“જ્યારે તમને કોઈ ફૂલ પસંદ પડે છે તો તમે તેને સીધા તોડી લો છો. પરંતુ જ્યારે તમે કોઈ ફૂલને પ્રેમ કરો છો તો તમે તેને દરરોજ પાણી આપીને સીંચો છો. જે પણ વ્યક્તિ આ વાતને સમજી લે છે, તેને જીંદગીની સમજ આવી જાય છે,” એવું તેલંગાણાનાં ભદ્રાચલમમાં રહેતી 28 વર્ષીય જ્યોતિ પ્રિયંકાનું માનવું છે.
જ્યોતિનું ઘર કોઈ પણ મોટા બગીચાથી કમ નથી, તેની છત ઉપર 800થી વધારે ઝાડ-છોડ છે. જેમાં ફૂલ, શાકભાજી વગેરે સામેલ છે. છોડને પ્રત્યે તેમનો લગાવ જગ-જાહેર છે. જાતે માટી તૈયાર કરવાથી લઈને છોડની દેખભાળનું કામ તે જાતે કરે છે. ક્યારેક-ક્યારેક તેનાં માતા-પિતા પણ તેની મદદ કરે છે.
બાળપણમાં સ્કૂલનાં દિવસોમાં જ્યોતિને ગાર્ડનિંગ કરવાનો અને શીખવાની તક મળી અને બસ ત્યારથી તેને આ છોડ અને ઝાડની સાથે ખાસ લગાવ છે. આ લગાવનું વધુ એક કારણ છે અને તે છે એકલતા.

જ્યોતિ જણાવે છેકે, તેનાં માતા-પિતાએ પ્રેમ લગ્ન કર્યા હતા, જેને કારણે તેને પિતાપક્ષનાં લોકો તરફથી સ્નેહ મળ્યો નથી. તેની માતા ઘણીવાર તેના પિયર રહેતી હતી. ઝઘડા એટલા વધારે વધી ગયા કે, બાળપણમાં જ જ્યોતિએ તેના ફોઈના ઘરે રહેવું પડ્યુ હતુ. ઘરનાં આ ઝઘડાની અસર તેની માતા પર ખરાબ પડી હતી અને તે હતાશામાં જતી રહી હતી.
“8માં ધોરણ સુધી મારે મારી માનાં પ્રેમ અને દુલાર વગર જ રહેવું પડ્યુ. હું મારા ફોઈનાં ઘરે એવી રીતે રહેતી હતી,જેમકે હું કોઈ હોસ્ટેલમાં રહેતી હોઉ. પરંતુ ઝાડ-છોડોની સાથે મને ખુશી મળતી હતી. મારી સ્કૂલમાં બહુજ બધા છોડ હતા અને હું ઘરે પણ કંઈકને કંઈક કરતી રહેતી હતી. સૌથી સારો સમય ત્યારે આવતો જ્યારે મને મામાના ઘરે મારી મા પાસે જવાની તક મળતી હતી. ત્યાં ખેતી થાય છે. જોકે મારી મા તેના દુખનાં કારણે મારી ઉપર વધારે ધ્યાન આપી શકતી ન હતી. પરંતુ હુ ખેતરોમાં બહુજ ખુશ રહેતી હતી.“ તેણે જણાવ્યુ.

સમયની સાથે પરિસ્થિતી સુધરી અને મને માતા-પિતાની સાથે રહેવાની તક મળી. તેણે તેનું એન્જીનિયરિંગનું ભણતર પુરુ કર્યુ અને હૈદરાબાદમાં નોકરી કરવા લાગી. પરંતુ તેને સવારથી સાંજ સુધીની નોકરીમાં સારું લાગી રહ્યુ ન હતુ. તેને તેની આસપાસ કંઈક કમીનો અનુભવ થતો હતો.
“આ તરફ ઘરે પણ મારી માતાને મારી જરૂર હતી કેમકે, ભલે સ્થિતી સુધરી ગઈ હોય પરંતુ તેના મનની નિરાશા અને દુખ આજે પણ છે. તે આજે પણ પુરી રીતે તેનાં દુખ અને હતાશામાંથી બહાર આવી શકી નથી. એટલે મે મારી નોકરી છોડીને ઘરે પાછા આવવાનો નિર્ણય કર્યો,” તેણે આગળ કહ્યુ.

વર્ષ 2018માં જ્યોતિ ઘરે આવી ગઈ અને તેની માતાની દેખભાળ કરવા લાગી. સાથે જ તેણે પોતાના બાળપણના સપના પર કામ કરવાનું શરૂ કર્યુ અને તે પોતાનું ગાર્ડન લગાવવાનું હતુ. તેની શરૂઆત ફૂલોનાં છોડ લગાવવાથી થઈ હતી. પહેલાં 20 કુંડા આવ્યા પછી તે વધીને 40 થઈ ગયા અને જોતજોતામાં તે ક્યારે 100થી વધારે છોડ અને ઝાડ થઈ ગયા તેની જાણ જ ન થઈ. તેમણે જણાવ્યુકે, તેની સાથે જ તેમણે શાકભાજી ઉગાડવાનું પણ શરૂ કર્યુ. તે કોબી, કોળુ, પેઠા, મરચાં, રીંગણા, બટાકા, કારેલાં, સરગવો, તુરિયા વગરે ઉગાડે છે.
પોર્ટિંગ મિક્સ તૈયાર કરવા માટે તેઓ માટી, જૈવિક ખાતર અને વર્મીકંપોસ્ટનો ઉપયોગ કરે છે. તેના સિવાય, ઝાડ-છોડમાં પાણી આપવું, તેમાં લાગતા કીડાઓનું ધ્યાન રાખવુ અને સાથે જ સમય-સમય પર પોષક તત્વ આપતા રહેવું તેમનું મુખ્ય કામ છે. આ કામમાં તેની મદદ તેના માતા-પિતા પણ કરે છે.

જ્યોતિ કહે છે,” આટલા બધા ઝાડ-છોડની સંભાળ રાખવી બહુજ મુશ્કેલ કામ છે. તે શારીરિક રીતે મને બહુજ થકાવી દે છે. પરંતુ તેનાથી સૌથી સારી વાત એ છે કે તેનાંથી અમારા ઘરને એક સકારાત્મક ઉર્જા મળે છે. મારી માતાની હતાશાને દૂર કરવા માટે ગાર્ડનિંગે બહુજ મદદ કરી છે. તેમની સ્થિતિમાં પહેલાં કરતા સુધાર આવ્યો છે. અમારા ઘરનું વાતાવરણ ઝાડને કારણે બહુજ ખુશીથી ભરેલું રહે છે.”
તેની સાથે જ, તે તેના પિતા ઉપર બહુજ ગર્વ કરે છે અને કહે છેકે, જેમ સૂર્યનો તડકો છોડને પોષણ આપે છે અને તેને ઉપર વધવાની તાકાત આપે છે. એમ જ તેના પિતાએ તેમને સંભાળ્યા અને તે આજે જે પણ કંઈ છે તે ફક્ત તેના પિતાની મહેનતને કારણે જ છે.

જ્યોતિ મુજબ, તેને તેના ગાર્ડનમાંથી ઘણી બધી શાક-ભાજી અને ફૂલો મળે છે. જેને તે પોતાના પડોશીઓમાં વહેચી દે છે. તેમણે શરૂઆતમાં 8 મહીના શહેરનાં ત્રણ અનાથ આશ્રમોને પણ પોતાના ગાર્ડનની શાકભાજીઓ દાન કરી હતી. સિઝનમાં તે દર સપ્તાહે લગભગ 3 કિલો શાકભાજી દાન કરે છે.
લૉકડાઉન દરમ્યાન તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજી વેચવાનું શરૂ કર્યુ. તે કહે છેકે, “જો હું કોઈને કામમાં આવી શકુ તો ખોટું શું છે. લૉકડાઉનમાં હું મારા ગાર્ડનને કારણે ઘણા બધા લોકોની મદદ કરી શકી છું, તેનાંથી વધારે સારું શું હોઈ શકે છે.”
જ્યોતિનું સપનું છેકે, તે એક દિવસ અમુક એકર જમીન લઈને તેની ઉપર ખેતી કરશે, તેનાંથી તે બીજાને પણ રોજગાર આપી શકશે. તે કહે છેકે, દરેક માણસે પોતાના હિસ્સાનું સારું કામ જરૂર કરવું જોઈએ. બીજા લોકોની મદદ કરવાથી સારું બીજું કશું નથી. તે ગાર્ડનિંગથી ન ફક્ત પોતાની પરંતુ બીજા લોકો અને પર્યાવરણની મદદ કરી રહી છે.
આ પણ વાંચો: રણની રેતિયાળ માટીમાં ઉગાડ્યાં ગુલાબ સહિત 100 ફૂલ અને ઔષધીઓ, જાણો કેવી રીતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.