કેરળના કોચ્ચીમાં રહેતી રનિતા શાબૂને બાળપણથી જ રસોઇનો શોખ બહુ છે. તેમનાં બનાવેલ કોઝુકત્તી અને પલાપ્પમ જોઇને તો ભલભલાના મોંમાં પાણી આવી જાય.
પરંતુ એક ફૂડ એન્ટરપ્રિન્યોર બનવું રનિતા માટે એક આકસ્મિત બનાવ જ છે.
તેઓ કહે છે, “મારા દીકરા, ગોકુલના જન્મ બાદ મેં ઘણાં વ્યંજનો સાથે પ્રયોગ કરવાના શરૂ કરી દીધા, કારણકે ટેબલ પર અલગ-અલગ વાનગીઓ જોઇને તે ખૂબજ ખુશ થઈ જતો હતો. બસ આ જ પ્રયત્નોમાં હું અલગ-અલગ ઘણી વાનગીઓ બનાવતાં શીખી ગઈ.”
જોકે, રનિતા પહેલાં એક દૂધ ઉત્પાદન કંપનીમાં સચિવ તરીકે કામ કરતી હતી. જ્યારે તેના પતિ, શબુ એક ટાયર કંપનીમાં ફોરમેન હતા.

પરિવારને સાચવવાની સાથે-સાથે પોતાનો વ્યવસાય શરૂ કરવાની પણ તક મળી.
આ વર્ષ 2005 હતું, જ્યારે રનિતાને પહેલીવાર 100 ઈટલી બનાવવાનો ઓર્ડર મળ્યો.
આ બાબતે તેઓ કહે છે, “અમે રેસમી આર્ટ્સ અને સ્પોર્ટ્સ ક્લબની પાસે રહીએ છીએ. એક દિવસ ક્લબના વિદ્યાર્થીઓ કોઇ ટૂર પર જઈ રહ્યા હતા અને તેમને નાસ્તા માટે ઈડલીની જરૂર હતી. એટલે મેં તેમના માટે ઈડલી, સાંભાર અને ચટણી બનાવી. તેનાથી મને પણ અહેસાસ થયો કે, આ રીતે હું ઘરે ખાવાનું બનાવી કઈંક એક્સ્ટ્રા કમાઈ શકું છું.”
આ બાબતે શાબૂ સાથે વાત કર્યા બાદ, એજ વર્ષે અમારા પોતાના વેન્ચર ગોકુલસન ફૂડ એન્ડ પ્રોસેસિંગ યૂનિટની શરૂઆત કરી. આ બિઝનેસને અમે બંનેએ મળીને શરૂ કર્યો. મારા પતિ ભોજન ડિલિવર કરવાની જવાબદારી સંભાળતા અને હું ભોજન બનાવતી.
થોડા જ દિવસોમાં તેમને ઘણી સ્થાનિક હોટેલો તરફથી ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. આ રીતે, રનિતાએ પહેલા જ મહિને લગભગ 1 હજાર ઈડલીના ઓર્ડર મળ્યા.
ધીરે-ધીરે આ ઓર્ડર વધવા જ લાગ્યા અને પછી તો ઈડલીની સાથે-સાથે ઈડિયપ્પમ, અટ્ટાયપ્પમ, ચક્કાયદા, ચક્કા વટ્ટાયપ્પમ, નય્યપ્પમ, ઉન્નીઅપ્પમ, કોઝુકત્તી અને પલ્લાપ્પમના ઓર્ડર પણ આવાના શરૂ થઈ ગયા.

રનિતાને તેના આ કામમાં તેના દીકરા, ગોકુલનો સંપૂર્ણ સહયોગ મળે છે.
24 વર્ષિય ગોકુલ જણાવે છે, “હું ભોજન પેક કરું છું અને કૉલેજ જતી વખતે ઘણી દુકાનો, કૉલેજ કેન્ટિન અને મારા મિત્રો સુધી પહોંચાડું છું. આનાથી મારા માતા-પિતાની તો મદદ થાય જ છે, સાથે-સાથે હું મારી એમબીએની ફી પણ ભરી શકું છું.”
સતત વધતા ઓર્ડરના કારણે રનિતા અને શાબૂએ નોકરી છોડી દીધી, જેથી બિઝનેસ પર પૂરતું ધ્યાન આપી શકે.

જાતે જ બનાવ્યું મશીન
શરૂઆતના દિવસોમાં વધતી જતી માંગના કારણે એક સ્ટવ પર ભોજન બનાવવું ખુબજ મુશ્કેલ બની ગયું હતું. ત્યારબાદ, આ દંપતિએ ઓછા સમયમાં વધુ ભોજન બનાવતાં અલગ-અલગ મશીનો વિશે તપાસ કરી, પરંતુ બધાં વ્યર્થ હતાં.
ત્યારબાદ, શાબૂએ વર્ષ 2006 માં એક એવું મશીન બનાવ્યું, જેમાં માત્ર એકજ કલાકમાં 450 પલ્લાપ્પમ બની શકે છે અને એમાં એક જ વ્યક્તિની જરૂર પડે છે. આ ડિઝાઇન તૈયાર કરવા માટે સ્થાનિક મેટલ કંપનીના એક એન્જિનિયરે તેમની ખૂબજ મદદ કરી.
આ સિવાય, તેમણે એક એવું કૂકર બનાવ્યું, જેમાં એક જ કલાકમાં ઈડિયપ્પમ, વટ્ટાયપ્પમ, ચક્કા વટ્ટાયપ્પમ જેવાં 750 વ્યંજનો બનાવી શકાય છે.
આ મશીનોને બનાવવામાં તેમને લગભગ 30 લાખનો ખર્ચ થયો. આ માટે તેમને વિવિધ બેન્કો પાસેથી લોન લેવી પડી. આ સિવાય તેમને પ્રધાનમંત્રી યોજના, ત્રિશૂલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મહિલા ઉદ્યોગ કાર્યક્રમ અને ઉદ્યમી સહાયતા યોજનાથી પણ આર્થિક મદદ મળી.

કોરોના સંક્રમણકાળમાં થયું બહુ નુકસાન
ગોકુલ કહે છે, “કોરોના સંક્રમણ કાળ પહેલાં દર મહિને લગભગ 1 લાખની કમાણી થઈ જતી હતી. પરંતુ હવે 60 હજારની જ કમાણી થાય છે. અમને આશા છે કે, બહુ જલદી પરિસ્થિતિ બદલાશે અને અમારી કમાણી પણ વધશે.”
અંતમાં રનિતા કહે છે કે, તેમણે આ વ્યવસાયને સુચારું રૂપે ચલાવવા માટે 7 મહિલાઓને રોજગાર આપ્યો છે. તેઓ ત્રણ શિફ્ટમાં કામ કરે છે.
તેઓ કહે છે કે, આ મહિલાઓ એ ગૃહિણીઓ જ છે, જેમને આ કામનો બહુ અનુભવ છે અને તેનાથી થતી કમાણીથી તેઓ બહુ ખુશ પણ છે. તેઓ ઇચ્છે છે કે, તેમના આ બિઝનેસનું વધુમાં વધુ વિસ્તરણ થાય અને વધુમાં વધુ મહિલાઓને રોજગાર આપી શકે.
આ પણ વાંચો: IFS ઑફિસરે વાંસમાંથી બનાવ્યું ઝાડુનું હેન્ડલ, આશરે 1,000 આદિવાસી પરિવારોને મળી રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.