Search Icon
Nav Arrow
Herbal Mawa
Herbal Mawa

લોકોને તમાકુની ગંભીર અસરથી બચાવવા આ ગુજરાતીએ બનાવ્યો હર્બલ માવો, બચતની સાથે-સાથે શરીરને પણ રાખશે સ્વસ્થ

2018માં વ્યસનીઓને બચાવવા વિચાર આવ્યો અને બનાવ્યો 11 ઔષધિઓ વાળો હર્બલ માવો, પૈસાની સાથે સ્વાસ્થ્ય પણ સુધરશે

આપણા ગુજરાતમાં વ્યસનીઓ માટે તમાકુ એટલે જાણે અમૃત. એટ ટંક જમ્યા વગર ચાલે પણ માવા-મસાલા વગરના ચાલે. બધી જગ્યાએ તમાકુનું વ્યસન અલગ અલગ સ્વરૂપે હોય છે. જેમાં માવા-મસાલા, બીડી-સિગરેટ, ગુટખા અને કાચી તમાકુ પણ વપરાય છે. લોકડાઉન વ્યસનીઓ માટે કપરોકાળ હતો. એક તો પાન-માવા મળતા નહોતા અને જ્યાં મળતા હતા ત્યાં ભાવ ખૂબ જ વધારે. પરંતુ વ્યસનીઓને ભૂખ્ય રહેવું મંજૂર હોય, પરંતુ ગમે તેટલા ભાવમાં માવા-મસાલા ચોક્કસથી ખરીદે. જેના કારણે તેમના સ્વાસ્થ્યને તો નુકસાન થાય જ છે, સાથે-સાથે પરિવારને પણ બહુ મુશ્કેલીઓ વધે છે. તેમની આ આદતના કારણે ખર્ચ વધી જાય છે, જેના કારણે બાળકોના ભણતર, દવાઓ તેમજ બીજાં મહત્વનાં કામના ખર્ચ પર કાપ મૂકવો પડે છે.

 તમાકુથી શરીરને થતા નુકસાન અંગે આપણે બધા પરિચિત છીએ પણ માવા-મસાલા બંધ કરવાની વાત આવે ત્યારે વ્યસનીઓ માટે જાણે અણમોલ ખજાનો માંગી લીધો હોય એવુ લાગે. તમાકુ જીવલેણ છે એમાં કોઈ બેમત નથી છતાં પણ વ્યસનને છોડવાની હિંમત પણ કરતું નથી કોઈ.
વ્યસનના લીધે આખો પરિવાર વિખાઈ ગયો એવા પણ કિસ્સા બન્યા છે. ત્યારે જૂનાગઢના રહેવાસી એવા કાંતિભાઈ ઝાંઝરૂકિયાએ એક અલગ જ ચીજ બનાવી છે જે છે હર્બલ માવો.

Kantibhai

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં કાંતિભાઈએ જણાવ્યું હતું કે તમાકુના લીધે ભારતમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે અને ગંભીર બીમારીમાં સપડાયા છે. સૌરાષ્ટ્રમાં માવા-મસાલાનું ચલણ ખૂબ જ છે. આથી મેં 2018માં મેં હર્બલ માવો બનાવ્યો જેમાં અલગ-અલગ 11 જેટલી ઔષધિય ચીજવસ્તુ નાંખી બનાવેલ હતો. આ હર્બલ માવો તમાકુવાળા માવા જેવો જ સ્વાદ આપે છે. સાથે સાથે શરીરને કોઈ નુકસાન કરતું નથી ઉલટાનું ફાયદો કરે છે. હર્બલ માવામાં સોપારી, વરિયાળી, અજમા, લિબુંનું અર્ક, લિંડી પીપર, લવિંગ પાવડર, જેઠીમધ જેવી વસ્તુ નાખવામાં આવે છે.

કાંતિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તમાકુવાળા માવા-મસાલા બજારમાં મોંઘા મળે છે અને સામે શરીરને હાની પહોંચાડે છે. કાંતિભાઈના હર્બલ માવા અમદાવાદ, સુરત, નવસારી, વાપી અને મુંબઈ સુધી પહોંચ્યા છે. તેમના અનુસાર બે વર્ષમાં આશરે 25 લાખ લોકોએ તેમના હર્બલ માવાને ટેસ્ટ કર્યા છે અને ઘણા બધા તમાકુ છોડી હર્બલ માવા તરફ વળ્યા છે. આ હર્બલ માવામાં થૂંકવાની જરૂર નથી પડતી જેથી કરીને સ્વચ્છતા પણ રહે છે. આજકાલ તમે ક્યાંય પણ જાહેર જગ્યાઓએ જાઓ, પાન-મસાલા ખાઈને લોકોએ ખૂણા એટલા ગંદા કરી મૂક્યા હોય છે કે, જોતાં જ સૂગ ચડે. આ ગંદકીથી પણ છૂટકારો મળશે.

આ માવાનું નાનું પેકીંગ માત્ર 5 રૂપિયામાં મળે છે. લોકડાઉનના સમયમાં ઘણાબધા વ્યસનીઓ તમાકુ છોડી હર્બલ માવા તરફ વળ્યા છે. મારો ધ્યેય પેસા કમાવવાનો નથી. પરંતુ વ્યસનીઓએ અને તેના પરિવારને આવા હાનિકારક, જીવલેણ વ્યસનથી બચાવી એક તંદુરસ્ત જીવન જીવવા માટે છે.

Tobacco Free

આ સિવાય કાંતિભાઈ તેમની સોસાયટી ગોકુલધામ માટે પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા રહે છે. કોરોના મહામારીનો લઈને સોશિયલ ડિસ્ટનસિંગ રાખવું જરૂરી રહે છે. એટલે અમે બાળકોના મેદાનમાં એક ડ્રમ બનાવીને પાણી પીવાની સગવડ ઉભી કરી છે. જેમાં કોઈ હાથને સ્પર્શ કરવાની જરૂર નથી પડતી. આ સિવાય અમે સ્વચ્છતા અભિયાન કરીએ છીએ. સોસાયટીમાં વાર-તહેવારોમાં સમૂહ ભોજન રાખીએ છીએ. તેઓએ આગળ કહ્યું હતું કે એક ગોકુલધામ રીલ પર ચાલે છે અને અમે રિયલ ગોકુલધામ ચલાવીએ છીએ.
ધ બેટર ઈન્ડિયા આવા સાહસિક, સ્વાસ્થ અને સ્વચ્છતાની કાળજી રાખનારાને બિરદાવે છે.

જો આપ પણ વ્યસનથી દૂર થઈ હર્બલ માવા તરફ વળવા માંગતા હોય તો કાંતિભાઈનો સંપર્ક 99792 90925 પર કરી શકો છો.

આ પણ વાંચો: 9 પાસ ગુજરાતી ખેડૂતની શોધ: માત્ર 10 રૂપિયામાં બનાવ્યાં ઈકો-ફ્રેન્ડલી છાણનાં કૂંડાં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon