આજે અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની એક એવી મહિલાની, જેઓ છેલ્લાં લગભગ 35 વર્ષથી ગાર્ડનિંગ કરી રહ્યાં છે અને અત્યાર સુધીમાં 5000 કરતાં પણ વધારે લોકોને શીખવાડી ચૂક્યાં છે ગાર્ડનિંગના પાઠ.
રાજકોટમાં ઈલાબેન આચાર્યના ઘરમાં જાઓ તો, પ્રવેશતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય. ઘરના પ્રાંગણથી જ શરૂ થતી હરિયાળી અને રંગબેરંગી ફૂલો તેમના ધાબા સુધી જોવા મળે છે. તેમના ઘરે વિવિધ ફૂલો, શાકભાજી, ફળો, કેક્ટસની સાથે-સાથે સંખ્યાબંધ બોન્સાઈ પણ છે, જેમાં વડ, પીપળો, આંબલી, બદામ, સહિત અનેક બોન્સાઈનો સમાવેશ થાય છે.
ઈલાબેન આમ તો બાળકોને ટ્યૂશન ભણાવે છે. પરંતુ બાળકોને ભણવાનું શીખવાડવાની સાથે-સાથે તેઓ પ્રકૃતિના પાઠ ભણાવવાના નથી ચૂકતા. આ બાબતે ઈલાબેન જણાવે છે કે, મોટાભાગનાં માતા-પિતાને નથી ગમતું કે, તેમનાં બાળકો માટીમાં રમે, તેમને તેમાં ગંદકી લાગે છે. પરંતુ બાળકોના વિકાસ માટે તેઓ માટી સાથે રમે, પ્રકૃતિની નજીક રહે એ ખૂબજ જરૂરી છે. તેઓ બાળકોને છોડ માટી પોટિંગ મિક્સ કરવાની સતહે-સાથે બીજ રોપતાં, છોડ વાવતાં અને છોડની સંભાળ રાખતાં સહિત બધુ જ શીખવાડે છે.

ઈલાબેનની સવાર છોડની સંભાળમાં પસાર થાય છે, ત્યારબાદ તેઓ બાળકોને ટ્યૂશન આપે છે. બપોરે ઈલાબેન થોડાં નવરાં પડ્યાં ત્યાં તેમની આ આખી સફર જાણવા મળી. આ બાબતે ઈલાબેન જણાવે છે, “મારા પિતાને ગાર્ડનિંગનો બહુ શોખ હતો. હું નવ વર્ષની હતી ત્યારે મુંબઈમાં અમારા ઘરની પાસે એક ખાલી પ્લોટ હતો. જ્યાં મારા પિતાને જેટલો પણ સમય મળે એટલો તેમાં કઈંકને કઈં વાવવામાં અને તેની સંભાળ રાખવામાં પસાર કરતા. અહીં મારા પિતાએ ગુલાબ, જાસ્મિન, મોગરો, નારિયેળી વગેરે વાવ્યું હતું. અહીં હું નારિયેળ તોડવા ચડતી, માટીમાં રમતી વગેરેથી પ્રકૃતિની નજીક આવી.”

ત્યારબાદ તેમનો પરિવાર અમદાવાદમાં આવીને વસ્યો. અહીં તેમણે ભણતર પૂરું કરી શાળામાં ટીચરની નોકરી શરૂ કરી. તો અહીં અમદાવાદના અપાર્ટમેન્ટમાં પણ તેઓ ટેરેસ ગાર્ડનિંગ કરતાં હતાં. ત્યારબાદ લગભગ 18 વર્ષ પહેલાં તેઓ પરણીને રાજકોટ આવ્યાં. સામાન્ય રીતે છોકરી તેના કરિયાવરમાં સોનુ, ચાંદી અને કપડાં લઈને આવે છે ત્યાં, ઈલાબેન કરિયાવરમાં છોડ અને બોન્સાઈ લઈને આવ્યાં હતાં. રાજકોટમાં તેમના ઘરની બહાર જગ્યા હતી, એટલે તેમના પતિએ આ બધા જ છોડ અહીં આંગણમાં જ વાવવાનું કહ્યું. તેમના પતિ નહોંતા ઈચ્છતા કે, ઈલાબેન ધાબામાં પણ ગાર્ડનિંગ કરે.

પરંતુ કહેવાય છે ને કે, જ્યારે તમને કોઈ કામ કરવાની ના પાડવામાં આવે તો તમને એ જ કામ કરવાની ઈચ્છા વધુ થાય છે અને આ જ કારણે પતિ ઑફિસ જાય આ દરમિયાન ઈલાબેને ધાબામાં શાકભાજીનું ગાર્ડનિંગ કરવાનું શરૂ કરી દીધું. ગાર્ડનિંગ શરૂ કર્યાના લગભગ છ મહિના બાદ એક દિવસ ઈલાબેન તેમના પતિને ધાબામાં આંટો મારવા લઈ ગયા અને તેમનું ટેરેસ ગાર્ડન બતાવ્યું. પહેલાં તો તેમના પતિને ઓછું ગમ્યું, પરંતુ પછી તેમણે પણ ખુશી-ખુશીથી ઈલાબેનના શોખને સ્વીકારી લીધો.
ઈલાબેનના ઘરે અત્યારે શરૂ, વડલો, આંબલી, સરગવો, બદામ, બોધી પીપળો, પારસ પીપળો, સાદો પીપળો સહિત ઘણા બોન્સાઈ છે, જેમાં એક વડ તો લગભગ 35 વર્ષ જૂનો છે. આ બાબતે વાત કરતાં ઈલાબેન જણાવે છે, બોન્સાઈને વિશેષ સંભાળની જરૂર પડે છે. બોન્સાઈને વાવો ત્યારથી તેની નિયમિત સંભાળ રાખવાની જરૂર પડે છે.

તો શાકભાજીમાં રીંગણાં, ટામેટાં, પોઈની ભાજી, પાલકની ભાજી, તાંદળજો, દૂધી, ગુવાર, ભીંડા,મરચાં, કેપ્સિકમ, ચોળી, સહિત અનેક શાકભાજી ઉગાડ્યાં છે. જેમાં એક નવતર પ્રયોગ અંગે વાત કરતાં ઈલાબેન કહે છે, “કેલીકટથી એક મિત્રએ મને અલગ જ પ્રકારની ચોળીનો નાનકડો રોપો આપ્યો હતો મને. જેને મેં ઘરે આવીને વાવ્યો અને તે વધીને 50 ફૂટ સુધીની થઈ. આની રસપ્રદ વાત તો એ છે કે, જાંબલી રંગની સીંગ આવે છે. જેની એક સીંગની લંબાઈ લગભગ અઢીથી ત્રણ ફૂટ હોય છે અને લગભગ આપણી આંગળી જેટલી જાડી હોય છે. એટલે માત્ર ચાર જ સીંગ હોય તો પણ બે જણ માટે શાક બની શકે છે.”

તો ફળોની વાત કરવામાં આવે તો મોસંબી, જમૈકન બેરી, ચાઈનિઝ ઓરેન્જ, આંબલી, બદામ સહિત અનેક ફળોના છોડ અને બોન્સાઈ છે. તો તેમની પાસેથી બેન્કોક સહિત અનેક જગ્યાઓના કેક્ટસ છે.
ગાર્ડનિંગ કરવા ઈચ્છતા લોકોને ઈલાબેનની ખાસ સલાહ:

- છોડને ક્યારેય વધારે પડતું પાણી ન આપવું, તેનાથી પણ છોડ બળી જાય છે.
- જમીનની ઉપર તિરાડ પડી જાય ત્યાં સુધી પાણી પાવાની રાહ ન જોવી, તેને સિઝન પ્રમાણે નિયમિત પાણી આપતા રહેવું જોઇએ. જો જરૂર કરતાં ઓછું પાણી આપવામાં આવે તો નીચેની માટી ધીરે-ધીરે કડક થઈ જાય છે અને જેના કારણે ઉપર આપેલું પાણી નીચે ઉતરતું નથી અને છોડ સૂકાવા લાગે છે.
- પોટિંગ મિક્સમાં થોડું કોકોપીટ ચોક્કસથી ઉપયોગમાં લેવું, જેથી માટીમાં ભેજ જળવાઇ રહે અને કોકોપીટ પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે.
- ઘણા લોકો પોટિંગ મિક્સ બનાવતી વખતે માટીનો ઉપયોગ નથી કરતા. જેમાં કોકોપીટ, પર્લાઈટ, વર્મી ક્યૂલેટ વગેરેનો ઉપયોગ કરે છે, પરંતુ તેમાં 5-10% માટીનો ઉપયોગ તો કરવો જોઈએ, નહીંતર છોડ ઢળી પડી શકે છે. માટી છોડને પકડી રાખે છે.
- ઉનાળામાં છોડને બપોરે પાણી ન આપવું. કારણકે બપોરે ટાંકીનું પાણી ગરમ થઈ ગયું હોય છે, જેથી છોડ પણ તેનાથી બળી જાય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી ઉનાળામાં સવારે 8 વાગે સુધીમાં અને રાત્રે 10 પછી પાણી આપવું જોઈએ.
- તમારા કિચનમાંથી નીકળતો ભીનો કચરો એ કચરો નથી, તેમાંથી ઘરે જ કંપોસ્ટ બીન કે જૂની ડોલમાં ખાતર બનાવો, તેનાથી તેમારા છોડનો વિકાસ બહુ સરસ થાય છે.

- આ સિવાય તમે લીંબુ, મોરંબી વગેરેનાં છોતરાંમાંથી એન્ઝાઈમ્સ પણ બનાવી શકો છો. જેને પ્રવાહી ખાતર પણ કહી શકાય છે.
- જો ક્યારેય છોડ, વેલ વગેરે પર જીવાત જોવા મળે તો, તેના પર સાબુનું પાણી, લીમડાના તેલને પાણી સાથે મીક્સ કરીને, લીંબુના રસને પાણી સાથે મિક્સ કરીને છાંટી શકાય છે. આ સિવાય નીમખલી, સરસોનું ખાતર વગેરે પણ કુંડામાં નાખી શકાય છે, જેનાથી છોડને ખાતર તો મળે જ છે, સાથે-સાથે જીવાત-ઈયળ વગેરેથી પણ છૂટકારો મળે છે.
- છોડના સારા વિકાસ માટે દર 15 થી 20 દિવસે તેને ખાતર આપતા રહેવું જોઈએ.

- આપણે પાણી પાઈએ ત્યારે ઘણીવાર કુંડામાંથી વધારાનું પાણી નીકળે તે સમયે થોડી માટી પણ વહી જાય છે. આ માટી પ્રકૃતિની દેન છે અને તેને બનતાં હજારો વર્ષો લાગે છે. એટલે તેને વેસ્ટ ન થવા દેવી જોઈએ. તેને સૂપડીમાં ભરીને ફરીથી કુંડામાં નાખી દેવી જોઈએ.
- આ ઉપરાંત ઉનાળામાં ખરેલાં સૂકાં પાંદડાંને ફેંકી દેવાની જગ્યાએ તેને કુંડામાં નાખવાં જોઈએ. જેનાથી ગરમીમાં મૂળને સૂર્યના આકરા તડકાથી રક્ષણ મળે છે અને ધીરે-ધીરે આ પાન ખાતરમાં ફેરવાતાં માટી ફળદ્રુપ બનતી જાય છે.
- જો તમારા ધાબામાં વધારે પડતો તડકો આવતો હોય અને તેનાથી પાન સૂકાતાં હોય એવી લાગતું હોય તો ગ્રીન શેડ કરી શકાય છે.
- તો શિયાળામાં એકાંતરે કે બે દિવસે પાણી આપવું જોઈએ.

પહેલાં તો ઈલાબેન બાળકોને જ ગાર્ડનિંગ કરતાં શીખવાડતાં હતાં, પરંતુ ધીરે-ધીરે લોકો તેમના કામ વિશે જાણવા લાગ્યા અને લોકોને તેમનું કામ ગમવા લાગ્યું એટલે તેમણે દર શનિ-રવિવારે વર્કશોપ કરવાના શરૂ કર્યા.
અત્યાર સુધીમાં જ્યારે પણ ઈલાબેને રાજકોટના ફ્લાવર શોમાં ભાગ લીધો છે, અત્યાર સુધીમાં હંમેશાં તેઓ પ્રથમ નંબરે જ આવ્યા છે. તેઓ છેલ્લાં ચાર વર્ષથી તેમાં ભાગ લઈ રહ્યાં છે અને દર વર્ષે તેમને અવોર્ડ મળે છે.

આ સિવાય ઈલાબેન ગાર્ડનિંગના શોખીન લોકોનું ફેસબુક પર એક ગૄપ પણ ચલાવે છે. જેમાં તેમના જેવા ઘણા ગાર્ડનિંગ એક્સપર્ટ લોકો પણ છે, જેઓ લોકોને યોગ્ય ટિપ્સ આપતા રહે છે. તો તેમણે એક વૉટ્સએપ ગૃપ પણ બનાવ્યું છે. જેમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યોના લોકો પણ સભ્ય છે. આ ગૄપમાં આશિતભાઈ ટેન્ક અને કેતનભાઈ પણ સભ્યો છે, જેઓ ગાર્ડનિંગ એક્સપર્ટ છે, જેઓ અઠવાડિયાના સાતેય દિવસ ગમેત્યારે કોઈપણ વ્યક્તિને કોઈ સમસ્યા આવે તો તેની સમસ્યાનું સમાધાન કરે છે. આ સિવાય ડૉ. અવિનાશ મારુ પણ છે, જેઓ આમ તો જાણીતા ઓર્થોપેડિક સર્જન છે, પરંતુ ગાર્ડનિંગ બાબતે તેમની માહિતી અદભુત છે અને ગૃપમાં લોકોને બહુ મદદરૂપ રહે છે.
જો તમને પણ આ લેખ ગમ્યો હોય અને તમે ઈલાબેનનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તમે ઈલાબેનનો 9824514763 નંબર પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: માટી વગર જ શાકભાજી ઊગાડે છે બેંક ક્લર્ક, દર મહિને આવક 40 હજાર રૂપિયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.