Search Icon
Nav Arrow
Terrace gardening
Terrace gardening

છત પર 200+ ઝાડ-છોડ સાથે ગાર્ડનિંગ કરે છે આ દંપતિ, બજાર પર ઘટી 75% નિર્ભરતા

બાળકો માટે જૈવિક ક્લાસરૂમ બન્યું આ શિક્ષક દંપતિનું ઘર

મૂળ છત્તીસગઢમાં રહેતા સુબોધભાઈ અને તેમનાં પત્ની ઈશ્વરી ભોઈ, વ્યવસાયે શિક્ષક છે. પરંતુ, છેલ્લાં 8 વર્ષથી, પોતાની વ્યસ્ત દિનચર્યા વચ્ચે, બંને પોતાની છત પર ઓર્ગેનિક શાકભાજી ઉગાડી ગાર્ડનિંગ કરી રહ્યાં છે.

આજે આ દંપતિ તેમના ઘરમાં દૂધી, કારેલાં, ફુલેવર, કાકડી, તુરિયાં, ભીંડા, રીંગણ, મરચાં, શિમલા મરચાં, ટમેટાં, બટાકાં, મેથી, પાલક જેવાં ઘણાં શાકભાજીની સાથે-સાથે જામફળ, આંબળાં, દાડમ, પપૈયાં, કેરી જેવાં ફળોના ઝાડ-છોડ સાથે ગાર્ડનિંગ કરે છે.

તેમની પાસે તુલસી, ગિલોય, ફુદીના જેવા ઘણા ઔષધિય છોડ પણ છે. આ સિવાય, તેમણે વડ, પીપળો, લીમડો જેવાં બોનસાઈ ઝાડ પણ ઉગાડ્યાં છે.

આ રીતે, આજે તેમના ધાબામાં 200 કરતાં વધારે ઝાડ-છોડ છે. પોતાના ધાબામાં જ બધાં શાકભાજી ઉગાડવાના કારણે બજાર પર તેમની નિર્ભરતા 75 ટકા ઘટી ગઈ છે.

Teacher couple
Teacher couple

કેવી રીતે મળી ગાર્ડનિંગની પ્રેરણા
આ બાબતે ઈશ્વરીએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “વાસ્તવમાં, આ વાત 2012 ની છે. હું અને મારા પતિ, શાકભાજીની ખેતીમાં રાસાયણિક ઉર્વરકો બાબતે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન મારા ત્રણેય દીકરાઓએ એકજ સુરમાં કહ્યું કે, તેને હલ કરવા માટે, આપણે ઘરમાં જ ગાર્ડનિંગ કેમ શરૂ ન કરી શકીએ? ત્યારબાદ અમે મોટા પ્રમાણમાં ગાર્ડનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો.”

આ રીતે, જ્યારે તેમનાં બાળકો આગળની સ્ટડી માટે શહેરમાં ગયાં ત્યારે તો પતિ-પત્નીને પોતાના શોખ પાછળ વધારે સમય આપવાની તક મળી.

આ માટે જરૂર હતી સખત મહેનતની, પરંતુ એકવાર નિર્ણય લીધા બાદ તેમણે પાછળ વળીને ન જોયું.

Home grown vegetables

કેવી રીતે કરે છે ગાર્ડનિંગ
ઈશ્વરી જણાવે છે, “મારું ધાબુ ઘરના બીજા માળે છે. અમે ધાબાના અડધા ભાગમાં છોડ ઉગાડ્યા છે. હું અને મારા પતિ શાળામાંથી આવતાં જ તરત જ છોડની દેખભાળ કરવા લાગીએ છીએ.”

વધુમાં તેઓ જણાવે છે, “અમે અમારા ગાર્ડનિંગ માટે કિચન વેસ્ટ અને સૂકાં પત્તાંમાંથી બનેલ ખાતરનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે, અમે અમારા ગાર્ડનિંગ માટે રસાયણોનો ઉપયોગ નથી કરતા.”

વધુ એક મહત્વની વાત એ છે કે, બંનેને ગાર્ડનિંગનો કઈં ખાસ અનુભવ નહોંતો. અને બંનેએ તેના લાયક માહિતી માટે યૂટ્યૂની મદદ લીધી હતી.

Homegrown vegetables

બદલી દિનચર્યા
ઈશ્વરી જણાવે છે, “અમે બંને શિક્ષક છીએ. ગાર્ડનિંગ માટે અમારે અમારી દિનચર્યા બદલવી પડી. શરૂઆતના દિવસોમાં દરરોજ સવારે 4 વાગે ઉઠવું પડતું અને 40 પગથિયાં ચડી છોડની દેખભાળ કરવી બહુ મુશ્કેલ હતું, ધીરે-ધીરે બધુ સામાન્ય બની ગયું.”

2002 થી કરી રહ્યા હતા ગાર્ડનિંગ
ઈશ્વરી જણાવે છે, “અમે ખેતી કરતા પરિવારમાંથી છીએ અને અમને બાળપણથી જ ઝાડ-છોડ સાથે ખાસ લગાવ છે. અમે 2002 થી કેટલાંક ફળો અને ફૂલોથી દેખભાળ કરીએ છીએ. જેનાથી અમને વ્યવસ્થિત રૂપે ગાર્ડનિંગ કરવામાં મદદ મળી.”

organic gardening

શું થાય છે સમસ્યા
ઈશ્વરીને ગાર્ડનિંગમાં વાંદરાઓની સમસ્યા બહુ નડતી હતી. તેનાથી નિપડવા તેમણે એક ઉપાય અજમાવ્યો, જેમ કે, ફળ કે શાકભાઈ ખાવા લાયક બને એટલે તેને કપડાંથી ઢાંકી દે છે.

આ સિવાય, શરૂઆતના દિવસોમાં કીડા અને પતંગિયાંની સમસ્યા પણ બહુ થાય છે, ત્યારે લીમડો અને હળદરનો ઉપયોગ કરી, જંતુનાશક બનાવવાનાં શીખ્યાં.

બીજાંને પણ કર્યાં પ્રેરિત
સુબોધ અને ઈશ્વરીનાં ગાર્ડનિંગ કાર્યોથી પ્રેરિત થઈને, તેમના ઘણા સંબંધી, વિદ્યાર્થીઓ અને પડોશીઓએ પણ ગાર્ડનિંગ કરવાનું શરૂ કર્યું અને હવે તેઓ એકબીજા સાથે પોતપોતાના અનુભવો શેર કરે છે. તો વિદ્યાર્થીઓ માટે તેમનું ઘર એક જૈવિક ક્લાસરૂમ બરાબર જ છે.

શું શીખ આપે છે
સુબોધ કહે છે, “અમે જ્યારે મોટા થઈ રહ્યા હતા, જળવાયુ પરિવર્તન ક્યારેક આપણા જીવનનો હિસ્સો નહોંતો. પરંતુ, આજની પેઢીને માત્ર પરિવારના ભરણ-પોષણની જગ્યાએ વિચારવાની જગ્યાએ પર્યાવરણના રક્ષણ માટે મહત્વનાં પગલાં ઉઠાવવાં પડશે. આ બાબતે, જૈવિક ખેતીની ભૂમિકા બહુ મહત્વની છે.”

organic vegetables

તેઓ વધુમાં જણાવે છે, “એક ગામમાં શાંતિપૂર્ણ જીવન પસાર કરતાં, કાર્બન ફુટપ્રિંટ કે ગ્રીનહાઉસ ગેસને ઘટાડવાની દિશામાં મહત્વની ભૂમિકા અદા કરવી જોઈએ, એવો વિચાર આપણા મનમાં ક્યારેય ન આવ્યો. આપણને પરિસ્થિતિની ખબર હતી, પરંતુ ક્યારેય એ બાબતે ગંભીરતાથી વિચાર્યું નથી. પરંતુ ગાર્ડનિંગ શરૂ કર્યા બાદ, અમને તેનો અહેસાસ થયો. “

તો, અંતમાં ઈશ્વરી કહે છે, “જો કોઈ આ રીતે ગાર્ડનિંગ કરવા ઈચ્છતું હોય તો, તેનાથી સંબંધિત માહિતી માટે ઓનલાઈન સાધનો ઉપલબ્ધ છે. આ ક્ષેત્રમાં કોઈ નિષ્ફળતા નથી, બસ જરૂર છે શીખવાની. કોઈને ખુશ કરવા માટે ગાર્ડનિંગ ન કરો, પરંતુ પોતાની જાતને પ્રેરિત કરવા અને પ્રકૃતિ સાથે જોડાવા માટે આ પ્રયત્ન કરો.”

મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ

આ પણ વાંચો: 2500 લોકોને ગાર્ડનિંગ શીખવનાર મંજુબેનના ધાબામાં છે વડ, પીપળો, બાવળ સહિત 400+ છોડ-બોન્સાઈ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon