શું તમે ક્યારેય કુંડામાં રૂદ્રાક્ષનો છોડ જોયો છે? આજે અમે તમને એક એવા યુવાન વિશે જણાવી રહ્યા છીએ, જે ધાબામાં રૂદ્રાક્ષ, કલ્પવૃક્ષ જેવા ઘણા દુર્લભ છોડની ખેતી કરે છે. સાથે-સાથે તેઓ તેમના ગાર્ડનિંગના અનુભવોને યૂટ્યુબ પર શેર પણ કરે છે.
ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાના રહેવાસી અનુરાભ મણિ ત્રિપાઠી તેમના ધાબા પર લીલાં શાકભાજી, ફળ-ફૂલની ખેતી કરે છે. કૉલેજની સ્ટડી પૂરી કરી અત્યારે તેઓ યૂપીએસસીની તૈયારી કરી રહ્યા છે. તેમણે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “મારા દાદાજી શિક્ષક હતા અને બાળપણમાં મને નર્સરીમાં ફરવા લઈ જતા હતા. આ રીતે મને નાની ઉંમરથી જ ગાર્ડનિંગનો બહુ શોખ હતો.”
વધુમાં તેમણે જણાવ્યું, “મેં બી.ટેક. અને એમ.ટેક.ની સ્ટડી પંજાબમાં કરી છે. 2017 માં સ્ટડી પૂરી કર્યા બાદ, મારી પાસે સમય વધતો. એટલે મેં મારું સપનું સાકાર કરવા ધાબામાં જ ગાર્ડનિંગ કરવાનું શરૂ કર્યું.”

ઉલ્લેખનિય છે કે, અનુરાભે ગાર્ડનિંગની શરૂઆત વર્ષ 2018 માં કરી હતી. આ દરમિયાન તેમણે નકામી બેટરી, ટાયર, બોટલ વગેરેમાં લગભગ 22 છોડ ઉગાડ્યા હતા. આજે તેમના 1800 વર્ગફૂટના ધાબામાં 1000 કરતાં પણ વધારે કુંડાં છે.
અનુરાભના ધાબામાં તમને ફળ-ફૂલથી લઈને બધુ જ કુંડાંમાં દેખાશે. ગુલાબ, ગલગોટા, એડેનિયમ જેવાં ફૂલ હોય કે પછી નારંગી, સ્ટ્રોબેરી, બોર, લીચી, દ્રાક્ષ, બારમાસી, કેરી વગેરે ફળ હોય, બધુ જ તમને આ ધાબા પર મળી રહેશે. કુંડામાં લાલ, લીલાં, પીળાં શિમલા મરચાં, ટામેટાં વગેરેની ખેતી પણ કરે છે.

આ સિવાય તેઓ તેમના ટેરેસ ગાર્ડનમાં રૂદ્રાક્ષ, કલ્પવૃક્ષ, કમરૂમ જેવા દુર્લભ છોડની ખેતી પણ કરે છે.
અનુરાભ જણાવે છે, “પોતાના ધાબામાં ગાર્ડનિંગ શરૂ કરવા માટે સૌથી મહત્વનુ છે, કેવી રીતે માટી તૈયાર કરવી. મેં પહેલાં આ મૂળ બાબતો સમજી, પછી ધીરે-ધીરે આત્મવિશ્વાસ વધતો ગયો. હું મારા છોડ માટેનું ખાતર પત્તાંમાંથી બનાવું છું. આ માટે કુંડામાં માટી ભરતાં પહેલાં બગીચામાં ભેગાં થયેલ પત્તાં કુંડામાં ભરી દઉં છું. તેમાંથી 30-45 દિવસમાં ખાતર બની જાય છે અને તેમાં છોડ માટે જરૂરી પોષણનાં બધાં જ મહત્વના તત્વ હોય છે. આ રીતે મારે છાણ કે વર્મી કમ્પોસ્ટની જરૂર નથી પડતી.”

અનુરાભના ગાર્ડનમાં 250 કરતાં પણ વધારે પ્રકારનાં ગુલાબ છે. મહત્વની વાત તો એ છે કે, આ ગુલાબ માટીમાં નહીં, પરંતુ કોલસાની રાખમાં ઉગાડવામાં આવ્યાં છે. આ અંગે તેઓ કહે છે, “મારા ધાબામાં 250 કરતાં પણ વધારે પ્રકારનાં ગુલાબ છે. એટલું જ નહીં, એક ગુલાબનું નામ ‘અનુરાભ મણિ’ છે. ગુલાબ માટે માટીની જગ્યાએ કોલસાની રાખનો ઉપયોગ કરું છું, જેથી છોડનો વિકાસ બહુ ઝડપથી થાય છે.”

કેટલીક ટિપ્સ
● છોડની પસંદગી હંમેશાં વાતાવરણ, જગ્યા પ્રમાણે કરવી જોઇએ. દરેક છોડ કોઇપણ વાતાવરણ કે જગ્યામાં ન ઊગી શકે.
● ધાબામાં ગાર્ડનિંગ માટે હંમેશાં ઓછા ખર્ચે મહત્તમ સંસાધનો વસાવો. જેમ કે, બજારમાંથી મોંઘાં કુંડાં વસાવવાની જગ્યાએ સસ્તામાં મળતા ડબ્બા કે ટબનો ઉપયોગ કરો. સાથે-સાથે તમારાં ઉત્પાદનોના બીજનો સંગ્રહ કરો. જેથી બજાર પર તમારી નિર્ભરતા ઘટશે.
● છોડને ફેબ્રુઆરીમાં વાવવાનો પ્રયત્ન કરો. આ વાતાવરણમાં વધારે ઠંડી કે ગરમી નથી હોતી. જેથી છોડને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળી રહે છે.

● ફૂલો માટે 6-7 કલાક અને ફળોવાળા છોડ માટે 5 કલાકનો તડકો પૂરતો છે.
● રસાયણોનો ઉપયોગ ન કરવો. છાણ, કિચન વેસ્ટ વગેરેનો ઉપયોગ કરવો જોઇએ. શક્ય હોય ત્યાં સુધી પત્તાંને સડાવીને ખાતર બનાવો.
● જંતુઓથી બચાવવા માટે લીમડા કે જેટ્રોફાના તેલનો ઉપયોગ કરવો.
● છોડને જેટલી જરૂર હોય એટલું જ પાણી આપવું. ખાસ ધ્યાન રાખવું કે, માટીમાં ભેજ જળવાઇ રહે, જેથી છોડનો વિકાસ ઝડપી થશે અને પાણીનો પણ બચાવ થશે.

● ગાર્ડનિંગને પોતાની જાત પર હાવી ન થવા દો.
અનુરાભ જણાવે છે, “અત્યારે તણાવભર્યો સમય છે એ જોતાં દરેક લોકોએ ધાબા પર જ મોટા પ્રમાણમાં ગાર્ડનિંગ કરવાની જરૂર છે. જેનાથી મનને શાંતિ મળશે.”
અનુરાભે એક યૂટ્યૂબ ચેનલની શરૂઆત કરી છે, જ્યાં તેઓ લોકોને ગાર્ડનિંગ સંબંધિત ટિપ્સ આપે છે.
તેઓ જણાવે છે, “મેં વર્ષ 2012 માં મારી યૂટ્યૂબ ચેનલ બનાવી હતી, પરંતુ તેના પર કામ કરવાનું 2018 થી શરૂ કર્યું. આજે મારા 80 હજાર સબ્સસ્ક્રાઇબર છે. અને મારા વીડિયોને 10 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ રીતે મને યૂટ્યૂબથી દર મહિને 16-20- હજારની કમાણી થઈ જાય છે.”
અહીં ફેસબુક અને યૂટ્યૂબ પર અનુરાભનો સંપર્ક કરી શકો છો.
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
આ પણ વાંચો: ધાબામાં 300 કૂંડાં લગાવી ઉગાડે છે 20 કરતાં પણ વધારે શાકભાજી, જ્યોતિ આપે છે મહિલાઓને ટ્રેનિંગ પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.