10 ઓક્ટોબરને દુનિયાભરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવ્યો. આ નિમિત્તે અમે તમને જણાવી રહ્યા છીએ એક એવા ન્યૂરોલૉજિકલ એન્ડ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર વિશે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. અમે વાત કરી રહ્યા છીએ ‘ઑટિઝમ’ની. જેમને મોટાભાગના લોકો ગાંડા સમજે છે. જેના કારણે માત્ર એ લોકોને જ નહીં, પરંતુ તેમનાં માતા-પિતાને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ અંગે સમજવા માટે ધ બેટર ઈન્ડિયાએ મુલાકત લીધી આવાં બાળકોને પ્રશિક્ષિત કરતી સંસ્થા પર્લ સ્પેશિયલ નીડ ફાઉન્ડેશનની. જેને ડૉ. ગ્રીવા શાહ, શ્રી બિજલ ફડિયા, શ્રી સોનિયા પરીખ. તેઓ બાળકોને ખૂબજ હૂંફ અને કાળજીથી એટલી સરસ રીતે સવારે છે કે, ધીરે-ધીરે આ બાળકો સામાન્ય લોકો સાથે હળતાં-ભળતાં થાય છે, તેમનાં પોતાનાં કામ જાતે કરી શકવા માટે સક્ષમ બને છે અને સાથે-સાથે ભણીને યોગ્ય ટ્રેનિંગ બાદ કોઇ નોકરી-વ્યવસાય માટે પણ સક્ષમ બને છે. આ માટે તેમની સંસ્થાને ઘણા અવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે.

ઑટિઝમ વિશે વધુ જાણવા અને તેમાં કેવી રીતે સુધારો કરી શકાય એ અંગે વાત કરવા અમે વાત કરી સંસ્થાનાં આચાર્યા ડૉ. ગ્રીવા શાહ સાથે. જેમણે ખૂબજ સુંદર જેમણે ઑટિઝમનાં લક્ષણોથી લઈને સારવાર સુધીની વાત ખૂબજ વિગતવાર કરી સાથે-સાથે આ બાળકોને કેવી-કેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે એ પણ જણાવ્યું.
ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં ડૉ. ગ્રીવા શાહે જણાવ્યું, “મોટાભાગના લોકોને ઑટિઝમ શું છે એ ખબર જ નથી, એટલે તેઓ આ લોકોને ગાંડામાં ગણે છે. જેના કારણે તે બાળકો તો સમાજથી અલગ પડી જ જાય છે, સાથે-સાથે તેમનાં માતા-પિતાની લાગણીઓને પણ ઠેસ પહોંચે છે. આ બાળકોને આસપાસનાં બાળકો તેમની સાથે રમાડતાં નથી, સમાજમાં કેટલીકવાર લોકો તમારી પાછળ નિંદા પણ કરતા હોય છે. જેના કારણે ઘણાં વાલી અમારી પાસે ધ્રુસકે-ધ્રુસકે રડી પણ પડે છે. પરંતુ આ એક ન્યૂરોલોજીકલ ડિસઓર્ડર છે. તેઓ ગાંડા નથી. તેમને યોગ્ય સારવાર અને સહકાર આપવામાં આવે તો પરિસ્થિતિમાં ચોક્કસથી સુધારો આવી શકે છે.”

વધુમાં ડૉ. ગ્રીવા જણાવે છે, “બાળક નાનું હોય ત્યારે જ કેટલાંક લક્ષણો જોવા મળે છે. બાળક આંખમાં આંખ પરોવતું નહોય, બીજાં બાળકો સાથે જલદી ભળે નહીં. બીજાં બાળકો ઉંમર સાથે કેટલીક બાબતો જાતે જ શીખી લે તે આ બાળકોની બાબતમાં શક્ય નથી બનતું. તેમને ધીરે-ધીરે શીખવાડવું પડે છે. પણ તેમાં ગભરાવાની જરૂર નથી. જરૂર છે તેમને યોગ્ય સંભાળની.”
વીડિયોમાં જુઓ, ડૉ. ગ્રીવા શાહ શું કહે છે ઑટિઝમ અંગે:
આ અંગે વધુ જાણવા ધ બેટર ઈન્ડિયાએ ઑટિઝમની સમસ્યાવાળાં કેટલાંક બાળકોનાં માતા-પિતા સાથે પણ વાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો. 18 વર્ષના શિવાંકની માતા સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, તેમની વેદના ખરેખર હ્રદયસ્પર્ષી છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં શિવાંકની માતા આરતી વર્માએ કહ્યું, “શિવાંક જ્યારે નાનો હતો ત્યારે તે કોઇની સાથે ભળી શકતો નહોંતો. આસપાસ કે સમાજમાં કોઇ સામે તો કઈં કહે નહીં, પરંતુ તેમનું વર્તન જોઇ આપણને સમજાઇ જાય કે, તેમને નથી ગમતું. યોગ્ય ટ્રેનિંગ, સહકાર અને હૂંફથી અત્યારે તો શિવાંકના વર્તનમાં ઘણો ફરક પડ્યો છે. હવે તે બધાં સાથે ભળે છે. તેને પણ બહાર ફરવું ગમે છે. ઘરમાં કોઇ મહેમાન આવે તો તેમની પાસે આવીને બેસે છે અને પોતાની વાત પણ જણાવે. હા જોકે, આજે પણ સમાજમાં બધાં લોકો તેને સ્વિકારી નથી શકતા તેનું દુ:ખ ચોક્કસથી છે.”

તો 15 વર્ષના સાર્થકના પિતા જણાવે છે, “યોગ્ય ટ્રેનિંગ બાદ બાદ સાર્થકના વ્યવહારમાં ઘણો ફરક જોવા મળ્યો છે. પરંતુ હજી આજે પણ તે બધાંથી અલગ-અલગ જ રહે છે. બીજાં બાળકો સાથે રમતો નથી. જે જોઇને બહુ દુ:ખ થાય છે. બાળકની ટ્રેનિંગની સાથે-સાથે અમારે પણ માનસિક રીતે બહુ મજબૂત બનવું પડે છે.”

21 વર્ષના નિખિલેશના પિતા ધીરેનભાઇ જણાવે છે, “અમારા બાળકની સારવાર માટે જ અમે વર્ષ 2007 માં અમદાવદ આવ્યા હતા. આખા અમદાવાદમાં બહુ ફર્યા હતા, પરંતુ ક્યાંયથી યોગ્ય માર્ગદર્શન મળતું નહોંતુ. સમાજમાં બધાં અંતર બનાવી લેતા, ક્યાંક બહાર નીકળીએ તો લોકો સામે જોઇ રહેતા. તે સમયે અમારો દીકરો યોગ્ય રીતે બોલી પણ શકતો નહોંતો. જેના કારણે અમે અમારા દીકરાને લઈને બહાર નીકળવાનું પણ ટાળતા. પરંતુ પર્લ ઈન્સ્ટિટ્યૂટમાંથી યોગ્ય માર્ગદર્શન મળ્યું અને યોગ્ય સાર-સંભાળ બાદ અત્યારે અમારા દીકરામાં 80% ફરક જોવા મળ્યો છે. હવે તે તેનાં બધાં જ કામ જાતે કરી શકે છે. અમે તેને લઈને બહાર પણ જઈ શકીએ છીએ અને તેને મજા પણ આવે છે ફરવામાં. જોકે સમાજને આ સમજવામાં હજી ઘણો વધુ સમય લાગશે એવું લાગે છે.”
આટલું વાંચીને તમને એ તો સમજાઇ જ ગયું હશે કે, બાળકોની સાથે-સાથે સમાજમાં પરિક્ષા થાય છે માતા-પિતાની પણ. તેમાં પણ યોગ્ય પ્રશિક્ષણ ન મળે તો સમસ્યા વધી પણ શકે છે. આ પરિસ્થિતિમાં બાળક સાથે કેવી રીતે વર્તવું, તેમને કેવી રીતે તૈયાર કરવાં જેથી તેઓ પણ સમાજમાં અન્ય લોકોની સમકક્ષ બને, આ બાળકોની ખૂબીઓ શું હોય છે વગેરે વિસ્તારથી જુઓ ડૉ. ગ્રીવા શાહના શબ્દોમાં આ વીડિયોમાં…
જો આ અંગે તમે પણ જાણવા ઈચ્છતા હોય તો pearl@psnf.org તેમજ 07874866681 અને 9408507008 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: ચકલી કાકા: સિમેન્ટના જંગલમાં 26 પ્રકારના પક્ષીઓ માટે આશ્રયસ્થાન છે તેમનું ઘર