62 વર્ષનાં મીના મેહતા રસોઇ બનાવતાં પહેલાં થોડા આરામ માટે સોફામાં બેઠાં. મીનાબેન અને તેમના પતિ અતુલ મહેતા બંને મળીને રોજ ઝૂંપડપટીનાં બાળકો માટે પૌષ્ટિક ભોજન બનાવે છે.
કોઇની પણ મદદ વગર પતિ-પત્ની મળીને એકલા હાથે 250 બાળકો માટે પૌષ્ટિક ભોજન બનાવીને તેને પેક કરે છે અને સર્વિંગ સ્માઇલ નામની સંસ્થાની મદદથી બાળકો સુધી પહોંચાડે છે. સાથે-સાથે તેઓ એ વાતનું પણ બહુ ધ્યાન રાખે છે કે, ભોજન બની જાય તેના એક કલાકમાં બાળકો સુધી પહોંચી જાય.

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં માનુની ફાઉન્ડેશન સંસ્થાનાં સંસ્થાપક મીનાબેન જણાવે છે, “ભૂખ અને કુપોષણની દ્રષ્ટિએ આપણો દેશ 94 મા નંબરે છે. એટલે જ અમારો હેતુ છે કે બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે. અમે કોઇ એક વિસ્તારમાં જઈને બાળકોને સતત એક-બે મહિના સુધી તેમને 200 ગ્રામના પેકિંગમાં તાજુ જ બનાવેલું ભોજન પહોંચાડીએ છીએ. અને ખરેખર બાળકોમાં તેનો ફાયદો પણ જોવા મળે છે.”
મીનાબેન ભોજન પહોંચાડવાની સાથે-સાથે બાળકોને સ્વચ્છતાનું મહત્વ પણ સમજાવે છે. બાળકોને હાથ-પગ ધોવડાવી સરખી રીતે બેસાડી જમાડે છે. ત્યારબાદ કચરો કચરાપેટીમાં નાખવાની પણ શીખ આપે છે.

રોજ આપવામાં આવતા ભોજનની વાત કરવામાં આવે તો, મીનાબેને કહ્યું, “અમે બાળકોને ફાસ્ટફૂડ નથી આપતાં. દરરોજ કઠોળ સાથે બાળકોને પુષ્કળ શાકભાજીની ગ્રેવીવાળા ભાત અને સોયા ચંક્સ બનાવીને આપીએ છીએ. સાથે-સાથે સૂકા-મેવા, ચીઝ, પનીર અને ચીકી પણ આપીએ છીએ. આમાં પનીર પણ અમે ઘરે જ બનાવીએ છીએ અને ચોખા, કઠોળ અને બીજી બધી જ સામગ્રી એકદમ ઉત્તમ ગુણવત્તાની વાપરીએ છીએ. અમે તેમને રોજ અલગ-અલગ વાનગીઓ બનાવીને આપીએ છીએ.”
વીડિયોમાં જુઓ, શું કહે છે મીનાબેન:
આ ઉંમરે પણ બાળકો માટે પૌષ્ટિક ભોજન બનાવી ખવડાવતાં મીનાબેન લોકોને ખાસ વિનંતિ પણ કરે છે કે, આપણા દેશમાં કુપોષિત બાળકોની સંખ્યા બહુ વધારે છે. તમારાથી આટલું શક્ય ન હોય તો 10 બાળકોને પૌષ્ટિક ભોજન પહોંચાડો. તેમનાં માતાપિતા મજૂરીએ જતાં હોય છે. તેમની પાસે સમય નથી હોતો બાળકો માટે, એટલે જો આપણે તેમને પૌષ્ટિક ભોજન આપશું, બે સારી આદતો શીખવડશું તો તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક પગલું ગણાશે.

સૌથી મહત્વની વાત કરીએ તો, મીનાબેન એ જ છે, જેમને પીએમ નરેન્દ્ર મોદીએ પણ ‘પેડવાળી દાદી’ કહીને સન્માન આપ્યું હતું મન કી બાતમાં. તો કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ તેમનું ખાસ સન્માન કર્યું છે. તેઓ સુરતની સરકારી શાળાઓમાં ફરીને બાળકીને જાતે પેડ આપે છે. તેનો ઉપયોગ કરતાં શીખવાડે છે. સાથે-સાથે તેઓ એક વાત પર ભાર આપતાં જણાવે છે કે, ઘણીખરી બાળકીઓ એવી પણ હોય છે કે, તેમની પાસે બ્રા-પેન્ટીના ખરીદવાના પૈસા પણ નથી હોતા એટલે તેઓ આ બાળકીને દર મહિને બ્રા-પેન્ટી પણ આપે છે.

મીનાબેન 16 જુલાઈ, 2012 થી સરકાળી શાળાઓ અને જરૂરિયાતમંદ બહેનોને સેનેટરી પેડ આપે છે. તેમને જોતાં જ બાળકીઓના ચહેરા પર સ્માઇલ આવી જાય છે.
તેમના કામથી ખુશ થઈને ‘પેડમેન’ ફિલ્મ બાદ અક્ષય કુમારે તેમને દિલ્હી બોલાવી સન્માન કર્યું હતું અને 5 લાખની મદદ પણ કરી હતી. મજાની વાત તો એ છે કે, મીનાબેને તે સમયે અક્ષય કુમારને કહ્યું હતું કે, તમે ફિલ્મમાં પેડનું મહત્વ તો સમજાવ્યું, પરંતુ સાથે-સાથે પેન્ટીનું મહત્વ પણ કહો, નહીંતર બધા જ પેડ નકામા ગણાશે. તો ગુજરાતની જાણીતી લેખિકા કાજલ ઓઝા વૈધએ તો એમ પણ કહ્યું હતું કે, આ એકમાત્ર દંપતિ છે, જે પેન્ટીનું દાન કરે છે. કોરોનાની મહામારીના કારણે હમણાં શાળાઓ તો બંધ થઈ ગઈ છે, પરંતુ મીનાબેનનું કામ નથી અટક્યું. પૌષ્ટિક ભોજનની સાથે-સાથે તેઓ આસપાસ ઘરકામ કરતી મહિલાઓ, શાકભાજીનો ધંધો કરતી બહેનો, સિક્યૂરિટી ગાર્ડની પત્નીઓ અને કોઇપણ જરૂરિયાતમંદ બહેનો તેમની પાસે આવે એટલે તેમને મફતમાં સેનેટરી પેડ અને પેન્ટી આપે છે.

તેમના આ કાર્ય અંગે વાત કરતાં મીનાબેન જણાવે છે કે, ઈન્ફોસીસ ફાઉન્ડેશનનાં ચેરમેન સુધા મૂર્તિમાંથી પ્રેરણા લઈને આ કાર્ય શરૂ કર્યું છે. સુધા મૂર્તિએ 2004 માં સુનામી બાદ ચાર ટ્રક સેનેટરી નેપ્કિન ચેન્નઈમાં મોકલ્યાં હતાં. બસ એ જ દિવસથી મીનાબેને નક્કી કર્યું કે, તેઓ જે પણ સેવા કાર્યો કરશે તેમાં સેનિટરી નેપ્કિન્સ જરૂરિયાતમંદ લોકોને આપવાનું ચોક્કસથી રહેશે. તો સુધા મૂર્તિએ મીનાબેનને પણ બે વાર પેડ મોકલાવી મદદ કરી હતી.

તેમનાં કાર્યોની નોંધ લઈ ઘણા લોકો મદદ માટે આવે છે. જે પણ લોકો તેમને કરિયાણું અપે તેમાંથી આ દંપતિ જાતે જ રસોઇ બનાવી બાળકો સુધી પહોંચાડે છે. જો તમે પણ મીનાબેન અંગે વધુ જાણવા ઇચ્છતા હોય અને મદદ કરવા ઇચ્છતા હોય તો તેમનો સંપર્ક કરી શકો છો.
અતુલ મેહતા – 9374716061 અને મીના મેહતા – 9374544045
ધ બેટર ઈન્ડિયા સલામ કરે છે મીનાબેન અને અતુલભાઈનાં કાર્યોને. અમે આશા રાખીએ છીએ કે, તેઓ આ જ રીતે તેમનાં કાર્યો કરતાં રહે.
તસવીર સૌજન્ય: હિમાંશુ જેઠવા, નિખિલ બજાજ
જો તમે પણ આવી કોઇ માહિતી અમને જણાવવા ઈચ્છતા હોય તો, અમારો સંપર્ક કરી શકો છો gujarati@thebetterindia.com પર.
આ પણ વાંચો: ગરીબનાં બાળકો તહેવારોથી વંચિત ન રહી જાય એ માટે ખાસ કિટ પહોચાડે છે આ અમદાવાદી