ભોપાલમાં રહેતા 67 વર્ષીય રવિન્દ્ર જોશી છેલ્લા લગભગ 15 વર્ષોથી તેમના ધાબા પર બાગકામ કરી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થયેલા જોશીનું કહેવું છે કે તેમની નોકરી દરમિયાન તેઓ ઘણા ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં પણ રહ્યા છે. જ્યાં રહેણાંક જગ્યા ખૂબ મોટી હોતી હતી અને ઘરમાં બાગકામ માટે સારી જગ્યા પણ હતી. ત્યાંથી, તેમનાંમાં ઘરમાં ઝાડ અને છોડ લગાવવાનો શોખ આવ્યો અને પછી તે વધતો જ રહ્યો. નિવૃત્તિ પછી આજે તે ભોપાલમાં તેમના ઘરના 1200 ચોરસ ફૂટના ટેરેસ પર શાનદાર રીતે બાગકામ (Growing Your Own Food)કરી રહ્યા છે.
જોશીએ બેટર ઈન્ડિયાને કહ્યું હતું કે, “બાગકામની શરૂઆતમાં મારે શાકભાજી પ્રત્યે વધુ ઝુકાવ નહોતો. હું તે સમયે ફૂલોના છોડ રોપતો હતો, શાકભાજી તો છેલ્લાં દોઢ વર્ષથી લગાવવાનું શરૂ કર્યુ છે. હવે મોસમી શાકભાજી અમારે ત્યાં ઘણી વધારે થાય છે. અને તે ઉપરાંત, હું કેટલાક જુદા જુદા પ્રકારના છોડ રોપીને પ્રયોગ કરતો રહુ છું.”
તેમની છત પર લગભગ 150 જેટલા વૃક્ષો અને છોડ છે, જે હવામાન પ્રમાણે વધતા રહે છે. તે પોતાના કેટલાક છોડને કાપીને નવા છોડ બનાવીને લોકોને ભેટ પણ આપે છે. તેઓ કહે છે કે તે બાગકામ કરીને તેમનો સમય સારો પસાર થાય છે અને સાથે સાથે વર્કઆઉટ પણ થઈ જાય છે.

બટાકા સિવાય બીજુ કશું ખરીદતા નથી:
જોશી કહે છે કે તેઓ ઓર્ગેનિક રીતે બાગકામ કરે છે. તેઓ પોતાના ત્યાં ગલકા, કોળું, દૂધી, લૌર, ટીંડોળા, પાલક, મેથી, વાલોળ, વટાણા, ટામેટાં, કોબીજ, કાકડી, કારેલાં, કાકડી, સરગવો જેવા શાકભાજી ઉગાડતા હોય છે. તેમના કિચન ગાર્ડનમાં એકવારમાં ઘણા કિલો વાલોળ, ટામેટાં અને 13-14 દૂધી વગેરે મળી જાય છે. તેમણે કહ્યું, “ઘર માટે શાકભાજીની સપ્લાય અમારા ગાર્ડનમાંથી જ થઈ જાય છે. બહારથી અમે ફક્ત બટાકાની ખરીદી કરીએ છીએ. બાકીની શાકભાજી એટલી માત્રામાં થાય છે કે અમે અમારા પાડોશના લોકોને પણ વહેંચી શકીએ છીએ.”
શાકભાજી ઉપરાંત, તેમના બગીચામાં જામફળ, દાડમ, ચીકુ, ગ્રેપફ્રૂટ, કરમદા, કમરખ, રાસબરી, બોર અને લીંબુ જેવા ફળના ઝાડ પણ છે. તેઓ કહે છે કે ફળો અને શાકભાજીની સાથે, તેઓ એવાં છોડ ઉગાડવાનો પણ પ્રયાસ કરે છે જે ઘરોમાં બહુ દેખાતા ન હોય.આ જ કારણ છે કે તેમના ટેરેસ પર તમને ડ્રેગન ફ્રૂટ, ઇન્સ્યુલિન પ્લાન્ટ (રાઇઝોમ કોસ્ટસ ઇગ્નેયસ), કોફી, જેઠી મધ, તજ, તજ, રૂદ્રાક્ષ, ઈલાયચી અને કપૂરનાં છોડ પણ જોવા મળશે.

તેમણે કહ્યું, “જ્યારે પણ મને કોઈ નવા પ્લાન્ટ વિશે ખબર પડે છે, ત્યારે હું નર્સરીમાંથી પ્લાન્ટ લઈને મારા ઘરે રોપું છું. પછી હું તે જ કટીંગથી વધુ છોડ બનાવું છું. ડ્રેગન ફ્રૂટમાંથી, મેં વધુ 20 છોડ બનાવ્યાં છે અને લોકોને વહેંચ્યા છે. મેં ઇન્સ્યુલિન પ્લાન્ટમાંથી પણ ઘણા નવા છોડ બનાવ્યાં છે.”
જોશી જાતે જ તેમના બગીચા માટે જૈવિક ખાતર બનાવે છે. તે ખાતર બનાવવા માટે તેઓ તેમના ઘરના જૈવિક કચરાનો ઉપયોગ કરે છે. બધા છોડમાં, મહિનામાં ઓછામાં ઓછા બે વાર ખાતર નાંખવામાં આવે છે. ઘરનાં ખાતર ઉપરાંત તે છાણનું ખાતર, સરસવના કેક, લીમડાના કેક અને બોન મીલનો પણ ઉપયોગ કરે છે. છોડને સવારે અને સાંજે નિયમિત રૂપે પાણી પુરું પાડવામાં આવે છે. તેમને પોતાના ઘરે બોંસાઈ વાવવાનો પણ શોખ છે. તેમની પાસે 30 વર્ષ જુની બોનસાઈની વરખ છે અને એડેનિયમ (ડિઝર્ટ રોઝ) ના ઘણા બોંસાઈ છે. તેમણે 12 થી 18 ઇંચ કદના પોટ્સમાં તેમની છત પર રોપાઓ રોપ્યા છે. શાકભાજી માટે, તેઓ થોડા ઉંડા પોટ્સનો ઉપયોગ કરે છે જેથી મૂળ સારી રીતે ફેલાય.
બાગ માટેની કેટલીક ટીપ્સ:
બાગકામનો શોખ રાખતા લોકો અથવા જે લોકો નવું બાગકામ કરી રહ્યા છે તેઓને જોશી સલાહ આપે છેકે, તમે તમારા ઘરે લાવેલાં શાકભાજીનાં બીજોમાંથી જ શરૂઆત કરી શકો છો. તેઓ કહે છેકે, ટામેટાં લગાવવા માટે તમે તમારા રસોડામાંથી જ ટામેટાં લો અને તેને સૂકવી નાંખો. સૂકાયા બાદ તેમાંથી બીજ કાઢીને તેને કુંડામાં લગાવી દો. આ રીતે તમે લીલાં મરચા, ગલકા, કેપ્સિકમ વગેરે શાકભાજીને સુકવીને તેનાં બીજનો ઉપયોગ કરી શકો છો.

તેમણે કહ્યું, “પહેલા તમે બીજમાંથી એક જગ્યાએ છોડ તૈયાર કરો અને ત્યારબાદ જુદા જુદા કુંડામાં લગાવી દો. જો તમે તેમ પણ ન કરી શકો, તો તમારી આસપાસ કોઈ વિશ્વસનીય નર્સરી અથવા માળી શોધો, જે શાકભાજીનાં છોડ તૈયાર કરે છે. તમે તેમની પાસેથી છોડ લાવી અને અહીં રોપણી કરી શકો છો. ભોપાલમાં ઘણી જગ્યાઓ છે જ્યાંથી હું ઘણી વખત તૈયાર છોડ લાવું છું અને મારે તેમને લાવીને લગાવવાનાં જ હોય છે.”
જોશી કહે છે, “હંમેશાં તમારી જગ્યા અને જરૂરિયાત મુજબ શાકભાજી લગાવો. ઘણી વાર, કોઈ અંદાજ ન હોવાને કારણે લોકો બીજ લાવી ફક્ત વાવી દે છે. પછી ઘણા બધા છોડ થઈ જવાને કારણે બીજા છોડ લગાવવા માટે જગ્યા બચતી નથી. કારણકે, જો તમે બે-ત્રણ છોડ પણ લગાવશો અને તેની સારી રીતે સારસંભાળ રાખશો તો તેનાંથી તમને સારી ઉપજ મળે છે. જેમકે, અમને સિઝનમાં સ્ટારફ્રૂટનાં છોડમાંથી ઘણા કિલો સ્ટારફ્રૂટ મળી જાય છે. એકવાર ચોળી લાવીને લગાવી તો કેટલાંક છોડમાંથી જ અમને ચોળી મળી ગઈ. તેથી થોડી-થોડી માત્રામાં બધું જ લગાવવાનો પ્રયાસ કરો.”
અંતે, તેઓ સલાહ આપે છે કે, એકસાથે ઘણા બધા છોડ ખરીદવા કરતાં સારું છે કે, તમે એક-એક છોડ લાવીને તેમાંથી જ કટિંગ દ્વારા નવા છોડ લગાવો. તેનાંથી તમને તે છોડનો વ્યવહાર પણ સમજાશે અને તમે તેની સારી રીતે કાળજી રાખી શકશો. બાગકામ માટે ધૈર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, એકવાર પ્રયાસ કર્યા પછી હાર ન માનો, પરંતુ ધીમે ધીમે આગળ વધો અને તમારા બગીચાને વધારતા રહો. બાગકામ તમામ ઉંમરના લોકો માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે, તેનાંથી તમારા ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે છે અને તમને જૈવિક ખોરાક મળે છે.
રવિન્દ્ર જોશી સાથે જોડાવા માટે તમે તેમનો ફેસબુક પર સંપર્ક કરી શકો છો.
હેપી ગાર્ડનિંગ!.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ટ્રેનિંગ વગર શરૂ કર્યું ટેરેસ ગાર્ડનિંગ, માટી વગર ઉગાડે છે 230 પ્રકારનાં ફળ-શાકભાજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.