મૂળ રાજકોટનાં મંજુબેન ગજેરા અત્યારે 52 વર્ષનાં છે, પરંતુ છેલ્લાં 30 વર્ષથી ગાર્ડનિંગ કરી રહ્યાં છે. શરૂઆતમાં તેઓ બોન્સાઈ અને ઈન્ડોર પ્લાન્ટ ઉગાડતાં. શહેરનાં બાળકોને ભાગ્યે જ ખબર હોય છે કે, બાવળ, પીપળો, વડ વગેરે ઝાડ કેવાં હોય. એટલે તેમની આ બધામાં સમજ કેળવવા અને કુદરતની નજીક લાવવા તેમણે 30 વર્ષ પહેલાં બોનસાઈ ઉગાડવાનાં શરૂ કર્યાં હતાં તેમના ધાબામાં.
મંજુબેન નેચરોથેરાપિસ્ટ છે અને ‘આર્ટ ઑફ લિવિંગ’ સાથે પણ જોડાયેલાં છે. એટલે 2008 માં તેમણે ઓર્ગેનિક ફાર્મિક માટે એક ટ્રેનિંગ લીધી. અને પોતાની જમીનમાં તેમણે ત્યારથી જ ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું, જે આજે પણ કરે જ છે.


ત્યારબાદ લગભગ 2014 માં તેમને સંસ્થા દ્વારા તેમના શોખના કારણે કિચન ગાર્ડનનો વર્કશોપ કરવાનું સૂચન આપવામાં આવ્યું અને બસ ત્યારથી જ, મંજુબેનને પણ કિચન ગાર્ડનિંગમાં ખૂબજ રસ પડ્યો. તેમને ધીરે-ધીરે તેમાં મજા આવવા લાગી અને કુદરતની આ કરામત સમજાવા લાગી. ત્યારબાદ તો તેમણે ઘણા વર્કશોપ કર્યા અને કિચન ગાર્ડનિંગ શરૂ કર્યું.

અત્યારે મંજુબેન તેમના ટેરેસમાં સિઝન પ્રમાણેનાં બધાં જ શાકભાજી ઉગાડે છે. આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, “મારા ટેરેસ પર કેળ, દાડમ, જામફળ, સરગવો, લીંબુના પ્લાન્ટ મળી રહેશે તો જો ઔષધીય છોડની વાત કરીએ તો, નગોળ, કરંજ, લીમડો, પીપળો, બાવળ, આકડો, સિંદૂર, નીમ તુલસી, ભ્રિંગરાજ એવા લગભગ 100 જેટલા છોડ છે, જેમનો ઉપયોગ દવાઓ માટે કરવામાં આવે છે. જેમાં અલગ-અલગ પ્રકારની તુલસીનો પણ સમાવેશ થાય છે. તો આપણા ત્યાં બેસિલ ભાગ્યે જ જોવા મળે છે, બેસિલ હોટેલમાં માત્ર સજાવટમાં જોવા મળતી હોય છે. તેનો છોડ પણ મારા ટેરેસ પર છે.”


આ સિવાય હવામાં ઓક્સિજન વધારતા ઘણા ઈનડોર પ્લાન્ટ્સ પણ છે તેમના ઘરમાં. આ સિવાય અલગ-અલગ પ્રકારના ગલગોટા સહિત ઘણા ફૂલ છોડ પણ છે મંજુબેનના ટેરેસમાં
છોડ તૈયાર કરવાની ખાસ ટિપ્સ આપતાં મંજુબેન કહે છે:
- 40 % માટી લેવાની, જેથી ટેરેસ ગાર્ડનિંગમાં કુંડાંનું વજન વધી ન જાય અને સારી ગુણવત્તા પણ મળે.
- 20% કોકોપીટ (જે ભેજને જાળવી રાખે છે અને માટીને સોફ્ટ રાખે છે.)
- 30% કંપોસ્ટ ખાતર (ઘરે કિચન વેસ્ટમાંથી બનાવેલ ખાતર, તે ન હોય તો છાણીયું ખાતર કે ઘન જીવામૃત પણ લઈ શકાય)
- 10% નીમ ખાતર લેવું, જેથી મૂળમાં ફૂગ થવાની શક્યતા બહુ ઘટી જાય.

આ સિવાય તમે તેમાં રાખ પણ મિક્સ કરી શકો છો. જેમાં ઘણા ગુણ હોય છે, જે છોડના વિકાસમાં બહુ ઉપયોગી હોય છે. કાગળ અને પૂંઠાંમાં કાર્બન હોય છે એટલે તેના નાના-નાના ટુકડા કરીને પણ મિક્સ કરી શકાય છે.
જો આ રીતે માટી તૈયાર કરી હોય તો, એક સિઝન સુધી તેમાં ખાતર ઉમેરવાની બહુ જરૂર પડતી નથી. જેમ કે, શાકભાજીના છોડ વાવ્યા બાદ તે 3 મહિના સુધી તે ફળ-શાકભાજી આપતા રહે છે. તો ફરી જ્યારે તેમાં સિઝન પ્રમાણે બીજાં શાક વાવીએ ત્યારે આ રીતે માટી તૈયાર કરવાની રહે છે.

લોકોમાં ઓર્ગેનિક શાકભાજી અને ફળો માટેની જાગૃતિ આવે અને લોકો કુદરતની વધારે નજીક આવે એ માટે મંજુબેન સમયાંતરે વર્કશોપ પણ કરે છે. જેમાં તેઓ લગભગ 2500 લોકોને છોડ વાવવાથી લઈને તેની સંભાળ રાખવાની, હાર્વેસ્ટિંગની અને ખાતર બનાવવાની, એન્જાઈમ બનાવવાની, ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવાની, પેસ્ટી સાઇડ બનાવવાની બધી જ ટ્રેનિંગ આપે છે.

જો તમે ગાર્ડનિંગની શરૂઆત કરતા હોય તો મંજુબેન શીખવાડે છે એકદમ સરળતાથી પેસ્ટીસાઇડ બનાવવાની રીત:
ગૌમૂત્ર અને કડવો લીમડો 20-25 મિનિટ સુધી ઉકાળો અને ત્યારબાદ ઠંડુ પાણી તેને બોટલમાં ભરી દો. આ મિશ્રણને છ મહિના સુધી સાચવી શકાય છે. એક ભાગ આ મિશ્રણ અને 9 ભાગ પાણી મિક્સ અને તેને છોડ પર છાંટો, જીવાતની સમસ્યાથી છૂટકારો મળશે.

તો કિચન વેસ્ટમાંથી ખાતર અંગે ખાસ ટિપ્સ આપતાં તેઓ કહે છે:
- કિચન વેસ્ટમાંથી ખાતર બનતાં લગભગા 3 મહિના લાગે છે. કારણકે તેમાં રોજ સામગ્રી ઉમેરાતી રહે છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો, બે મહિનામાં ખાતર બની જાય છે.
- કિચન વેસ્ટમાંથી ખાતર બનાવતી વખતે તેમાં રાંધેલો ખોરાક મિક્સ ન કરવો. માત્ર શાકભાજી અને ફળોની છાલ અને વધારાનો ભાગ જ લેવો.
- શિયાળામાં તો લીલોતરી વધારે હોય છે પરંતુ ઉનાળામાં તે સૂકું પડી જાય તો ઉપર ગૌમૂત્ર કે છાસ છાંટી શકાય છે.
- રાખને પણ આમાં નાખી શકાય છે.

આ સિવાય રાખને પાણીમાં મિક્સ કરી તેને છોડને પાઈ પણ શકાય છે, તેનાથી છોડને બહુ ફાયદા મળે છે.
તો તેઓ રાજકોટમાં ફાર્મર ટુ કસ્ટમર બેઝ પર એક ઓર્ગેનિક મૉલ પણ ચલાવે છે. જેમાં તેમની સાથે લગભગ 5000 ખેડૂતો જોડાયેલા છે. જેમાં તેઓ ખેડૂતોનાં ઉત્પાદનો વેંચવામાં મદદ કરે છે. જેમાં સીંગતેલ, ગોળ, ઘી વગેરે ગ્રાહકોને બહુ પ્રિય રહે છે. તેઓ ગ્રાહકોને દેશી બીજ, છોડ માટે સેપલિંગ, કોકોપીટ, કંપોસ્ટ ખાતર તેમજ કિચન ગાર્ડનની બધુ જ જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે. તેઓ હાઈબ્રિડ બીજનો ઉપયોગ નથી કરતા.


તો બીજી એક વાત કરતાં મંજુબેને કહ્યું, “આજકાલ લોકોમાં ઓર્ગેનિક પ્રત્યેની જાગૃતિ વધી છે, એ જોઈને બહુ ખુશી થાય છે.”
તો મોટાં શહેરોમાં નાની-નાની બાલ્કનીમાં ગાર્ડનિંગ કરવા ઈચ્છતા લોકો માટે તેઓ કહે છે, “ઘણા લોકો જગ્યા ઓછી હોવાના કારણે દુવિધામાં હોય છે. પરંતુ જો તમે એક કુંડામાં ટમેટા કે મરચાંનો છોડ વાવ્યો હોય તો તે જ કુંડામાં મેથી, કોથમીર, પાલક વગેરે પણ વાવી શકાય છે. પત્તાવાળાં શાકભાજીમાં 3-4 કલાકના તડકાની જ જરૂર હોય છે અને આ શાકભાજી છોડ જેટલાં ઊંચાં પણ નથી થતાં. એટલે એક કુંડામાં એક કરતાં વધારે શાકભાજી લઈ શકાય છે. તો બીજાં શાકભાજી માટે દિવસનો 5-6 કલાકનો તડકો જરૂરી છે.”
જો તમે ગાર્ડનિંગની શરૂઆત કરી રહ્યા હોય તો, ટમેટાં, મરચાં, રીંગણ, કારેલાં, ગલકાં, તૂરિયાં તેમજ કેટલાંક ફૂલછોડથી શરૂઆત કરી શકાય છે. તો જો ઉપર જણાવ્યા મુજબ માટીનું મિશ્રણ બનાવ્યું હોય તો, તેને પાણીની જરૂર ઓછી પડે છે. એકાદ દિવસના ગાળે પાણી આપી શકાય છે. આ માટે માટીમાં આંગળી ખોસી તપાસી લેવું. જો આંગળી અંદર સરળતાથી જતી રહે તો સમજવું માટીમાં ભેજ છે પૂરતો અને જો કડક લાગે તો પાણી આપવું. વધારે પડતું પાણી ભરવાથી પણ છોડને બહુ નુકસાન થાય છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે મંજુબેનનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તેમના ફેસબુક, ટ્વિટર, ઈંસ્ટાગ્રામ, વૉટ્સએપ મેસેજ પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: #ગાર્ડનગિરીઃ પ્રિન્સિપલે સ્કૂલમાં રોપ્યાં 300થી વધુ છોડવાઓ, વિદ્યાર્થીઓમાં લાવે છે જાગૃતિ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.