આજે દેશના મોટાભાગના શહેરોમાં રહેતા લોકો પ્રદૂષણની સમસ્યા સહન કરી રહ્યા છે. તેનું મોટું કારણ ઝાડ-છોડની આડેધડ કાપણી છે. આપણે બધા હરિયાળીથી દૂર થઈ રહ્યા છીએ. આ સ્થિતિમાં આપણા બધાની ફરજ બને છે કે, નાના-મોટા સ્તરે ગાર્ડનિંગ કરીએ. આજે અમે તમને ગુડગામની એક એવી મહિલા વિશે જણાવી રહ્યા છીએ, જેમણે તેમના ધાબાને જ ગાર્ડન બનાવી દીધું છે.
એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે સેવા આપી રહેલ અનામિકાને બાળપણથી જ ગાર્ડનિંગનો શોખ હતો, પરંતુ તેમને ગાર્ડનિંગ માટે પૂરતી જગ્યા મળતી નહોંતી. પરંતુ, 3 વર્ષ પહેલાં ગુડગાંવમાં નવું ઘર લેતાં જ તેમણે ગાર્ડનિંગ કરવાનું શરૂ કરી દીધું.

અનામિકાએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું, “મેં શરૂઆત જૂનાં વાસણો, ડોલ, ડબ્બા વગેરેમાં ગુલાબ, ચંપા, લીંબુ જેવા 25 છોડ ઉગાડ્યા, પરંતુ મોટાભાગના છોડ સૂકાઇ ગયા. તેનાથી બહુ નિરાશા થઈ. પરંતુ તેમાં ગાર્ડનિંગ કરવાનું ન છોડ્યું અને યૂટ્યૂબથી માહિતી મેળવી એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી. આજે મારી પાસે 35×9 ના ટેરેસ ગાર્ડનમાં 150 કરતાં વધારે છોડ છે.”
તેઓ વધુમાં જણાવે છે, “અમારી આસપાસની માટી ગાર્ડનિંગ યોગ્ય નથી, જેના કારણે શરૂઆતના દિવસોમાં મારા છોડ સુકાઇ ગયા. પછી મેં બજારમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર ખરીદી તેને માટીમાં મિક્સ કર્યું. ત્યારબાદ ગાર્ડનિંગ માટે કિચન વેસ્ટનો પણ ઉપયોગ કરવાનો શરૂ કર્યો. જેના કારણે માટીની ઉર્વરા શક્તિમાં ઘણો વધારો થયો. પછી ધીરે-ધીરે મેં મારા બગીચામાં છોડ વાવવાના શરૂ કર્યા. આજે મારી પાસે કેરી, દાડમ, લીંબુ, આમલી, લેમનગ્રાસ, પીપળા જેવા ઘણા ઝાડ-છોડ છે. તેની સાથે-સાથે મેં મારા બગીચામાં દૂધી, કારેલાં, કાળેંગડાં જેવાં ઘણાં શાકની પણ જૈવિક ખેતી શરૂ કરી છે. જેના કારણે મારી બજાર પરની નિર્ભરતા બહુ ઘટી ગઈ છે.”

બીજી એક મહત્વની વાત એ છે કે, અનામિકા લીંબુ, ગુલાબ જેવા ઘણા છોડની કલમ કરી ઘરે જ બીજા ઘણા છોડ બનાવે છે અને તેમના ઘરમાં જૂના જીન્સથી લઈને વાસણોમાં પણ છોડ જોવા મળે છે.
અનામિકા જણાવે છે, “મને મારા બગીચામાં બેસવું બહુ ગમે છે. તેનાથી મનને શાંતિ મળે છે. લૉકડાઉન દરમિયાન મારો મોટાભાગનો સમય ગાર્ડનિંગમાં જ પસાર થયો. તેનાથી મને આટલા મુશ્કેલ સમયમાં પણ તણાવમુક્ત રહેવામાં મદદ મળી.”

ગાર્ડનિંગ સંબંધિત અનામિકાની કેટલીક ટિપ્સ:
- ગાર્ડનિંગ માટે માટી સૌથી મહત્વની છે. એટલે માટીની પસંદગી બહુ સાવધાનીથી કરો. જો બગીચાની માટી મળી જાય તો સૌથી શ્રેષ્ઠ. કુંડામાં માટી અને ખાતરનું પ્રમાણ 60:40 ના રેશિયામાં રાખો.
- ઝાડ-છોડ માટે વરસાદની ઋતુ બહુ સારી છે, પરંતુ પહેલીવાર ગાર્ડનિંગ કરી રહ્યા હોય તો, જાન્યુઆરીથી માર્ચની વચ્ચે શરૂ કરો. કારણકે આ સમય દરમિયાન છોડની વધારે દેખભાળ નહીં કરી શકો તો પણ તે જલદી સુકાશે નહીં.
- શરૂઆત સરળતાથી ઉગતા છોડ ગુલાબ, ચંપા વગેરેથી કરો. ધીરે-ધીરે ગાર્ડનિંગ સાથે તમારું જોડાણ વધશે.
- છોડને 4-5 કલાકનો તડકો મળવા દો.
- દર અઠવાડિયે લીમડાના તેલ કે મરચા અને લસણની પેસ્ટમાં પાણી મિક્સ કરી છોડ પર છાંટો. જેથી જીવાત કે કીડા નહીં પડે.

અનામિકા જણાવે છે, “ગાર્ડનિંગ માટે ધીરજ ખૂબજ જરૂરી છે. જો છોડ સૂકાઇ જાય તો જરા પણ ન સૂકાવું અને યોગ્ય ઉપાય શોધો.”
અંતે તે લોકોને અપીલ કરે છે, “આપણાથી શક્ય હોય એટલું ગાર્ડનિંગ કરવું જોઇએ. તેનાથી પોતાની જાતને તણાવથી દૂર રાખવાની સાથે-સાથે પર્યાવરણના સંરક્ષણમાં પણ મદદ મળે છે. કારણકે આજના સમયમાં શહેરોમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. જેને રોકવામાં આપણે આપણાથી શક્ય એટલો નાનો-મોટો પ્રયત્ન કરી શકીએ છીએ.”
અનામિકાના વિચારોથી પ્રેરિત થઈને શહેરોમાં વસતાં તેમનાં 2-3 સંબંધીઓએ પણ લૉકડાઉન દરમિયાન ઘરમાં ગાર્ડનિંગ શરૂ કર્યું છે.
આ પણ વાંચો: માત્ર 59 સ્ક્વેર ફૂટ જગ્યામાં અને અપૂરતા તડકામાં ફળ-શાકભાજી ઉગાડે છે આ AI ઈંસ્ટ્રક્ટર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.