Search Icon
Nav Arrow
Cha patti

ભૂલથી પણ ન ફેંકતા વપરાયેલી ચા-પત્તી, આ સરળ રીતોથી થઈ શકે છે ઘણા ઉપયોગ

વપરાયેલી ચા પત્તી પણ છે બહુ કામની, ખાતરથી લઈને સૌંદર્ય નિખારવા માટે

પર્યાવરણ પ્રત્યે વધી રહેલ જાગૃતિના કારણે, આજે ઘણા લોકો પોતાના દૈનિક જીવનમાં નાના-મોટા બદલાવ કરી રહ્યા છે. કેટલાક એવા બદલાવ, જેનાથી તેઓ પર્યાવરણ માટે કઈંક કરી શકે. જોકે, આ કામ સરળ નથી, પરંતુ જો એક-એક કરી નાનાં-નાનાં પગલાં લેવામાં આવે તો, ચોક્કસથી કઈંક કરી શકાય. તેના માટે ખાસ જરૂરી છે કે, આપણે આપણી દિનચર્યા પર ધ્યાન આપીએ અને પોતાની આદતો સુધારવાનો પ્રયત્ન કરીએ. તેની શરૂઆત આપણે સૌથી પહેલાં સવારે કિચનમાં નીકળતા જૈવિક કચરાથી કરી શકીએ છીએ.

આ જૈવિક કચરામાં ફળ અને શાકભાજીનાં છોતરાંની સાથે-સાથે ચા બનાવ્યા બાદ બચેલા કૂચાનો સમાવેશ પણ થાય છે. લગભગ બધાં જ ઘરમાં, ઉપયોગ બાદ આ ચા પત્તી કચરાપેટીમાં જ જાય છે, પરંતુ જો આપણે થોડું ધ્યાન આપીએ તો, આ આદત બદલી શકીએ છીએ. ચા-પત્તીમાં ઘણા પ્રકારનાં પોષકતત્વો હોય છે, અને તેમાં એન્ટી ઑક્સીડેન્ટ ગુણો પણ હોય છે. જેના કારણે ચા-પત્તીનો ઉપયોગ ચા બનાવવા સિવાય બીજી પણ ઘણી રીતે કરવામાં આવે છે. રસોડામાં બનેલ ચા બાદ આ ચા-પત્તીને ફેંકવાની જગ્યાએ ગાર્ડનમાં સાફ-સફાઈ માટે, ત્વચા અને વાળ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

ઘણા લોકો કેટલાંક વ્યંજનોનો રંગ અને સ્વાદ બદલવા માટે તેમાં ઘણીવાર ચા-પત્તીનો ઉપયોગ કરે છે. પુણેમાં રહેતી મંજૂ શર્મા જણાવે છે, કે તેઓ મોટાભાગે છોલે બનાવતી વખતે એક સૂતરાઉ કાપડમાં ચા પત્તી નાખીને અંદર નાખે છે, તેનાથી શાકનો રંગ અને સ્વાદ બંને અલગ બને છે. ખાવા-પીવા સિવાય પણ, ચા-પત્તીના બીજા ઘણા ઉપયોગ છે, જેનો ઉપયોગ લોકો દૈનિક જીવનમાં કરી શકે છે.

Used Tea
Rep Image (Source)
  1. ત્વચા અને વાળ માટે:

લગભગ બે વર્ષથી સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ ફોલો કરી રહેલ, મેઘા પાંડેય જણાવે છે, “વપરાયેલ ચા-પત્તી કે ટી-બેગને બરાબર ધોઈ, એકવાર ફરીથી તાજા પાણીમાં ઉકાળી લો. આ પાણીને ગાળીને ઠંડુ કરો અને પછી તમે તેનો ઉપયોગ ફેસ ટોનર તરીકે કરી શકો છો. અન્ય ઉપાય તરીકે તમે તેમાં લીંબુનો રસ મિક્સ કરી, તેનો ઉપયોગ વાળના કન્ડિશ્નર તરીકે પણ કરી શકો છો.”

તેઓ વધુમાં જણાવે છે કે, “ક્યારેક-ક્યારેક આ ચા-પત્તીને બેસન સાથે મિક્સ કરી, ચહેરા પર ફેસમાસ્ક તરીકે પણ લગાવી શકાય છે, ટીબેગનો ઉપયોગ તમે તમારી આંખો માટે પણ કરી શકો છો. તેને બરાબર ધોઈ લો પછી તેને થોડીવાર માટે ઠંડા પાણીમાં મૂકો. ત્યારબાદ, તેને પોતાની આંખ પર મૂકો. તેનાથી આંખને બહુ આરામ મળશે.”

આ સિવાય, ચા-પત્તી દુર્ગંધ દૂર કરવામાં પણ મદદરૂપ રહે છે. એવું પણ કહેવાય છે કે, જો તમારા પગમાં પરસેવાના કારણે દુર્ગંધ આવતી હોય તો, તેને દૂર કરવા માટે તમે ચા-પત્તીનો ઉપયોગ કરી શકો છો. વપરાયેલી ચા-પત્તીને બરાબર ધોયા બાદ, તેને સ્વચ્છ પાણીમાં ઉકાળી લો. આ પાણીને ઠંડુ કરી, તેમાં લગભગ 20 મિનિટ સુધી તમારા પગ મૂકો. તેનાથી પગની દુર્ગંધ દૂર થશે અને પગને બહુ આરામ પણ મળશે.

Save nature
Using Tea Compost in Plants
  1. ગાર્ડન માટે:
    ચા-પત્તીનો પ્રયોગ ઝાડ-છોડ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગુલાબના છોડ માટે. ઉત્તર પ્રદેશમાં ઘણાં વર્ષોથી ગાર્ડનિંગ કરી રહેલ બ્રહ્મદેવ કુમાર જણાવે છે કે, ચા-પત્તીમાં લગભગ 4% નાઈટ્રોજન હોય છે અને કેટલીક માત્રામાં પોટેશિયમ અને ફૉસ્ફરસ પણ હોય છે. જો ચા-પત્તીનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે તો, તેનાથી ઝાડ-છોડને બહુ પોષણ મળે છે.

તમે વપરાયેલ ચા-પત્તીને બરાબર ધોઈને સૂકવી લો, અને પછી તેનો ઉપયોગ તમારા કુંડામાં કરો. ત્યારબાદ તેની ઉપર સૂકાં પાન નાખી તેને ઢાંકી દો, પછી ઉપર પાણી નાખો. નિયમિત આ પ્રક્રિયા કરવાથી ઝાડ-છોડનો વિકાસ બહુ સારો થાય છે . વધુમાં બ્રહ્મદેવ જણાવે છે કે, જો તમે ઈચ્છો તો, ચા પત્તીને ધોઈને એક માટીના વાસણમાં ભેગી કરી લગભગ 40 દિવસ સુધી ડીકમ્પોઝ પર કરી શકો છો. ત્યારબાદ તેનો ઉપયોગ ખાતર તરીકે કરી શકો છો. છોડને ચા-પત્તીનું પાણી પણ પાઈ શકાય છે અથવા તેનાં પાન પર સ્પ્રે કરી શકાય છે.

આ માટે ચા-પત્તીને ધોઈ ચોખ્ખા પાણીમાં ઉકાળી લો અને પાણી ઠંડુ પડી જાય પછી તેને ગાળીને સ્પ્રે કરો.

  1. સાફ-સફાઈ માટે:
    ઘણા લોકો ચા-પત્તીનો ઉપયોગ સાફ-સફાઈ માટે પણ કરે છે. ખાસ કરીને, લાકડાનું ફર્નિચર સાફ કરવા માટે તેનો ઉપયોગ કરવો ઉત્તમ ગણાય છે. ચા-પત્તીમાં ‘ટેનિસ એસિડ’ હોય છે, જેના ઉપયોગથી લાકડાંનું ફર્નિચર ચમકી ઊઠે છે. આ માટે વપરાયેલી ચા-પત્તીને ધોઈને સ્વચ્છ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ પાણી ઠંડુ થઈ જાય ત્યારબાદ કપડાની મદદથી ફર્નિચર સાફ કરો. નિયમિત આ પ્રક્રિયા કરવાથી ફર્નિચરની ચમક જળવાઈ રહે છે.
Rea Use of Cha Patti
Rep Image (Source)

જો કોઈ વાસણ સાફ કરવામાં તકલીફ પડતી હોય તો, તમે તેને ચા-પત્તીના ગરમ પાણીમાં પલાળી રાખો. ચા-પત્તીમાં રહેલ ટૈનિસ એસિડ દાગ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે.

ચા પત્તીના આ પાણીનો તમે બારીઓ કે કાચ સાફ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો. ચા-પત્તીથી કાચ લાગેલ બધા જ પ્રકારના દાગ-ધબ્બા દૂર થાય છે. તમે ચા-પત્તીના પાણીને તમે સ્પ્રે બોટલમાં ભરીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

  1. ડાઈ અને પેટિંગ:
    વાળની ડાઈ સિવાય, કપડાંને થોડો અલગ અને એન્ટિક લુક આપવા માટે પણ, ચા-પત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ સફેદ રંગના કપડા પર તમે ટ્રાય કરી શકો છો. આ માટે તમે ગ્રીન અને કાળી બંને પ્રકારની ચા-પત્તીનો ઉપયોગ કરી શકો છો. પાણી ગરમ કરો, અને તેમાં ટી બેગ કે ચા-પત્તી કોઈ કપડામાં બાંધીને મૂકો. ધીરે-ધીરે તેમાંથી રંગ છૂટશે અને પછી તેમાં તમે તમારું ગમતું કપડું મૂકી ડાઈ કરી શકો છો,

કેટલાક આર્ટિસ્ટ તેમના પેન્ટિંગ્સ માટે પણ ચા-પત્તીનો ઉપયોગ કરે છે, પોતાની પેન્ટિંગના બેકગ્રાઉન્ડને થોડું જૂનું બતાવવા માટે તેને ચા-પત્તીના પાણીથી પેઈન્ટ કરવામાં આવે છે. બાળકોની સ્ક્રેપબુક કે પછો કાર્ડ બનાવવા માટે પણ તેનો બહુ સારી રીતે ઉપયોગ થઈ શકે છે.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: છત પર 200+ ઝાડ-છોડ સાથે ગાર્ડનિંગ કરે છે આ દંપતિ, બજાર પર ઘટી 75% નિર્ભરતા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon