અમે અને તમે જે શાકભાજી તંદુરસ્ત તરીકે ખાઈ રહ્યા છીએ, તો તે શું સાચે આપણા સ્વાસ્થ્ય માટે સારા છે? કદાચ નહિ. રસાયણોનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવતા આ ફળો અને શાકભાજી આપણા માટે ખૂબ જોખમી છે. પરંતુ બધું જાણતા હોવા છતા, આપણે ખુશીથી આપણા પરિવારના સભ્યોને આ શાકભાજી ખવડાવીએ છીએ. હવે તમે કહેશો કે શહેરમાં ઓછી જગ્યા અને ઓછા સમયમાં આપણે પોતાની શાકભાજી કેવી રીતે ઉગાડીએ?
એવું જ વિચારીને, મોટાભાગના લોકો પ્રયત્ન કરતા પહેલા જ પીછેહટ કરી દે છે. પરંતુ આજે અમે તમને એક એવી માતાનો પરિચય કરાવવાના છીએ. જેમણે નાના પડકારોનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને આજે તે તેના પરિવાર માટે ઘરે જૈવિક રીતે મોસમી શાકભાજી ઉગાડી રહી છે.
સુરતમાં રહેતી કોમલ સિરોહિયાએ દસ વર્ષ પહેલા બાગકામ કરવાનું નક્કી કર્યું ત્યારે તેને છોડ રોપવાનું કોઈ જ્ઞાન નહોતું. એટલું જ નહીં, ત્યારે તે ચાર માળના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેમની પાસે બાલ્કનીઓ કે તેમનું પોતાનું ટેરેસ પણ ન હતુ. આ હોવા છતાં, તેમ છતા ચાર ફૂલોના છોડથી શરૂઆત કરી અને આજે તે 300 છોડની સંભાળ લઈ રહી છે.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, તે કહે છે, “હું શરૂઆતમાં થોડી ખચકાતી હતી કારણ કે ટેરેસ પર મારી એકલીનો અધિકાર નહોતો. શરૂઆતમાં કેટલાક લોકોએ ના પણ પાડી, પરંતુ જેમ જેમ છોડ ઉગવા લાગ્યા અને હરિયાળી ટેરેસ પર છવાવા લાગી તેમ બધા જ ખુશ થઈ ગયા.”
જોકે કોમલ સૌથી ઉપર ચોથા માળે રહેતી હતી, તેથી ટેરેસ પર છોડ ઉગાડવાનો વિચાર તેના મનમાં આવ્યો. તેણી પોતે લિફ્ટ વગર તેના એપાર્ટમેન્ટમાં છત સુધી માટી, ખાતર વગેરે લાવતી હતી અને આમ તેણે છોડ ઉગાડવાનું શરૂ કર્યું.

ડરને કારણે બાગકામ શીખી
જ્યારે તેણે બાગકામ શરૂ કર્યું ત્યારે તેને વૃક્ષો અને છોડ વિશે ખાસ જાણકારી નહોતી. જોકે તેના દાદા વર્ષો પહેલા ખેતી કરતા હતા. પરંતુ તેના પિતાએ ક્યારેય ખેતી કરી ન હતી. જ્યારે તેણીના બંને બાળકો ખૂબ નાના હતા ત્યારે તે દરરોજ ખેતીમાં વપરાતા રસાયણો વિશે છાપામાં વાંચતી અને સમાચારોમાં જોતી હતી. તેણે પોતાના બાળકો માટે ડરથી ઘરે શાકભાજી ઉગાડવાનું મન બનાવ્યું.
તેણીએ કહ્યું કે તે નજીકની નર્સરીમાંથી ચાર ફૂલના છોડ લઈને આવી હતી. જે બાદ તેણે યુટ્યુબ પરથી જોઈને કેટલાક પાંદડાવાળા શાકભાજી પણ ઉગાડ્યા.
તે કહે છે, “યુ ટ્યુબ પરથી મળતી માહિતી કેટલીકવાર અડધી હોય છે. મેં ખાતર બનાવવા અને કેટલાક બીજ વાવવા માટે યુ ટ્યુબ પરથી જોવાનો પ્રયત્ન કર્યો, પણ મને બહુ સફળતા મળી નહીં.”
બાદમાં તેમણે સુરત કૃષિ યુનિવર્સિટીમાં ટેરેસ ગાર્ડનિંગનો કોર્સ વિશે જાણ થઈ. તેણે કહ્યું કે આ કોર્સ તેના માટે લોટરી લાગવા જેવો હતો. અહીંથી તેને માત્ર યોગ્ય રીતે બાગકામ વિશે માહિતી જ નથી મળી, પરંતુ કોર્સ બાદ તેને એક સારું ગાર્ડનિંગ ગ્રુપ પણ બની ગયુ.

ગ્રો બેગમાં ઉગાડે છે 10 પ્રકારનાં ફળો
તે ટેરેસ ગાર્ડનિંગ કરતી હોવાથી, તેણે ઘણી નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. છત પર વજન અને પાણીના લીકેજને ધ્યાનમાં રાખીને, તે શક્ય તેટલી ગ્રો બેગનો ઉપયોગ કરે છે. કોમલ હાલમાં ડ્રેગન ફ્રૂટની બે જાતો, જામફળ અનાનસની બે જાતો અને શેતૂર, ચેરી, સીતાફળ, નાળિયેર અને દાડમ જેવા ફળો ઉગાડી રહી છે. તો, શાકભાજીમાં, તે વર્ષોથી નિયમિતપણે પાલક, મેથી, લેટીસ, કોબીજ, કોળું, ભીંડા વગેરે ઉગાડે છે. તે કહે છે કે, “ગ્રો બેગમાં ઉગાડવાનું બીજું કારણ એ છે કે હું ભાડાના મકાનમાં રહું છું. મેં માત્ર એક મહિના પહેલા જ ઘર બદલ્યું અને શિફ્ટ થવામાં કોઈ સમસ્યા નહોતી કારણ કે છોડ ગ્રોગ બેગમાં હતા.”
કોમલના નવા ઘરની છતમાં પણ લગભગ 2000 ચોરસ ફૂટ જગ્યા છે. ઘણી મુશ્કેલી પછી, તેને પોતાના માટે એવું ઘર મળ્યુ, જ્યાં તેને બાગકામ માટે જગ્યા મળી શકે.
ઘરનાં ફળો અને શાકભાજી ખાઈને બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધી

હાલમાં, ઘણા લોકોએ કોરોનાકાળમાં બાગકામ શરૂ કર્યું છે. જેથી તે હેલ્ધી ફૂડ ખાઈ શકે. આવી સ્થિતિમાં કોમલ માને છે કે ઘરે ઓર્ગેનિક શાકભાજી ખાવાથી મારા બાળકોની રોગપ્રતિક શક્તિ ઘણી સારી થઈ ગઈ છે. તેમના બાળકો નાનપણથી ઘરે ઉગાડેલા શાકભાજી ખાતા હોવાથી હવે તેમને બહારના શાકભાજીનો સ્વાદ ગમતો નથી. કોમલે કહ્યું, “ઘરે ઉગાડવામાં આવતી શાકભાજી જેમ કે પાલક અથવા મેથી બાળકો સરળતાથી ખાય છે. પરંતુ તેમને બહારથી લાવેલા પાલકનો સ્વાદ ગમતો નથી. ડ્રેગન ફ્રૂટ સાથે પણ એવું જ છે.”
ઘરમાં ઉગાડેલા શાકભાજી ખાવા ઉપરાંત તેમના બાળકો પણ તેમને બાગકામમાં મદદ કરે છે. ફળો અને શાકભાજી સાથે, તે ગિલોય, તુલસી, એલોવેરા, બ્રાહ્મી જેવા ઔષધીય છોડ પણ ઉગાડે છે. જેનો તે બાળકોની નાની બીમારીઓની સારવારમાં ઉપયોગ કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, તેમણે તેમના અનુભવોમાંથી વૃક્ષો અને છોડ વિશે સારું જ્ઞાન મેળવ્યું છે. તેના ઘણા મિત્રો અને સંબંધીઓ ખાસ કરીને તેના બગીચામાં ઉગાડવામાં આવતા શાકભાજી ખાવા આવે છે. તે વધુને વધુ લોકોને ઘરે નાના બગીચા બનાવવા માટે કહે છે અને આ માટે તેમને મદદ પણ કરે છે.
આશા છે કે કોમલના બાગકામ પ્રત્યેની રુચિને જોઈને તમને તેની પાસેથી પ્રેરણા જરૂર મળી હશે.
હેપી ગાર્ડનિંગ!

મૂળ લેખ: પ્રીતિ ટૌંક
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માત્ર 12 પાસ નિશા બની રાજકોટની ‘ધ ચાયવાલી’, 10 પ્રકારની ચાથી કમાણી હજારોમાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો