પર્યાવરણ દિવસ હોય કે પછી પૃથ્વી દિવસ, સોશિયલ મીડિયામાં વારંવાર #SayNotoPlastic વાયરલ થવા લાગે છે. પરંતુ આ લખવું જેટલું સરળ છે એટલું જ જીવનમાં ઉતારવું મુશ્કેલ છે. જેનું કારણ છે કે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો તેવી સલાહ તો બધાં આપે છે, પરંતુ તેની જગ્યાએ પોસાય તેવા ભાવમાં બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરવો તેનો વિકલ્પ બહુ ઓછી જગ્યાએથી મળે છે.
બઝારમાંથી શાક લાવવા માટે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરી શકો છો, તો દરેક શાક અલગ-અલગ રાખવા માટે કાપડનાં નાનાં-નાનાં પાઉચ પણ બનાવી શકાય છે.
આ સિવાય પરંપરાગત પ્લાસ્ટિક બેગની જગ્યાએ બાયોકમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક બેગનો પણ ઉપયોગ કરી શકાય છે. આ પ્લાસ્ટિક બેગને ઉપયોગ બાદ કચરામાં ફેંકવાની જરૂર નથી, તે તેની જાતે જ ઓગળી જાય છે અને પર્યાવરણ માટે નુકસાનકારક નથી.

આ જ રીતે અન્ય કામો માટે પણ આપણે પ્લાસ્ટિકનાં ઉત્પાદનોની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ વિકલ્પ શોધવા પડશે. જેથી નાના-નાના પ્રયત્નોથી આપણે આપણી સોસાયટીને પ્લાસ્ટિક ફ્રી સોસાયટી બનાવી સકશું.
નર્સરીમાં છોડ રાખવા માટે મોટાભાગે પ્લાસ્ટિકની થેલીનો ઉઅપ્યોગ થાય છે. જ્યારે આ પોલિથીનમાં જ આપણે કોઇ છોડ ઉગાડીએ ત્યારે મૂળ મોટાં થતાં કોથળી તો ફાટી જાય છે પરંતુ તેના કણ માટીમાં જ રહી જાત છે. જેની સીધી અસર આડ-કતરી રીતે છોડના વિકાસ અને માટીની ગુણવત્તા પર થાય છે. એટલે જ આજકાલ લોકો કોકોપીટ માટે પણ ઈકો-ફ્રેન્ડલી રસ્તા શોધી રહ્યા છે. ઘણી જગ્યાઓએ નારિયેળની કાછલીમાં છોડ ઉગાડવાની સલાહ પણ આપવામાં આવે છે.
આ જ ક્રમમાં હવે ‘છાણમાંથી બનેલ કુંડા’ નો પણ સમાવેશ થઈ ગયો છે. જી હા, ગુજરાતના એક સામાન્ય ખેડૂતે ઘરે જ બનાવ્યું છે છાણનું એવું કૂંડું કે, તે પર્યાવરણ માટે તો અનુકૂળ છે જ, સાથે-સાથે તેનાથી ઘરે જ તમે ખાતર પણ બનાવી શકો છો.
ગુજરાતના છોટા ઉદયપૂર જિલ્લાના કથૌલી ગામમાં રહેતા 65 વર્ષના ખેડૂત ગોપાલ સિંહ સૂતરિયા એક જન્મજાત ઈનોવેટર છે. તેમને તેમનાં સંશોધનો બદલ જ્ઞાન ફાઉન્ડેશન અને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

નવમા ધોરણ સુધી ભણેલ ગોપાલ સિંગ જણાવે છે કે, ભલે તેઓ વધારે ભણી ન શક્યા, પરંતુ તેમનામાં શીખવાની અને કઈંક નવું કરવાની ઉત્કંઠા ક્યારેય ખતમ ન નહીં. ખેતીમાં પણ તેઓ કઈંક ને કઈંક અવનવું કરતા જ રહે છે. ખેતીની ઉપજ વધારવા માટે ક્યારેક કોઇ દેશી ઉપાય કરે છે તો ક્યારેક ખેતીનું કામ સરળ કરવા જુગાડ મશીન પર કામ કરે છે.
ખેડૂતોને દરરોજ ખેતીમાં અવનવી સમસ્યાનો સામનો કરવો પડે છે. માહિતી અને જ્ઞાનના અભાવમાં આ સમસ્યાઓનો હલ પણ ગરીબ ખેડૂતોને જાતે જ શોધવો પડે છે. કહેવાય છે ને કે, જરૂરિયાત જ આવિષ્કારની જનની હોય છે, એટલે જ રોજિંદી જરૂરિયાતો અનુસાર ગોપાલ સિંહે પણ ઈનોવેશન કર્યાં. તેમનાં આ ઈનોવેશન આજે માત્ર ખેડૂતો માટે જ નહીં પરંતુ બીજી ઘણી જગ્યાઓએ લોકોની આવક વધારવામાં પણ મદદ કરી રહ્યાં છે.
ગોપાલભાઇ જણાવે છે કે, તેમની સૌથી પહેલી શોધ એક ‘હેન્ડ ડ્રિવન સ્પ્રેયર’ મશીન હતું. આ મશીનને બનાવવા પાછળ તેમનો હેતું મજૂરોની અછત હોય તો પણ ખેતીનું કામ સમયસર કરવાનો હતો. સાથે-સાથે વજનદાર પરંપરાગત સ્પ્રેયરને પીઠ પર ઉપાડવાનું પણ સરળ નથી, એટલે ગોપાલ સિંહે આ શોધ પર કામ કર્યું.
તેમણે આ મશીનને એક જૂની સાઇકલના ઉપયોગથી બનાવ્યું છે અને તેને હાથથી ચલાવી શકાય છે. સાથે-સાથે, બેરલ, નોઝેલ અને સ્પ્રે બૂમને એ રીતે એડજસ્ટ કરવામાં આવ્યું છે કે પેસ્ટિસાઇડ સ્પ્રેને જરૂર પ્રમાણે ઓછું કે વધારે કરી શકાય છે. આ મશીનની કિંમત લગભગ 4000 રૂપિયા છે. આ સિવાય આ મશીનને રિપેર કરવું અને તેની સંભાળ રાખવી બહુ સરળ છે. આ મશીનથી એક એકર પાકમાં સ્પ્રે કરવામાં માત્ર 5-6 કલાક લાગે છે.

તેમની આ મશીન શોધયાત્રા દરમિયાન જ્ઞાન ફાઉન્ડેશન અને સૃષ્ટિ સંગઠના ધ્યાને પણ પડી. જ્ઞાન ફાઉન્ડેશનના મદદથી જ ગોપાલ સિંહ અને તેમના આ સંશોધનને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. અને તેમને વર્ષ 2005 માં નીએશનલ ઈનોવેશન અવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા.
તેમના ‘છાણના કુંડા’ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આવાં ઈકો ફ્રેન્ડલી કૂંડાં બનાવવાની પ્રેરના તેમને એક તહેવારથી મળી હતી.
“ગુજરાતમાં છોકરીઓ ગૌરી વ્રત કરે છે. આ વ્રતની વિધિમાં તેઓ એક વાંસની ટોકરી કે માટીના મોટા કોડિયામાં જવ ઉગાડવામાં આવે છે. તેને જોઇને જ તેમના મનમાં વિચાર આવ્યો કે, જો આરીતે માટીના કોડિયા કે ટોકરીની જગ્યાએ કઈંક એવું બનાવવામાં આવે, જે માટીમાં લગાવતાં જ છોડ અને માટી માટે ખાતરનું કામ જ કરે.”

સાથે-સાથે, નર્સરી કે ઘરોમાં સેપલિંગ માટે પણ કોઇ પોલિથીનની જરૂર નહીં પડે. બસ આ જ વિચાર પર કામ કરતાં ગોપાલ સિંહે તેમની પહેલી શોધ કરી, જે સંપૂર્ણપણે પર્યાવરણ માટે અનુકૂળ છે. સાથે-સાથે, તે સરળતાથી ઓછામાં ઓછા ખર્ચે બની જાય છે. તેના માટે જરૂર છે કેટલાંક ઘરેલુ ઉત્પાદનો છાણની.
કેવી રીતે બનાવવું ‘છાણનું કૂંડુ’:
સૌથી પહેલાં છાણ ભેગું કરી તેમાં ઘઉંનો લોટ, લાકડાનો વેર, ભૂસુ વગેરે મિક્સ કરો. આ મિશ્રણને ઓછામાં ઓછા બે-ત્રણ દિવસ સુધી આમ જ રાખો. ત્યારબાદ આ મિશ્રણમાં થોડું સાબુનું પાણી છાંટો, જેથી તેમાં કીડા નહીં પડે.

ત્યારબાદ આ મિશ્રણમાંથી તમે ધીરે-ધીરે તમારી જરૂર મૂજબના માપથી કૂંડું બનાવી શકો છો. કૂંડાને આકાર આપવા માટે તમે સાંચા/ડાઇનો ઉપયોગ કરી શકો છો. આ પ્રક્રિયામાં વધારે સમય નહીં લાગે.
ગોપાલ સિંહ જણાવે છે કે, એક નાનું કૂંડુમ તેઓ માત્ર 5 રૂપિયામાં વેચે છે અને મોટું કૂંડુ 10 રૂપિયામાં વેચે છે. એટલું જ નહીં તેઓ બીજા ખેડૂતોને અને ગ્રામીણ મહિલાઓને પણ કૂંડું બનાવવાની ટ્રેનિંગ આપી ચૂક્યા છે. જેથી લોકો ખેતીની સાથે-સાથે તેઓ આ રીતે આવકમાં થોડો વધારો પણ કરી શકે.
ગોપાલ સિંહ જણાવે છે, “મારી પાસે રાજકોટ, અમદાવાદ વગેરે જગ્યાઓથી નર્સરીમાંથી આ કૂંડાંની માંગ આવે છે. ઘણી નર્સરી અને બીજા લોકો પણ છાડના કૂંડામાં જ છોડ વાવવાનું યોગ્ય માને છે કારણકે આજકાલ આમ પણ પોલિથીન પર્યાવરણ માટે બહુ મોટી સમસ્યા બની ગઈ છે.”
આ કુંડાંને મોટા પ્રમાણમાં અને ઓછા સમયમાં બનાવવા માટે કોઇ જુગાડની પણ જરૂર નથી.

“જો દરેક કામ આપણે જાતે જ કરીએ તો તેમાં ઘણો સમય પણ લાગે છે એટલે મેં વિચાર્યું કે, વધારે સંખ્યામાં આવાં કૂંડાં બનાવવા માટે આપણે મશીનની મદદ લેવી જ પડશે.”
આમાં અન્ય એક ઈનોવેટર પરેશ પંચાલે તેમની મદદ કરી અને એકદમ સરળ સ્વભાવના આ બે ઈનોવેટર્સે છાણમાંથી કૂંડાં બનાવવાનું એક મશીન બનાવ્યું.
આ મશીનમાં તમે એકજ કલાકમાં 100 કૂંડાં બનાવી શકો છો, આ મશીનને તમે હાથેથી ચલાવી શકો છો અને ત્રણ અલગ-અલગ આકારનાં કૂંડાં બનાવવાં તેમાં સ્ટીલની ડાઈ પણ છે.
ગોપાલ સિંહ અને પરેશ પંચાલે બનાવેલ આ મશીન એટલું સફળ રહ્યું કે, ગુજરાતની એક કંપનીએ આ મશીનના ઉત્પાદન માટે તેમની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.
આ વાતમાં કોઇ શક નથી કે, પર્યાવરણ અને જમીન સાથે જોડાયેલ સમસ્યાઓનો હલ પણ સામાન્ય ખેડૂતો જ આપી શકે છે, તે શહેરોમાં એસી, કૂલરમાં બેસેલ લોકો નહીં આપી શકે. અને ગોપાલ સિંહ જેવા લોકો કોઇ સરકારી યોજના કે કોઇ મોટા એક્સપર્ટની રાહ પણ નથી જોતા, તેઓ પોતાની જરૂરિયાત અનુસાર જાતે જ જુગાડ કરી લે છે.
જો તમને આ ઈનોવેશન પ્રેરણાત્મક લાગ્યું હોય અને જો તમે પણ તેમની પાસેથી ટ્રેનિંગ લેવા ઇચ્છતા હોય કે આસપાસના ખેડૂતો કે મહિલાઓને ટ્રેનિંગ અપાવવા ઇચ્છતા હોય તો, ગોપાલ સિંહનો સંપર્ક કરવા 9904480545 કે 8347727372 પર ફોન કરી શકો છો.
આ પણ વાંચો: આ અમદાવાદી છેલ્લા 8-10 વર્ષથી ખાય છે ઘરે વાવેલું શાકભાજી, નાનકડા ગાર્ડનમાં જાતે જ કરે છે ઓર્ગેનિક ખેતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.