શિવરાજપુર બીચ શિવરાજપુર ગામની નજીક દ્વારકા જિલ્લામાં સ્થિત છે. શિવરાજપુર ગામની રચના 19 મી સદીની શરૂઆતમાં બરોડા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી. ઓક્ટોબર 2020 માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા, આંતરરાષ્ટ્રીય એજન્સી ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા તેને પ્રતિષ્ઠિત ‘બ્લુ ફ્લેગ બીચ’ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
દરિયાઈ પાણીની ગુણવત્તા અને સંરક્ષણ અને પ્રવાસીઓની સલામતી સહિત અન્ય માપદંડો સાથે ‘બ્લુ ફ્લેગ’ પ્રમાણપત્ર મેળવવા માટે 33 કડક માપદંડો હોય છે જે દર વર્ષે મળતા રહેવા જરૂરી છે. બીચની જરૂરિયાતો સૌર ઉર્જા દ્વારા પુરી થાય છે અને સાથે સાથે અહીંયા દિવ્યાંગો માટે પણ સુવિધા ઉપલબ્ધ છે.
પાણી છીછરું છે અને સ્વિમિંગ માટે યોગ્ય બીચ છે. બીચ પર તમે આકાશમાર્ગે, ટ્રેન અથવા રસ્તા દ્વારા સુલભ રીતે પહોંચી શકો છો. દરિયાકિનારાનો સમય સવારે 8 થી સાંજના 7 વાગ્યાનો છે, નજીવી એન્ટ્રી ફી છે અને હા દરિયાકિનારાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી એપ્રિલ છે.

અહીંયા એક લાઈટ હાઉસ પણ છે. જેનું નામ કચ્છીગઢ છે. જે કચ્છના મહારાજ દેશલજીએ બંધાવ્યું હોવાનું માનવામાં આવે છે જેનો ઉપયોગ કચ્છી વહાણોને રક્ષણ તેમજ રહેઠાણની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હશે.
બીચ પર કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ અને આઇલેન્ડ ટૂરનો સમાવેશ થાય છે. શિવરાજપુર દરિયાકિનારેથી તમે મુલાકાત લઈ શકો તેવી ઘણી જગ્યાઓ આસપાસ છે જેમાં દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂક્મિણી દેવી મંદિર અને સનસેટ પોઈન્ટ દ્વારકા વગેરે છે.
તો હવે ક્યારે પ્લાન બનાવી રહ્યા છો શિવરાજપુર બીચ જોવા જવાનું. પણ જોવા જવાની સાથે આપણે એટલું ચોક્કસ ધ્યાન રાખીએ કે તેના આ બ્લુ ફ્લેગ બીચના પ્રમાણપત્રને જાળવી રાખવાની જવાબદારી પણ આપણા જેવા પ્રવાસીઓ પર જ છે તેથી ત્યાં જઈને તે દરેક નીતિ નિયમોનનું પાલન કરીએ જેના દ્વારા આ બીચની સુંદરતા તથા ગુણવત્તા એમની એમ જળવાઈ રહે.
સંદર્ભ – વિકિપીડિયા
તસવીર સૌજન્ય: ગુજરાત ટુરિઝમ
આ પણ વાંચો: શંખેશ્વરના આ રિટાયર્ડ શિક્ષક દંપત્તિએ જીવનભરની મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.