે શાળામાં પંખા બંધ કરીને ભણાવવાનું શરુ કર્યું. તેના કારણે બાળકોને ગરમીના કારણે ખુબ તકલીફ પડવા લાગી તો તેના નિવારણ માટે અમે ચકલીઓ માટે માળા બનાવવાનું તેમ જ સેવાભાવી સંસ્થાઓ અને લોકો તરફથી માળાઓ દાનમાં મેળવવાનું શરુ કર્યું.

ચકલીના માળા બનાવવામાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે,
– માળો આકારમાં નાનો જ હોવો જોઈએ જેથી ચકલીને વધારે તણખલા ગોઠવવાની મજૂરી ન કરવી પડે.
– માળામાં પ્રવેશ દ્વાર ફક્ત ચકલી જઈ શકે તેટલું જ રાખવું જેથી બીજા કોઈ પક્ષીઓ તેને હેરાન ન કરે.
– ટકાઉ મટિરિયલનો ઉપયોગ કરી માળાને બનાવવો જોઈએ અને ઊંચે લગાવવો જોઈએ, જેથલી ચકલીની સુરક્ષા જળવાઈ રહે.
આજે તેમની શાળાના પરિસરમાં 200 કરતા પણ વધારે ચકલીઓ નિવાસ કરે છે. તેમના માટે શાળાના ઓરડાઓની બહાર ચોગાનમાં જ માળા લગાવ્યા હોવાથી તેઓ હવે માળા બનાવવા માટે શાળાના રૂમમાં પ્રવેશ કરતી નથી.

ગામમાં પર્યાવરણીય કામગીરી
મયુરભાઈ જણાવે છે કે શરૂઆતમાં આવ્યો ત્યારે ગામમાં પર્યાવરણ પ્રત્યે એટલી સભાનતા ન હતી. ગામમાં આવ્યા બાદ અને બાગકામની શરૂઆત કર્યા બાદ ધીમે ધીમે અમે ગામમાં વૃક્ષારોપણનું અભિયાન ચલાવ્યું. આજે ગામમાં 200 જેટલા વૃક્ષોની વાવણી અમે કરી છે અને તે દરેકની સારસંભાળ શાળાના બાળકો તેમજ જાગૃત થયેલ ગામલોકો દ્વારા અમારા નિર્દેશનમાં રાખવામાં આવે છે. આજે તો આ વૃક્ષો કોઈ પણ જાતની સાર સંભાળ રાખ્યા વગર પોતાની રીતે વધારે વિકસિત થવા માટે સક્ષમ થઇ ગયા છે. સાથે સાથે મયુર ભાઈ એ પણ જણાવે છે કે શાળામાં ભણતા મોટા ભાગના બાળકો પણ હવે પોત પોતાના ઘેર એકાદ વૃક્ષ તો ઉછેરી જ રહ્યા છે.
વિવિધ પ્રવૃતિઓ
વિદ્યાર્થીઓને ભણવામાં રસ પડે તે માટે મયુર ભાઈ વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનો સહારો પણ લે છે. જેમ કે ઘાસમાંથી મોર બનાવવો, વૉલ પેઇન્ટિંગ, કપમાંથી દાદા-દાદી બનાવવા, ડાન્સિંગ સસલું બનાવવું, માટીકામ દ્વારા વિવિધ પશુ પક્ષીઓ બનાવવા આ દરેક વસ્તુ તેઓ હોંશે હોંશે બાળકોને શીખવે છે. અને બાળકોની જિજ્ઞાસા તથા રચનાત્મકતાને પોષીને તેમને ભણતરમાં તેમજ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડી તેને વધુ નજીકથી જાણવા માટે પ્રોત્સાહિત કરે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રસાયણયુક્ત શાકભાજીથી બચવા સુરતની ફિટનેસ ટ્રેનર બની ઑર્ગેનિક ગાર્ડનર, મોટાભાગનાં શાક મળે છે ઘરે જ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.