ગાર્ડનિંગ એક એવો શોખ છે, જેના દ્વારા તમે તમારી જાતને એક અલગ ઓળખ આપી શકો છો. આજે અમે તમને ગાર્ડગીરીમાં એક એવી મહિલા વિશે જણાવી રહ્યા છીએ, જેમણે મધ્ય પ્રદેશમાં ટેસેસ ગાર્ડનિંગના એક્સપર્ટ તરીકે ઉપલબ્ધિ મેળવી છે.
53 વર્ષની જ્યોતિ વિદિશા અને આસપાસના વિસ્તારોમાં ટેરેસ ગાર્ડન વિશેષક તરીકે જાણીતાં છે. સોશિયોલૉજીમાં માસ્ટર્સ કરનાર જ્યોતિ લગ્ન બાદ ઈંદોરથી વિદિશા આવ્યાં હતાં. અહીં ઘર-પરિવારની જવાબદારી નિભાવવામાં વ્યસ્ત થઈ ગઈ ગયાં. પરંતુ એક સમય બાદ બાળકો મોટાં થઈ ગયાં અને પોતાના જીવનમાં વ્યસ્ત ત્થઈ ગયાં એટલે જ્યોતિને જીવનમાં એકલતા લાગવા લાગી.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં જ્યોતિએ જણાવ્યું છે, 10 વર્ષ પહેલાં સુધી તેમનું જીવન પતિ, સાસુ-સસરા અને ખાસ કરીને બાળકોની આસપાસ જ વિંટળાયેલું હતું. પરંતુ પછી બાળકો મોટાં થયાં તો કોઇ ભણવા માટે તો કોઇ નોકરી માટે બહાર નીકળી ગયું. ઘરે બસ તેઓ, તેમના પતિ અને સાસુ જ રહી ગયાં. માણસો ઓછાં રહેવાથી તેમનું કામ પણ ઘટી ગયું અને ઘણો વધારાનો સમય મળવા લાગ્યો. તેઓ ઘણીવાર વિચારતાં કે, આ સમય કેવી રીતે પસાર કરવો, શું કરી શકાય?

ધીરે-ધીરે થઈ શરૂઆત:
વધુમાં જ્યોતિએ જણાવ્યું, “બાળપણથી જ મેં પાપાને ગાર્ડનિંગ કરતા જોયા છે. તેમની નોકરી દરમિયાન અમને જે પણ ક્વાર્ટર મળતું તેમાં મોટાભાગે થોડી ખાલી જગ્યા હોતી હતી. પાપા હંમેશાં એ જગ્યામાં ઝાડ-છોડ અને શાકભાજી ઉગાડતા. તેમાંથી જ મને આ વિચાર આવ્યો. પહેલાં અમારા ધાબામાં 10-12 કૂંડાં હતાં, જેમાં મોટાભાગના છોડ ફૂલના હોતા હતા. થોડા-ઘણા છોડ હું મારો શોખ પૂરો કરવા ઉગાડતી હતી. પરંતુ પછી સમય મળતાં મેં નક્કી કર્યું કર્યું શોખ પૂરું કરવાનું. ત્યારબાદ મેં વાંસનાં સ્ટેન્ડ બનાવડાવ્યાં, થોડાં વધું કૂંડાં મંગાવ્યાં અને બાકી ઘરના જૂના સામાનમાંથી કૂંડાં બનાવ્યાં અને શરૂ કર્યું ગાર્ડનિંગ.”
છેલ્લા 10 વર્ષથી ટેરેસ ગાર્ડનિંગ કરતી જ્યોતિ હવે તો ભાગ્યે જ કોઇ ચીજ બજારમાંથી ખરીદે છે. ગાર્ડનિંગ માટે ખાતર, કૂંડાં અને બીજ, બધું જ જાતે જ બનાવે છે. આ સિવાય વર્ષ દરમિયાન લગભગ 20 કરતાં પણ વધુ શાકભાજી ઉગાડે છે, જેમાં ટામેટાં, મરચાં, કોબીજ, રીંગણ, દૂધી, પત્તાવાળાં શાકભાજી, ભીંડા, સીંગો અને બીજાં ઘણાં શાકભાજીની સાથે-સાથે ગુલાબ, ગલગોટા અને ખૂબજ મોંઘાં વેચાતાં આર્કિડનાં ફૂલનો પણ સમાવેશ થાય છે.

ક્યારેક-ક્યારેક અલગ-અલગ વસ્તુઓ પર પણ એક્સપેરિમેન્ટ પણ કરે છે, જેમ કે સ્ટ્રોબેરી. તેમણે હેંગિંગમાં સ્ટ્રોબેરી ઉગાડી છે, કારણકે જ્યારે આ છોડ મોટો થાય અને તેનાં ફળ આવે ત્યારે તે ખૂબજ સુંદર લાગે છે. અલગ-અલગ ઝાડ-છોડની સાથે-સાથે ગાર્ડનને આકર્ષક બનાવવાનું કામ પણ તેઓ જાતે જ કરે છે. ગાર્ડનની દિવાલો પણ જાત-જાતનાં ચિત્રો પણ જોવા મળશે તમને, જે તેઓ જાતે જ કરે છે. તેઓ જણાવે છે કે, તેમને આર્ટિસ્ટિક કામોમાં બહુ મજા આવે છે.
300 કરતાં વધારે કૂંડાં/ગ્રો બેગ
જ્યોતિએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “મેં શરૂઆતમાં ફૂલના છોડ ઉગાડ્યા હતા. ત્યારબાદ ગાર્ડનિંગ કરતી ત્યારે તેને સંબંધિત કઈંક ને કઈંક વાંચ્યા કરતી. અખબારોમાં, મેગઝીનમાં વાંચ્યું કે, શાકભાજી પણ શુદ્ધ નથી મળતાં, તેમાં રસાયણોનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મેં વિચાર્યું કે, ઘર માટેની શાકભાજી તો જાતે પણ ઉગાડી શકાય છે. બસ આમ કરતાં-કરતાં 300 કરતાં પણ વધારે કૂંડાં, પ્લાન્ટર્સ અને ગ્રો બેગ થઈ ગયાં. હવે તો બહુ ઓછી વસ્તુઓ બહારથી ખરીદવી પડે છે, બધુ જ ઘરે જ ઊગી જાય છે.”

સાથે-સાથે તેઓ તેમના ગાર્ડન માટે ખાતર પણ જાતે જ બનાવે છે. કિચનનો બધોજ ભીનો કચરો ઉત્તમ ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ખાતરની સાથે-સાથે તેઓ લીમડાનું પાણી, સરસોનું પાણી અને ગૌમૂત્ર વગેરેનો ઉપયોગ પણ કરે છે. જ્યોતિ જણાવે છે કે, કોઇપણ દેશી અને જૈવિક ઉપાયોથી ઝાડ-છોડ ઉગાડી શકાય છે. બહારથી કોઇ મોંઘી વસ્તુઓ ખરીદવાની જરૂર નથી. બસ તમારે ગાર્ડન માટે મહેનત કરવાની જરૂર છે અને તેને એક બાળકની જેમ પાળવાનું હોય છે.
રેડિયો અને પીએનબી બેન્કના પ્રોગ્રામ સાથે જોડાઇ
તેમના ઘરમાં ગાર્ડનિંગ કરવાની સાથે-સાથે જ્યોતિ બીજાંને પણ આ શીખવાડે છે. તે જણાવે છે કે, ગાર્ડનિંગ શરૂ કર્યાના લગભગ 4 વર્ષ બાદ, તેમણે શહેરમાં એક ગુલાબના ફૂલોના પ્રદર્ષનમાં ભાગ લીધો. ત્યાં તેઓ પોતાના સુંદર અને અનોખી રીતે ઉગાડેલ ફૂલ અને શાકભાજી લઈને પહોંચ્યાં. આ આયોજનમાં પંજાબ નેશનલ બેન્ક શાખાના મેનેજર પણ આવ્યા હતા. તેમણે જ્યોતિનો સ્ટોલ જોયો તો ખૂબજ ખુશ થઈ ગયા અને વાતચીત કરી. જ્યોતિએ ખૂબજ સરળ અને સ્પષ્ટ રીતે તેમને ગાર્ડનિંગ વિશે સમજાવ્યું.

વધુમાં તેમણે જણાવ્યું, “જે રીતે એકદમ સરળ ભાષામાં મેં તેમણે ગાર્ડનિંગ વિશે જણાવ્યું, તેમણે તરત જ મને પૂછ્યું કે, શું હું તેમના એક પ્રોગ્રામ સાથે જોડાઇ શકું છું? તેમણે કહ્યું કે, તેમની બેન્ક દ્વારા ગ્રામીણ મહિલાઓ માટે ઘણા પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. તેમને જૈવિક ખેતી અને કિચન ગાર્ડનિંગ સાથે જોડવાનું કામ ચાલી રહ્યું છે. જો હું ત્યાં મહિલાઓને તેમનાં ઘરમાં રહેલ ઉપાયોથી કિચન ગાર્ડનિંગ કરતાં શીખવાડું તો તેમની બહુ મદદ થશે.”
જ્યોતિ પહેલાં તો અસમંજસમાં હતી કે શું તે કરી સકશે? પરંતુ પછી તેમને લાગ્યું કે, જો તેઓ કોઇની મદદ કરી શકતાં હોય તો, ચોક્કસથી કરશે. પછી તે પહોંચી ગયાં પંજાબ નેશનલ બેન્કમાં મહિલાઓને ટ્રેનિંગ આપવા માટે. પહેલા દિવસથી જ ગ્રામીણ મહિલાઓ સાથે તેમનો બહુ સારો તાલમેળ બેસી ગયો. હવે છેલ્લાં 6 વર્ષથી તે સતત બેન્ક સાથે જોડાયેલ છે અને લગભગ 500 મહિલાઓને ટ્રેનિંગ આપી ચૂકી છે. 4 વર્ષ પહેલાં તેમને આકાશવાણીના એક કાર્યક્રમ સાથે જોડાવાની પણ તક મળી.
બીજાંને પણ આપી પ્રેરણા
તેઓ રેડિયો મારફતે લોકોને ટેરેસ ગાર્ડનિંગના અલગ-અલગ પહેલુઓ વિશે જણાવે છે. લૉકડાઉન દરમિયાન ઘણા લોકો માટે મદદરૂપ રહ્યો આ પ્રોગ્રામ. સાથે-સાથે તેમણે પડોશીઓને પણ ટેરેસ ગાર્ડનિંગ કરતાં શીખવાડ્યું. તેઓ જણાવે છે કે, લોકો તેમની પાસેથી બીજ અને છોડ લઈ જાય છે. તેઓ બધાંને છોડ મફતમાં જ આપે છે, જેથી વધુમાં વધુ લોકો તેમની સાથે જોડાઇ શકે.

ગાર્ડનિંગની સાથે-સાથે જ્યોતિએ તેનું ટેક્નોલૉજીનું નોલેજ પણ વધાર્યું. તેમણે પેહેલાં પોતાનું એક ફેસબુક પેજ બનાવ્યું અને ત્યારબાદ તેમની દીકરીએ એક યૂટ્યૂબ ચેનલ બનાવી આપી. તેમણે જણાવ્યું, “દીકરીએ કહ્યું કે તમે વીડિયો આમાં અપલોડ કરશો તો શહેરોમાં પણ લોકોને મદદ મળશે. તેણે ચેનલ બનાવી આપી અને પછી થોડું-ઘણું શીખવાડ્યું પણ. શરૂઆતમાં એક-બે વીડિયો નાખતી તો વધારે રિસ્પોન્સ ન મળ્યો. ત્યારબાદ મેં બીજા લોકોના વીડિયો જોયા અને શીખ્યું કે, કેવી રીતે વીડિયો નખાય? કેવી રીતે બનાવાય અને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું.”
ટેરેસ ગાર્ડનિંગ માટે ખાસ ટિપ્સ
– જો તમે ધાબામાં ગાર્ડનિંગ કરતા હોય તો, કૂંડામાં ભરવાના મિશ્રણમાં માટી ઓછી અને કોકોપીટ અને ખાતર વધારે રાખો.
– પાણી પાઈપથી નહીં પરંતું છાંટીને આપો, જેથી છોડ સુરક્ષિત રહે.
– દર 15 દિવસે ખાતર નાખો અને માટીને ઉપર-નીચે કરો.
– જો તમે છોડને કટિંગથી વાવતા હોય તો, એલોવેરા જેલને રૂટિન હૉર્મોનની જેમ ઉપયોગમાં લઈ શકો છો.
– દર 15 દિવસે લીમડાનું તેલ વગેરે કોઇ જંતુનાશકનો છંડકાવ કરી શકો છો.
– જો ઠંડી વધારે હોય તો, પ્રયત્ન રાખવો કે, નાના છોડને રાત્રે કોઇ પોલિથિન વગેરેથી ઢાંકી દો અને સવારે હળવો તડકો આવે એટલે તેને ખોલી દો.
– તમે છાંયા માટે ગ્રીન નેટ લગાવી શકો છો.
– બાકી બસ સકારાત્મક રહો અને તમારા ઝાડ-છોડ સાથે વાત કરો, તેમને વધતા જુઓ અને આનંદ લો.
જ્યોતિ સાથે જોડાવા તેમનું ફેસબુક પેજ જોઇ શકો છો!
જો તમને પણ ગાર્ડનિંગનો શોખ હોય અને તમે પણ તમારી બાલ્કનીમાં, કિચનમાં કે ધાબામાં ગાર્ડનિંગ કર્યું હોય તો તમારી #ગાર્ડનગિરીની કહાની શેર કરો અમારી સાથે. તસવીરો અને સંપર્કની માહિતી અમને મોકલો gujarati@thebetterindia.com પર.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: લખનઉની વિદ્યાએ પોતાના ઘરને જ બગીચો બનાવી દીધું, બાલ્કની તો એવી કે રસ્તે જતા લોકો પણ ઊભા રહી જાય