Search Icon
Nav Arrow
Hydroponic gardening
Hydroponic gardening

માટી વગર જ શાકભાજી ઊગાડે છે બેંક ક્લર્ક, દર મહિને આવક 40 હજાર રૂપિયા

પાણી વગર ઘરની છત પર તમે પણ ઊગાડી શકો છો જરૂરિયાતનું શાકભાજી, જાણો કેવી રીતે

અનેક લોકોને એવું લાગે છે કે માટી વગર છોડ નથી ઊગાડી શકતા. પરંતુ આવું બિલકુલ નથી. ‘હાઇડ્રોપોનિક્સ વિધિ’ (જળ સંવર્ધન)થી તમે માટી વગર ફક્ત પાણી અને અમુક પોષક તત્વોનો ઉપયોગ કરીને શાકભાજી ઊગાડી શકો છો. ફક્ત પાણી, રેતી કે પછી કાકરાની મદદથી નિયંત્રિત જળવાયુમાં માટી વગર છોડ ઊગાડવાની ટેક્નિકને હાઇડ્રોપોનિક ટેક્નિક કહે છે. હાઇડ્રોપોનિક શબ્દનો જન્મ બે ગ્રીક શબ્દ ‘હાઇડ્રો’ અને ‘પોનોસ’ને ભેગા કરીને થયો છે. હાઇડ્રોનો મતલબ પાણી જ્યારે પોનોસનો અર્થ કાર્ય થાય છે.

આ ટેક્નિકથી ઓછી જગ્યામાં ઓછા પાણીમાં વધારે ઉપજ લઈ શકાય છે. આજે અનેક લોકો, ખાસ કરીને શહેરમાં શાકભાજી ઊગાડવા માટે આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેક્નિકથી લોકો પોતાની છત પર પણ ખેતી કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ આ અંગેની તાલિમ મેળવીને પોતાની છત પર ખેતી કરી શકો છે. અનેક લોકો નોકરીની સાથે સાથે વધારાની આવક માટે આ ટેક્નિકથી કમાણી કરે છે. આવા જ એક વ્યક્તિનો અમે તમને પરિચય કરાવીએ છીએ. પંજાબના લુધિયાણાનો 39 વર્ષીય બેન્ક ક્લર્ક અંકિત ગુપ્તા હવે એક શહેરી ખેડૂત બની ગયો છે.

Hydroponic gardening

અંકિત લગભગ છેલ્લા બે વર્ષથી પોતાના ઘરની છત પર માટી વગર શાકભાજી ઊગાડે છે. રસપ્રદ વાત તો એ છે કે તેના તરફથી ઊગાડવામાં આવતી શાકભાજી લુધિયાણાની આસપાસના શહેરોમાં ગ્રાહકો સુધી પહોંચે છે. ગ્રાહકોના ઓર્ડર લેવાની સાથે સાથે તેઓ હાઇડ્રોપોનિક્સ સેટઅપ લગાવવા માટે લોકોની મદદ પણ કરે છે. તેમણે પોતાના સ્ટાર્ટઅપની શરૂઆત કરી છે.

કેવી રીતે શરૂઆત કરી:

અંકિતે ભારતીય નેવીમાં કામ કર્યું છે. નિવૃત્તિ બાદ તે બેંકમાં ક્લર્ક કરીકે નોકરી શરૂ કરી હતી. અંકિતને બાગકામનો ખૂબ શોખ છે. તે પોતાની છત પર શાકભાજી ઊગાડવા માંગતા હતા. આ અંગે તેમણે જણાવ્યું કે, “હું છત પર શાકભાજી ઊગાડવા માંગતો હતો. આપણે બધા જાણીએ છીએ કે છત પર માટીથી નુકસાન થાય છે. આથી મેં અલગ જ વિધિથી શાકભાજી ઊગાડવાનો નિર્ણય કર્યો હતો. આ માટે મેં યુટ્યૂબ પર હાઇડ્રોપોનિક્સ અંગે જાણ્યું હતું. મને આ રીત સારી લાગી હતી. જોકે, મારી આસપાસ એવું કોઈ ન હતું જે આ અંગે વધારે જાણકારી આપી શકે. આથી છ મહિના સુધી મેં યુટ્યૂબના માધ્યમથી જ બધુ શીખવાનું શરૂ રાખ્યું હતું.”

જ્યારે તેમને થોડો વિશ્વાસ આવ્યો કે તે હાઇડ્રોપોનિક્સ ટેક્નિકથી ખેતી શરૂ કરી શકે છે ત્યારે તેમને સેટઅપ તૈયાર કરી આપે એવું કોઈ મળ્યું ન હતું. આ અંગે અંકિત કહે છે કે, “પહેલા જ પરિવારને જ આ કામ માટે મનાવવા થોડી મહેનત પડી હતી. કારણ કે તેમણે આવી ટેક્નિક વિશે ક્યારેય સાંભળ્યું ન હતું. જ્યારે લોકોને હાઇડ્રોપોનિક્સ અંગે પૂછવામાં આવ્યું ત્યારે વધારે માહિતી મળી ન હતી. મેં સોશિયલ મીડિયાના માધ્યમથી હાઇડ્રોપોનિક્સથી ખેતી કરતા અલગ અલગ લોકો પાસેથી મદદ માંગી હતી. તેમની મદદથી સેટઅપ તૈયાર કર્યું હતું.”

પહેલા ફક્ત 50 છોડનું સેટઅપ તૈયાર કર્યું હતું અને પાલકથી શરૂઆત કરી હતી. જેમાં સફળતા મળત અંકિત સેટઅપ વધાર્યું હતું. આજે તેમના સેટઅપમાં બે હજાર છોડ છે. જેને તેઓ ડીપ ફ્લો ટેક્નિકથી ઊગાડી રહ્યા છે. આ ઉપરાંત તેમના પાસે 50 ગ્રો બેગ પણ છે. જેમાં તેઓ કોકોપીટ અને પર્લાઇટ જેવા પોષક તત્વોનો ઉપયોગ કરીને શાકભાજી ઊગાડે છે. તેઓ પાલખ જેવી લીલા પાંદડાની શાકભાજીની સાથે સાથે ટામેટા, મરચા, વટાણા, ખીરા વગેરે ઊગાડે છે. આ આખા સેટઅપનો ખર્ચ 1.25 લાખ રૂપિયા આવ્યો હતો.

વધારાની કમાણીનું સાધન:

અંકિત કહે છે કે તેમણે આ શરૂઆત ફક્ત પરિવાર માટે કરી હતી. પરંતુ લૉકડાઉન દરમિયાન આસપાસના લોકો શાકભાજી માંગવા લાગ્યા હતા. પહેલા તેમણે થોડા લોકોને શાકભાજી પૂરી પાડી હતી. પરંતુ જ્યારે માંગ વધવા લાગી ત્યારે તેમણે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. હવે તેઓ પોતાના સ્ટાર્ટઅપ ‘સેવનસીઝ હાઇડ્રોપોનિક્સ‘ના માધ્યમથી લગભગ 70 ગ્રાહકોનો નિયમિત શાકભાજી પહોંચાડે છે.

અંકિત કહ્યું કે, “લોકો અમને વોટ્સએપ અથવા કૉલ દ્વારા ઓર્ડર આપે છે. અમે એ રીતે શાકભાજી પહોંચાડીએ છીએ. પહેલા હું મારી રીતે શાકભાજી ઊગાડતો હતો. પરંતુ હવે ગ્રાહકોની માંગ પ્રમાણે શાકભાજી ઊગાડું છું. ધીમે ધીમે અમારા ગ્રાહકો વધી રહ્યા છે. અમે સ્વાસ્થ્ય અને ફિટનેસને લઈને ખૂબ સજાગ છીએ. આ માટે લોકોને રસાયણમુક્ત અને પોષણથી ભરપૂર શાકભાજી જ જોઈએ છે.”

gardening

ગ્રાહકોને સ્વસ્થ અને રસાયણમુક્ત શાકભાજી પહોંચાડવાની સાથે સાથે અંકિત કોકોપીટ, ગ્રો બેગ અને હાઇડ્રોપોનિક્સ સેટએપ કરવા માટે જરૂરી વસ્તુઓનું વેચાણ પણ કરે છે. તેઓ કહે છે કે જેમ જેમ લોકોને આ ટેક્નિક અંગે માહિતી મળી તેમ તેમ લોકોમાં આ અંગે શીખવાની જિજ્ઞાસા વધતી જાય છે. લોકો પોતાનું સેટઅપ તૈયાર કરવા માંગે છે. હાલ તેઓ પોતાના સ્ટાર્ટઅપથી 40 હજારથી વધારેની કમાણી કરે છે. અંકિત કહે છે કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમનો નાનો પ્રયાસ બિઝનેસમાં બદલાઈ જશે.

જોકે, હવે તેઓ અને તેમનો પરિવાર આ બિઝનેસને આગળ ધપાવવા માંગે છે. તેઓ લોકોને હાઇડ્રોપોનિક્સ ટેક્નિક અંગે તાલિમ આપવા અંગે પણ વિચારી રહ્યા છે. તેઓ લોકોને સલાહ આપે છે કે જો તેમને બાગકામ કરવાનો શોખ હોય તો એક વખત આ ટેક્નિકથી શાકભાજી ઊગાડવાનો પ્રયાસ જરૂર કરો.

જો તમે અંકિત ગુપ્તાનો સંપર્ક કરવા માંગો છો તે તેમને sevenseashydroponics@gmail.com પર ઇમેલ લખી શકો છો. અથવા તેમનું ઇન્સ્ટાગ્રામ પેજ જોઈ શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: લૉકડાઉનમાં પતિની નોકરી છૂટતાં ધાબામાં ઓર્નામેન્ટલ છોડ વાવી દર મહિને 30,000 કમાય છે આ ગૃહિણી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon