આપણે ઘણીવાર અખબાર કે સોશિયલ મીડિયામાં વાંચતા હોઈએ છીએ કે, ‘આ વર્ષે આટલાં ઝાડ વાવવામાં આવ્યાં’ અથવા ‘આ સંસ્થાએ આટલાં ઝાડ વાવવાનો રેકોર્ડ બનાવ્યો.’ પરંતુ તે ક્યારેય ખબર નથી પડતી કે તેમાંથી કેટલાં ઝાડ મોટાં થયાં.
તમારી અને અમારી જેમ આ સવાલ લખનઉની મંજરી અનિલ ઉપાધ્યાયના મનમાં પણ ઉઠતો હતો. આ વાત મનમાં જ રહી જાત, જો તેમણે રસ્તાની પાસે બે યુવાનોને ઝાડને પાણી પાતા જોયા ન હોત!
આ બાબતે મંજરી કહે છે, “બાળકોને સ્કૂલ મૂકવા જતી વખતે અને લેવા જતી વખતે મેં ઘણીવાર આ બે યુવાનોને ઝાડને પાણી પાતા જોયા. તેઓ બંને સારા ઘરના લાગતા હતા. એકદિવસ ઉત્સુકતાવશ મેં તેમને પૂછ્યું તો ખબર પડી કે, તેઓ લખનઉથી 300 કિમી દૂરથી પોતાનાં વાવેલ ઝાડને પાણી પાવા આવતા હતા.”
બીજા દિવસે બાળકોને સ્કૂલ મૂકવા જતાં મંજરીએ ગાડીમાં પાણીની એક બોટલ મૂકી દીધી. પાછા ફરતી વખતે તેમણે છોડને પાણી પાયું તો બહુ સંતોષ મળ્યો. પછી તો આ રોજનો ક્રમ બની ગયો.
મંજરીના જણાવ્યા અનુસાર રોજ પાણી પાવાથી છોડ ઝડપથી વધવા લાગ્યા અને જેમ-જેમ પુલની પાસેના રોડ પર હરિયાળી વધવા લાગી તેમ-તેમ તેમને ઝાડ અને પર્યાવરણ પ્રત્યે લાગણી વધવા લાગી.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં મંજરીએ કહ્યું, “આ વખતે મેં એ યુવનોનો સંપર્ક કર્યો અને તેમની સાથે મળીને બીજા કેટલાક છોડ પણ વાવ્યા. ત્યારે મેં વિચાર્યું કે, આ યુવાનો આટલે દૂરથી પોતાના છોડને પાણી પાવા માટે આવી શકે છે તો હું આટલું તો કરી જ શકું ને. આ દરમિયાન તેમની મુલાકાત પીપલ બાબા સાથે થઈ. જેમણે પોતાના જીવનનાં 43 વર્ષ ઝાડ વાવવામાં જ પસાર કર્યાં અને અત્યાર સુધીમાં 1 કરોડ કરતાં પણ વધારે ઝાડ વાવી ચૂક્યા છે.”
પીપલ બાબા કોઈપણ જાતના સ્વાર્થ વગર ધરતી અને પર્યાવરણ માટે કામ કરતા લોકોમાંના એક છે. એટલે મંજરી પણ પીપલ બાબાની સંસ્થા “ગિવ મી ટ્રીઝ” માં વૉલેન્ટિયર તરીકે જોડાયાં. પીપલ બાબાના જીવનની યાત્રા અને તેમના ઉદ્દેશ્યથી મંજરી ખૂબજ પ્રભાવિત થઈ અને તેમના મનમાં પણ ઝાડ-છોડ પ્રત્યે લાગણી અને સમાજ પ્રત્યેની જવાબદારીની લાગણી વધી.
મંજરી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રહે છે. તેઓ એક જોઈન્ટ ફેમિલિમાં ઉછર્યાં છે અને ગ્રામીણ પરિવારમાંથી આવે છે. “ગિવ મી ટ્રીઝ” ના સહયોગથી તેમણે પોતાની પણ એક સંસ્થા જિજીવિષા સોસાયટી બનાવી છે.

બીફાર્માની નોકરી છોડી તેઓ અત્યાર સુધીમાં 3800 છોડ વાવી ચૂક્યાં છે, જેમાં 3400 આસપાસ છોડ આજે પણ છે અને વિકસી રહ્યાં છે. લગભગ 300 કરતાં વધુ છોડ તો વધીને 20 ફૂટ કરતાં પણ ઊંચાં ઝાડ થઈ ગયાં છે અને 70 કરતાં વધુ તો ફળ પણ આપે છે.
મંજરી જણાવે છે, “બીફાર્મા કર્યા બાદ લગભગ 7 વર્ષ સુધી મેં ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું. એગ્ઝીક્યૂટિવ કરિયરની શરૂઆત કરી અને ટીમ લીડર સુધી બની. પરંતુ બીજા બાળકના જન્મ બાદ તેણે કરિયરને બાય-બાય કહી દીધું. થોડા દિવસ ઘરે પસાર કર્યા પછી, ઝાડ વાવવાનો આ સિલસિલો શરૂ થયો. હું ગામમાં જ મોટી થઈ છું એટલે ભાગ્યે જ કોઈ એવી જગ્યા હોય, જ્યાં હું ઝાડ વગર રહી શકું.”
સામાજિક કાર્યો સાથે જોડાયેલ મંજરી નોકરી છોડી કાયદાનું ભણી. પરંતુ તે કોર્ટ-કચેરી કરતાં ઝાડ-છોડને બચાવવામાં અને હારિયાળીને વધારવાની વકાલત કરતી જોવા મળે છે.
મંજરીનું માનવું છે કે, ઝાડ વાવવાં મોટી વાત નથી, મોટી વાત તેની સંભાળ રાખવી, તેનો ઉછેર કરવો, મોટાં કરવાની છે. ઝાડ-છોડની દેખભાળ એ જ રીતે કરવી પડે છે, જે રીતે બાળકોની કરવામાં આવે છે. કદાચ આ જ કારણે જ તેમનાં વાવેલ 3800 માંથી 3400 ઝાડ-છોડ આજે પણ હર્યા-ભર્યા છે.

મંજરીના જણાવ્યા અનુસાર, તેમણે પોતાના ખર્ચે સેંકડો ઝાડ વાવ્યાં છે. પોતાની કમાણી અને તહેવારોમાં પિયર તરફથી મળતા પૈસા પણ તેમણે આના પાછળ જ ખર્ચ્યા છે. ધીરે-ધીરે તેમનું આ કામ વિકસવા લાગ્યું. ઝાડની સંખ્યા વધતાં 2-3 માળી અને મજૂર પણ તેમની સાથે જોડાયા. વધારે ફંડની જરૂર પડતાં મદદરૂપ થતા સાથીઓએ ‘જિજિવિષા સોસાયટી’ ની સ્થાપના કરી. પોતાના મિત્રો અંગે જણાવતાં મંજરી કહે છે, “મિત્રો સાથેના સંબંધોની બાબતમાં હું હંમેશાંથી ભાગ્યશાળી રહી છું. ઝાડ અને સામાજિક કાર્યોમાં પરવીન અખ્તર મેમનો હંમેશાં સાથ મળી રહ્યો છે. વાસ્તવમાં આ બધાં જ કાર્યો પાછળ તેમનો ફાળો સૌથી મહત્વનો છે.”
મંજરીને જોઈને તેમની કૉલોનીમાં પણ બધાંને આસપાસ છોડ વાવ્યા. જે સ્કૂલમાં મંજરીનાં બાળકો ભણે છે ત્યાં પણ બાળકોને છોડ વાવવા અને તેને બચાવવાના કામ સાથે જોડવામાં આવ્યાં. મંજરી જણાવે છે કે, જ્યારે ક્યાંય ખાલી જગ્યા દેખાય તો હું એ જ વિચારું છું કે, ત્યાં કયું ઝાડ વાવી શકાય.

શરૂઆતમાં જિજીવિષા દ્વારા પ્રાઈવેટ નર્સરીમાંથી છોડ વાવવામાં આવતા હતા, પરંતુ હવે તેમણે તેમની પોતાની જ નર્સરી બનાવી છે. ઘરની પાસેના પાર્કના એક ભાગમાં નર્સરી બનાવી દીધી છે. સંસ્થા પાસે એક મજૂર અને બે માળી છે, જેઓ શહેરમાં સૂકા ડિવાઈડર, રસ્તાની આસપાસ, હાઈવે પાસે અને બગીચાઓમાં હરિયાળી વધારી રહ્યા છે.
ઝાડ વાવવાની યાત્રા બાદ તેમણે લૉમાં એડમિશન લીધું અને ફસ્ટ ક્લાસ સાથે પાસ કર્યું. ધીરે-ધીરે કામનું વિસ્તરણ થયું અને ઘણા સાથીઓ પણ જોડાયા તેમની સાથે. ઝાડ-છોડ વાવવાની સાથે-સાથે તેમનું સંગઠન મહિલાઓને સેલ્ફ ડિફેન્સ, ગુડ-ટચ બેડ ટચ, ઓફિસમાં મહિલા ઉત્પીડન જેવા મુદ્દાઓ પર જાગૃત કરવાનું કામ પણ કરે છે.
જિજીવિષા સોસાયટી છોડ વાવવાની સાથે-સાથે શાળાઓમાં ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરે છે. તે ફાર્મા, લૉ બાબતે મિશ્રિત ટ્રેનિંગ આપે છે. જેનાથી તેમને આર્થિક સહયોગ પણ મળી રહે છે.
બે બાળકો અને ઘરની બધી જ જવાબદારી બાદ પણ ટ્રેનિંગ્સ અને વૃક્ષારોપણ માટે કેવી રીતે સમય કાઢે છે, એ અંગે પૂછતાં મંજરી જણાવે છે,
“જો આપણે કઈંક સકારાત્મક કરવા ઈચ્છીએ તો સમય કાઢવો સરળ બની જાય છે. થોડા સમય માટે ટેલીવિઝન અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાથી પણ સમય મળી જાય છે.”
અત્યાર સુધીની સફરથી ખુશ થઈને મંજરી જણાવે છે “ઝાડ-છોડની આ સફર ખૂબજ રસપ્રદ અને સંતોષકારક રહી. આપણી ફરજ અને કર્તવ્ય છે કે, આપણે આપણી આગામી પેઢીને શુદ્ધ હવા આપીએ. બાળકો સાથે કામ કરવું આજ સુધીનો સૌથી સુખદ અનુભવ રહ્યો અને ભવિષ્યમાં પણ બાળકો સાથે કામ કરવા ઈચ્છે છે. ઈશ્વર અમને હરિયાળી ફેલાવાની જીજિવિષા આપે.”

ઝાડ વાવવામાં જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો તમારી આસપાસ પણ હરિયાળી થઈ જશે:
- જ્યારે પણ બહાર જાઓ ત્યારે સાથે પાણીની એક-બે બોટલ ચોક્કસથી રાખો, રસ્તામાં ક્યાંય પણ સૂકાતા છોડ દેખાય તો તેને ઊર્જાથી ભરી દો.
- ઝાડ-છોડ વાવવા માટે ઘરની આસપાસની કોઈ એવી જગ્યા પસંદ કરો, જ્યાંથી તમારે રોજ આવાનું-જવાનું થાય.
- શરૂઆતમાં ઝાડ વાવવા માટે ખાલી પડેલ ટ્રી ગાર્ડ્સ, ડિવાઈડર કે રસ્તાના કિનારે ખાલી પડેલ જગ્યા પસંદ કરી શકો છો.
- ખર્ચ ઘટાડવા માટે ઘરમાં ખાલી પડેલ પ્લાસ્ટિક બેગમાં છોડ ઉગાડો. જેમાં એક નાનકડી નર્સરી બની જશે, જે છોડ તૈયાર થતાં તેને મોટી જગ્યાએ વાવી દો.
- બાળકોની મદદ લો. બાળકોને માટી સાથે રમવું ગમતું હોય છે અને છોડ વાવવાથી તેમને આઉટડોર એક્ટિવિટી થઈ જશે અને પર્યાવરણ માટેની જવાબદારી પણ સમજાશે.
જો તમે પણ મંજરીનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો ફેસબુક પર જોડાઈ શકો છો અથવા 099185 00172 નંબર પર ફોન પણ કરી શકો છો.
આ પણ વાંચો: પૉલીથીન આપો, છોડ લઈ જાઓ: પ્લાસ્ટિકનાં બદલામાં વહેંચ્યા લગભગ 1 લાખ છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.