ઉત્તર પ્રદેશના બરેલીમાં રહેતી મંજૂ લતા મૌર્ય વ્યવસાયે એક શાળામાં શિક્ષક છે, પરંતુ તેમના વ્યસ્તતાભર્યા દિવસની શરૂઆત પોતાના ટેરેસ ગાર્ડનમાં લાગેલ ફૂલોના છોડ સાથે જ થાય છે.
મંજૂ લતા છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી ટેરેસ ગાર્ડનિંગ કરે છે. આજે તેમના બગીચામાં સેંકડો ફૂલો અને સજાવટના છોડની સાથે-સાથે ઘણાં બોનસાઇ ઝાડ પણ છે.
આ બાબતે ધ બેટર ઈન્ડિયાને મંજૂએ જણાવ્યું, “મને ગાર્ડનિંગની શીખ મારી માંથી મળી અને મને બાળપણથી જ તેની સાથે બહુ લગાવ છે. મેં ટેરેસ ગાર્ડનિંગ 1996 માં, ગુલાબ, ગલગોટો, મની પ્લાસ્ટ જેવા 5-6 છોડ સાથે શરૂ કર્યું હતું.”
પરંતુ આજે મંજૂના ગાર્ડનમાં ગુલાબ, ગલગોટો, ગુલદાઉદી, સદાબહાર, બોગનવેલ સહિત 200 કરતાં વધારે છોડ છે.
આ સિવાય, તેમની પાસે પીપળો અને વડના 5 બોનસાઇ છોડ પણ છે.
આ બાબતે તેઓ જણાવે છે, “મારી પાસે વડ અને પીપળાના 5 બોનસાઈ ઝાડ છે. આ ઝાડને મેં જાતે જ તૈયાર કર્યાં છે. મેં મારા એક વડના બોનસાઇને 1997 માં તૈયાર કર્યું હતું. ત્યારથી તે મારી સાથે છે.”

કેવી રીતે કરે છે ગાર્ડનિંગ
મંજૂ તેમનું સંપૂર્ણ ગાર્ડનિંગ જૈવિક રીતે કરે છે અને તે છાણીયા ખાતર અને કિચન વેસ્ટનો ઉપયોગ કરે છે આ માટે. તો જંતુનાશક તરીકે લીમડાનું તેલ અને હળદરનો ઉપયોગ કરે છે.
બીજી એક મહત્વની વાત એ છે કે, છોડ વાવવા માટે તે ઘરમાં પડેલ નકામા ડબ્બા, બોટલો અને ડોલ વગેરેનો ઉપયોગ કરે છે.
ઘરના દરેક ખૂણે-ખાંચરે છે છોડ
મંજૂ જણાવે છે કે, તેમની પાસે 28X14 ની છત છે અને તે આખી છોડથી ભરેલી છે. તેમણે તો સીડી પર પણ છોડ વાવ્યા છે. આ સિવાય, તેમના ઘરમાં ઘણા હેંગિંગ પોટ્સ પણ છે, જેમાં ઘણા છાંયડામાં ઉગતા છોડ પણ છે.
બોનસાઇ બનાવવાની અને સંભાળવાની રીત
મંજૂ જણાવે છે, “બોનસાઇની ગ્રાફ્ટિંગ કર્યા બાદ, આપણે એ નક્કી કરવાનું હોય છે કે, આપણે આપણા છોડનો આકાર કેવો રાખવાનો છે. ત્યારબાદ, એ પ્રમાણે છોડની વધારાની ડાળીઓને એ મુજબ કાપતા રહેવું અને જરૂરી ડાળીઓ વધવા દેવી.”

તેઓ જણાવે છે, “હું મારા બોનસાઇ સહિત બધા જ છોડ માટે 60% બગીચાની માટી અને 40% છાણીયા ખાતર અને કિચન વેસ્ટનો ઉપયોગ કરું છું. આ સિવાય દર વર્ષે ફેબ્રુઆરીમાં, હું બોનસાઈના કુંડાની જૂની માટી કાઢીને નવી માટી ભરૂ છું. જેનાથી છોડને ભરપૂર પોષણ મળે છે. તો, તેની સુંદરતા વધારવા માટે હું કંસ્ટ્રક્શન સાઇટ્સ પર મળી રહેતા ગોળ નાના-નાના પથ્થરનો ઉપયોગ કરું છું, જેને માટીની ઉપર મૂકું છું.”
કેવી રીતે તૈયાર કરે છે ફૂલ છોડ
મંજૂ જણાવે છે કે, તેઓ ગાર્ડનિંગ મોટાભાગે ફૂલના છોડના કટિંગ અને તેમનાં ભીજ ભેગાં કરીને કરે છે અને તેથી તેમને બગીચા માટે કોઇપણ છોડ ઉગાડવાની જરૂર નથી પડતી.
શું છે મોટી સમસ્યા
મંજૂ જણાવે છે કે, ગાર્ડનિંગ દરમિયાન સૌથી મોટી સમસ્યા વાંદરાઓના કારણે થાય છે. પરંતુ, તેમણે વાંદરાઓથી છોડ બચાવવા માટે ધાબામાં નેટ નખાવી રાખી છે.
આ સિવાય ઘણીવાર એવું પણ થાય છે જ્યારે તેમને થોડા દિવસો માટે ક્યાંક બહાર જવાનું થાય અને ત્યારે દેખભાળ અને પાણીના અભાવમાં તેમના છોડ સૂકાવા લાગે છે. તેઓ જણાવે છે કે, આવી પળો ખૂબજ નિરાશાજનક હોય છે.

ખાસ ટિપ્સ
- જો તમે પહેલીવાર ગાર્ડનિંગ કરતા હોય તો, યૂટ્યૂબની મદદ લો. ઘણા ગાર્ડનિંગ એક્સપર્ટ યૂટ્યૂબ ચેનલ મારફતે ગાર્ડનિંગની ટિપ્સ આપે છે. તેમનાથી ઘણું શીખવા મળે છે.
- જો તમે શહેરમાં રહેતા હોય તો, બગીચાની માટી મેળવવી મુશ્કેલ હોય છે. એટલે આ માટે માળીની મદદ લો. હંમેશાં શરુઆત સરળતાથી ઉગતા છોડથી કરો, જેમકે, મની પ્લાન્ટ, ગુલાબ, ગલગોટો વગેરે.
- છોડને 5-6 કલાક તડકો મળી રહે તેવી જગ્યાએ રાખો. વધારે પડતું પાણી ન આપો, તેનાથી પણ છોડ સૂકાઇ શકે છે. કીટનાશક તરીકે, લીમડાનું તેલ અને હળદરનો ઉપયોગ કરો. કટિંગ હંમેશાં ફ્લાવરિંગ પહેલાં કરો.
આ પણ વાંચો: ઘરમાં છે 700+ ઝાડ-છોડ, ફળ-ફૂલ અને શાકભાજીની સાથે તમને જોવા મળશે વડ અને પીપળા પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.