આજકાલ મોતીની ખેતીનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. મોતીની ખેતી ઓછી મહેનત અને ખર્ચમાં વધુ નફાનો સોદો સાબિત થઈ રહ્યો છે. મોતીની ખેતી એવી જ રીતે કરવામાં આવે છે જેવી રીતે મોતી પ્રાકૃતિક રીતે તૈયાર થાય છે. મોતીની ખેતી માટે સૌથી અનુકૂળ સમય ઓક્ટોબરના ડિસેમ્બરની વચ્ચેનો માનવામાં આવે છે. આજે અમે તમને ઉત્તર પ્રદેશના એક એવા જ ખેડૂતની કહાની કહેવા જઈ રહ્યાં છીએ, જે મોતીની ખેતીમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.
બિજનૌર જિલ્લાના ધામપુર તાલુકામાં એક નાનું એવું ગામ છે ચક. આ ગામના ખેડૂત વિજેન્દ્રસિંહ ચૌહાણ મોતીનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. વિજેન્દ્ર પહેલા એક્વેરિયરમનું કામ કરતા હતા. પરંતુ જ્યારે તેમણે ઈન્ટરનેટ પર મોતીની ખેતી અંગે વાંચ્યું તો આ અંગે વધુ જાણવામાં રસ પડ્યો.

તેઓ મોતીની ખેતી કરતા ખેડૂતોને મળ્યા તો તેમને જાણવા મળ્યું કે, કમાણીનું આ એક અદભૂત સાધન છે. ત્યાર બાદ તેમણે નાગપુરમાં પર્લ કલ્ચરની ટ્રેનિંગ લીધી અને મોતીની ખેતી શરૂ કરી.
વિજેન્દ્રએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, ગામમાં મારા ચાર તળાવ છે, તેમાં ત્રણ 60×40, જ્યારે એક 60×50 મીટરના છે. આ તળાવમાં 5000થી લઈ 7000 સીપ નાંખવામાં આવે છે. તેનો મોર્ટેલિટી રેટ 30 ટકાની આસપાસ છે. જ્યારે 70 ટકાની આસપાસ સીપ મળી જાય છે. એક સીપમાં બે મોતી હોય છે. આ રીતે 5000 સીપમાંથી 10 હજાર મોતી પ્રાપ્ત થાય છે. એક મોતી ઓછામાં ઓછા 100થી 150 રૂપિયામાં વેચાય છે. એક તળાવમાંથી 5.50 લાખ રૂપિયાથી વધુની કમાણી થાય છે.
વિજેન્દ્રના મોટાભાગના મોતીની સપ્લાય હૈદરાબાદમાં થાય છે. આ ઉપરાંત હરિદ્વાર, ઋષિકેશ જેવા સ્થળો પર પણ તેની સારી એવી માંગ છે. તીર્થ સ્થાન હોવાને કારણે મોતીની બનેલી માળા, વીંટીમાં ધારણ કરવા માટે આ મોતીની માંગ ત્યાંથી આવે છે.

વિજેન્દ્ર અનુસાર તે મોટાભાગના સીપ તળાવ અને નદીઓમાંથી મંગાવે છે. તેઓ કહે છે કે, હું લખનૌથી મોટા પ્રમાણમાં સીપ મંગાવું છું. જથ્થાબંધમાં એક સીપ પાંચ રૂપિયાથી લઈ સાત રૂપિયા સુધી પડે છે. અઢીથી ત્રણ વર્ષની ઉંમર બાદ સીપ મોતી બનવા માટે તૈયાર થઈ જાય છે. સીપમાંથી મોતી તૈયાર થવામાં ઓછામાં ઓછો 10 મહિનાનો સમય લાગે છે. સ્ટ્રક્ચર સેટઅપમાં લગભગ 10-12 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. સામાન્ય શલ્ય ક્રિયા દ્વારા તેની અંદર ચારથી છ મિલિમીટર વ્યાસના સામાન્ય અથવા ડિઝાઈનર બીડ જેવા શંકર, ગણેશ, બુદ્ધ કે કોઈ પુષ્પની આકૃતિ નાંખવામાં આવે છે. ત્યાર બાદ સીપને પુરી રીતે બંધ કરવામાં આવે છે, આ સીપોને નાયલોનની બેગમાં 10 દિવસ સુધી એન્ટી બાયોટિક અને પ્રાકૃતિક ઘાસ કે શેવાળ પર રાખવામાં આવે છે. દરરોજ તેની તપાસ કરવામાં આવે છે. મૃત સીપોને હટાવી લેવામાં આવે છે ત્યાર બાદ જીવિત બચેલા સીપોને નાયલોનની બેગોમાં રાખીને વાંસ કે બોટલની મદદથી લટકાવવામાં આવે છે અને તળાવમાં એક મીટરની ઉંડાઈએ છોડવામાં આવે છે. થોડા દિવસમાં સીપમાંથી નીકળનારો પદાર્થ કેલ્શિયમ કાર્બોનેટ આકૃતિની ચારે બાજુ જામવા લાગે છે અને અંતે મોતી બની જાય છે. લગભગ 10 મહિના બાદ સીપને ચીરીને મોતીને કાઢી લેવામાં આવે છે. જે આકારની આકૃતિ સીપમાં નાંખવામાં આવે છે, તે આકારના જ મોતી તૈયાર થઈ જાય છે.

વિજેન્દ્ર કહે છે કે, તે મોતીની ખેતીની સાથે માછલીનું પણ પાલન કરે છે. તેનાથી વધારાની આવક થાય છે. આ ઉપરાંત અન્ય ખેડૂતોને મોતીની ખેતી માટે પ્રશિક્ષણ પણ આપે છે.
વિજેન્દ્રએ ગ્રેજ્યુએશન કર્યા બાદ મેરઠમાંથી ITIનો કોર્સ પણ કર્યો હતો. 38 વર્ષીય વિજેન્દ્ર કહે છે, મોતીની ખેતીમાં ખર્ચ ઓછો છે અને નફો વધુ. જેથી મેં તેને જ મારો વ્યવસાય બનાવી લીધો છે. જે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુદ્રઢ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. સરકારે વધુમાં વધુ ખેડૂતોને મોતીની ખેતીની ટ્રેનિંગ આપવી જોઈએ. જેથી તે પ્રોફેશનલ રીતે ખેતી કરી શકે.

મોતીની ખેતીને પર્યાવરણ અનુકૂળ પણ માનવામાં આવે છે કારણ કે આ જલ શુદ્ધિકરણમાં મદદરૂપ છે. વિજેન્દ્ર અનુસાર સરકાર પણ હવે ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ હેઠળ આ પ્રકારની ખેતીને પ્રોત્સાહીત કરી રહી છે. ટેક્નિકલ જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે પણ કાર્યશાળાઓ વગેરે આયોજિત કરવામાં આવે છે.

વિજેન્દ્ર કહે છે, ઘણા એવા ખેડૂત છે જે સંકોચને કારણે કોઈ નવી પહેલ કરવા તરફ આગળ વધી શકતા નથી. જ્યારે ખેતી એક એવો વ્યવસાય છે, જેમાં આપણે દર વખતે નવો પ્રયોગ કરી શકીએ છીએ, જરૂરી નથી કે જો તમે કોઈ એક કામમાં સારું પર્ફોર્મન્સ નથી કરી શકતા તો બીજામાં પણ કરી શકો નહીં. ખેડૂતો નવી ખેતીની બારિકીઓને સમજે અને આવશ્યક પ્રશિક્ષણ મેળવે તે જરૂરી છે. મહેનત તો દરેક કામનું મૂળ તત્વ છે. તેના વિના સફળતા અંગે વિચારવું યોગ્ય નથી.
વિજેન્દ્ર શિક્ષિત યુવાઓને ખેતી સાથે જોડાવા માટે અપીલ કરે છે. તેમનું માનવું છે કે જો ખેતીને પ્રોફેશનલ રીતે કરવામાં આવે તો તેનાથી સારું કંઈ નથી.
જો તમે વિજેન્દ્ર પાસેથી મોતીની ખેતી અંગે વિસ્તારપૂર્વક જાણવા માગતા હોય તો 9719994499 પર સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: Pravesh Kumari
આ પણ વાંચો: મુંબઈ: ટેરેસ ગાર્ડનિંગથી કરી હતી શરૂઆત, આજે 16 વર્ષની નોકરી છોડીને ખેતીમાં કરે છે લાખોની કમાણી