ડૉ બ્રિજ મોહન ભારદ્વાજ અને માધુરી ભારદ્વાજ બંને BAMS ડૉક્ટર છે. સન 1993 માં તેમના લગ્ન પછી તેઓએ સંતાન ન કરતાં ત્યજી દેવાયેલા બીમાર લોકોને તેમના ઘરે લાવી સેવા કરવાનું શરૂ કર્યું. દિવસેને દિવસે તેમનું સામાજિક કાર્ય વિસ્તરતું ગયું અને સન 2000 ના વર્ષમાં દંપતીએ રાજસ્થાનના ભરતપુરમાં અપના ઘર શરૂ કર્યું.
જીવનના ખૂબ જ પીડાદાયક તબક્કાનો સામનો કરી રહેલા બેઘર લાચાર નિરાધાર બીમાર વ્યક્તિઓની સેવા કરવા માટે તે દંપતીએ ‘અપના ઘર’ આશ્રમની સ્થાપના કરી, જ્યાં સારવાર, ખોરાક, કપડાં, સંભાળ અને અન્ય જરૂરિયાતો જેવી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે અને તે પણ કોઈપણ શુલ્ક વિના તથા જાહેર સમર્થન સાથે.
તેમના સહાયક સાથીઓ સાથે, ડો. ભારદ્વાજ દંપતી બેઘર, નિરાધાર, પીડિત, લાચાર, ત્યજી દેવાયેલા, માનસિક અને શારીરિક રીતે બીમાર, ઘાયલ, ચેપગ્રસ્ત, વૃદ્ધ અને મૃત્યુ પામેલા લોકોને આશરો આપે છે. આ વ્યક્તિઓ સામાન્ય રીતે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ધાર્મિક અને અન્ય જાહેર સ્થળો પર અત્યંત અસ્વચ્છ, ગંભીર રીતે બિમાર અને પીડાદાયક સ્થિતિમાં જોવા મળે છે. કોઈ તેમને મદદ કરવા કે તેમને સ્પર્શ કરવા પણ આગળ આવતું નથી. તેથી ખોરાક, દવા અને સંભાળના અભાવને કારણે, તેમની સ્થિતિ વધુને વધુ નાજુક બનતી જાય છે અને તેઓ સામાન્ય રીતે વિલંબિત અને પીડાદાયક મૃત્યુ તરફ જાય છે.
સંસ્થાના તમામ પ્રયાસો તેમની પીડા ઘટાડવા અને તેમના જીવનને બચાવવા તથા કોઈપણ શુલ્ક વિના તેમને ખોરાક, આશ્રય અને તબીબી સારવાર સાથે ઘરેલું વાતાવરણ આપવાનો છે. સ્વસ્થ થયા પછી, સંસ્થા તેમને વિવિધ રીતે પુનઃસ્થાપિત કરે છે જેથી કરીને તેઓ સન્માન અને ગૌરવ સાથે જીવી શકે અને તેઓ સમાજની મુખ્ય ધારામાં પોતાની જાતને ઉભા કરી શકે.

આ પણ વાંચો: એક સમયે સ્ટેશન પર પાણીના ગ્લાસ વેચતો બાળક આજે સાણંદના હજારો લોકો માટે આશીર્વાદરૂપ
હાલમાં ભારતના 8 રાજ્યોમાં અને એક કાઠમંડુ નેપાળમાં થઈને 35 અપના ઘર આશ્રમ ચાલી રહ્યા છે જ્યાં આવા 6000 થી વધુ પ્રકારના વ્યક્તિઓ રહે છે અને સંસ્થા દ્વારા તેમને સેવા આપવામાં આવે છે જેમાં ગુજરાતમાં મહેસાણાના ઉમતામાં આવેલ આશ્રમનો પણ સમાવેશ થાય છે.
ધ બેટર ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં આવેલ આશ્રમમાં સાર સંભાળ રાખતા ગાંડાભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગાંડભાઇના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ આશ્રમ 25મી ફેબ્રુઆરી 2019 ના રોજ મુનિ નિર્ભય સાગર જન કલ્યાણ સમિતિ, ઉમતા દ્વારા આપવામાં આવેલ બિલ્ડીંગમાં શરૂ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે આ આશ્રમની ક્ષમતા 80 પથારીની છે અને તમામ જરૂરી સુવિધાઓ જેમ કે સારવાર, ખોરાક, કપડાં, રહેઠાણ અને અન્ય જરૂરિયાતો નિ:સહાય વ્યક્તિઓને કોઈપણ શુલ્ક વિના પૂરી પાડવામાં આવે છે. અત્યારે ઉમતામાં આવેલ આ આશ્રમમાં 43 વ્યક્તિઓ જેમને સંસ્થા દ્વારા પ્રભુજી તરીકે સંબોધિત કરવામાં આવે છે તે નિવાસ કરી રહ્યા છે. તે સિવાય સંસ્થા દ્વારા લગભગ 60 ની આસપાસ પ્રભુજીઓને સંભાળી તેમને સામાજિક જીવન જીવવા સક્ષમ કરી પોત પોતાના ઘરે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રેલવે સ્ટેશનની આસપાસ ભટકતા લોકોની ભૂખ સંતોષવાથી થયેલ શરૂઆત આજે પાટણમાં 500 લોકોને જમાડે છે નિયમિત
આ બધા જ આશ્રમો લોકોના જાહેર સમર્થન પર ચાલે છે તથા કોટા અને અજમેરમાં આવેલા આશ્રમને આંશિક રીતે રાજસ્થાન સરકાર દ્વારા ટેકો પણ આપવામાં આવેલ છે. સંસ્થા ઘણીવાર ખર્ચ કાઢવા માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા પણ ભંડોળ ઊભું કરે છે.
જો તમે પણ ગુજરાતમાં આવેલ અપના ઘર આશ્રમની શાખાને મદદ કરવા ઈચ્છતા હોવ તો 9327986686 નંબર પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: મંદબુદ્ધિનાં બાળકોની સાર સંભાળ વિનામૂલ્યે રાખનાર આ મહિલા છે માનવતાનું જીવંત ઉદાહરણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.