ભરૂચ ગુજરાતનું સૌથી જૂનું શહેર છે. તે સતત વસવાટ ધરાવતું ભારતનું બીજું સૌથી જૂનું શહેર પણ છે, જેમાં પ્રથમ કાશી છે. ભરૂચ લગભગ 8000 વર્ષથી જાણીતો ઇતિહાસ ધરાવે છે. ભરૂચ એ ગુજરાતમાં સુજની વણાટનું એકમાત્ર સ્થળ છે. એવું માનવામાં આવે છે કે 19મી સદીના શરૂઆતના દાયકામાં ભરૂચના વતનીએ આંદામાન જેલમાં એક સાથી આસામી ગુનેગાર પાસેથી આ હસ્તકલા શીખી હતી. અને પાછા આવ્યા બાદ તેમણે સાથી ગ્રામજનોને તે શીખવી.
સુજની સુંદર ભૌમિતિક ડિઝાઇનમાં ઉત્કૃષ્ટ રીતે વણાયેલી છે અને ગરમ હૂંફાળું ફેબ્રિક બનાવવા માટે કપાસથી ભરેલી છે. આ ઉત્પાદનનો ઉપયોગ રજાઇ, બેડ સ્પ્રેડ, કાર્પેટ તરીકે કરી શકાય છે. તે સ્ટફ્ડ ડબલ કાપડ છે જ્યાં બે કપડાને તાણ અને વેફ્ટમાં બદલીને ખિસ્સા બનાવવામાં આવે છે અને વણાટ દરમિયાન કપાસ તેની અંદર ભરાય છે. બે કારીગરો લૂમની બંને બાજુએ બેસીને કટલા (શટલ) ફેંકે છે. લૂમમાં 8 શાફ્ટ છે અને 8 પેડલના 2 સેટ છે જ્યાં બંને કારીગરોને વણાટ કરવા માટે સંકલનની જરૂર છે. સુજનીની પેટર્ન લાંબા સમયથી એકસરખી જ રહી છે. કોઈપણ બીજી ડિઝાઇનનો તેમાં હસ્તક્ષેપ કરાવડાવવામાં આવ્યો ન હતો અને આ હસ્તકલામાં ઘણી મર્યાદાઓ પણ છે. એક સુજની રજાઇને વણવામાં 2-3 દિવસ જેટલો સમય લાગે છે.

ધ બેટર ઇન્ડિયાએ આ બાબતે ભરૂચના રફીકભાઇ સાથે વાત કરી હતી. રફીકભાઈ ભરૂચના સુજની બનાવનાર કારીગર છે. તે હાલમાં છેલ્લા કારીગર છે જેમની પાસે સુજની બનાવવા માટેની છેલ્લી પરંપરાગત લૂમ છે જ્યાં બે લોકો લૂમની બંને બાજુએ બેસીને વૈકલ્પિક રીતે 2 અલગ-અલગ રંગની શટલ ફેંકે છે. પહેલાં ત્યાં 3 પરિવારો હતા જેઓ આ હસ્તકલાની પ્રેક્ટિસ કરતા હતા પરંતુ લગભગ દરેક જણ 30 વર્ષ પહેલાં સુજનીના ખુબ જ ઓછા વેચાણને કારણે અલગ વ્યવસાય તરફ આગળ વધ્યા છે. તેમ છતાં રફીક ભાઈ અને તેમનો પરિવાર આ હસ્તકલાને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રફીકભાઈ એકમાત્ર કારીગર વધ્યા છે પરંતુ અત્યારે તેઓની ઉંમર વધી રહી છે તો સાથે-સાથે તબિયત પણ નાદુરસ્ત રહે છે.
ભારતના અંતરિયાળ ભાગોમાં રહેતા કારીગરોની આવી ઘણી છુપાયેલી પ્રતિભાઓ છે, જેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાની અને તેમના ઉત્પાદન માટે બજાર બનાવવા માટે એક પ્લેટફોર્મ આપવાની જરૂર છે. આ મૃતપ્રાય: બનતી કળાને પુનર્જીવિત કરવાની તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વાસ્તવિક ભારતીય કલાનું પ્રદર્શન કરવા માટે આવા કારીગર લોકોને પ્લેટફોર્મ આપવાની જવાબદારી આપણા બધાની છે.
જો તમે રફીકભાઈનો સંપર્ક કરવા ઈછતા હોવ તો તેમને 8735914891 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કચ્છમાં 1 જ વ્યક્તિ સાચવે છે બેલા બ્લોક કળા, રોજી ન મળતાં અન્ય લોકો બીજા ધંધે વળ્યા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો