ડુંગળી કાચી હોય કે પછી સબ્જીમાં ગ્રેવી તરીકે હોય, તે સ્વાદમાં વધારો કરે છે. ડુંગળી વગરનું ભોજન સાવ ફિક્કું લાગે છે. પરંતુ આજકાલ ડુંગળીનો ભાવ સાતમા આસમાને પહોંચી ગયો છે. આજકાલ તો ડુંગળીનો ભાવ આંસુ વગર જ લોકોને રડાવી રહ્યો છે. એવામાં જો ઘરે જ ડુંગળી ઊગાડવામાં આવે તો કેવું રહે?
આમ તો ડુંગળી ઊગાડવાનું કામ થોડું મુશ્કેલ છે પરંતુ અમે તમને સરળ ટિપ્સ જણાવીશું. જેનાથી તમારા ખિસ્સા પરનો બોઝ થોડો હળવો થશે.
ડુંગળી ઊગાડવી ખૂબ જ સરળ છે. તેને ઉગાડવા માટે વધારે જમીનની પણ જરૂર નથી રહેતી. ધ બેટર ઇન્ડિયા આજે તમને જાતે જ ઘરે ડુંગળી કેવી રીતે ઊગાડવી તેના વિશે માહિતી આપી રહ્યું છે.
ડુંગળી ઉગાડવા માટે આ વાતોનું ધ્યાન રાખો:
સૌથી પહેલા ડુંગળીને ઊગવા માટે ખુશનુના મૌસમની જરૂર હોય છે. ડુંગળી ઊગાડવા માટે સૌથી ઉત્તમ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. કોઈ પણ ખુલ્લી જગ્યામાં અને ત્યાં સુધી કે એક ડબ્બામાં પણ તેને ઊગાડી શકાય છે. પરંતુ આ માટે માટી ફળદ્રુપ હોય તે જરૂરી છે.
1) ઘરના બગીચામાં ડુંગળી ઊગાડો:
આ માટે શું જરૂરી છે.
ડુંગળીના બી. નર્સરીમાંથી અથવા ઑનલાઇન ખરીદો.
ટ્રે
ગ્રૉ બેગ્સ
જૈવિક ખાતર
છાણીયું ખાતર
પાણી
સ્ટેપ 1: બી તૈયાર કરો

બીને એક દિવસ પલાળીને રાખો. બાદમાં તેને સુકાવીને બેથી ત્રણ દિવસ ખુલ્લામાં રાખો. જે બાદમાં ટ્રેમાં માટી ભરીને બીને તેની અંદર દબાવી દો.
સ્ટેર-2: પાક માટે જગ્યા તૈયાર કરો
બીને અંકુરિત થતા છથી આઠ અઠવાડિયાનો સમય લાગે છે. જે બાદમાં તમે ધરુને રોપવા માટે જમીન તૈયાર કરી લો. તમે તમારા બગીચા, ગાર્ડન, બાલ્કની કે પછી ગ્રો બેગ્સમાં તેને રોપી શકો છો. ધરુને પોષણ આપવા માટે ખાતરની જરૂરી પડશે. ખેડૂતો સામાન્ય રીતે છાણીયું ખાતર, યૂરિયા અને પોટાશ વગેરેનો ઉપયોગ કરે છે. પરંતુ અમે તમને સલાહ આપીએ છીએ કે તમે ફક્ત જૈવિક ખાતરનો જ ઉપયોગ કરો.

સ્ટેપ-3: ટ્રેનું પણ ધ્યાન રાખો
ટ્રેનમાં ઊગાડેલા ધરુનું ધ્યાન રાખો. દરરોજ જોતા રહો. દરરોજ તેને પાણી આપતા રહો જેનાથી બીને અંકુરિત થવા માટે માટીમાં ભીનાશ બની રહે. ટ્રેમાં ધરૂ તૈયાર થયા બાદ તેને તૈયાર કરેલી જમીનમાં રોપી દો.
સ્ટેપ 4: ધરુને એક લાઇનમાં જ રોપો
ધરુને રોપતી વખતે ખાસ ધ્યાન રાખો કે દર ધરુ વચ્ચે ઓછામાં ઓછું 15 સેન્ટીમીટરનું અંતર રહે. જેનાથી ડુંગળીને ઊગવા માટે યોગ્ય જગ્યા મળી રહે છે.
સ્ટેપ 5: 4-5 મહિનામાં તમારો પાક તૈયાર

જ્યારે માટી ઉપર ડુંગળી દેખાવા લાગે ત્યારે સમજો કે તમારો પાક તૈયાર થઈ ગયો છે. જે બાદમાં પાંદડા સુકાવા લાગે તો તમે ડુંગળીને માટીમાંથી બહાર કાઢી શકો છો. ડુંગળી બહાર કાઢ્યા બાદ ત્રણ દિવસ સુધી તેને જેમની તેમ છોડી દો. જે બાદમાં ડુંગળીના પાંદડા કાપી નાખો.
- વધેલા ટુકડામાંથી ડુંગળી ઊગાડો
સ્ટેપ 1: એક કન્ટેનર તૈયાર કરો

જે પણ કેન્ટેનર તમે લો તેની ઊંડાઈ છ ઇંચ હોય તે જરૂરી છે. પહોળાઈ તમે જેટલી ડુંગળી ઊગાડવી હોય એટલી રાખી શકો છો. તમે એક ટબનો પણ ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ-2: માટી ભરો
ટબમાં માટી ભરો. તેમાં જરૂરી પોષક તત્વો અને જૈવિક ખાતર ઉમેરો.
સ્ટેપ-3: વધેલા ટુકડાઓની પસંદગી કરો

આ ટુકડો ડુંગળીના નીચેના ભાગનો હિસ્સો હોવો જોઈએ. ઘણી વખતે આપણે ડુંગળી કાપતી વખતે નીચેની તરફનો હિસ્સો કાપીને ફેંકી દેતા હોઈએ છીએ. તમે આ હિસ્સાને ફેંકવાને બદલે તેમાંથી ડુંગળી ઊગાડી શકો છો.
સ્ટેપ-4: માટીમાં બે ઇંચ ઊંડો ખાડો કરીને તેમાં ટૂકડાને દબાવી દો. ટૂકડા પર માટી વાળી દઈને પાણી છાંટી દો.
સ્ટેપ-5: કન્ટેનરને એવી જગ્યાએ રાખો જ્યાં 6-7 કલાક તડકો આવે

માટીને હંમેશા ભીની રાખો. માટીને તપાસતા રહો. માટી સુકાયેલી લાગે તો પાણી આપતા રહો. કન્ટેનરને એવી જગ્યાએ રાખો જ્યાં દરરોજ છથી સાત કલાક સૂરજનો તડકો આવતો હોય.
સ્ટેપ 6: હાર્વેસ્ટ કરો
તેમાં ધીમે ધીમે પાંદડા ફૂટવા લાગશે. જે માટીના ઉપરના ભાગમાં દેખાશે. આ પાંદડાની લંબાઈ ત્રણ ઇંચ જેટલી થઈ જાય ત્યારે સમજો કે તમારી ડુંગળી તૈયાર થઈ ગઈ છે. તમે તેને બહાર કાઢીને ઉપયોગ કરી શકો છો.
- પ્લાસ્ટિકની બોટલમાં ઊગાડો ડુંગળી
જો તમારા ઘરમાં ગાર્ડનિંગ માટે પૂરતી જમીન નથી તો તમે પ્લાસ્ટિકની બોટલમાં પણ ડુંગળી ઊગાડી શકો છો. આ માટે તમે કોઈ ડબ્બાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે જરૂરી છે.
5 લીટરની પ્લાસ્ટિકની બોટલ
કાતર
લીલી ડુંગળી
માટી
સ્ટેપ-1: બોટલ તૈયાર કરો

બોટલને ગળાના ભાગથી કાપી લો. જે બાદમાં કાતરથી બોટલમાં કાણું પાડો. યાદ રાખો કે આ કાણું ડુંગળીના આકાર પ્રમાણે હોય અને બે કાણાં વચ્ચે ત્રણ ઇંચ જેટલી જગ્યા હોય. આવું એટલા માટે કે ડુંગળીને વિકસવા માટે પૂરતી જગ્યા મળી રહે.
સ્ટેપ-2: માટીને તૈયાર કરીને બોટલમાં ભરો
માટીમાં ખાતર વગેરે ભેળવો અને બોટલમાં ભરી લો. સૌથી પહેલા તમે જે કાણાં કર્યાં છે ત્યાં સુધી માટી ભરો. યાદ રાખો કે માટીમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય. તમે કોઈ પણ જૈવિક ખાતર ભેળવી શકો છો.
સ્ટેપ-3: લીલી ડુંગળી રોપો

દરેક કાણામાં ડુંગળી એવી રીતે રોપો કે જ્યારે તેમાંથી પાંદડા ફૂટવા લાગે તો તે બહારની તરફ ફૂટે. જે બાદમાં ક્રમશ: તેમાં માટી ભરો અને અન્ય કાણામાં ડુંગળી રોપી દો.

સ્ટેપ-4: જે બાદમાં બોટલનું મોઢું ટેપથી બંધ કરી લો.
સ્ટેપ-5: બોટલને એવી જગ્યા પર રાખો જ્યાં દરરોજ છથી સાત કલાક સુધી તડકો આવતો હોય.
સ્ટેપ-6: માટીને ભીની રાખો. તેને સતત પાણી આપતા રહો.

સ્ટેપ-7: હાર્વેસ્ટ કરો
એક વખત ડુંગળીના પત્તા ત્રણ સેન્ટીમીટર જેટલા લાંબા થઈ જાય તો તમે તેને કાપી શકો છો. એક અઠવાડિયામાં તે ફરીથી વધી જશે. હવે તમે દર અઠવાડિયે તેનો આનંદ લૂંટી શકો છો!
આ પણ વાંચો: Grow Lotus: જાણો ઘરે કુંડામાં કેવી રીતે ઉગાડી શકાય કમળનું ફૂલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.